ભારતના આ સમૃદ્ધ રાજ્યમાં આકાર પામેલું ‘ભૂતિયું’ ગામ

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારત ચીનને પાછળ છોડી રહ્યું છે ત્યારે દેશના કેટલાક ભાગમાં બાળ જન્મદરનું પ્રમાણ રીપ્લેસમેન્ટ લેવલથી પણ ઓછું થઈ ગયું છે અને નવી પેઢીના સ્થળાંતરને કારણે વૃદ્ધો જ વસતા હોય એવા ‘ભૂતિયા’ ગામોની સંખ્યા વધી રહી છે. વૃદ્ધાવસ્થા સામે ઝઝૂમી રહેલા કેરળના એક નગર કુંબનાડની મુલાકાત બીબીસીના પ્રતિનિધિએ લીધી હતી.

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

ઇમેજ કૅપ્શન, અન્નમા જેકબ

કેરળના આ સુષુપ્ત શહેરની શાળાઓ વર્ષોથી એક અસમાન્ય સમસ્યાનો સામનો કરી રહી છે. અહીં વિદ્યાર્થીઓની અછત છે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શોધવા જવું પડે છે. વિદ્યાર્થીઓને શાળામાં લાવવા માટે તેમણે પોતાના ખિસ્સામાંથી ખર્ચ પણ કરવો પડે છે.

14 વર્ષની વય સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી કુંબનાડની 150 વર્ષ જૂની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં હાલ 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 1980ના દાયકાના અંત સુધી અહીં સરેરાશ 700 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. હાલના વિદ્યાર્થીઓ પૈકીના મોટાભાગના ગરીબ અને વંચિત પરિવારના છે. સાતમા ધોરણના વર્ગમાં માત્ર સાત વિદ્યાર્થી છે અને તે સૌથી મોટો વર્ગ છે. 2016માં આ ક્લાસમાં માત્ર એક વિદ્યાર્થી હતો.

શાળામાં અભ્યાસ માટે પૂરતા વિદ્યાર્થીઓને લાવવા એ એક પડકાર છે. આ સ્કૂલના આઠ શિક્ષક વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ લાવતી અને શાળાએથી ઘરે પાછા પહોંચાડતી ઓટો રિક્ષા પાછળ દરમહિને રૂ. 2,800 ખર્ચે છે. તેઓ ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓની શોધ પણ કરે છે.

આ વિસ્તારની કેટલીક ખાનગી શાળાઓ પણ તેના શિક્ષકોને વિદ્યાર્થીઓ શોધવા મોકલે છે. સૌથી મોટી સ્કૂલમાં કુલ 70 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

કેરળનું ભૂતિયા ગામ

‘અમે શું કરીએ? ગામમાં બાળકો જ નથી’

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

તાજેતરમાં એક ગમગીન બપોરે અમે ઉચ્ચ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યારે વિદ્યાર્થીઓનો ગુંજારવ ભાગ્યે જ સાંભળવા મળ્યો.

તેને બદલે શિક્ષકો કેટલાક વિદ્યાર્થીઓને અંધારિયા, શાંત વર્ગખંડમાં ભણાવતા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ બહાર તડકામાં નિરુદ્દેશે આંટા મારતા હતા.

આચાર્યા જયદેવી આર.એ વ્યંગાત્મક સ્વરે કહે છે કે “અમે શું કરીએ? આ ગામમાં બાળકો જ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે અહીં બહુ ઓછા લોકો રહે છે.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જયદેવીની વાત સાચી છે. કુંબનાડ કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના કેન્દ્રમાં આવેલું છે. અહીં યુવા વસ્તી ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. એ પણ એક એવા દેશમાં, જ્યાં વસ્તીના 40 ટકા લોકો 25 વર્ષથી ઓછી વયના છે. એ પૈકીના બે-તૃતિયાંશ લોકોનો જન્મ 1990ના દાયકાની શરૂઆતમાં ભારતે ઉદાર અર્થવ્યવસ્થાની નીતિ અપનાવી એ પછી થયો છે.

કુંબનાડ અને તેની આજુબાજુના અડધો ડઝન લીલાછમ ગામમાં લગભગ 25 હજાર લોકો વસવાટ કરે છે. સ્થાનિક ગ્રામ પરિષદના વડા આશા સી જેના જણાવ્યા મુજબ, અહીંના 11,118 ઘરમાંથી આશરે 15 ટકા બંધ છે, કારણ કે તેના માલિકો તેમના સંતાનો સાથે વિદેશમાં સ્થળાંતરિત થયા છે અથવા રહે છે. આ વિસ્તારમાં 20 શાળા છે, પરંતુ તેમાં બહુ ઓછા વિદ્યાર્થી છે.

એક હૉસ્પિટલ, સરકાર સંચાલિત ક્લિનિક, 30થી વધુ નિદાન કેન્દ્રો અને ત્રણ વૃદ્ધાશ્રમ અહીં વૃદ્ધોની વધતી વસ્તીનો સંકેત આપે છે. અહીં બે ડઝનથી વધારે બૅન્ક કાર્યરત છે અને માત્ર અર્ધો કિલોમિટર વિસ્તારમાં આઠ બૅન્કોની શાખાઓ છે. સમગ્ર વિશ્વમાંથી અહીં વસતા લોકોને મોકલવામાં આવતા નાણાં પોતાની શાખામાં જમા કરાવવા માટે આ બૅન્કો વચ્ચે જાણે કે હરીફાઈ ચાલે છે. વિદેશમાં વસતા ભારતીયોએ ગયા વર્ષે દેશમાં મોકલેલા 100 અબજ ડૉલરના 10 ટકા નાણાં કેરળમાં આવ્યાં હતાં.

ગ્રે લાઇન

નાના પરિવારો, સુશિક્ષિત સંતાનો અને પરદેશમાં સ્થળાંતર

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

પાડોશી તામિલનાડુની માફક કેરળ ભારતમાં કેટલીક રીતે અલગ છે. 2011માં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને 2001થી 2011 સુધીના દાયકામાં અહીંની વસ્તીમાં સૌથી ઓછો વધારો (4.9 ટકા) નોંધાયો હતો. દેશની 69 વર્ષની આયુ સરેરાશની સામે કેરળમાં એ પ્રમાણ 75 વર્ષનું છે.

રાજ્યમાં પ્રતિ સ્ત્રી પ્રજનન દર છેલ્લાં કમસેકમ 30 વર્ષથી રિપ્લેસમેન્ટ લેવલ (જેટલા લોકો મૃત્યુ પામે તેની સામે એટલાં જ બાળકોનો જન્મ થાય એ સ્તર) થી નીચે ચાલ્યો ગયો છે.

અહીં પ્રતિ સ્ત્રી પ્રજનન દર 1.7થી 1.9નો છે. પોતાના સંતાનો સારી રીતે અભ્યાસ કરે તે નાના પરિવારો સુનિશ્ચિત કરે છે. તેને પગલે અહીંના સુશિક્ષિત સંતાનો, તેમના માતા-પિતાને ઘરે છોડીને, વતન છોડીને દેશના અન્ય ભાગમાં કે પરદેશ સ્થળાંતર કરે છે.

મુંબઈ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના પ્રોફેસર કે એસ જેમ્સ કહે છે કે “સારું શિક્ષણ બાળકોને વધુ સારી નોકરી અને જીવનના અભિલાષી બનાવે છે. તેથી તેઓ સ્થળાંતર કરે છે. વતનમાં તેમના વૃદ્ધ માતા-પિતા રહે છે. એ પૈકીના ઘણા તો એકલા હોય છે.”

કુમ્બૌડમાંના બે માળના, લાલ ટાઈલ્સ અને ઊંચા લોખંડી દરવાજાવાળા પોતાના ઘરમાં 74 વર્ષનાં અન્નમા જેકબ વર્ષોથી એકલાં રહે છે. તેમના પતિ સરકારી માલિકીની એક ઓઇલ કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર હતા અને તેઓ 1980ના દાયકાની શરૂઆતમાં મૃત્યુ પામ્યા. તેમનો 50 વર્ષનો દીકરો બે દાયકા કરતાં વધુ સમયથી અબુધાબીમાં રહે છે. એક દીકરી થોડા કિલોમિટર દૂર રહે છે, પણ તેમના જમાઈ દુબઈમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ત્રણ દાયકાથી કામ કરે છે.

તેમના પાડોશમાં લગભગ કોઈ રહેતું નથી. એક પાડોશી મહિલા પોતાના ઘરને તાળું મારીને માતા-પિતાને બહેરીન લઈ ગઈ છે. એ મહિલા બહેરીનમાં નર્સ તરીકે કામ કરે છે. બીજા પાડોશી દુબઈ ચાલ્યા ગયા છે અને પોતાનું મકાન એક વૃદ્ધ દંપતીને ભાડે આપ્યું છે.

પાડોશ ઉજ્જડ છે. ટેપિયાકો, કેળા અને સાગનાં વૃક્ષોના લીલાછમ લેન્ડસ્કેપ વચ્ચે વિશાળ પ્રાંગણવાળા ઘર ખાલી પડ્યાં છે. તેમના ડ્રાઈવ વે પર સૂકા પાંદડા પથરાયેલાં છે અને કાર પર ધૂળના થર ચડેલા છે. રક્ષક શ્વાસનું સ્થાન સીસીટીવી કેમેરાએ લઈ લીધું છે.

કેરળનું ભૂતિયા ગામ

‘બધા મોટાં ઘરો બનાવે છે. આ સામાજિક દરજ્જાની બાબત છે’

ભારતનાં ધમધમતાં નગરોથી વિપરીત કુંબનાડ ખરેખર નિર્જન અને સમયમાં અડધા થીજેલું લાગે છે. આ એક એવું નગર છે, જેને તેના ઘણા રહેવાસીઓએ ત્યજી દીધું છે, પરંતુ તે ખંડેર બન્યું નથી. નિર્જન ઘરોને, જાણે કે તેમાં લોકો રહેવા આવવાના હોય એમ, નિયમિત રીતે રંગવામાં આવે છે. જોકે, લોકો ભાગ્યે જ આવે છે.

શ્રીમતી જેકબ કહે છે કે “બહુ જ એકલવાયું જીવન છે. મારી તબિયત પણ સારી રહેતી નથી.”

હૃદયરોગ અને સંધિવાથી પીડાતા હોવા છતાં શ્રીમતી જેકબ તેમના પુત્ર અને પૌત્રો સાથે સમય પસાર કરવા વિદેશ જાય છે. તેમણે જોર્ડન, અબુધાબી, દુબઈ અને ઇઝરાયલમાં તેમના સંતાનો સાથે વેકેશન પણ માણ્યું છે.

પૅરાસિટામોલની આયાતી ગોળીઓ, પિસ્તા, કાજુ, ચીની બનાવટના વાઝમાં ભરેલાં પીળા પેપર ફ્લાવર્સ અને ઇમ્પોર્ટેડ બૉડી વૉશની બોટલ્સ જેવી તેમના કાર્પેટવાળા દિવાનખાનામાં ફેલાયેલી વસ્તુઓ વિશ્વ સાથેના તેમના સંબંધનો ખ્યાલ આપે છે.

તમે અહીં એકલા જ રહો છો તો આ 12 રૂમવાળું વિશાળ ઘર શા માટે બાંધ્યું છે, એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું કે “અહીં બધા મોટા ઘરનું નિર્માણ કરાવે છે. આ સામાજિક દરજ્જાની બાબત છે.”

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

ઇમેજ કૅપ્શન, ચાકો મેમ્મેન

શ્રીમતી જેકબ મોટાભાગનો સમય તેમના ઘરની પાછળ આવેલા ખેતરમાં પસાર કરે છે. ખેતરમાં તેઓ ટેપિયાકો, કેળાં, આદુ, રતાળુ અને જેકફ્રૂટ ઊગાડે છે. બાકીના સમયમાં ધ્યાન કરે છે અને અખબારો વાંચે છે. તેમની પાસે ડાયના નામનો શ્વાન પણ છે.

તેઓ કહે છે કે “કેટલાક દિવસ તો હું માત્ર ડાયના સાથે જ વાત કરું છું. એ મને બરાબર સમજે છે.”

ખેતરમાં કામ કરવાથી, વય અને કથળતી તબિયતને કારણે તેઓ હવે થાકી જાય છે. શ્રીમતી જેકબના જણાવ્યા મુજબ, તેમને ખેતીના કામ માટે મજૂર રાખવાનું પરવડતું નથી. અહીં ખેતમજૂરની અછત છે. તેથી થોડા કલાકના કામ માટે બહુ બધી મજૂરી ચૂકવવી પડે છે. ખેતરમાં રોજિંદી દેખરેખનું કામ કરતો મજૂર દિવસના છ કલાક માટે રૂપિયા 1,000 લે છે. આશા સી જેની ગ્રામ પરિષદને પણ તેના રેકર્ડની ડિજિટાઇઝેશન માટે માણસો મળતા નથી.

તેમના ઘરથી થોડે દૂર રહેતા ચાકો મેમ્મેન હૃદયરોગ અને ડાયાબિટીસથી પીડાય છે. તેઓ તેમના ખેતરમાં કેળાં ઊગાડે છે અને રોજ ચાર કલાક કામ કરે છે. 64 વર્ષના ચાકો મેમ્મેન વતન પાછા ફર્યા તે પહેલાં તેમણે ઓમાનમાં ત્રણ દાયકા સુધી સેલ્સ પર્સન તરીકે કામ કર્યું હતું. અહીં તેમણે નાનકડો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ કામ કરવા માટે પૂરતા લોકો ન મળ્યા એટલે છ વર્ષ પછી એ બિઝનેસ બંધ કરી દીધો હતો. હવે તેઓ બહુ મહેનત કરીને તેમના ખેતરમાં કેળાં ઉગાડે છે અને રોજ 10 કિલો કેળાં વેચે છે. તેઓ કહે છે કે “મને મજૂર રાખવાનું પોસાય તેમ નથી.”

વૃદ્ધ સમાજમાં કામદારો લાવવાનું કાયમ મુશ્કેલ હોય છે. અન્ય રાજ્યોમાંથી અહીં કામદારો લાવવાથી પણ સમસ્યાનું નિવારણ, મુખ્યત્વે બહારના લોકો પરના અવિશ્વાસને કારણે થતું નથી.

અન્ય રાજ્યના લોકોને કામ પર રાખવાનું પોતાને પસંદ ન હોવાનું કારણ આપતાં શ્રીમતી જેકબ કહે છે કે “હું એકલી રહું છું. તેઓ મારી હત્યા કરી નાખે તો?”

કેરળનું ભૂતિયા ગામ

‘અહીં માત્ર એક સમસ્યા, વૃદ્ધાવસ્થા’

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

વૃદ્ધ લોકો અને બંધ ઘરોના આ શાંત નગરમાં બહુ ઓછા ગુના થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે અહીં બહુ ઓછી ચોરી થાય છે, કારણ કે લોકો ઘરમાં વધુ પૈસા કે કિંમતી વસ્તુઓ રાખતા જ નથી. અહીં છેલ્લે હત્યા ક્યારે થઈ હતી એ તેમને યાદ નથી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના મુખ્ય ઇન્સપેક્ટર સંજીવકુમાર વી કહે છે કે “અહીં બધું શાંતિપૂર્ણ છે. અમને માત્ર છેતરપિંડીની ફરિયાદ મળે છે. વૃદ્ધ લોકો સાથે તેમના સંબંધીઓ અથવા ઘરકામ કરતા લોકો છેતરપિંડી કરે છે. એ લોકો વૃદ્ધોની બનાવટી સહી કરીને બૅન્કોમાંથી પૈસા ઉપાડી લે છે.”

એક વર્ષ પહેલાં એક વૃદ્ધ રહેવાસીના સંબંધીએ તેમની નકલી સહી કરીને બૅન્કમાંથી લગભગ એક કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. પોલીસે ગયા વર્ષે એક ખાનગી નાણાકીય પેઢીના ચાર પ્રમોટરની ધરપકડ કરી હતી. તેમણે ગામમાં પેઢી શરૂ કરીને લોકોને થાપણ પર ઊંચા વળતરનું વચન આપ્યું હતું.

છેતરપિંડીના ષડ્યંત્ર જેવી આ યોજનામાં પૈસાની ચૂકવણીમાં તેઓ નિષ્ફળ રહ્યા ત્યારે સ્થાનિક 500 થાપણદારોએ પોલીસ ફરિયાદ કરી હતી.

સંજીવકુમાર કહે છે કે “એ આ વિસ્તાર માટે મોટો ગુનો હતો. અન્યથા અમારા ભાગે મુખ્યત્વે રહેવાસીઓ વચ્ચેના નાના ઝઘડાઓના નિરાકરણનું કામ જ કરવાનું હોય છે. કોઈ અવાજ વિશે ફરિયાદ કરે છે, કોઈ તેમના ઘરની બહાર ફેંકવામાં આવતા કચરા વિશે ફરિયાદ કરે છે તો કોઈ પાડોશીના ખેતરમાં વૃક્ષોની ડાળીઓ ફેંકે છે. આવું બનતું હોય છે.”

અહીં ગુના બહુ ઓછા બને છે તેનો અર્થ એ થાય કે પોલીસનો મોટાભાગનો સમય વૃદ્ધ લોકોની સંભાળમાં પસાર થાય છે. પોલીસ એકલા રહેતા અને બીમાર હોય તેવા 160 લોકોની નિયમિત તપાસ કરે છે. કેટલાક ઘરોમાં મોબાઈલ એલાર્મ આપવામાં આવ્યા છે, જેથી તેઓ કટોકટીના સમયમાં પાડોશીની મદદ માગી શકે. 2020માં એક ઘરમાં ડોરબેલ વગાડવા છતાં કોઈ જવાબ ન મળ્યો ત્યારે પોલીસ એ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી. ઘરમાં રહેતાં વૃદ્ધ મહિલા જમીન પર પડેલાં જોવા મળ્યાં હતાં.

સંજીવકુમાર કહે છે કે “અમે તેમને હૉસ્પિટલે પહોંચાડ્યાં હતાં. ત્યાં તેઓ ફરી સાજા થઈ ગયાં હતાં. અમારી એક ફરજ રહેવાસીઓને વૃદ્ધાશ્રમમાં પહોંચાડવાની પણ છે. અમે વૃદ્ધોની દેખરેખ રાખીએ છીએ અને તેમને ડૉક્ટર્સ પાસે લઈ જઈએ છીએ.”

કુંબનાડમાં વૃદ્ધા લોકો માટેનું સારસંભાળ કેન્દ્ર ચલાવતા ફાધર થૉમસ જૉન કહે છે કે “અહીંની એકમાત્ર સમસ્યા વૃદ્ધાવસ્થા છે.”

કેરળનું ભૂતિયા ગામ

‘આખરે આ કથા આખા ભારતની હશે’

કેરળનું ભૂતિયા ગામ

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE

આ ગામમાં પહોળા દરવાજા, મોટા ઓરડા અને વ્હીલચેરની સુવિધાઓ ધરાવતા ત્રણ વૃદ્ધાશ્રમ છે. ઍલેકઝાન્ડર માર્થોમા મેમોરિયલ ગેરિયાટ્રિક સેન્ટરની ઇમારત પાંચ માળની છે. તેમાં 150 બેડની હૉસ્પિટલ છે. તેમાં 85થી 101 વર્ષની વય સુધીના 100થી વધુ સ્થાનિક રહેવાસીઓની સારસંભાળ રાખવામાં આવે છે. આ બધા લગભગ પથારીવશ છે. તેમની સારસંભાળ માટે તેમના પરિવારજનો દર મહિને રૂ. 50 હજાર ચૂકવે છે. કેટલીકવાર તેમના સંતાનો આવે છે અને આ 16 વર્ષ પૂર્વે સ્થપાયેલા આ કેન્દ્રમાં તેમની સાથે રહે છે.

ફાધર જૉન કહે છે કે “અહીં રહેતા મોટાભાગના લોકોનાં સંતાનો વિદેશમાં વસવાટ કરે છે અને તેમની પાસે વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ખસેડવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.”

આ કેન્દ્રની નજીકમાં 75 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલું ધર્મ ગિરિ ઓલ્ડ એજ હોમ છે. તેમાં 60 વર્ષથી વધુ વયના 60 સ્થાનિકો રહે છે. ગત વર્ષે તેમાં 31 નવા એડમિશન થયાં હતાં. પુરુષો તથા સ્ત્રીઓ માટે અલગ-અલગ બિલ્ડીંગ છે. પ્રતિક્ષા યાદી વધુને વધુ લાંબી થઈ રહી છે. વધુ 60 લોકોને સમાવી શકાય એટલા માટે એક નવી 30 રૂમની બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આ ઓલ્ડ એજ હોમનું સંચાલન કરતા ફાધર કે એસ મેથ્યુઝ કહે છે કે “અમારે ત્યાં રહેતી મોટાભાગની મહિલાઓ છેતરપિંડીનો ભોગ બનેલી છે. કેટલીકને તેમના પરિવારોએ ત્યજી દીધી છે.”

બીમાર વૃદ્ધો, વૃદ્ધાશ્રમો, મજૂરોની અછત, યુવા લોકોનું સ્થળાંતર, ઘટતી વસ્તી અને ભૂતિયું નગર.

પ્રોફેસર જેમ્સ કહે છે કે “આ કોઈ પણ વસ્તી વિષયક પરિવર્તનની કથા છે. આખરે આ કથા આખા ભારતની હશે.”

રેડ લાઇન
રેડ લાઇન