અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે અને હિંદુઓ એને આટલું પવિત્ર કેમ ગણે છે?

ઇમેજ સ્રોત, https://www.ambajitemple.in/
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અંબાજી મંદિર આમ તો ગુજરાતઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે જે થોડા મહિનાઓ પહેલાં મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળના બદલે ચીકી આપવાનો વિવાદ થયો હતો અને તે આસ્થાનો મુદ્દો બની ગયો હતો. રાજ્ય સરકારે મોહનથાળના બદલે ચીકીનો જ પ્રસાદ ચાલુ રાખવાની વાત કહી હતી. સદીઓથી ચાલી આવતી મંદિરની પરંપરામાં ફેરફાર કરવાને કારણે ત્યાં મોટો વિવાદ થયો હતો. જોકે ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં હાલમાં જ નકલી ઘી વાપરવાનો વિવાદ સામે આવ્યો હતો. અહીં વાંચો અંબાજી મંદિરના ઇતિહાસની કહાણી.
હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના 'સિદ્ધપીઠ' તરીકે થાય છે. હિંદુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું, ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું.
આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું મંદિર દાંતા સ્ટેટ હેઠળ આવતું હતું અને પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું હતું. જેઓ રાજા વિક્રમાદિત્યના વંશજ હોવાનું માનવામાં આવે છે. આઝાદી બાદ વિલીનીકરણ સમયે વિવાદ થયો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
એ પછી 1970માં ફરી નીચલી અદાલતમાં કેસ દાખલ થયો હતો. ગત વર્ષે તેનો ચુકાદો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેસને આગળ વધારવા બદલ દાંતાના પૂર્વ રાજવી પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આ તીર્થસ્થળના દર્શન કરે છે.
(આ લેખ સૌપ્રથમ માર્ચ 2023માં પ્રકાશિત થયો હતો)

- આઝાદી પહેલાં અંબાજી મંદિરનું સંચાલન દાંતા સ્ટેટ દ્વારા કરવામાં આવતું હતું
- વિલીનીકરણ વખતે મંદિર સંચાલનને લઇને થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો
- 17 માર્ચ 1960ના રોજ ઠરાવ દ્વારા 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ની સ્થાપના કરાઈ
- 1970માં પૃથ્વીરાજસિંહ દ્વારા ફરી એક વખત દાંતાની કોર્ટમાં માલિકી હક્કનો દાવો કરવામાં આવ્યો હતો

આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં હિંદુઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે.
હિંદુ ધર્મમાં મહત્ત્વપૂર્ણ મનાતા 'માર્કણ્ડેય પુરાણ'માં અંબાજી મંદિરના ઉદ્દભવની કથા મળે છે. દક્ષપ્રજાપતિનાં પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું. તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને લગ્ન કર્યું. છતાં દક્ષપ્રજાપતિ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી જ્યારે દક્ષપ્રજાપતિએ 'બૃહસ્પતિ શક' યજ્ઞનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યો આમંત્રણ આપ્યું, પરંતુ શિવને બોલાવ્યા ન હતા.
પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતી તેમાં ભાગ લેવા માટેની ઇચ્છા વ્યક્ત કરી. શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યાં નહીં.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહાયજ્ઞમાં સતીને અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા સાંભળવાથી તેઓ ગુસ્સે ભરાયાં. તેમણે યજ્ઞકૂંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા. જ્યારે શિવને આના વિશે જાણ થઈ, ત્યારે તેઓ યજ્ઞસ્થળે ધસી ગયા. સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા તેમણે કૂંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા.
આને કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. યજ્ઞસ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓને પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી.
તેમણે સતીના દેહ પર 'સુદર્શનચક્ર' છોડ્યું. જેના કારણે સતીના દેહનાં અનેક અંગ અને આભૂષણ અલગ-અલગ સ્થળોએ પડ્યાં. તે જ્યાં-જ્યાં પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યાં. તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું.
આ સ્થળોએ એક-એક શક્તિ તથા ભૈરવ લઘુસ્વરૂપ ધારણ કરીને સ્થિર થયાં. અંબામંદિરમાં કોઈ છબિ કે પ્રતિમા સ્વરૂપે પૂજન નથી થતું.
ગોખમાં 'વિશા શ્રી યંત્ર' છે, જેને સુવર્ણજડિત આરસની દીવાલમાં કાચબાની પીઠ જેવા આકારના ત્રાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે, જેની ઉપર 51 બીજપત્ર (અક્ષર) અંકિત છે. મંદિરમાં તેની જ પૂજા થાય છે. આ ગોખ 1200 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે.
હિંદુઓમાં વિષ્ણુના સાતમા અવતાર મનાતા રામ, જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા, ત્યારે અર્બુદાનાં જંગલોમાં શ્રૃંગી ઋષિએ રામ-લક્ષ્મણને આરાસુર જઈને અંબાની આરાધના કરવા સૂચન કર્યું હતું. અંબાએ પ્રસન્ન થઈને તેમને 'અજય' બાણ આપ્યું હતું.
હિંદુઓમાં પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે, પાસેના જ ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની મુંડનવિધિ થઈ હતી. કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર પણ માનવામાં આવે છે.

પરમાર, આરાસુર અને પ્રભુત્વ

ઇમેજ સ્રોત, https://www.ambajitemple.in/
દાંતાના પૂર્વ રાજવી પરમાર પરિવારને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના વંશજ માનવામાં આવે છે. પરમારોનું શાસન ઉજ્જૈન તથા માળવાની આસપાસ કેન્દ્રીત રહ્યું છે. જેઓ એક સમયે સમગ્ર કે મોટા ભાગના રાજપૂતાના (હાલનું રાજસ્થાન) પર શાસન કરતા હતા, જેના કારણે 'પૃથ્વી પરમાર તણી' ઉક્તિ પ્રચલિત થઈ હતી. (Report Of The Administration Of The Danta State 1936-37, પેજ નંબર 4-7).
વિક્રમાદિત્યના વંશજ રાજા ધરણિ વરાહે પોતાની પાસે માત્ર સિંધ (હાલ પાકિસ્તાનમાં) પ્રાંત રાખ્યો અને પોતાના નવ ભાઈઓ વચ્ચે પોતાનું સામ્રાજ્ય વહેંચી દીધું, 'નવકોટા મારવાડ' તરીકે પ્રચલિત થયું.
ધરણિ વરાહ તથા તેમના વંશજોએ લગભગ 300 વર્ષ સુધી સિંધ પર શાસન કર્યું. એ પછી મુસ્લિમોના આક્રમણ વધી જતાં તેમને અન્યત્ર ખસવાની ફરજ પડી.
સિંધના તત્કાલીન શાસન રાજા જશરાજ આરાસુર પર્વત ખાતે આવ્યા અને આસપાસના વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આમ ઈ.સ. 1069માં દાંતા રાજ્યનો પાયો નખાયો. ત્યાર બાદ તેમના વંશજોએ આસપાસમાં રાજનો વિસ્તાર કર્યો અને શાસનને મજબૂત કર્યું.
જ્યારે અકબર અને તેમના શાહજાદા સલીમની વચ્ચે અણબનાવ થયો, ત્યારે તેમણે રાજપૂતાનાનાં અનેક રાજ્યો પાસે આશ્રય માગ્યો, પરંતુ દિલ્હીના ડરથી કોઈએ તેમને આશરો ન આપ્યો. પરંતુ દાંતાના (એ સમયે તારસંગમો) રાજચિહ્ન પરના લખાણ, 'શરણાગત સાધાર'નું પાલન કરતાં તત્કાલીન શાસક આશાકરણજીએ તેમને આશ્રય આપ્યો.
આગળ જતાં અકબર અને સલીમની વચ્ચે સમાધાન થયું. જ્યારે અકબરે આશાકરણજીના આશરાધર્મ તથા દીકરાને કરેલી મદદ વિશે જાણ્યું, તો તેઓ ખુશ થયા અને તેમને 'મહારાણા'નો ખિતાબ આપ્યો અને શાહી લિબાસ મોકલ્યો. સલીમે પણ રત્નજડિત વીંટી મોકલાવી હતી.
અંગ્રેજોના કાર્યકાળ દરમિયાન પહેલાં તેમને નવ તથા પછી 11 બંદૂકની સલામી આપવામાં આવતી.
આઝાદી સમયે ભવાનીસિંહ પરમાર દાંતાના શાસક હતા. તેઓ અંબાજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને તેમના પ્રખર ઉપાસક હતા. આઝાદી તથા વિલીનીકરણ સમયે વીપી મેનન મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ્સના સચિવ હતા. તેમણે તત્કાલીન ગવર્નર જનરલ વતી રજવાડાં સાથે વાટાઘાટ કરી હતી.
મેનન પોતાના પુસ્તક 'The story of the integration of the Indian States' (પેજ નંબર 143-144) પર દાંતાના વિલીનીકરણ તથા ભવાનીસિંહ વિશે લખે છે : "દાંતા 347 વર્ગ માઇલમાં ફેલાયું રાજ્ય હતું, જેની વસતી 31 હજાર કરતાં થોડીક વધારે હતી. ગુજરાતનાં રાજ્યોના વિલીનીકરણ બાદ દાંતાના મહારાણાનો (ભવાનીસિંહ) સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ ખૂબ જ ધાર્મિક હતા અને દિવસના અનેક કલાકો ધાર્મિકવિધિ તથા પૂજાપાઠમાં ગાળતા."
"દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સાંજે આઠ વાગ્યાથી બીજા દિવસે સવારે નવ વાગ્યા સુધી તેમની પૂજાવિધિ ચાલતી. રાજ્યની 80 ટકા વસતી ભીલોની હતી, જે બૉમ્બે સરકારની કાયદો અને વ્યવસ્થા માટે મુશ્કેલીરૂપ હતા. અમે વ્યાકૂળ હતા, છતાં મહારાજાની ઇચ્છા વિરુદ્ધ કશું કરવા માગતા ન હતા."
"7 ઑક્ટોબર, 1948ના દિવસે મહારાણાએ મને પત્ર લખીને જાણ કરી કે ધાર્મિક મનોવૃત્તિ તથા લૌકિક બાબતોમાં રસ ન હોવાને કારણે તેઓ રાજકાર્યમાં ધ્યાન નથી આપતા. તેમણે વિનંતી કરી કે તેમના પુત્રને શાસક તરીકે સ્વીકારવામાં આવે, જેઓ તેમના દેખીતા વારસ હતા."
"ભારત સરકારે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને નવા શાસકે (પૃથ્વીરાજસિંહ) 16 ઑક્ટોબર, 1948ના વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને 6 નવેમ્બરના બૉમ્બે સરકારે રાજ્યનો કારભાર સંભાળી લીધો. આ પછી નવા વિવાદનો જન્મ થયો."

વિવાદના વાવેતર
અંબાજી મંદિરની માલિકી અંગે કાનૂનીપ્રશ્ન ઊભો થતાં પૃથ્વીરાજસિંહે તત્કાલીન મિનિસ્ટર ઑફ સ્ટેટ્સ એચ. ગોપાલસ્વામી આયંગર અને તે પછી ડૉ. કેએન કાન્જે તથા વી. વિશ્વનાથન સાથે આ મુદ્દે પત્રાચાર કર્યો.
પરમાર પરિવાર માટે આ મુદ્દો લાગણી સાથે જોડાયેલો હોઈ પૃથ્વીસિંહે રાષ્ટ્રપતિને પત્ર લખીને આ મુદ્દો સુપ્રીમ કોર્ટને રીફર કરવા વિનંતી કરી. આ અંગે કેસ ચાલી જતાં મંદિરનો કબજો પાલનપુરના પ્રાંત અધિકારીને સોંપી દેવા માટે જણાવવામાં આવ્યું. એ પછી તત્કાલીન બૉમ્બે સરકાર દ્વારા મંદિરનો કબજો લઈ લેવામાં આવ્યો.
ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજનના ભણકારાની વચ્ચે તત્કાલીન બૉમ્બે સરકાર (એચકે દાસ, કલેક્ટર તથા અન્ય વિ. બાબુલાલ ગંગારામ જોશી, ગુજરાત હાઈકોર્ટ) દ્વારા 17 માર્ચ 1960ના રોજ ઠરાવ દ્વારા 'બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, 1950' હેઠળ 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ની સ્થાપના કરવામા આવી.
વહીવટીય વ્યવસ્થા પ્રમાણે, બનાસકાંઠાના કલેક્ટર ટ્રસ્ટના ચૅરમૅન બન્યા, તેમાં અન્ય અધિકારીઓ તથા સભ્યોને નીમવાની જોગવાઈ કરવામાં આવી.
ગુજરાત રાજ્યની સ્થાપના પછી પણ આ વ્યવસ્થા યથાવત્ રહેવા પામી હતી. સમયાંતરે ટ્રસ્ટની મૅનેજિંગ કમિટી દ્વારા સંસ્કૃતિ અને પરંપરાના ધ્યાનમાં રાખીને અલગ-અલગ ઉપક્રમ હાથ ધરવામાં આવે છે.
આઝાદી પછી પણ અંબાજી યાત્રાધામ ખાતે દાંતાના પૂર્વ રાજવી પરિવારનું મહત્ત્વ યથાવત્ રહ્યું છે. દર વર્ષે નવરાત્રિમાં અષ્ટમીના દિવસે દાંતાના રાજવી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, સાંજે સૌ પહેલાં પરમાર પરિવાર દ્વારા યજ્ઞમાં શ્રીફળની આહુતિ આપવામાં આવે છે, એ પછી જ યાત્રિકો શ્રીફળ હોમે છે.
1970માં પૃથ્વીરાજસિંહ દ્વારા ફરી એક વખત દાંતાની કોર્ટમાં માલિકી હક્કનો દાવો કરવામાં આવ્યો, વર્ષ 2022માં આ કેસને કાઢી નાખતા અદાલતે અવલોક્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા એક દાયકા પછી પછી કેસ દાખલ કરવામાં આવ્યો તેને લંબાવવાને બદલે પાછો ખેંચી લેવો જોઈતો હતો. એમ ન કરીને અરજદારે બચાવકર્તાઓ અને અદાલતનાં સમય-નાણાં વેડફાયાં હતાં. ન્યાયાધીશે પૂર્વ રાજવી પરિવારને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

ઇમેજ સ્રોત, https://www.ambajitemple.in/
ટ્રસ્ટ દ્વારા 30 જેટલાં મંદિર, પથિકાશ્રમ, ભોજનાલય, વિશ્રામગૃહ, હૉસ્પિટલ, સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે મહાવિદ્યાલય (1970), કૉલેજ (1991)નું સંચાલન કરવામાં આવે છે. 350થી વધુ સુવર્ણકળશ ધરાવતું તે દેશનું એકમાત્ર શક્તિપીઠ છે.
ઑક્ટોબર-2020માં ગુજરાત સરકાર દ્વારા "Ambaji Area Development and Pilgrimage Tourism Governance Act, 2020" પસાર કરવામાં આવ્યો છે, જેથી કરીને યાત્રાધામમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થઈ શકે. તેમાં ચૅરમૅન તથા અન્ય સભ્યોની નિમણૂકો અંગે જોગવાઈ કરવામાં આવી, જ્યારે કલેકટરને વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.














