કેરળ : રિક્ષાવાળાએ પુત્રના ગલ્લામાંથી 50 રૂપિયા કાઢી ટિકિટ ખરીદી, 25 કરોડની લૉટરી લાગી

ઇમેજ સ્રોત, AV MUZAFAR
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે
બે વર્ષના પુત્રનો ગલ્લો ફોડીને જ્યારે અનુપ બી પૈસા કાઢી રહ્યા હતા ત્યારે તેમનાં પત્ની તેમના પર ગુસ્સે થઈ બૂમો પાડી રહ્યાં હતાં.
પરંતુ પત્નીના ગુસ્સાને અવગણીને અનુપ બીએ ગલ્લામાંથી 50 રૂપિયા લઈને ઓણમ બમ્પર લૉટરીની ટિકિટ ખરીદી, જેનાથી તેમને 25 કરોડની લૉટરી લાગી.
અનુપ બીએ બીબીસીને કહ્યું, "તે ગુસ્સામાં કહી રહી હતી કે લૉટરીની ટિકિટ માટે ગલ્લો ફોડવો યોગ્ય નથી. પરંતુ જ્યારે મને ખબર પડી કે લૉટરી લાગી છે, ત્યારે મને માન્યામાં ન આવ્યું. પહેલા તો મારી પત્ની પણ માની ન શકી. જોકે, પછીથી તે ખૂબ ખુશ થઈ."
અનુપને આ લૉટરીની ટિકિટ માટે 500 રૂપિયાની જરૂર હતી, પરંતુ 50 રૂપિયા ઓછા પડતા હતા. તેમણે પોતાના પુત્રનો ગલ્લો ફોડીને 500 રૂપિયા પૂરા કર્યા.
તેમના કહેવા પ્રમાણે, બીજા દિવસે જ લૉટરીનો ડ્રો થવાનો હતો, આથી તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. જોકે, તેમનો આ પ્રયાસ સમગ્ર પરિવાર માટે નસીબનો પટારો ખોલવા જેવો સાબિત થયો.
એ પણ સંયોગ છે કે ગયા વર્ષે ઓણમ બમ્પર લૉટરીની ટિકિટ એક ઑટો રિક્ષાચાલકના નામે નીકળી હતી અને અનુપ પણ ઑટો રિક્ષા ચલાવે છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમના રહેવાસી અનુપ બી પર લાખો રૂપિયાનું દેવું છે.
29 વર્ષીય અનુપ કહે છે, "હું એક રેસ્ટોરાંમાં કામ કરતો હતો. હું થોડો સમય દુબઈમાં પણ રહ્યો. પરત આવ્યા પછી મેં અહીં ઑટો રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. હું દર મહિને 20થી 25 હજાર રૂપિયા કમાઈ લેતો હતો. પરંતુ ત્રણ મહિના પહેલાં કામ બંધ થઈ ગયું હતું."

25 કરોડની લૉટરી
- કેરળના શ્રીવરહમ શહેરના 29 વર્ષીય ઑટો રિક્ષા ડ્રાઇવર અનુપને લૉટરીમાં 25 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે
- અનુપે શનિવારે 500 રૂપિયામાં ઓણમની બમ્પર લૉટરીની ટિકિટ ખરીદી હતી, બીજા દિવસે નસીબ ચમક્યું
- છેલ્લાં 22 વર્ષથી ટિકિટ ખરીદે છે, ઘણાં ઈનામો મળ્યાં, અત્યાર સુધી સૌથી વધુ 2,000 રૂપિયા મળ્યા હતા
- ટૅક્સ કાપ્યા પછી તેમના હાથમાં પોણા 16 કરોડ રૂપિયા (15.75 કરોડ) હાથમાં આવશે

બૅન્કમાંથી લોન લેવાના હતા

ઇમેજ સ્રોત, AV MUZAFAR
ઑટો રિક્ષા ચલાવવાનું કામ છૂટ્યા પછી અનુપે રસોઈયા તરીકે કામ શોધવાનું શરૂ કર્યું. તેમને મલેશિયામાં દર મહિને 50 હજાર રૂપિયાની નોકરી પણ મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સ્થાનિક બૅન્કમાંથી 3 લાખ રૂપિયાની લોન માટે પણ અરજી કરી હતી.
તેઓ કહે છે, "લૉટરી લાગી તેના એક દિવસ પહેલાં બૅન્કની લોન મંજૂર કરવામાં આવી હતી. હું હજુ સુધી બૅન્કમાં ગયો નથી."
આમ તો અનુપને અચાનક લૉટરી નથી લાગી. તેઓ છેલ્લાં સાત વર્ષથી સતત લૉટરીની ટિકિટ ખરીદે છે. અગાઉ તેમને ક્યારેય 2,000 રૂપિયાથી વધુ જીતવાની તક મળી નહોતી.
તેમણે કહ્યું, "પહેલાં હું ક્યારેક-ક્યારેક જ લૉટરીની ટિકિટ ખરીદતો હતો. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં નિયમિતપણે ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું હતું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ લૉટરી જીતીને શું કરશે, તો અનુપે કહ્યું કે "સૌથી પહેલા હું લોન ચૂકવીશ, પાંચ-છ લાખનું દેવું છે."

કેરળ સરકારની લૉટરી
- કેરળ સરકારની લૉટરીમાં ગયા વર્ષે પણ એક ઑટો રિક્ષા ડ્રાઈવર 12 કરોડ રૂપિયા જીત્યા હતા
- આ વર્ષે લૉટરીમાં બીજું ઈનામમાં 5 કરોડ રૂપિયાનું મળ્યું છે
- 10 અન્ય લોકોને 1-1 કરોડ રૂપિયા મળ્યા છે
- કેરળ સરકારે આ વર્ષે સાડા 66 લાખ ટિકિટ વેચી, ઈનામ અને ટૅક્સ બાદ 270 કરોડ રૂપિયા એકઠા કર્યા છે

ટિકિટ ખરીદવાનું ચાલુ રાખીશ

ઇમેજ સ્રોત, AV MUZAFAR
ટૅક્સ ચૂકવ્યા પછી અને લૉટરી એજન્ટનું કમિશન ચૂકવ્યા પછી અનુપને લૉટરીમાંથી 15.75 કરોડ રૂપિયા મળશે. અનુપ બાકીના પૈસાનું શું કરશે - ઘર બનાવશે, રેસ્ટોરાં ખોલશે કે બીજું કંઈક કરશે?
અનુપ બીએ કહ્યું, "અત્યાર સુધી કંઈ વિચાર્યું નથી. મને હજુ પણ માન્યામાં નથી આવતું. જોકે હું ચોક્કસ ઘર બનાવીશ, જરૂરતમંદોને મદદ પણ કરીશ. આ સિવાય હું એક હોટલ પણ ખોલીશ. પરંતુ આ બધું ત્યારે જ થશે, જ્યારે કેરળ સરકાર તરફથી લૉટરીની ઈનામી રકમ મળશે."
કરોડો રૂપિયા જીત્યા પછી શું અનુપ ભવિષ્યમાં પણ લૉટરીની ટિકિટ ખરીદવાનું ચાલુ રાખશે?
તરત જવાબ આપતા અનુપે કહ્યું, "હા, હું ટિકિટ ખરીદતો રહીશ."
કેરળ સરકારને લૉટરી ટિકિટના વેચાણમાંથી પણ મોટી આવક થાય છે. ગયા અઠવાડિયે શનિવાર સુધીમાં સરકારે 66.5 લાખ ટિકિટો વેચીને આશરે રૂ. 270 કરોડ એકત્ર કર્યા હતા. આ રેવન્યુ ઈનામી રકમ અને GST ચુકવણી બાદ કર્યા પછીની છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












