એ શખ્સ જે દેવાના કારણે રસ્તા પર આવી ગયો, પછી કંઈક એવું થયું કે રાતોરાત કરોડપતિ બની ગયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચેરિલૅન મોલન અને મેરિલ સેબિસ્ટિયન
- પદ, બીબીસી ન્યૂઝ

- મોહમ્મદ બાવાને એટલું દેવું વધી ગયું હતું કે તેમને ઘર વેચવાનો નિર્ણય કર્યો હતો
- બાવા દક્ષિણના કેરળ રાજ્યમાં તેમના હોમ ટાઉન કાસરગોડમાં સેલિબ્રિટી બની ગયા છે
- બાવાનું કુટુંબ એક સમયે દેવામુક્ત મધ્યમવર્ગનું હતું. બાવા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા

એ એક રાહતની પળ હતી કે મોહમ્મદ બાવાના મિત્રે તેમને અનપેક્ષિત પણ સુખદ સમાચાર આપવા માટે બોલાવ્યા.
મિત્રે તેમને જણાવ્યું કે તેઓ લૉટરીમાં એક કરોડ (દસ મિલિયન) રૂપિયા જીત્યા છે, જેને તેઓ લગભગ એક વર્ષથી જીતવાની કોશિશ કરી રહ્યા છે.
25 જુલાઈની વાત છે. બાવા કેરળ રાજ્યમાં તેમના હોમટાઉન કાસરગોડમાં સેલિબ્રિટી બની ગયા છે.
ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં લૉટરી આમ તો ગેરકાયદેસર છે પરંતુ કેરળ સહિત કેટલાક તેને કડક દેખરેખ અને નિયમો હેઠળ મંજૂરી આપે છે.
મોહમ્મદ બાવા માટે આનાથી વધુ સારો સમય કયો હોઈ શકે, કેમ કે તેઓ વર્ષોથી દેવા તળે દબાયેલા હતા. તેઓ ધિરાણકર્તાઓને પૈસા ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તેના કારણે તેઓ અને તેમનો પરિવાર ભારે નાણાકીય સ્થિતિમાં પસાર થઈ રહ્યા હતા અને તણાવ પણ હતો.
આથી દેવું ભરવા માટે પરિવારે તેમનું મકાન વેચવાનો નિર્ણય કર્યો હતો. ફોન આવ્યો તેના કલાકો પહેલાં મોહમ્મદ બાવાએ ઘર ખરીદનાર સાથે લગભગ સોદો કરી લીધો હતો.

મકાન વેચવાનો નિર્ણય કર્યો પણ...
25 જુલાઈના રોજ, તેઓ તેમના ઘરના વેચાણની પુષ્ટિ કરવા અને ઍડ્વાન્સ પેમેન્ટ માટે સાંજે 5.30 વાગ્યે સંભવિત ખરીદદારને મળવાના હતા.
પરંતુ તેમના નસીબમાં કંઈક બીજું લખ્યું હતું. તેમને હજુ પણ એ ક્ષણ યાદ છે જ્યારે તેમના મિત્ર ગણેશે તેમને ફોન કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બપોરે 3:20 વાગ્યે તેમને ગણેશ તરફથી દિવસનાં પરિણામો વિશે દૈનિક વૉટ્સઍપ મૅસેજ મળ્યો, અને તરત જ તેમનો ફોન આવ્યો.
મોહમ્મદ બાવાએ બીબીસીને જણાવ્યું હતું કે, "મને ખૂબ જ રાહત થઈ હતી. મારી પાસે મદદ માટે બહુ ઓછા લોકો હતા."
"અમે ઉત્સાહિત હતા, અમારી પાસે અમારી ખુશીનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નહોતા."
કરવેરાને બાદ કરતા મોહમ્મદ બાવાને 6.3 મિલિયન રૂપિયા મળવાની અપેક્ષા છે. સ્પષ્ટ નથી કે તે ક્યારે પૈસા મેળવી શકશે. પરંતુ તેમને હવે ચિંતા નથી, કારણ કે ધિરાણકર્તાઓએ તેમના દરવાજા ખટખટાવવાનું બંધ કરી દીધું છે.
તેઓ કહે છે, "હું લૉટરી જીત્યા પછી દેવાદારો શાંત થઈ ગયા છે. જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે લોકો પૈસા માટે બૂમો પાડે છે. પરંતુ તેમને હવે ખબર છે કે તેમને ચૂકવવા માટે મારી પાસે પૈસા છે, એટલે બધું શાંત થઈ ગયું છે."

કોરોનાકાળમાં આર્થિક ભીંસ આવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
બાવાનું કુટુંબ એક સમયે દેવામુક્ત મધ્યમવર્ગનું હતું. બાવા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કામ ઓછું મળતું હતું. 2020ની શરૂઆતમાં ભારત અને વિશ્વમાં કોવિડ -19 રોગચાળાએ ફટકો માર્યો તે પછી તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી.
તેમણે કામ શોધવા માટે સંઘર્ષ શરૂ કર્યો પણ દેવું વધતું ગયું. તેમણે લોન લઈને પરિવારનું ગુજરાન ચલાવ્યું. તેમને પાંચ બાળકો છે જેમાંથી બેનાં લગ્ન તાજેતરમાં જ થયાં છે. લગ્નમાં ખર્ચ થયો અને તેમની આર્થિક મુશ્કેલીઓ વધુ વકરી.
તેમણે તેમના પુત્રના કતારપ્રવાસ માટે પણ પૈસા ચૂકવ્યા હતા, જેથી તેને ત્યાં સારી નોકરી મળી શકે. આ માટે તેમણે વધુ લોન લીધી હતી.
તેમને આશા હતી કે તેમનું કામ ઝડપથી થશે અને તેઓ દેવાની ચુકવણી કરી શકશે, જે આ વર્ષે જુલાઈમાં લગભગ 5 મિલિયન રૂપિયા હતા.
તેઓ કહે છે, "લગ્નના ખર્ચને લીધે દેવું લગભગ 1થી 1.5 મિલિયન રૂપિયા થયું. મારે બધાને પૈસા ચૂકવવાના હતા પણ આવકનો કોઈ સ્રોત નહોતો."
વધતું દેવું પરિવાર માટે સતત ચિંતાનું કારણ બનતું હતું. આવકના અન્ય કોઈ સ્રોત કે લોન ચૂકવવાનો માર્ગ શોધવામાં નિષ્ફળ ગયા પછી પરિવારે ઘર વેચવાનો કઠિન નિર્ણય લીધો.
તેઓ તાજેતરમાં જ તેમના સપનાના ઘરમાં રહેવા ગયા હતા અને હવે તેમને તે વેચવાનું હતું. બાવાએ પોતાનું ઘર બજારમાં મૂકતા પહેલાં ભાડા માટે ઘર શોધી કાઢ્યું હતું.

એક વર્ષ સુધી ચાલ્યો નિત્યક્રમ
તેઓ છેલ્લા એક વર્ષથી લૉટરીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા પરંતુ તેમને ખાસ સફળતા મળી નહોતી.
તેઓ કહે છે કે તે એક ભયાવહ ચાલ હતી અને જાણતા હતા કે જીતવા માટે એક ચમત્કારની જરૂર છે, કારણ કે તેની તકો લાખોમાંથી એકને મળે છે. તેમણે સફળતા મેળવવા વર્ષ સુધી રાહ જોઈ પરંતુ આખરે હાર માની લીધી અને પોતાનું ઘર વેચવાનું નક્કી કર્યું.
મોહમ્મદ બાવા તેમના મિત્ર ગણેશ પાસેથી ટિકિટ ખરીદતા હતા, જે લૉટરીની ટિકિટ વેચતી એક નાની દુકાન ચલાવતા હતા. દરરોજ બાવા તેમની પાસેથી ટિકિટ ખરીદતા અને ગણેશ પાસેથી તેમને ખબર પડતી કે તેઓ જીત્યા નથી. આમ, એક વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલુ રહ્યો.
ગણેશ રોમાંચિત થઈ ગયા, જ્યારે તેમને ખબર પડી કે તેમનો મિત્ર જીત્યો છે અને તેમણે તરત જ મોહમ્મદ બાવાને ફોન કર્યો.
"તમે બચી ગયા છો," તેમણે બાવાને ફોન પર કહ્યું.
બાવાને ગણેશના આ શબ્દો બરાબર યાદ છે. તેઓ ખરેખર બચી ગયા હતા.
જ્યારે ફોન આવ્યો ત્યારે તેની ખુશીને વર્ણવવા માટે તેમની પાસે અને તેમના પરિવાર પાસે શબ્દો નહોતા.
ઇનામની રકમ કદાચ મોટી લાગે છે, પરંતુ દેવાની ચુકવણી કર્યા પછી બાવા પાસે વધુ પૈસા બચશે નહીં. પરંતુ તેઓ બાકીની રકમનો સદુપયોગ કરવા માગે છે.
બાવા હવે તેમના મિત્ર ગણેશને ઘર ખરીદવામાં મદદ કરવા માગે છે.
તેઓ કહે છે, "ગણેશ પણ સંઘર્ષ કરી રહ્યો છે, કારણ કે તેની પાસે પોતાનું ઘર નથી."
મોહમ્મદ બાવા કેટલાક પૈસા ગરીબોને દાન કરવા પણ માગે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














