ચેસ ઑલિમ્પિયાડ 2022માં શું ભારત બાજી મારી જશે?

ઇમેજ સ્રોત, Getty Images

- ચેસના મક્કા ગણાતા ચેન્નાઈમાં 44મી ચેસ ઑલિમ્પિયાડ રમાઈ રહ્યો છે
- ઑલિમ્પિયાડનો મૅસ્કોટ મમલ્લાપુરમના 7મી સદીના પૌરાણિક મંદિરનો ધોતી પહેરેલો ઘોડો છે
- ચેન્નાઈમાં ભારતની સ્વતંત્રતાના વર્ષે ચેસ ઍસોસિયેશનની સ્થાપના થઈ હતી
- નાના જિલ્લાઓ અને ગામ જેવા કે સિવાકાસી, મદુરાઈ, પલાની અને કોઇમ્બ્તુરમાં પણ ચેસ ક્લબ હતા અને ત્યાં ટૂર્નામૅન્ટ થતી હતી
- ભારતના 74 ગ્રાન્ડમાસ્ટર્સમાંથી 41 તો 5 દક્ષિણ ભારતના રાજ્યોના છે
- એકલા તમિલનાડુ પાસે 26 ગ્રાન્ડમાસ્ટર્સ છે
- વિશ્વનાથન આનંદ 1988માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા અને ટૉપ 10ની રૅન્કિંગમાં સ્થાન મેળવ્યું હતું
- 16 વર્ષના આર પ્રજ્ઞાનંદાએ મેગ્નસ કાર્લસનને બે વખત હરાવ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં 44મા ચેસ ઑલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું હતું.
ચેન્નાઈ નજીક આવેલા મમલ્લાપુરમમાં 7મી સદીનાં પૌરાણિક મંદિરોની પાસે ધોતી પહેરેલો ઘોડો જોવા મળે છે જેણે 'વણક્કમ'ની મુદ્રામાં હાથ જોડેલા છે.
આ થમ્બી છે એટલે કે 'નાનો ભાઈ'. એ 44મી ચેસ ઑલિમ્પિયાડનો મૅસ્કોટ છે. આ ચેસ ઑલિમ્પિયાડ મમલ્લાપુરમમાં 28 જુલાઈથી 10 ઑગસ્ટ વચ્ચે યોજાઈ રહ્યો છે.
ઑલિમ્પિયાડ એ ચેસની દુનિયાની સૌથી મોટી અને એકમાત્ર ઇવેન્ટ છે જ્યાં, ખેલાડીઓ, આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ અને ગ્રાન્ડમાસ્ટર્સ એક જગ્યાએ ભેગા થઈને પોતાનાં મગજ દોડાવે છે.
ઇવેન્ટની વેબસાઇટ જણાવે છે કે ભારત પહેલી વખત ઑલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે અને તેણે તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા મુદ્દે રેકૉર્ડ તોડ્યો છે. વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે ચેન્નાઈ એ 'ભારતીય ચેસનું મક્કા' છે.
ઘણા દાયકાઓથી ચેન્નાઈ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો ચેસ મામલે ખૂબ આગળ રહ્યા છે.

આઝાદી સાથે ચેસ ઍસોસિયેશનની સ્થાપના

ચેન્નાઈમાં ભારતની સ્વતંત્રતાના વર્ષે ચેસ ઍસોસિયેશનની સ્થાપના થઈ હતી. એ બાદ દરેક જિલ્લામાં સક્રિય ચેસ ક્લબ, ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર્સની સંખ્યા વગેરેને લીધે તામિલનાડુએ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આગવું સ્થાન ઊભું કર્યું છે.
ભારતના 74 ગ્રાન્ડમાસ્ટર્સમાંથી 41 તો દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોના છે. તેમાંથી માત્ર તામિલનાડુ પાસે 26 ગ્રાન્ડમાસ્ટર્સ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોના મતે તેનાં કેટલાંક કારણો પણ છે.
મેન્યુઅલ એરોન, જેઓ 1961માં ભારતના પહેલા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યા હતા તેઓ તામિલનાડુમાં મોટા થયા હતા. તેનાથી પ્રાથમિક તબક્કામાં ઘણા લોકોને પ્રેરણા મળી હતી.
ચેન્નાઈમાં તેમણે 1972માં તાલ ચેસ ક્લબની સ્થાપના કરી હતી, જ્યાં વિશ્વનાથન આનંદ જેવા ઘણા ભવિષ્યના તારલાઓ ચેસ રમવા માટે આવતા હતા.
સોવિયેટ યુનિયનના ભાંગી પડવા સુધી આ ક્લબ બે દાયકાઓ સુધી સફળતાપૂર્વક ચાલી હતી.
તામિલનાડુમાં આવાં સક્રિય અને ગતિશિલ ચેસ ઍસોસિયેશનો તેમજ ક્લબો હોવાનો મતલબ હતો કે આ રાજ્ય પાસે આ રમતના વિકાસ માટે કંઈક ખાસ વસ્તુ હતી.
અહીં એવી જગ્યાઓ હતી જ્યાં ખેલાડીઓ મળી શકતા હતા, રમી શકતા હતા અને પ્રૅક્ટિસ કરી શકતા હતા.
ચેન્નાઈમાં આ ક્લબની હાજરી બીજાં રાજ્યોના ખેલાડીઓને પણ ટૂર્નામૅન્ટમાં ભાગ લેવા માટે ચેન્નાઈ આવવા પ્રેરતી હતી.
તામિલનાડુના ગ્રાન્ડમાસ્ટર આર. બી. રમેશ જેઓ ઑલિમ્પિયાડમાં ભારતની પુરુષોની બી ટીમના કોચ પણ છે, તેઓ કહે છે કે બીજાં રાજ્યોના ખેલાડીઓ તાલ ક્લબ આવતા અને બીજા ખેલાડીઓ સાથે વાતચીત કરતા અને ચેસની ગૅમ રમતા હતા.

નાના જિલ્લાઓમાં ચેસ કલ્ચર

ચેસની ઇકૉસિસ્ટમ ચેન્નાઈ સુધી મર્યાદિત ન હતી. બીજા નાના જિલ્લાઓ અને ગામ જેવાં કે સિવાકાસી, મદુરાઈ, પલાની અને કોઇમ્બ્તુરમાં પણ ચેસ ક્લબ હતી અને ત્યાં પણ ટૂર્નામૅન્ટો યોજાતી હતી.
તામિલનાડુ સ્ટેટ ચેસ ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ આર. અનંતરામ કહે છે કે આ ટૂર્નામૅન્ટનું આયોજન કોઈ સમર્થક દ્વારા કરવામાં આવતું જેઓ ખેલાડીની બધી જ જરૂરિયાતો પૂર્ણ કરતા અને સાથે જ સારી એવી રોકડ રકમનું ઇનામ પણ આપતા.
અનંતરામ કહે છે, "1979માં અમે સિવાકાસીમાં એશિયન જ્યુનિયર ચેસ ચૅમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. બીજી પણ કેટલીક ટૂર્નામૅન્ટ હતી જેમ કે પલાનીમાં આર ગુરુસ્વામી નાઇડુ મેમોરિયલ ટૂર્નામૅન્ટ, મદુરાઈમાં માપ્પિલાઇ વિનયાગર ટૂર્નામૅન્ટ."
અનંતરામના પ્રમાણે આ ટૂર્નામૅન્ટ્સની મદદથી ખેલાડીઓ પોતાની ચેસ રમવાની કળાને વધુ વિકસાવી શકતા હતા અને પછી પોતાનું નામ રોશન કરી શકતા હતા.
મેન્યુઅલ એરોન બાદ ખેલાડીઓને જે અનુકૂળ વાતાવરણ મળ્યું, તેનાથી વધારે ગ્રાન્ડમાસ્ટર્સ અને માસ્ટર્સનો ઉદ્ભવ થવા લાગ્યો. તેમાંથી વિશ્વનાથન આનંદ જાણીતા થયા.
વિશ્વનાથન ખૂબ નાની ઉંમરે ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયા હતા. તેઓ 1988માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા અને ટૉપ 10ની રૅન્કિંગમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ રમતગમત મામલે ગ્લોબલ આઇકન છે.

એક સમયે...

તેમની સફળતા બાદ નાના છોકરાઓએ ચેસમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. માતાપિતા પણ ચેસને એક પ્રતિભાશાળી રમત તરીકે જોવા લાગ્યાં હતાં અને તેમનાં બાળકોને ઉત્કૃષ્ટ અને ભવિષ્યના ગ્રાન્ડમાસ્ટર તરીકે જોતાં હતાં.
બીબીસી સાથે થયેલી વાતચીતમાં વિશ્વનાથન આનંદ કહે છે, "જ્યારે મારી માને કહ્યું કે મને ચેસ રમવાની ઇચ્છા છે, તો તેઓ તુરંત જ તૈયાર થઈ ગયાં હતાં અને મને ચેસ ક્લબમાં દાખલ કરાવ્યો હતો."
1990માં જ્યારે ઇન્ટરનેટનો એટલો જમાનો ન હતો, ત્યારે ચેન્નાઈના અદ્યારમાં આવેલી એક દુકાન 'ચેસ મેટ' ચેસના ચાહકો માટે તેમની દરેક જરૂરિયાત પૂર્ણ કરતી હતી.
રમેશ કહે છે કે મેન્યુઅલ એરનના પુત્ર અરવિંદે ચાલુ કરેલી દુકાનમાં ચેસ બૉર્ડ, કૉઇન અને ચેસ સંબંધિત પુસ્તકો મળતાં હતાં.
તેઓ કહે છે, "તે સમયે ભારતમાં ચેસના કોઈ લેખક ન હતા. આ દુકાનમાં બહારથી મગાવેલાં પુસ્તકો મળતાં હતાં."

પ્રતિભાનો ખજાનો

આજે પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી ઘણા ઉત્કૃષ્ટ ખેલાડીઓ આવ્યા છે, જે ચેસનો આ વારસો આગળ વધારી રહ્યા છે.
આર પ્રજ્ઞાનંદા તેવા જ લોકોમાંથી એક છે. તેઓ માત્ર 16 વર્ષના છે અને તેમણે મેગ્નસ કાર્લસનને બે વખત હરાવ્યા છે. આજે તેમનું નામ ખૂબ ગર્વથી લેવામાં આવે છે.
તે જ રીતે 19વર્ષના પી. ઇનિયાન, 16 વર્ષના ડી ગુકેશ પણ તામિલનાડુના છે અને 18 વર્ષીય નિહાલ સરીન કેરળ સાથે સંબંધ ધરાવે છે.
આ બાળકો વારસાને આગળ વધારી રહ્યાં છે. ઑલિમ્પિયાડમાં ભારતની પુરુષોની બી ટીમ આ યુવા ખેલાડીઓથી જ ભરપૂર છે.
ટીમના સભ્ય પ્રજ્ઞાનંદા કહે છે, "બી ટીમના અમે ચાર ખેલાડીઓ પહેલી વખત ઑલિમ્પિયાડમાં રમી રહ્યા છીએ. અને અમારા દરેકની ઉંમર 20 વર્ષ કરતાં ઓછી છે."
અને હવે ચેન્નાઈને મળેલા ઉપનામ એટલે કે 'ચેન્નાઈ- ધ મક્કા ઑફ ચેસ' પ્રમાણે આ શહેર ઑલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે. પહેલા તેનું આયોજન મૉસ્કોમાં થવાનું હતું, પણ રશિયા-યુક્રેન યુદ્ધના પગલે હવે તેની જગ્યા ચેન્નાઈ થઈ છે.
તામિલનાડુની સરકારે આ આયોજન પાછળ 92 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














