એ રિક્ષાચાલક જે 24.50 કરોડ રૂપિયાની લૉટરી જીત્યા બાદ ત્રાસી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅરિલ સૅબેસ્ટિયન
- પદ, બીબીસી ન્યૂઝ, કોચી
“હું દુકાનમાં મારા દીકરા માટે એક બૅગ ખરીદવા ગયો હતો અને દુકાનદારે એમ વિચારીને મને બાકીના પૈસા પાછા ન આપ્યા કે મને તેની જરૂર નથી.”
કેરળમાં રહેતાં અનૂપ બી. આવું પહેલી વખત નથી થયું, જ્યારે તેમને લોકોએ આવી સ્થિતિમાં મૂક્યા હોય.
32 વર્ષીય અનૂપે ક્યારેય વિચાર્યું નહોતું કે સરકારી લૉટરી જીત્યા બાદ તેમનું જીવન કંઇક આ પ્રકારે બદલાશે.
તેઓ પોતાના ઘર બહાર ઓળખાયા વિના પગ પણ મૂકી શકતા નથી. ઘણા મિત્રો અને પરિવારજનો તેમનાથી નારાજ છે અને તેમને મળતા લગભગ તમામ લોકો તેમની પાસે પૈસા માગતા રહે છે.
તેઓ કહે છે, “એક સમયે અંગત હતા એવા ઘણા લોકો હવે વાત પણ કરતા નથી.”
સપ્ટેમ્બર મહિનામાં આશરે 24.50 કરોડ રૂપિયાની લૉટરી જીત્યા બાદ અનૂપ દેશભરમાં છવાઈ ગયા હતા. આ રકમ કેરળમાં અત્યાર સુધી અપાયેલી સૌથી મોટી લૉટરી હતી.
ઘણા રાજ્યોમાં લૉટરી ગેરકાયદેસર છે, પરંતુ કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ઘણા નિયંત્રણો સાથે તેને મંજૂરી આપવામાં આવી છે.

‘લોકોનું તમારી સાથેનું વર્તન રાતોરાત બદલાઈ જાય છે’

ઇમેજ સ્રોત, Getty Images
આ લૉટરી જીત્યાના કેટલાક દિવસો બાદ અનૂપ એક વીડિયોના કારણે ફરી વખત અહેવાલોમાં ચમક્યા હતા. વીડિયોમાં તેઓ લોકોને વિનંતી કરી રહ્યા હતા કે પૈસા માટે તેમને અને તેમના પરિવારને હેરાન ન કરે. વીડિયોમાં તેમણે એમ પણ કહ્યું હતું કે “જો લોટરી ન જીત્યો હોત તો વધારે સારુ હોત.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અઠવાડિયે જ્યારે બીબીસીએ તેમનો સંપર્ક સાધ્યો તો શરૂઆતમાં તેઓ વાત કરતા ખચકાયા હતા. પણ તેઓ તસવીર ન છાપવાની શરતે વાત કરવા તૈયાર થયા કારણ કે દરેક નવા અહેવાલ બાદ તેમની મુશ્કેલીમાં વધારો થાય છે.
તેઓ કહે છે, “તમે આ વાત ત્યારે જ સમજી શકો જ્યારે એ તમારા પર વીતી હોય. આ કોઈ ફિલ્મ જેવું લાગે છે. તમે જેટલા લોકોને ઓળખો છો એ બધા જ અચાનક તમારા ઘરે આવી જાય છે.”
રસૌઇયામાંથી રિક્ષાચાલક બનેલા અનૂપ કેરળના તિરુવનંતપુરમમાં રહે છે અને છેલ્લા એક દાયકાથી વધારે સમયથી લૉટરીની ટિકિટો ખરીદે છે. તેઓ ઘણી વખત નાની રકમ જીત્યા પણ છે.
જોકે, આ જૅકપોટ જીત્યા બાદ તેઓ પોતાના જીવનને સંભાળવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે, “લોકોનું તમારી સાથેનું વર્તન રાતોરાત બદલાઈ જાય છે.”
લૉટરીની જાહેરાત બાદથી રોજ સેંકડો લોકો મદદ માટે તેમના ઘરની આસપાસ એકઠા થઈ જતા હોય છે. તેઓ જણાવે છે, “સવારના પાંચ વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી લોકો ઘર બહાર ઊભા રહેતા હતા.”

‘નવા બાઇકની માગ સાથે આખો દિવસ ઘર બહાર બેઠો’

ઇમેજ સ્રોત, Getty Images
લૉટરી જીત્યા બાદ અનૂપના પત્ની માયાએ સ્થાનિક મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ આ પૈસામાંથી લોકોને મદદ કરવાનું વિચારી રહ્યા છે. ત્યારથી સતત લોકો તેમની પાસે મદદ માગવા આવી રહ્યા છે.
રાજ્યભરમાંથી લોકો તેમની પાસે મદદ માગી રહ્યા છે. કેટલાક લોકો તેમની લોન ભરવા માટે તો કેટલાક લોકો પોતાની પુત્રીઓના લગ્ન કરાવવા માટે મદદ માગે છે.
આ પ્રકારની યોગ્ય મદદ સિવાય ઘણા એવા પણ લોકો તેમની પાસે આવે છે, જેઓ એ પૈસા પર તેમનો હક હોવાનું જણાવે છે.
અનૂપ કહે છે, “એક વ્યક્તિ નવું રૉયલ ઍનફીલ્ડ બાઇક લઈ આપવાની માગ સાથે આખો દિવસ અમારા ઘરમાં બેસી રહ્યો.”
તેમણે આગળ કહ્યું, “બધા એમ જ વિચારે છે કે આ પૈસા મને કંઈ કર્યા વગર મફતમાં મળ્યા છે અને મને કહે છે કે હું તેમાંથી થોડાક તેમને કેમ ન આપી શકું?”
ઓનલાઇન ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે પણ અનૂપ અને તેમના પત્ની ચિંતામાં છે.
તેઓ જણાવે છે, “એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એક કહેવાયું હતું કે હું પહેલેથી પૈસાદાર છું અને આ જીત એ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ હતો.”
અનૂપના કહેવા પ્રમાણે, તેઓ આજે પણ જાહેરમાં જતા ડરે છે. તેઓ આઠ મહિનાનો ગર્ભ ધરાવતી તેમની પત્ની અને એક નાનકડા બાળક માટે ચિંતિત છે.


ક્યારથી શરૂ થઈ મુશ્કેલી?

ઇમેજ સ્રોત, ANI
જોકે, એક બાબતને લઈને તેમને થોડી રાહત છે કે આવું કંઈ પહેલી વખત બન્યું નથી.
ઑક્ટોબર મહિનામાં અનૂપ એક સ્થાનિક ટીવી ચૅનલ દ્વારા આયોજિત ‘ગેમ શો’માં ગયા હતા. જ્યાં તેઓ 59 વર્ષીય જયપાલનને મળ્યા હતા.
જયપાલન ગયા વર્ષે જ અનૂપની જેમ એક જૅકપોટ જીત્યા હતા.
લૉટરીમાં આશરે 14 કરોડ રૂપિયા જીતનારા જયપાલન પણ અનૂપ જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા.
તેમણે શોમાં કહ્યું હતું કે “એ કહેવું મુશ્કેલ થઈ ગયું હતું કે હકીકતમાં કોને પૈસાની જરૂર છે. મિત્રો દુશ્મનો બની ગયા અને કેટલાક લોકો તો હજુ પણ નારાજ છે.”
જયપાલનને ઘણા ધમકીભર્યા પત્રો મળતા તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે અનૂપને પૈસાને લઈને સાવચેત રહેવાની સલાહ આપી હતી.

લૉટરીમાં જીતેલા રૂપિયામાંથી કેટલા કપાય છે

ઇમેજ સ્રોત, Getty Images
અનૂપ જણાવે છે, “લોકોને એમ લાગે છે કે લૉટરી જીત્યા બાદ પૈસાની સમસ્યા દૂર થઈ જશે. પણ હજુ સુધી અનિશ્ચિતતા છે. મને ખ્યાલ નથી કે ટૅક્સ ચૂકવ્યા બાદ મારી પાસે કેટલા રૂપિયા રહેશે.”
લૉટરીમાં જીતેલી રકમ પર રાજ્ય સરકાર 30 ટકા ટૅક્સ વસૂલે છે. આ સિવાય ટિકિટ એજન્ટનું કમિશન અને સેસ અને સરચાર્જ કપાયા બાદ કેટલી રકમ હાથમાં આવે તે કહી શકાય એમ નથી.
અનૂપના જીત્યા બાદ સર્જાયેલી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે તેમના માટે એક દિવસના પ્રશિક્ષણનું આયોજન કર્યું હતું. જેથી તેમને પૈસાનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે.
હાલમાં તેઓ લૉટરી જીત્યા બાદ પૈસા સાથે કંઈક કરતા પહેલાં રાહ જોવાની યોજના બનાવી રહ્યા છે.
તેઓ જણાવે છે, “તેમાં કોઈ સંદેહ નથી કે પૈસા આશીર્વાદ છે. પણ તેની સાથે કંઈક કરતા પહેલાં કે કોઈની મદદ કરતા પહેલાં હું એ સુનિશ્ચિત કરવા માગું છું કે મારું અને મારા પરિવારના ભવિષ્ય સુરક્ષિત રહે.”


















