વેદાંતા-ફૉક્સકૉન : મોદી સરકારમાં મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને વધારે મહત્ત્વ અપાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મયુરેશ કોન્નૂર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
વેદાંતા-ફૉક્સકૉનનો 1 લાખ 54 હજાર કરોડનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં ગયો છે. શિવસેના અને વિપક્ષો આક્ષેપો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર હંમેશા વિદેશી રોકાણ માટેનું પસંદગીનું સ્થળ રહ્યું છે, તેમ છતાં મહારાષ્ટ્ર ગુજરાત સામે ઝૂક્યું છે.
રાજ્યો વચ્ચે મૂડીરોકાણને લઈને સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની સ્પર્ધાનાં રાજકીય પરિણામો છે. તે આ બે રાજ્યોના નિર્માણ સાથે જોડાયેલા છે. પરંતુ આર્થિક ઉદારીકરણ પછી, વિદેશી મૂડીરોકાણ ઝડપી ગતિએ આવવાનું શરૂ થયું અને ત્યારથી આ બંને પડોશી રાજ્યો ટોચના ક્રમે આવે છે.
પરંતુ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના લાંબા શાસન સાથે સ્પર્ધા વધુ તીવ્ર બની.
ત્યારથી, બંને રાજ્યો વચ્ચે એકબીજા કરતાં વધુ પ્રોજેક્ટ્સ આકર્ષવાની સ્પર્ધા વધી છે. મહારાષ્ટ્રમાં ધીમે ધીમે એવી ચર્ચા શરૂ થઈ કે ગુજરાત પ્રોજેક્ટ મેળવવામાં અગ્રેસર છે. ઓળખની રાજનીતિમાં આ મુદ્દો મહત્ત્વનો હતો.
આર્થિક રાજધાની એવા મુંબઈ અને મહારાષ્ટ્રનું મહત્ત્વ ઘટાડવા માટે અહીંના પ્રોજેક્ટ ગુજરાતમાં લઈ જવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવતા હતા. મોદી વડા પ્રધાન બન્યા પછી આ દાવાઓ વારંવાર થતા રહ્યા. એવી ચર્ચાએ વેગ પકડ્યો કે કેન્દ્ર સરકાર દ્વારા મોદીના ગુજરાતને મહારાષ્ટ્ર કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચેના મતભેદ બાદ સેનાએ મુંબઈ અને મહારાષ્ટ્રની આર્થિક ઓળખનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અહીંના મૂડીરોકાણને ગુજરાતમાં ખેંચી જવામાં આવે છે.
વેદાંતા-ફૉક્સકૉન તેનું તાજેતરનું ઉદાહરણ છે. પરંતુ આ પહેલાં પણ અનેક ખાનગી સાહસો અને સરકારી સંસ્થાઓ પર ગુજરાતમાં જતી હોવાના આક્ષેપો થયા છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં ક્યારે, કયા પ્રોજેક્ટ પર અને કેવી રીતે વિવાદો થયા તે જોઈએ.

સંક્ષિપ્તમાં: વેદાંતા-ફૉક્સકૉન: શું ગુજરાતે ખરેખર મહારાષ્ટ્રના પ્રોજેક્ટને આંચકી લીધો?

- વેદાંતા-ફૉક્સકૉનનો 1 લાખ 54 હજાર કરોડનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં ગયો છે
- આર્થિક રાજધાની એવા મુંબઈ અને મહારાષ્ટ્રનું મહત્ત્વ ઘટાડવા માટે અહીંના પ્રોજેક્ટ ગુજરાતમાં લઈ જવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવતા હતા.
- ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટરનો વિચાર કેન્દ્રમાં કૉંગ્રેસની આગેવાની હેઠળની 'યુપીએ' સરકાર દરમિયાન કરવામાં આવ્યો હતો. 2017માં તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે IFSCનું મુખ્યાલય ગાંધીનગરના 'ગિફ્ટ સિટી'માં હશે. ત્યારે તેને લઈને મોટો વિવાદ થયો હતો
- મુંબઈમાં 26/11ના હુમલા બાદ પાલઘરમાં એનએસજી અને નેશનલ મરીન પોલીસ એકૅડેમી ઊભી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેના માટે જગ્યા પણ મળી ગઈ હોવાનું કહેવાયું હતું. પરંતુ કેન્દ્રમાં સત્તા પરિવર્તન બાદ આ બંને સંસ્થાઓને ગુજરાતમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.
- અદાણી ગ્રૂપે થોડા સમય પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે પણ આવો જ વિવાદ ઊભો થયો હતો.
- આદિત્ય ઠાકરે અનુસાર, ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી રોકાણ આકર્ષવા માટે દેશભરમાં 'બલ્ક ડ્રગ પાર્ક' સ્થાપવાની યોજના હતી. પરંતુ આ ડ્રગ પાર્ક ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશને આપવામાં આવ્યા હતા.


ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાને યાદ હશે કે છેલ્લા કેટલાક સમયથી આ અંગે સતત ચર્ચા થતી રહી છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટરનો વિચાર કેન્દ્રમાં કૉંગ્રેસની આગેવાની હેઠળની 'યુપીએ' સરકાર દરમિયાન કરવામાં આવ્યો હતો. ત્યારે મનમોહનસિંહ વડા પ્રધાન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાણાકીય સેવાઓ સંબંધિત તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓની ઑફિસો આ એક કેન્દ્રમાં રાખવામાં આવશે. રિઝર્વ બૅન્ક, સેબી, આંતરરાષ્ટ્રીય બૅન્કો, રોકાણ સંસ્થાઓ, વીમા કંપનીઓ જેવી નિયમનકારી સંસ્થાઓની સાથે તમામ મોટી નાણાકીય સંસ્થાઓ આ કેન્દ્રમાં હશે.
મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાથી અને રિઝર્વ બૅન્ક સહિતની ઘણી સંસ્થાઓ અહીં આવેલી હોવાથી આ કેન્દ્ર અને તેનું મુખ્યાલય મુંબઈમાં જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે આ હેતુ માટે બાંદ્રા-કુર્લા સંકુલમાં એક પ્લૉટ અનામત રાખ્યો હતો. મહારાષ્ટ્રની સાથે ગુજરાત પણ આ કેન્દ્ર પોતાના રાજ્યમાં રાખવાનો આગ્રહ કરી રહ્યું હતું.
નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે આગ્રહ કર્યો હતો કે આ કેન્દ્ર ગાંધીનગરના 'ગિફ્ટ સિટી'માં હોવું જોઈએ જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. કોઈપણ રાજ્યમાં રોકાણ માટે આવું સેન્ટર હોવું જરૂરી છે.
2014માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને ત્યારપછી નીતિમાં પરિવર્તન આવ્યું. 2017માં તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે IFSCનું મુખ્યાલય ગાંધીનગરના 'ગિફ્ટ સિટી'માં હશે. ત્યારે તેને લઈને મોટો વિવાદ થયો હતો.
શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર દ્વારા મુંબઈનું મહત્ત્વ ઘટાડવા અને ગુજરાતનું મહત્ત્વ વધારવાનું આ ષડયંત્ર છે. આને લઈને મહારાષ્ટ્રમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો.
આ વિશે વાત કરતાં દેવેન્દ્ર ફડણવીસે 2020માં કહ્યું હતું કે, "2007માં કેન્દ્ર સરકારની એક સમિતિએ આવા નાણાકીય સેવા કેન્દ્રનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારથી 2014 સુધી મહારાષ્ટ્રના શાસકોએ તેના વિશે કંઈ કર્યું નથી."
"તેઓ હવે બુમરાણ મચાવી રહ્યા છે. તેનું હૅડક્વાર્ટર ગાંધીનગર ખસેડવામાં આવ્યું કારણ કે 'ગિફ્ટ સિટી'માં એક માત્ર સેવા કેન્દ્ર કાર્યરત હતું."

નેશનલ મરીન પોલીસ એકૅડેમી અને નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (એનએસજી)
મુંબઈમાં 26/11ના હુમલા બાદ પશ્ચિમ કિનારા પર સુરક્ષા વધારવાની ખાસ કરીને મુંબઈની સુરક્ષાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા હતા. બધાએ જોયું હતું કે કેવી રીતે નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ એટલે કે એનએસજી કમાન્ડોએ મુંબઈમાં હુમલાખોરોને અંકુશમાં લેવામાં મદદ કરી.
જે બાદ દેશમાં એનએસજી હબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે હબના કારણે આવા હુમલા દરમિયાન દેશના કોઈપણ ભાગમાં ઝડપથી પહોંચી શકાય.
દરિયાકાંઠાની સુરક્ષા માટે એનએસજીની સાથે મરીન પોલીસનો કૉન્સેપ્ટ પણ હતો. આથી મુંબઈ નજીક પાલઘરમાં એનએસજી અને નેશનલ મરીન પોલીસ એકૅડેમી ઊભી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેના માટે જગ્યા પણ મળી ગઈ હોવાનું કહેવાયું હતું. પરંતુ કેન્દ્રમાં સત્તા પરિવર્તન બાદ આ બંને સંસ્થાઓને ગુજરાતમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે પણ ભારે ચર્ચા થઈ હતી.
શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે 2015માં લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
કીર્તિકરે ત્યારે પૂછ્યું હતું, "26/11ના હુમલા પછી એનએસજી અને નેશનલ મરીન પોલીસ એકૅડેમી બંને મુંબઈમાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુંબઈની નજીક હોવાને કારણે પાલઘરને પસંદ કરવામાં આવ્યું હતું. સરકારે ત્યાં 305 એકર જમીન પણ સંપાદિત કરી હતી. હવે કોઈ કારણ વગર, ગૃહમંત્રાલયે પ્રોજેક્ટને ગુજરાતના દ્વારકામાં ખસેડવાનો નિર્ણય લીધો છે. 720 કિલોમિટર લાંબા પશ્ચિમ તટના છેડે. એટલે કે કેરળમાં કંઈક થાય તો ત્યાં દ્વારકાથી સરળતાથી કેવી રીતે જઈ શકાય?"
હિંદુસ્તાન ટાઇમ્સમાં તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

બીજી ઘણી દલીલો

ઇમેજ સ્રોત, Getty Images
રોકાણ માટેની સ્પર્ધાની સાથે મરાઠી અસ્મિતાને લઈને પણ આ રાજનીતિમાં વિવાદો ચાલતા રહ્યા. વર્તમાન સત્તાધારી પક્ષ મહારાષ્ટ્ર પ્રત્યે પક્ષપાતી વલણ રાખીને ગુજરાત તરફ ઝૂકી રહ્યો હોવાના સતત આક્ષેપો થઈ રહ્યા છે.
ફૉક્સકૉન-વેદાંતા કેસ બાદ આ વિવાદ વધુ ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ તે પહેલાં પણ અન્ય કારણોસર વિવાદો થયા છે.
અદાણી ગ્રૂપે થોડા સમય પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે પણ આવો જ વિવાદ ઊભો થયો હતો. અદાણી જૂથ મુંબઈ ઍરપૉર્ટ હૅડક્વાર્ટરને અમદાવાદ ખસેડી રહ્યું છે. સ્વાભાવિક છે કે મુંબઈમાં તેની અસર પડી હતી.
ફૉક્સકૉન પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા બાદ રોજેરોજ રાજ્ય સરકારની ટીકા કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ખસેડાયેલા રોકાણને લઈને વધુ એક ગુપ્ત ધડાકો કર્યો છે.
આદિત્યના જણાવ્યા અનુસાર, "ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી રોકાણ આકર્ષવા માટે દેશભરમાં 'બલ્ક ડ્રગ પાર્ક' સ્થાપવાની યોજના હતી."
"આ માટે, ઠાકરે સરકાર દરમિયાન એક પહેલ કરવામાં આવી હતી અને રાયગઢ જિલ્લામાં એક જગ્યાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આદિત્યનો આરોપ છે કે આ ડ્રગ પાર્ક ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશને આપવામાં આવ્યા હતા."
આદિત્યએ પોતાના ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે, "વેદાંતા-ફૉક્સકૉનને મોટો પ્રોજેક્ટ ગુમાવ્યા બાદ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર દ્વારા હાથ ધરાયેલો બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ ગુજરાત, આંધ્ર, હિમાચલ પ્રદેશમાં ગયો માત્ર ખોકે સરકાર (નોટોના ખોખાની સરકાર)ની આળસ અને આમાં રસ ન હોવાને કારણે."
જોકે મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંતે આ આરોપોને ફગાવી દીધા છે.
ગુજરાત અને મુંબઈ બંનેમાં ચૂંટણી નજીક આવી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા પર આવી ગયો છે. આવા સમયે રોકાણ અને ઓળખ બંને મુદ્દે નજીકના ભવિષ્યમાં મોટો રાજકીય સંઘર્ષ થશે તે નિશ્ચિત છે. ત્યારે પણ વર્તમાન અને ભૂતકાળના તમામ વિવાદો પર ફરીથી આ ચર્ચા ચકડોળે ચડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













