પાકિસ્તાનનાં પ્રથમ હિન્દુ મહિલા ડીએસપી મનીષા રૂપેતાના સંબંધીઓને નથી લાગતું કે તેઓ 'ટકશે'

- લેેખક, શુમાયલા ખાન
- પદ, બીબીસી સંવાદદાતા

- મનીષા રૂપેતા પાકિસ્તાનમાં ડીએસપી તરીકે નિયુક્ત થનારા પ્રથમ હિન્દુ મહિલા છે
- મનીષાની માતાએ સ્વબળે પાંચ બાળકોનો ઉછેર કર્યો છે
- મનીષાની ત્રણ બહેનો એમબીબીએસ ડૉક્ટર છે, જ્યારે તેમના નાના ભાઈ મેડિકલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે
- મનીષાએ સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાના 438 સફળ અરજદારોમાં 16મું સ્થાન મેળવ્યું

મનીષા રૂપેતા પાકિસ્તાનમાં ડીએસપી તરીકે નિયુક્ત થનારાં પ્રથમ હિન્દુ મહિલા છે. તેમણે સિંધ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને અને તાલીમ પૂરી કરીને આ સિદ્ધિ મેળવી છે.
મનીષા સિંધ જિલ્લાના પછાત અને નાના જિલ્લા જાકૂબાબાદનાં છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહીંથી મેળવ્યું હતું. તેમના પિતા જાકૂબાબાદમાં વેપારી હતા. મનીષા 13 વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થયું હતું.
મનીષાનાં માતાએ સ્વબળે પાંચ બાળકોનો ઉછેર કર્યો. બાળકોના સારા ભવિષ્ય માટે તેઓ કરાચી ગયાં હતાં. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં મનીષાએ જણાવ્યું કે જાકૂબાબાદમાં દિકરીઓને ભણાવવા માટે યોગ્ય વાતાવરણ નહોતું.
જો કોઈ છોકરીને ભણવામાં રસ હોય તો તેને માત્ર ડૉક્ટરનો અભ્યાસ કરવા યોગ્ય ગણવામાં આવતી હતી.
મનીષાનાં ત્રણ બહેનો એમબીબીએસ ડૉક્ટર છે, જ્યારે તેમના નાના ભાઈ મેડિકલ મૅનેજમેન્ટનો અભ્યાસ કરે છે.

'પોલીસમાં જવાની તમન્ના હતી'

મનીષાએ ડૉક્ટર બનવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ માત્ર એક નંબર ઓછો હોવાને કારણે તેમને એમબીબીએસમાં ઍડમિશન ન મળ્યું. આ પછી તેમણે ડૉક્ટર ઑફ ફિઝિકલ થેરપીની ડિગ્રી લીધી.
આ દરમિયાન તેમણે કોઈને જાણ કર્યા વિના સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેમણે આ પરીક્ષા પાસ કરી એટલું જ નહીં પરંતુ 438 સફળ અરજદારોમાં 16મું સ્થાન મેળવ્યું.
પાકિસ્તાનમાં સામાન્ય રીતે મહિલાઓ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જતી નથી. આ જગ્યાઓ મહિલાઓ માટે યોગ્ય માનવામાં આવતી નથી, તેથી જરૂર પડ્યે અહીં આવતી મહિલાઓ પુરૂષોની સાથે આવે છે. આવા વાતાવરણમાં મનીષાએ પોલીસ ફોર્સમાં જોડાવાનું કેવી રીતે નક્કી કર્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે તેઓ એ ધારણાને બદલવા માગે છે કે સારા પરિવારની છોકરીઓ પોલીસ સ્ટેશન નથી જતી.
તેમણે કહ્યું, "અમને સ્પષ્ટ ખ્યાલ છે કે કયો વ્યવસાય મહિલાઓ માટે છે અને હતો. પરંતુ પોલીસ ક્ષેત્રમાં જવાનું મને હંમેશા આકર્ષણ રહ્યું હતું. મને લાગે છે કે આ વ્યવસાય મહિલાઓની સ્થિતિને સશક્ત બનાવે છે."
તેમણે મને એમ પણ કહ્યું કે તેમનો મુખ્ય હેતુ પોલીસના વ્યવસાયને મહિલાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવાનો હતો.

કરાચીના સૌથી મુશ્કેલ વિસ્તારોમાં તાલીમ

મનીષાએ કહ્યું, "હું માનું છું કે મોટાભાગની પીડિત મહિલાઓ છે, તેથી તેમની સુરક્ષા માટે પણ મહિલાઓ હોવી જોઈએ. આ જ પ્રેરણાબળ હતું કે હું હંમેશા પોલીસનો ભાગ બનવા માગતી હતી."
સ્વતંત્ર રીતે ડીએસપીનો ચાર્જ સંભાળતા પહેલાં મનીષાએ કરાચીના સૌથી મુશ્કેલ વિસ્તાર લ્યારીમાં ટ્રેનિંગ લીધી હતી. મનીષા આ વિસ્તારમાં પોલીસ વિભાગમાં અધિકારી બનનાર પ્રથમ મહિલા છે.
તેમણે એએસપી આતિફ અમીરની દેખરેખ હેઠળ ટ્રેનિંગ લીધી હતી. અમીરનું માનવું છે કે મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યા વધારવાથી પોલીસ વિભાગની છબી બદલવામાં મદદ મળશે.
તેમણે કહ્યું, "આનાથી અમને પોલીસની માનવ વિરોધી છબીને ભૂંસવામાં મદદ મળશે. મનીષા જેવા પોલીસ અધિકારીઓ સમાજમાં પોલીસની સારી છબી બનાવવામાં મદદ કરશે."
અમીર કહે છે, "જો કોઈ ગુનાની પ્રત્યક્ષદર્શી મહિલા હોય, તો તે સાક્ષી તરીકે હાજર થવામાં અચકાય છે. તે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવા માગતી નથી, કારણ કે તેમને પોલીસ અધિકારીઓની વારંવાર પૂછપરછનો સામનો કરવો પડે છે. જો વધુ મહિલા પોલીસ અધિકારીઓ હોય તો પરિસ્થિતિ બદલાઈ શકે છે."

શું મનીષા આ નોકરીમાં ટકી શકશે?

મનીષાએ અમને એ પણ જણાવ્યું કે તેમના સમુદાયના લોકો માને છે કે તે આ નોકરીમાં વધુ સમય સુધી રહી શકશે નહીં.
આ અંગે મનીષાએ કહ્યું, "મારી સફળતા પર લોકો ખૂબ જ ખુશ હતા. અમારા સમુદાયમાં પણ ખુશી હતી. આખા દેશે મારાં વખાણ કર્યા. મેં બધા પાસેથી વખાણ સાંભળ્યા પણ એક અજીબ ઘટના બની. મારા નજીકના સંબંધીઓ માને કે હું થોડા જ સમયમાં નોકરી બદલી લઈશ."
લોકોની આ ધારણા છતાં મનીષા તેમના સંબંધીઓના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
તેમણે સમજાવ્યું, "પિતૃસત્તાક સમાજમાં, પુરુષો વિચારે છે કે ફક્ત પુરુષો જ આ કામ કરી શકે છે. તે એક વિચારસરણીનો અભિગમ હોઈ શકે છે. પરંતુ આગામી થોડા વર્ષોમાં આ લોકો તેમની વાતને સમર્થન આપશે અને કદાચ તેમાંથી કોઈકની પુત્રીએ પોલીસ વિભાગ જોડાશે."

મનીષા છોકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે
નોકરી ઉપરાંત મનીષા પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરતી એકૅડમીમાં ભણાવે પણ છે.
તેમણે આ વિશે કહ્યું, "તે મારા માટે ખૂબ જ પ્રેરક છે કારણ કે મને લાગે છે કે મારું માર્ગદર્શન કેટલીક છોકરીઓને આગળ વધવામાં મદદ કરી શકે છે."
મનીષા માને છે કે પોલીસ એક એવી સેવા છે જે જાતિ અને ધર્મથી પર છે. આગામી દિવસોમાં લઘુમતી સમાજની વધુને વધુ મહિલાઓ પોલીસ વિભાગમાં જોડાય તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














