એ સાધ્વી, જેને પહેલી નજરે અજાણી વ્યક્તિ સાથે પ્રેમ થયો અને સંન્યાસી જીવન ત્યજી દીધું

સાધ્વી
    • લેેખક, અલીમ મકબૂલ
    • પદ, રિજનલ એડિટર, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી
  • એલિઝાબેથની તેમના જેટલા જ ધર્મપરાયણ એક પુરુષ સાથે ક્ષણિક મુલાકાત થઈ હતી અને તેમણે મોકલેલા એક સંદેશે એલિઝાબેથની દુનિયા હચમચાવી નાખી હતી
  • તે માણસે એવો સંદેશ મોકલ્યો હતો કે “તમે તમારું ચર્ચ છોડીને મારી સાથે લગ્ન કરશો?”
  • એ પ્રથમ મુલાકાતમાં રૉબર્ટ માટે એલિઝાબેથે દરવાજો ખોલ્યો અને તેઓ બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમના શર્ટની બાંયનો સ્પર્શ એલિઝાબેથને થયો હતો
  • એ ક્ષણે તેમણે એક પ્રકારનો આંચકો અનુભવ્યો હતો
  • એક સપ્તાહ પછી તેમને રૉબર્ટનો સંદેશો મળ્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું કે તેઓ ચર્ચ છોડીને તેમની સાથે લગ્ન કરશે?
  • એલિઝાબેથ કહે છે, “કોઈના પ્રેમમાં પડીએ તો કેવું લાગે તેની મને ખબર ન હતી. મને એવું લાગતું હતું કે સાથી સાધ્વીઓને તે મારા ચહેરા પર દેખાતું હશે.”
  • વડા સાધ્વીએ તેમને સવાલ કર્યો હતો કે આટલા ઓછા સમયમાં તમમને રોબર્ટ સાથે પ્રેમ કઈ રીતે થઈ ગયો?
  • એ વખતે તેમને ક્ષણ વાર માટે આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો
  • રૉબર્ટને પણ આશ્ચર્ય થયું હતું કે તેઓ 53 વર્ષની ઉંમરે નવું જીવન કેવી રીતે શરૂ કરશે
  • આખી રસપ્રદ પ્રેમકહાણી આ પ્રમાણે છે...
બીબીસી ગુજરાતી

એક ખ્રિસ્તી સાધુ સાથેની ક્ષણિક મુલાકાત થઈ એ પહેલાં સુધી ખ્રિસ્તી સાધ્વી એલિઝાબેથ ધર્મનિષ્ઠ, સંયમી અને મોટે ભાગે શાંત જીવન જીવ્યાં હતાં.

તેમણે મોટા ભાગના દિવસો ઇંગ્લૅન્ડની ઉત્તરે આવેલા કાર્મેલાઈટ ઑર્ડર(રોમન કૅથલિક ચર્ચ)ના નાના રૂમમાં પસાર કર્યાં હતાં.

એલિઝાબેથની તેમના જેટલા જ ધર્મપરાયણ એક પુરુષ સાથે ક્ષણિક મુલાકાત થઈ હતી અને તેમણે મોકલેલા એક સંદેશે એલિઝાબેથની દુનિયા હચમચાવી નાખી હતી.

તે માણસે એવો સંદેશ મોકલ્યો હતો કે “તમે તમારું ચર્ચ છોડીને મારી સાથે લગ્ન કરશો?”

એલિઝાબેથે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે સાધ્વી બન્યાનાં 24 વર્ષ બાદ, ઉત્તર-પશ્ચિમ ઇંગ્લૅન્ડનાં લેન્કેશાયરના પ્રેસ્ટનનાં કૉન્વેન્ટ હૉલમાં એક સાધુના પહેરણના સ્પર્શ બાદ તેમનું જીવન બદલાઈ જશે.

ઓક્સફોર્ડમાંથી કાર્મેલાઈટ કૉન્વેન્ટની મુલાકાતે આવેલા રૉબર્ટ નામના સાધુને ભોજનની ઇચ્છા છે કે કેમ તે જાણવા માટે ઑર્ડરના મહિલા વડા એલિઝાબેથને તેમની પાસે લઈ ગયા હતા.

એ મહિલા પર તેમના ઉપરી અધિકારીનો ફોન કૉલ આવ્યો હતો. તેઓ તે ફોન કૉલ લેવાં ગયાં હતાં અને થોડી વાર માટે એલિઝાબેથ અને રૉબર્ટ એકલાં પડ્યાં હતાં.

પ્રથમ મુલાકાતની વાત કરતાં એલિઝાબેથ કહે છે, “એક રૂમમાં અમે બન્ને પ્રથમ વાર એકલાં હતાં. તેઓ જમતા હતા અને હું ટેબલ પર તેમની સામે બેઠી હતી. મહિલા વડા રૂમમાં પાછાં ન આવ્યાં એટલે મારે રૉબર્ટને રૂમની બહાર દોરી જવા પડ્યા હતા.”

રૉબર્ટ માટે એલિઝાબેથે દરવાજો ખોલ્યો અને તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના શર્ટની બાંયનો સ્પર્શ એલિઝાબેથને થયો હતો. એ ક્ષણે તેમણે એક પ્રકારનો આંચકો અનુભવ્યો હતો.

એલિઝાબેથ કહે છે, “મેં અજબ આકર્ષણ અનુભવ્યું હતું. થોડી શરમ પણ આવી હતી. મેં વિચાર્યું કે રૉબર્ટે પણ આવું અનુભવ્યું હશે. મેં તેમને દરવાજા બહાર જવા દીધા. એ થોડું વિચિત્ર હતું.”

ગ્રે લાઇન

લગ્નનો પ્રસ્તાવ

સાધ્વી એલિઝાબેથ લિઝા
ઇમેજ કૅપ્શન, સાધ્વી એલિઝાબેથ લિઝા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એલિઝાબેથને યાદ છે કે આશરે એક સપ્તાહ પછી તેમને રૉબર્ટનો સંદેશો મળ્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું કે તેઓ ચર્ચ છોડીને તેમની સાથે લગ્ન કરશે?

એલિઝાબેથ કહે છે, “તેઓ થોડા ચોંકી ગયા હતા. મેં બુરખો પહેર્યો હતો. તેથી તેઓ મારા વાળનો રંગ જોઈ શક્યા ન હતા. તેઓ મારા વિશે ખરેખર કશું જાણતા ન હતા, મારા ઉછેર વિશે કંઈ જ ન જાણતા હતા. મારું બિન-ધાર્મિક નામ શું છે એ પણ તેમને ખબર ન હતી.”

19 વર્ષની વયે કાર્મેલાઈટ ઑર્ડરમાં જોડાતા પહેલાં સિસ્ટર મેરી એલિઝાબેઝનું નામ લિસા ટિંકલર હતું. તેઓ ઈશાન ઇંગ્લૅન્ડના મિડલ્સબ્રોના વતની હતાં. તેમનાં માતા-પિતા ધાર્મિક ન હતાં, પરંતુ તેમનાં માસીના અવર લેડી ઑફ લૉર્ડેસ ચર્ચની યાત્રાને કારણે લિસાના દિમાગમાં ઝબકાર થયો હતો.

તે એટલું ખાસ હતું કે છ વર્ષની બાળકી લિસાએ તેના બેડરૂમમાં એક ઑલ્ટર (ચર્ચમાં હોય છે તેવું ધાર્મિક ટેબલ) બનાવી આપવા પિતાને જણાવ્યું હતું.

એલિઝાબેથ કહે છે, “મારી પાસે અવર લેડીની એક નાનકડી પ્રતિમા અને લૉર્ડેસના જળની નાની બૉટલ હતી. વાસ્તવમાં હું એવું માનતી હતી કે તે બૉટલમાંનું પાણી નહીં, પરંતુ બૉટલ બહુ પવિત્ર છે. તેથી હું તેમાં નળમાંથી પાણી ભરી રાખતી હતી અને તેમાંથી પાણી પીતી હતી.”

લિસા તેમના વતનમાંના એક કૅથલિક ચર્ચની પ્રેયરમાં ગયાં હતાં અને બીજી હરોળમાં બેઠાં હતાં. ત્યાં તેમને વર્જિન મેરી માટે જબરજસ્ત લાગણી જાગી હતી. તેમને લાગ્યું હતું કે વર્જિન મેરી તેમને બોલાવી રહ્યાં છે.

લિસા કિશોર વયનાં હતાં ત્યારે તેમણે એક સપ્તાહાંત દરમિયાન એક મૉનેસ્ટ્રીમાં એકલાં રહ્યાં હતાં. એ વખતે જ તેમણે તેમના ભાવિ વિશેનો નિર્ણય કરી લીધો હતો.

તે મૉનેસ્ટ્રીનું સંચાલન બારમી સદીમાં સ્થપાયેલા ઑર્ડર ઑફ કાર્મેલાઈટની ખ્રિસ્તી સાધ્વીઓ કરતી હતી અને તેમાં રહેતા લોકોનું જીવન સંયમી, એકાંતભર્યું અને કઠોર હતું, પરંતુ લિસાએ નક્કી કરી લીધું હતું કે તેઓ આવું જીવન જ જીવવા ઇચ્છે છે.

ગ્રે લાઇન

એક નવું જીવન

રોબર્ટ
ઇમેજ કૅપ્શન, રોબર્ટ

લિસા તો મૉનેસ્ટ્રીમાં તત્કાળ જોડાવા ઇચ્છતાં હતાં, પરંતુ તેમનાં માતા દીકરીના નિર્ણય બાબતે ચિંતિત હતાં.

તેમણે મૉનેસ્ટ્રીને એક પત્ર લખીને તેમની દીકરીના મૉનેસ્ટ્રીમાં પ્રવેશને લંબાવવા જણાવ્યું હતું, જેથી લિસા પરિવાર સાથે વધુ એક ક્રિસમસની ઉજવણી કરી શકે.

નવા વર્ષના આગમન સાથે લિસાનું નવું જીવન પણ શરૂ થયું હતું.

એલિઝાબેથ કહે છે, “હું ત્યારથી એક સાધ્વીનું જીવન જીવી રહી છું. અમને દિવસમાં લગભગ અર્ધા કલાકનો, બે વખત વિરામ મળતો હતો. તેમાં અમે વાતો કરી શકતા હતા. અન્યથા બધાએ પોતપોતાના ઓરડામાં એકલા રહેવાનું હતું. કોઈની સાથે કામ નહીં કરવાનું. એકલા જ રહેવાનું.”

એ વર્ષો દરમિયાન સિસ્ટર મેરી એલિઝાબેથે અનુભવ્યું હતું કે તેમની પાસે શબ્દો ખૂટી પડ્યા હતા. અન્ય ખ્રિસ્તી સાધ્વીઓ સાથે વાત કરવા જેવું તેમની પાસે ભાગ્યે જ કશું હતું. એ સાધ્વીઓ વયમાં તેમનાથી ઘણી મોટી હતી. તેઓ વચ્ચે બગીચામાં મોસમ અને પ્રકૃતિ વિશે થતી વાતો અપવાદ હતી.

એ દરમિયાન તેમનાં માતા વર્ષમાં ચાર વખત મૉનેસ્ટ્રીમાં આવતાં હતાં.

એ સ્મૃતિને સંભારતાં એલિઝાબેથ સ્મિત સાથે કહે છે, “હું 21 વર્ષની થઈ ત્યારે મારા ડ્રૉઅરમાં કેક અને કાર્ડ્ઝ આવ્યાં હતાં. મારા ભત્રીજાનો જન્મ થયો ત્યારે તેઓ રેકર્ડ પ્લેયર જેવું કશું જ મૂકી ગયાં હતાં.”

એલિઝાબેથના જણાવ્યા મુજબ, તેમને એવી અનુભૂતિ થતી હતી કે તેમની ‘આંતરિક દુનિયા’ ઉઘડી રહી છે, કારણ કે બહારની દુનિયાના દરવાજા બંધ થઈ રહ્યા છે. તે પરિપૂર્ણતા અને સિદ્ધિની લાગણી હતી.

અલબત્ત, એ દિવસે કૉન્વેન્ટ હૉલમાં પહેરણના સ્પર્શ તથા એ પછી આવેલા લગ્નનાં સંદેશ સાથે બધું બદલાઈ ગયું હતું.

બીબીસી ગુજરાતી

ડિસબીલિફ

લિસા કહે છે કે તે રોબર્ટને મળ્યાં પહેલાં તેઓ જાણતાં ન હતાં કે પ્રેમ શું છે.
ઇમેજ કૅપ્શન, લિસા કહે છે કે તે રૉબર્ટને મળ્યાં પહેલાં તેઓ જાણતાં ન હતાં કે પ્રેમ શું છે

સિસ્ટર મેરી એલિઝાબેથે રૉબર્ટના સવાલનો જવાબ આપ્યો ન હતો અને શું કરવું તેની પણ તેમને ખબર ન હતી.

રૉબર્ટ સિસ્ટર મેરી એલિઝાબેથ વિશે કદાચ બધું જ જાણતા હશે, પરંતુ તેઓ રૉબર્ટ વિશે બહુ ઓછું જાણતાં હતાં.

રૉબર્ટ પ્રેસ્ટનમાંના કાર્મેલાઈટ રીસ્ટ્રીટ સેન્ટરની મુલાકાતે આવતા હતા, નજીકની મૉનેસ્ટ્રીમાં પ્રસંગોપાત ધાર્મિક ભાષણ આપતા હતા અને લિસાએ તેમના ભાષણ દૂર ઊભા રહીને જોયા, સાંભળ્યા હતા.

રૉબર્ટની ઉપદેશાત્મક વાતો સાંભળીને એલિઝાબેથ, જર્મન સરહદ નજીકના પોલૅન્ડના સિલેસિયામાંના રૉબર્ટના ઉછેર તથા પર્વતો પ્રત્યેના તેમના પ્રેમ વિશે જાણી શક્યાં હતાં.

એલિઝાબેથ સ્વીકારે છે કે તેમના પર એ વાતોની ખાસ અસર થઈ ન હતી, પરંતુ કૉન્વેન્ટ હૉલમાં મુલાકાત પછી બધું બદલાઈ ગયું હતું.

એલિઝાબેથ કહે છે, “કોઈના પ્રેમમાં પડીએ તો કેવું લાગે તેની મને ખબર ન હતી. મને એવું લાગતું હતું કે સાથી સાધ્વીઓને તે મારા ચહેરા પર દેખાતું હશે. તેથી હું બહુ નર્વસ થઈ ગઈ હતી. મારામાં આવેલા પરિવર્તનને હું અનુભવી શકતી હતી અને તેનાથી હું ડરી ગઈ હતી.”

પોતે રૉબર્ટ પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે, એ વાત વડા સાધ્વીને કહેવાની હિંમત સિસ્ટર મેરી એલિઝાબેથે આખરે કેળવી હતી અને તેમને જે પ્રતિભાવ મળ્યો તે અવિશ્વસનીય હતો.

એલિઝાબેથ કહે છે, “તેઓ એ સમજી શકતા ન હતાં કે આવું કશું કઈ રીતે બની શકે, કારણ કે બધી સાધ્વી 24 કલાક તેમની નજર હેઠળ રહેતી હતી. વડા સાધ્વીએ મને સવાલ કર્યો હતો કે આટલા ઓછા સમયમાં મને રૉબર્ટ સાથે પ્રેમ કઈ રીતે થઈ ગયો?”

પોતે મૉનેસ્ટ્રી છોડવાનું નક્કી કરશે તો પોતાના પરિવારનો અને બિશપનો પ્રતિભાવ કેવો હશે, તેની કલ્પના સિસ્ટર મેરી એલિઝાબેથે કરી હતી. તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે ઈશ્વર સાથેનો તેમનો સંબંધ પણ બદલાશે?

બીબીસી ગુજરાતી

ગૂંચવાડો

રોબર્ટ કહે છે કે જ્યારે તેમણે લિસાને પબમાં જોયાં ત્યારે તેઓ ડરથી કંપી ગયા હતા
ઇમેજ કૅપ્શન, રોબર્ટ કહે છે કે જ્યારે તેમણે લિસાને પબમાં જોયાં ત્યારે તેઓ ડરથી કંપી ગયા હતા

જોકે, પોતાના વરિષ્ઠો સાથેનો સંવાદ એલિઝાબેથને કશુંક આવેગમય કામ કરવા તરફ લઈ ગયો હતો.

એલિઝાબેથ કહે છે, “વડા સાધ્વીનું મારી સાથેનું વર્તન જરાક આકરું હતું. તેથી હું સંસારી વસ્ત્રો પહેરી અને ટૂથબ્રશ એક બેગમાં લઈને મૉનેસ્ટ્રીમાંથી નીકળી ગઈ હતી. એ પછી ફરી હું ક્યારેય સિસ્ટર મેરી એલિઝાબેથ બની નથી.”

રૉબર્ટે તેમને સંદેશો મોકલ્યો હતો કે તેઓ એ સાંજે પ્રેસ્ટન ફરી આવવાના છે. એ સમય તેમના કાર્મેલાઈટ દોસ્તને નજીકના પબમાં મળવાનો અને તેમની સલાહ લેવાનો હતો. તેઓ ઑર્ડરમાંની એકમાત્ર વ્યક્તિ હતા, જેમને રૉબર્ટ લિસા સંબંધી પોતાની મૂંઝવણ બાબતે જણાવી શકે તેમ હતા.

તેમણે ધાર્યું હતું કે તેઓ બ્લૅક બુલ પબમાં મળશે. તેથી તેમણે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. નવેમ્બર, 2015ની તે મુલાકાત આનંદદાયક બનશે તેવી અપેક્ષા હતી, પરંતુ લિસા એ રાતે ઊંડી મૂંઝવણમાં ડૂબી ગયાં હતાં.

લિસા કહે છે, “હું ગાર્સ્ટેન્ગ રોડ પર આગળ વધતી હતી ત્યારે જોરદાર વરસાદ પડતો હતો. ઝળહળતી લાઈટ્સ સાથેનાં વાહનો મારી તરફ આવી રહ્યાં હતાં અને મેં વિચાર્યું હતું કે આ બધાનો અંત લાવવો જોઈએ.”

એ વખતે તેમને ક્ષણ વાર માટે આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો.

“મારા મનમાં જોરદાર સંઘર્ષ ચાલતો હતો. મેં વિચાર્યું હતું કે મારે આવું થતું અટકાવવું જોઈએ, જેથી રૉબર્ટ તેમના જીવનમાં આગળ વધી શકે, પરંતુ લગ્ન કરવાનો ક્યો અર્થ તેમને અભિપ્રેત હતો એ બાબતે હું કશું જાણતી ન હતી.”

શુક્રવારની તે રાતે લિસા રસ્તા પર સતત ચાલતા રહ્યાં હતાં. બ્લૅક બુલ પબ સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમની જાત સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી.

બીબીસી ગુજરાતી

‘શક્તિહીન’

રોબર્ટને આશ્ચર્ય થયું કે તેઓ 53 વર્ષની ઉંમરે નવું જીવન કેવી રીતે શરૂ કરશે.
ઇમેજ કૅપ્શન, રોબર્ટને આશ્ચર્ય થયું કે તેઓ 53 વર્ષની ઉંમરે નવું જીવન કેવી રીતે શરૂ કરશે.

રૉબર્ટ એ મુલાકાતને યાદ કરતાં કહે છે, “મેં લિસાને જોયાં ત્યારે મારું હૈયું ધબકાર ચૂકી ગયું હતું, પરંતુ હું અત્યંત ભયભીત થઈ ગયો હતો, કારણ કે તે ક્ષણે મારું લિસા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ જરૂરી હતું એ હું જાણતો હતો, પરંતુ હું એ પણ જાણતો હતો કે એ ક્ષણ માટે વ્યાવહારિક રીતે તૈયાર ન હતાં.”

રૉબર્ટ છેલ્લાં 13 વર્ષથી કાર્મેલાઈટ તપસ્વી હતા. તેઓ વિચારક, વિદ્વાન અને ધર્મશાસ્ત્રી હતા. તેઓ જીવનના ઉદ્દેશની શોધમાં મૉનેસ્ટ્રીમાં આવ્યા હતા.

ભૂતકાળ પર નજર કરતાં રૉબર્ટને એવું લાગે છે કે તેમના પ્રારંભિક સંસ્કારને ધ્યાનમાં લેતાં એ મૂંઝવણ સર્જાવી અનિવાર્ય હતી. તેમનો ઉછેર, થોડા સમય પહેલાં જ જર્મનીમાંથી પોલૅન્ડમાં ભળેલા પ્રદેશમાં એક લ્યુથર પિતા તથા કેથલિક માતાના પરિવારમાં થયો હતો.

તે નિષ્ફળ સંબંધ પછીનો અંધકારમય સમય હતો. એ દરમિયાન તેમણે પરિપૂર્ણતા માટેની શોધ ચાલુ રાખી હતી. તેમણે લ્યુથરન પ્રોટેસ્ટન્ટ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પરંતુ રોમન કૅથલિક મૉનેસ્ટ્રીમાં તેમને સાંત્વન મળ્યું હતું.

રૉબર્ટ કહે છે, “હું કાર્મેલાઈટ્સ વિશે ખાસ કંઈ જાણતો ન હતો અને મેં સાધુ બનવાનું વિચાર્યું ન હતું. વાસ્તવમાં આ પ્રકારની શ્રદ્ધા પરત્વે હું હંમેશાં સાશંક હતો.”

બીબીસી ગુજરાતી

પરિવર્તન

લિસા હવે હૉસ્પિટલના ધર્મગુરુ અને ચર્ચ ઑફ ઈંગ્લૅન્ડના રોબર્ટ વાઈકર છે.
ઇમેજ કૅપ્શન, લિસા હવે હૉસ્પિટલના ધર્મગુરુ અને ચર્ચ ઑફ ઈંગ્લૅન્ડના રોબર્ટ વાઈકર છે.

જોકે, લિસા સાથેની મુલાકાતે રૉબર્ટનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું હતું.

રૉબર્ટ કહે છે, “મારા પહેરણની બાંયને થયેલા લિસાના સ્પર્શથી પરિવર્તનની શરૂઆત થઈ હતી. મારા હૃદયમાં કશુંક તબક્કા વાર વિકસી રહ્યું હોવાનું હું અનુભવતો હતો, પરંતુ હું કોઈના ગાઢ પ્રેમમાં પડી જઈશ એવું ક્યારેય લાગ્યું ન હતું, કારણ કે સાધુ કે સાધ્વી બનીએ ત્યારે અમને પ્રેમ જેવી લાગણી સાથે કઈ રીતે કામ પાર પાડવું તે શીખવવામાં આવે છે.”

લિસાને લગ્નનો પ્રસ્તાવ મોકલવાનો નિર્ણય જાત સાથેનો કેવો બૌદ્ધિક સંઘર્ષ હતો, તેની વાત કરતાં રૉબર્ટ કહે છે, “લિસા પબમાં આવ્યાં ત્યારે મારામાંનો નાનકડો શેતાન ભયભીત થઈ ગયો હતો, પરંતુ મારો ડર ધાર્મિક કે આધ્યાત્મિક ન હતો. તે 53 વર્ષની વયે હું નવું જીવન કેવી રીતે શરૂ કરીશ તેનો હતો.”

પરિવર્તન, ખાસ કરીને પ્રારંભે બહુ મુશ્કેલ હતું.

બન્નેએ પોતપોતાની મૉનેસ્ટ્રી છોડી તેના થોડા સમય પછી અને ક્રિસમસના થોડા સમય પહેલાંની એક ક્ષણની વાત કરતાં લિસા કહે છે, “મેં રૉબર્ટ તરફ જોયું ત્યારે તેઓ વિહવળ હતા. રડતા હતા. એ ક્ષણે અમને બન્નેને પ્રેમની પરમ અનુભૂતિ થઈ હતી. મને લાગ્યું હતું કે અમારા રોમિયો અને જુલિયટ જેવું કશુંક કરી લેવું જોઈએ.”

“તે બહુ મુશ્કેલ હતું, કારણ કે અમે બન્ને એકલાં હતાં, એકલતા અનુભવતાં હતાં અને ક્યાં જવું તે સમજી શકતાં ન હતાં, પરંતુ અમે એકમેકનો હાથ પકડી લીધો અને આગળ વધ્યાં.”

એ પછી નોકરી શોધવાના પ્રયાસ દરમિયાન એક વખત કૌશલ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે અને બીજી વખત તેઓ પ્રેસ્ટનથી યોર્કશાયર જતા હતા ત્યારે તેઓ રડી પડ્યા હતા.

રૉબર્ટ કહે છે, “મેં તેમની પાસેથી પોલીશ ભાષામાં લખાયેલું, વિભિન્ન કારણસર મૉનેસ્ટ્રી છોડી ચૂકેલી સાધ્વીઓ વિશેનું પુસ્તક માગ્યું હતું. મેં તે કારમાં પ્રવાસ દરમિયાન તેનો અનુવાદ લિસાને વાંચી સંભળાવ્યો હતો, પરંતુ લિસાએ મને થંભી જવા કહ્યું હતું. બન્ને માટે રડવું જરૂરી હતું, કારણ કે એ કથાઓ બહુ લાગણીસભર હતી અને અમે તેની સાથે તાદાત્મ્ય અનુભવી શકતાં હતાં.”

બીબીસી ગુજરાતી

‘કશું અલગ નથી’

લિસા અને રોબર્ટ તેમનાં લગ્નનાં દિવસે.
ઇમેજ કૅપ્શન, લિસા અને રોબર્ટ તેમનાં લગ્નનાં દિવસે.

એકમેક પ્રત્યેની શ્રદ્ધાથી તેમને શાંતિ મળી હતી.

લિસા કહે છે, “ધાર્મિક જીવન દરમિયાન અમને અમારું સંપૂર્ણ હૃદય ઈશ્વરને સમર્પિત કરવાનું જણાવવામાં આવે છે. મને અચાનક અનુભૂતિ થઈ હતી કે મારા હૃદયમાં રૉબર્ટ માટે પણ જગ્યા છે. તેમાં બીજી બાબતો પણ માટે જગ્યા હોવાનું પણ મને સમજાયું હતું. મને ઈશ્વર વિશે કોઈ અલગ અનુભૂતિ થઈ ન હતી અને એ કારણે મને શાંતિ મળી.”

લિસાને પહેલાં એક અંતિમસંસ્કારગૃહમાં અને પછી એક હૉસ્પિટલમાં પાદરી તરીકે કામ મળ્યું હતું. જોકે, રૉબર્ટ રોમના ધાર્મિક સત્તાવાળાઓને એક પત્રથી પરેશાન હતા. પત્રમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ હવે કાર્મેલાઈટ ઑર્ડરના સભ્ય નથી.

એ પછી બન્ને પરણી ગયાં હતાં અને હવે તેઓ હટન રડબીના નૉર્થ યોર્કશાયર ગામના એક ઘરમાં સાથે રહે છે. એ ગામમાં રૉબર્ટની નિમણૂક સ્થાનિક ચર્ચના વૈકલ્પિક પાદરી તરીકે કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

મૌન

તેઓ બન્ને હજુ પણ મૉનેસ્ટ્રીના જીવનનાં તત્ત્વો ઝંખે છે. લિસા તો ત્યાં સુધી કહે છે કે રૉબર્ટ ન હોત તો તેઓ બીજા દિવસે ફરી કાર્મેલાઈટ સાધ્વી બની ગયાં હોત.

લિસા કહે છે, “અમે મૌન તથા એકાંતથી એટલાં ટેવાયેલાં છીએ કે એ વૈશ્વિક બાબતોમાં શોધવાનું મુશ્કેલ છે. અમે ઘણી જુદી જુદી દિશાઓમાં ખેંચાયેલાં રહીએ છીએ. તેથી રૉબર્ટ અને મારા માટે આ વાસ્તવિકતા સાથે કામ પાડવાનો સતત સંઘર્ષ છે.”

જોકે, તેમણે એક નિરાકરણ શોધી કાઢ્યું છે.

લિસા કહે છે, “હું એમ વિચારું છું કે હું અહીં રૉબર્ટ સાથે, બે કાર્મેલાઈટ્સ રહેતા હોય તેમ એક મૉનેસ્ટ્રીમાં રહું છુ અને અમે જે કંઈ કરીએ તે ઈશ્વરને અર્પણ કરીએ છીએ.”

“અમે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આપણે જે કરીએ તેને પ્રેમ પવિત્ર બનાવે છે અને મને સમજાયું છે કે મારા માટે ખરેખર કશું બદલાયું નથી.”

પોતાના લગ્નમાં બે નહીં, પણ ત્રણ વ્યક્તિ સામેલ છે એ વાતે લિસા અને રૉબર્ટ બન્ને સહમત છે.

તેઓ કહે છે, “જિસસ અમારા જીવનના કેન્દ્રમાં છે અને તેઓ બધામાં મોખરે હોય છે. અમે તેમને અમારા પ્રેમમાંથી બહાર કાઢી નાખ્યા હોત તો અમારો પ્રણય ટકી શક્યો ન હોત.”

રેડ લાઇન
રેડ લાઇન