બોટાદ લઠ્ઠાકાંડ : સરકારે કહ્યું કેમિકલકાંડ, મૃતકોના પરિવારે કહ્યું 'આ લઠ્ઠાકાંડ જ છે'
બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં કથિતપણે ઝેરી દારૂ પીધા બાદ 39 લોકોનાં મૃત્યુ થયાં છે અને 90 જેટલા લોકો સારવાર હેઠળ છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
જિલ્લામાં હાલ એવાં કેટલાંક ગામો છે જ્યાં માતમનો માહોલ છે. ઘણા પરિવારોએ પોતાનો મોભ ગુમાવ્યો છે.
બોટાદમાં થયેલા આ 'લઠ્ઠાકાંડ'ને લઈને રાજ્યભરમાં આક્રોશ છે.
ત્યારે મીડિયા અહેવાલો અને સરકાર તેમજ પોલીસમાં આ ઘટનાના 'કેમિકલકાંડ' તરીકેના નિરૂપણથી અનેક મૂંઝવણો ઊભી થઈ છે.
લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું ખરેખર આ લોકોનાં મૃત્યુ 'ઝેરી દેશી દારૂ' એટલે કે લઠ્ઠાના કારણે થયાં છે કે પછી જે રીતે દાવા થઈ રહ્યા છે એમ 'કેમિકલ' પીવાથી થયાં હતાં?

'કેમિકલ હોય કે દારૂ, ગામડાના લોકોને ક્યાંથી ખબર પડે?'

અમદાવાદ જિલ્લાના ધંધુકાના ભીમજી અણિયારી ગામમાં એક જ પરિવારના હિંમતભાઈ અને રમેશભાઈના આ કાંડમાં મૃત્યુ થયાં છે.
તેમના સંબંધી બળદેવભાઈએ કહ્યું, "ગામડામાં રહેતા લોકોને દારૂ અને કેમિકલમાં શું ફરક ખબર પડે? તેઓ વર્ષોથી જ્યાં દારૂ મળતો હતો ત્યાં જઈને દારૂ લેતા હતા અને પીતા હતા."
મૃતકના સ્વજન ધનજીભાઈએ કહ્યું, "મેં તેમને ના પાડી હતી કે હમણાં થોડા દિવસ ન પીવો. પણ એમણે કહ્યું કે 'મારે કામ કરવા જવું છે અને બરાબર નથી લાગતું. એક પોટલી પી લેવા દે, હું બરાબર થઈ જઈશ.' બાદમાં તેમની તબિયત વધારે બગડી અને એકાદ કલાકમાં જ તેમનું મૃત્યુ થયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "જો તેમને ખબર હોત કે આ દારૂ નથી કેમિકલ છે તો એ ખુદ ન પીતા. મજૂરીકામ કરતા લોકો થાક ઉતારવા માટે દારૂ પીતા હોય છે અને એ લોકોએ જે પણ પીધું હતું એ દારૂ સમજીને જ પીધું હતું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીના જણાવ્યા પ્રમાણે, સરકાર ખાલી ભરમાવવા માટે આમ કહી રહી છે.
તેઓ કહે છે, "પોલીસ કહે છે કે કેમિકલ પીવાથી આ લોકોનાં મૃત્યુ થયાં છે. તો મુદ્દો એ જ છે કે જો ગામમાં દારૂ વેચાવાનો બંધ થઈ ગયો હોય અને તેની જગ્યાએ કેમિકલ મળવાનું શરૂ થઈ ગયું હોય તો એમાં વાંક કોનો?
રોજિદથી આશરે 19 કિલોમીટર દૂર આવેલા આકરુ ગામના સરપંચ તુષાર દવે કહે છે, "થોડાં વર્ષો પહેલાં સુધી અમારા ગામમાં બીડી કે તમાકુ પણ મળતાં નહોતાં. અમારે ત્યાંથી મજૂરીકામ કરવા જતા કેટલાક લોકો અહીંથી ચારેક કિલોમીટર દૂર આવેલા ચોકડી ગામ પાસેથી દારૂ પીને આવ્યા હતા અને બાદમાં અમારા ગામમાં પહેલો કેસ નોંધાયો હતો."
તેમનું કહેવું છે કે. "આ ચોક્કસપણે કેમિકલ પીવાથી જ મૃત્યુ થયાં છે કારણ કે દારૂ પીવાથી અત્યાર સુધી તો આ રીતે કોઈનાં મૃત્યુ થયાં નથી."

'દરોડા પાડ્યા તો દારૂ મળ્યો અને મૃતકોએ પીધું એ કેમિકલ કેવી રીતે?'

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
ધંધુકાના ભીમજી અણિયારી ગામની મુલાકાતે આવેલા અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય અને કૉંગ્રેસ નેતા હરપાલસિંહ ચુડાસમા આરોપ લગાવે છે કે "સરકાર પોતાની ભૂલ સંતાડવા અને જવાબદારીમાંથી છટકવા માટે લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ગણાવી રહી છે."
તેમણે આગળ કહ્યું, "આ ઘટના બાદ જ્યાં-જ્યાં પોલીસે દરોડા પાડ્યા છે, ત્યાંથી તેમને દેશી દારૂ અથવા તો દેશી દારૂ બનાવવાનો સામાન મળી આવ્યો છે. તો પછી આ લોકોએ જે પીધું એ કેમિકલ કેવી રીતે હોઈ શકે?"
સરકારના દાવા વિશે હરપાલસિંહે કહ્યું, "જો ગૃહમંત્રી એમ કહેતા હોય કે પોલીસની કડક કાર્યવાહીથી ગુજરાતમાં ક્યાંય દારૂ નથી મળતો તો તાજેતરમાં છોટાઉદેપુર ભાજપના ઉપાધ્યક્ષ કેવી રીતે દારૂ પીને જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા."
અંતે તેમણે કહ્યું, "એ લોકો સત્તામાં છે, તેમણે જે બોલવું અને કરવું હોય એ કરે. અહીં જે લોકોએ પોતાના પતિ, પુત્ર તેમજ પરિવારને ગુમાવ્યા છે તેમને જવાબ મળવો જોઈએ અને પૂરતું વળતર મળવું જોઈએ."
બીબીસી સાથે વાત કરતાં બોટાદ મતવિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે, તેમણે તાલુકા કક્ષાની સંકલન બેઠકમાં દારૂના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
લઠ્ઠાકાંડ મામલે વધુ વિગતો મેળવવા માટે બીબીસીએ ભાજપના સ્થાનિક વરિષ્ઠ નેતા અને બોટાદના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનો પણ સંપર્ક કર્યો હતો.
તેમણે કહ્યું, "પોલીસ ગુનેગારોને પકડવા માટે અથાક મહેનત કરી રહી છે. મારા કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં દારૂના કોઈ અડ્ડા નહોતા ચાલતા. આ બધું કૉંગ્રેસના ધારાસભ્યે ચાર્જ સંભાળ્યા પછી શરૂ થયું છે."

શું કહેવું છે પોલીસનું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે 88 લોકો હજુ પણ ભાવનગર અને અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.
ભાવનગરના રેન્જ આઈજી અશોક યાદવે અગાઉ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં છ લોકો વૅન્ટિલેટર પર છે. પોલીસ સમક્ષ કૂલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે."
બોટાદના પૂર્વ એસપી કરણરાજ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બરવાળા તાલુકાના રોજિદ ગામમાં એક કેસ નોંધાયો હતો જેમાં એક વ્યક્તિનું ઝેરી કેમિકલ પીને અંકુર હૉસ્પિટલમાં સારવાર હેઠળ મૃત્યુ થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક પોલીસની દસ ટીમો બરવાળા પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવી હતી."
"પોલીસે ઝેરી કેમિકલ પીવાથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગામડાંમાં પણ સરપંચ અને આરોગ્ય ટીમને લઈને કૉમ્બિંગ કર્યું હતું."
"બરવાળાનાં પ્રતિબંધિત બૂટલેગર ગજુબહેન વડદરિયાએ ઝેરી કેમિકલ રોજિદ ગામના લોકોને આપેલું હતું અને ગજુબહેનની પૂછપરછ કરતા ખબર પડી કે તેમણે ચોકડી ગામના પિંટુ અને લાલો નામના લોકો પાસેથી તેમણે આ ઝેરી કેમિકલ મેળવ્યું હતું."
"તેમને પણ પોલીસે પકડીને પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું કે નભોઈ ગામના સંજય અને હરેશ પાસેથી પિંટુ અને લાલો 200 લિટર કેમિકલ લાવ્યા હતા. રાત્રે સંજયને પકડીને પૂછપરછ કરી હતી."
"સંજયે અમદાવાદના રાજુભાઈ ઉર્ફ જયેશ પાસેથી કેમિકલ મેળવ્યું હતું. જયેશ નારોલની એક ફેકટરીમાંથી 600 લિટર કેમિકલ લઈ આવ્યો હતો."
"રાજુ રિક્ષામાં ધંધુકાની હદમાં 600 લિટર કેમિકલ આપવા આવ્યો હતો. સંજય, હરેશ અને ત્રીજી વ્યક્તિ નસીમે, 600 લિટર લીધું હતું જેમાંથી સંજયે 200 લિટર રાખ્યું હતું. ત્રણ લોકોએ આ 600 લિટર કેમિકલ મળ્યું હતું. પિંટુ પાસેથી 135 લિટર કબજે કરવામાં આવ્યું છે અને સંજય પાસેથી પણ કેમિકલ પકડાયું છે."
"કુલ મળીને જે 600 કેમિકલ મળ્યું હતું 595થી 600 લિટરનો તાળો મળી ગયો છે. જેને જેને પણ કેમિકલ સપ્લાય કર્યું હતું તેવા ત્રણ-ચાર લોકોને પણ પકડવામાં આવ્યા છે. ગજુબહેન, ભવાન અને સનીકુમાર ખાણિયાને કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું."

સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, TWITTER/@HARSHSANGHAVI
બુધવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ કેસમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, "કેમિકલ ચોરાયું ત્યાંથી લઈને વેચનાર સુધી તમામ લોકોને પકડી લેવામાં આવેલા છે. આ ઘટના અત્યંત દુ:ખદ છે અને ત્યાર બાદ પોલીસે બે દિવસમાં તમામ દિશામાં કામગીરી કરતાં આટલી જલદી ઉંડાણ સુધી આ કેસમાં પહોંચી શકાયું છે. "
પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયામાં સરપંચનો પત્ર પ્રસિદ્ધ થયો હતો. જેના આધારે આ ગામ અને આજુબાજુના ગામડાંમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગામલોકોના કહેવા અનુસાર દેશી દારૂની તમામ ભઠ્ઠીઓ પોલીસે બંધ કરાવી હતી. તેથી દેશી દારૂના બદલે આ પ્રકારનું કેમિકલ વેચવા માટે મજબૂર થયા હતા."
તેમણે વધુમાં કહ્યું, "કેમિકલકાંડ કે લઠ્ઠાકાંડ, સરકાર કોઈ રીતે હાથ ઊંચા કરવા નથી માગતી. આ લઠ્ઠો છે કે કેમિકલ, તે વિવાદમાં નથી પડવા માગતા. સરકાર સો ટકા કડકમાં કડક પગલાં ભરશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જોકે, તેનાં એક દિવસ પહેલાં મંગળવારે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારપરિષદમાં સંબંધિત કેસ અંગે માહિતી આપી હતી.
તેમણે આપેલી માહિતીમાં 'અમદાવાદથી ચોરી કરાયેલું કેમિકલ કેવી રીતે બોટાદ સુધી પહોંચ્યું અને દારૂ તરીકે વેચવામાં આવ્યું' તેનો સ્પષ્ટ અને મુદ્દાસર ઉલ્લેખ હતો. પત્રકારપરિષદમાં તેમણે 'દેશી દારૂ' કે 'લઠ્ઠાકાંડ' શબ્દને અવગણ્યા હતા.
આ મામલે સરકારનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગૃહવિભાગના સચિવ રાજકુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તે થઈ શક્યો ન હતો.

દેશી દારૂ ઝેર કઈ રીતે બની જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.
હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી જાણકારી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબા ગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.
કાચા દારૂમાં યૂરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિએક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે.
બીબીસીએ 12 ફેબ્રુઆરી 2019ના રોજ દેશી દારૂના જીવલેણ બનવા અંગે કેમિસ્ટ્રીનાં નિષ્ણાત આભા ચૌધરીનો આ લેખ પ્રકાશિત કર્યો હતો. જે તમે અહીં વાંચી શકો છો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













