સુલતાન ખાન : બ્રિટિશ સામ્રાજ્યના ચેસના ચૅમ્પિયન બનનારા ભારતીય સેવક

ઇમેજ સ્રોત, UNKNOWN CAMERAMAN OF 1932
- લેેખક, અશોક પાંડે
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઑક્સફર્ડમાં વર્ષ 1890માં યોજાઈ રહેલી એક ચેસ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ રહેલા 19 વર્ષના યુવાન ભારતીય ખેલાડી ગોવિંદ દીનાનાથ મડગાંવકરે પોતાની ગૅમથી અંગ્રેજોને ચોંકાવી દીધા હતા.
નિષ્ણાતોને મડગાંવકરની અંદર એક મોટા ચૅમ્પિયન નજરે પડ્યા હતા પરંતુ બે વર્ષની અંદર જ મડગાંવકર ચેસ છોડીને ઇન્ડિયન સિવિલ સર્વિસ સાથે જોડાયા હતા.
શક્ય છે કે જો મડગાંવકરે રમવાનું બંધ ન કર્યું હોત તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનારા પહેલા ભારતીય ચેસ ખેલાડી બની ગયા હોત.
40 વર્ષ બાદ 1931માં જ્યારે ત્યારે બૉમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી નિવૃત્ત થયા તો તેમને કદાચ ખબર પણ નહીં હોય કે તે જ દિવસો દરમિયાન સંયોગથી ઇંગ્લૅન્ડમાં રહેતા ભારતીય મૂળના એક કર્મચારીમાત્ર દુનિયાના તમામ મોટા ચેસના ખેલાડીઓને ધૂળ ચટાવી રહ્યા હતા.
મડગાંવકરે મીર સુલતાન ખાનનું સાંભળ્યું હોત તો કદાચ તેમને ચેસની રમત છોડવાનો ક્યારેય અફસોસ ન થાત. ચેસને એ દિવસોમાં લોકો મોંઘા શોખ તરીકે જોતા હતા અને સામાન્ય લોકોની પહોંચથી બહાર હતું.
પંજાબના સરગોધા નજીક જમીનદારોના ખાનદાનમાં 1903માં જન્મેલા મીર સુલતાન ખાનના પિતા મિયાં નિઝામ દીન ખૂબ જ સારા ચેસ ખેલાડી હતા.
તેમણે પોતાના નવ દીકરાઓને ખૂબ જ નાની ઉંમરે ચેસ રમવાનું શીખવ્યું હતું. 16-17 વર્ષના થતાં થતાં મીર સુલતાન ખાન દરરોજ પોતાના ગામ ટિવાણાથી સરગોધા જવા લાગ્યા હતા જ્યાં તેઓ પૈસાદારોની મહેફિલોમાં ચેસ રમતા હતા. 21 વર્ષની ઉંમરે તેઓ પોતાના વિસ્તારના ચેસ ચૅમ્પિયન તરીકે ઓળખાવા લાગ્યા હતા.
સુલતાનના કારનામા વિશે પાડોશનાં કાલરા રજવાડાના માલિક ઉમર હયાત ખાનને પણ જાણ થઈ જેઓ પોતે ચેસના ખૂબ મોટા શોખીન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના સૌથી મોટા ભૂસ્વામીઓમાંથી એક ઉમર હયાત ખાનને અંગ્રેજોની મદદ પ્રાપ્ત હતી અને તેઓ કાઉન્સિલ ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
અંગ્રેજ સેનામાં મેજર જનરલ તરીકે કામ કરી ચૂકેલા ઉમર હયાત ખાનને બ્રિટિશ સરકારે સરની ઉપાધિથી સન્માનિત કર્યા હતા.

ભારતીય શૈલીનું ચેસ

ઇમેજ સ્રોત, BETTMANN
ઉમર હયાત ખાને સુલતાનને પ્રસ્તાવ આપ્યો કે તેઓ તેમના રજવાડામાં આવીને ચેસના ખેલાડીઓની એક ટીમ વિકસાવે જેના બદલે તેમને રહેવા-જમવા સિવાય સારો પગાર આપવામાં આવશે. આ રીતે મીર સુલતાન શોખ માટે બનેલા ખેલાડીમાંથી એક પૈસાદાર જમીનદારના સેવક બની ગયા હતા.
1926માં ઉમર હયાત ખાનની પાસે આવતા પહેલા સુલતાને માત્ર ભારતીય શૈલીની ચેસની રમત રમી હતી. હવે તેમને યુરોપિયન શૈલીનું ચેસ શીખવવા માટે કાયદેસર ટ્યૂટર રાખવામાં આવ્યા હતા.
બે વર્ષ બાદ એક અખિલ ભારતીય ચેસ કૉમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી જેને મીર સુલતાન ખાને ખૂબ સહેલાઈથી જીતી લીધી હતી. તેમણે નવ ગૅમ રમી હતી અને માત્ર અડધો પૉઇન્ટ ગુમાવ્યો હતો.
દિલ્હીની સત્તામાં બેઠેલા લોકો સાથે ઉમર હયાત ખાનની સારી એવી પહોંચ હતી. ત્યાં તેઓ પોતાને મળતા અને ઓળખતા પ્રભાવશાળી અંગ્રેજો સામે સુલતાન ખાનની પ્રતિભાના વખાણ કરવાનું ભૂલતા ન હતા.
ઉમર હયાત ખાન અને મીર સુલતાન ખાન વચ્ચે કેવા સંબંધ હતા, એ કહી ન શકાય. પહેલાંના સમયના ઇતિહાસકારોએ આને માલિક-નોકરનો સંબંધ ગણાવ્યો છે. અલબત્ત મીર સુલતાન ખાનના પરિવારજનોને આ વાતની આપત્તિ છે. તેમનું માનવું છે કે મીર સાહેબ એક નિયત વળતર બદલે ઉમર હયાત ખાન સાથે કામ કરતા હતા. તેમને નોકર કહેવું ઉચિત નથી.
1929માં એક રાજકીય મિશન અંતર્ગત તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા. કામદારોને તેઓ પોતાની સાથે લઈ ગયા હતા તેમાં મીર સુલતાન ખાન પણ સામેલ હતા.
શુક્રવાર 26 એપ્રિલ 1929ના રોજ મીર સુલતાન ખાન લંડન પહોંચ્યા હતા. સાઇમન કમીશન માટે કુખ્યાત થયેલા બ્રિટિશ નેતા સર જૉન સાઇમન ઉમર હયાત ખાનના સારા મિત્ર હતા અને સુલતાન ખાનના પ્રશંસક પણ.
બીજા દિવસે એટલે કે શનિવારના રોજ જૉન સાઇમને લંડનના નેશનલ લિબરલ ક્લબમાં હાજર થોડા ભદ્ર લોકોની સામે સુલતાન ખાનનો પરિચય કરાવ્યો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાથી આવેલા બ્રૂનો નામના એક ચૅમ્પિયન ખેલાડી સાથે તેમણે ગૅમ રમી અને સારી રીતે રમી.

પાક્કી સુરક્ષાત્મક રમત

ઇમેજ સ્રોત, J. GAIGER
આગામી દિવસે એટલે કે રવિવારના રોજ તે જ ક્લબમાં એક એક જાણીતા આંતરરાષ્ટ્રીય ખેલાડી એકસાથે ઘણા બધા ખેલાડીઓ સાથે રમી રહ્યા હતા. સુલતાન ખાને ક્યારેય તેમનું નામ પણ સાંભળ્યું ન હતું. પરંતુ તેમને પણ તેમની સાથે રમવાનો મોકો મળી ગયો હતો.
ચૅમ્પિયનની આક્રમક ગેમ સાથે સુલતાન પાક્કી સુરક્ષાત્મક ગેમ રમતા રહ્યા. પોતાની જીત અંગે શરૂઆતથી જ આશ્વસ્ત ચૅમ્પિયન ખેલાડી ધીમે-ધીમે સુલતાનની જાળમાં ફસાતા ગયા અને અંતે હારી ગયા.
તે આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્યૂબાના હોસે રાઉલ કાપાબ્લાંકા હતા જેઓ 1921થી 1929 સુધી સતત વર્લ્ડ ચૅમ્પિયન રહ્યા હતા. કાપાબ્લાંકા સાથે રમાયેલી આ અનૌપચારિક ગેમમાં મીર સુલતાન ખાને પોતાની ગેમનું સૌથી મોટું રહસ્ય લોકો સામે ખોલ્યું.
સૂટ સાથે પાઘડી પહેરીને, ભાવહીન ચહેરા સાથે જ્યારે તેઓ મોડે સુધી કોઈ ચાલ ન ચાલતા, તો કોઈને ન સમજાતું કે તેઓ અંદરથી કેટલા મજબૂત હતા. તેમની એ જ મજબૂતીને ન ઉમર હયાત સમજી શક્યા હતા ન તો તેમના કોઈ પ્રતિસ્પર્ધી.
તેમની શૈલી એટલી હદે અલગ હતી કે તેને કોઈ પણ સંપૂર્ણપણે પાર કરી શક્યું ન હતું. તે જ વર્ષના ઉત્તરાર્ધમાં લંડનના રૅમ્સગેટમાં બ્રિટિશ ચૅમ્પિયનશિપ થઈ, જેનો દરજ્જો વિશ્વ ચૅમ્પિયન સમાન મનાતો હતો.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સુલતાન ખાન ચૅમ્પિયન બન્યા અને અચાનક આખી દુનિયા તેમને ઓળખવા લાગી હતી. ત્યારબાદ તેમને યુરોપનાં તમામ શહેરોમાંથી રમવા માટે નિમંત્રણ મળવાં લાગ્યાં હતાં.

પરત ઇંગ્લૅન્ડ

ઇમેજ સ્રોત, DOUGLAS MILLER
ઇંગ્લૅન્ડની ઠંડી તેમના માટે અસહ્ય હતી, એટલે કંટાળીને તેઓ નવેમ્બર મહિનામાં ઘરે પરત ફર્યા પરંતુ ચેસના સંસારે તેમને આગામી વર્ષના મે મહિનામાં જ પરત ઇંગ્લૅન્ડ બોલાવી લીધા હતા.
1930થી માંડીને 1933 દરમિયાન મીર સુલ્તાન ખાને બ્રિટિશ ચૅમ્પિયનશિપને બે વખત જીતી હતી અને ઘણી અન્ય પ્રતિયોગિતાઓમાં હાજરી આપતા સાવિયાલી તાર્તાકોવર, સોલ્ટેન્બીફ, સાલો ફ્લોર, અકીબા રુબિનસ્ટાઇન અને હોસે રાઉલ કાપાબ્લાંકા જેવા પોતાના સમયના સૌથી મહાન ખેલાડીઓને હરાવ્યા હતા.
ચેકોસ્લોવાકિયાની રાજધાની પ્રાગમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ટીમ ટુર્નામેન્ટમાં તે સમયના વર્લ્ડ ચૅમ્પિયન અલેક્સાંદ્ર આલેખાઈન સાથે થયેલો તેમનો મુકાબલો બરાબરી પર આવીને છૂટ્યો હતો.
આ સમય સુલતાન ખાનની કારકિર્દી ચરમ પર પહોંચવાનો હતો જ્યારે તેમની ગણતરી સતત દુનિયાના દસ મોટા ખેલાડીઓમાં થઈ રહી હતી.
જે કામ માટે ઉમર હયાત ખાન ઇંગ્લૅન્ડ રહેતા હતા તે 1933માં પૂરું થઈ ગયું હતું અને ત્યારબાદ તેઓ સુલતાન ખાન અને પોતાના બાકી કામદારો સાથે ભારત પરત ફરી આવ્યા હતા.
1934ની શરૂઆતમાં લાંબી સમુદ્રીયાત્રા બાદ જ્યારે તેઓ બૉમ્બે પહોંચ્યા, ત્યારે લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. 25 જાન્યુઆરીના રોજ તેમણે બૉમ્બાના 37 ખેલાડીઓ સાથે એકસાથે ચેસની ગૅમ રમી હતી. સુલતાન ખાનની અંદર ખુદને ચૅમ્પિયન સમજવાની ધૌંસ ન હતી.
તેઓ ખૂબ જ હળવાશ ભરેલા મૂડમાં રમ્યા હતા અને તેમણે પોતાની સામે રમતા ખેલાડીઓને રમતા સમયે દર્શકો પાસેથી સલાહ લેવા અને ચાલ પરત લેવાની છૂટ આપી હતી. તે છતાં તેમણે 31 ગેમ્સમાં જીત પ્રાપ્ત કરી હતી, એક ગૅમ બરાબરી પર પૂર્ણ થઈ હતી જ્યારે પાંચમાં તેઓ હાર્યા હતા.
ત્યારબાદ તેમને સાંગલીના જબરદસ્ત ખેલાડી વિનાયક કાશીનાથ ખાડિલકર સાથે 10 મૅચ રમવાનો મોકો મળ્યો. તેમાંથી મીર સુલતાન ખાને નવમાં જીત મેળવી જ્યારે એક ગેમ ડ્રૉ રહી.

દક્ષિણ આફ્રિકાનું ડરબન શહેર
ઘરે પરત ફર્યા બાદ પણ કેટલાંક વર્ષો સુધી તેમને મોટી યુરોપીયન ટુર્નામૅન્ટોમાં રમવાનું નિમંત્રણ મળતું રહ્યું હતું પરંતુ તેમની પાસે યાત્રાખર્ચ અને મૅચની ફી માટે પૈસા ન હોતા.
ઉમર હયાત ખાને પણ આર્થિક સહાયતા આપવાનું બંધ કરી દીધું હતું. આ રીતે એક ચૅમ્પિયન ખેલાડીના આંતરરાષ્ટ્રીય ખેલ જીવનનો અંત આવ્યો હતો. પોતાનું બાકીનું જીવન તેમણે સરગોધામાં પોતાની પૈતૃક જમીન પર ખેતી કરતા વિતાવ્યું હતું.
તેમનું આ રીતે હૅડલાઇન્સમાંથી ગુમ થઈ જવાથી માંડીને સમાચારપત્રોમાં ક્યારેક ક્યારેક વિચિત્ર અનુમાનો લગાવવામાં આવતા હતા.
તેમણે ચેસની રમત છોડી તેની પાછળની કહાણી કહેવામાં આવી કે ઇંગ્લૅન્ડથી પરત ફર્યા બાદ જ્યારે તેઓ પોતાના ગામ પહોંચ્યા તો એક વૃદ્ધ, ફકીર તેમની ઘરે આવ્યા અને તેમની સાથે ચેસ રમવાની જીદ્દ કરવા લાગ્યા. સુલતાન ખાને તેમની ઇચ્છાનું માન રાખી ગેમ રમી પણ વૃદ્ધ ફકીર જીતી ગયા.
વૃદ્ધે વધુ એક ગૅમ રમવાની જીદ્દ કરી. સુલતાન તેને પણ હારી ગયા. ત્યારબાદ તેમણે ભાવનાત્મક થઈને ફકીરને કહ્યું કે જો તેઓ ત્રીજી ગેમ પણ હારશે તો જીવનમાં ચેસને ક્યારેય હાથ નહીં લગાવે.
કહાણીના અંતમાં કહેવામાં આવ્યું કે છેલ્લાં ઘણાં વર્ષોથી સુલતાન ખાન પોતાને જ કરેલા વાયદાથી બંધાઈને બેઠા છે.
વર્ષ 1950ની આસપાસ યુરોપમાં એવી અફવા પણ ઉડાવવામાં આવી કે મીર સુલતાન ખાન દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરના એક નાઇટ ક્લબમાં ઑપેરા ગાયક બની ગયા છે.
મીર સુલતાન ખાને એક ગુર્જર મહિલા સાથે નિકાહ કર્યા છે અને તેમનાં 11 બાળકો છે. પાંચ દીકરા અને છ દીકરીઓ. પોતાના પરિવાર સાથે સરગોધાના પોતાના ગામમાં જીવન વિતાવ્યા બાદ વર્ષ 1966માં તેમનું મૃત્યુ થયું. તેમને તેમના પૈતૃક કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે.

પ્યાદાની ચાલ

મીર સુલતાન ખાનને ચેસ મામલે ચાલતી એક કહેવત ખૂબ પ્રિય હતી - "ચેસ એક એવું સમુદ્ર છે જેમાં એક માખી પણ પાણી પી શકે છે અને એક હાથી પણ ન્હાઈ શકે છે."
જ્યારે તેમણે યુરોપીય શૈલીની ચેસ રમવાનું શરૂ કર્યું તો તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. ઉદાહરણ તરીકે ભારતીય શૈલીમાં હાથી અને રાજાનું કૅસલિંગ નથી થતું જ્યારે ભારતીય શૈલીમાં રાજા એક વખત ઘોડાની અઢી ચાલ ચાલી શકે છે.
સૌથી મોટી મુશ્કેલી પ્યાદાની ચાલમાં હોતી જે પહેલી ચાલમાં ભારતમાં એક ઘર આગળ વધે છે અને યુરોપમાં બે. આ કારણોસર તેમની શરૂઆત ઘણી વખત ગૂંચવાઈ જતી હતી.
તે ખૂબ જલદી જલદી ચાલ ચાલતા હતા પરંતુ ગેમની વચ્ચેના ભાગને કાબૂ કરવામાં તેમને મહારત પ્રાપ્ત હતી, જેના પગલે તેઓ કોઈ ઉસ્તાદ સર્જનની જેમ ગેમને પોતાના પક્ષમાં જ પૂર્ણ કરતા હતા.
રમવાની બિન-પરંપરાગત શૈલી સિવાય તેમના રંગ-રૂપ અને વેશભૂષા સિવાય જે વાતને ટીકાકારોને સૌથી વધારે આશ્ચર્યચકિત કર્યા તે હતું તેમનું અભણ હોવું. આ ચૅમ્પિયન ખેલાડીને લખતાં-વાંચતાં આવડતું ન હતું.
ચેસની બધી જ ટૅકનિક અંગ્રેજીમાં લખાયેલી હોતી પરંતુ તે તેમને સમજમાં ન આવતી. ટીકાકારો એ વાતથી આશ્ચર્યમાં પડી જતા હતા કે એક પણ પુસ્તક વાંચ્યા વગર કોઈ આટલું સારું કેવી રીતે રમી શકે છે.

'ચેસની ભાષા'

ઇમેજ સ્રોત, NEW IN CHESS
જાણીતા ચેસ ખેલાડી અને લેખક આર. એન. કૉલ સુલતાન ખાનને જીનિયસ ઘોષિત કરતાં તેમને મહાન પૉલ મરફીના સમકક્ષ જુએ છે.
મરફીએ 1857થી 1859 વચ્ચે કુલ ત્રણ વર્ષ ચેસની ગેમ રમી હતી અને તેઓ આ ગેમના ઇતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક ગણાય છે.
1930માં હૅમ્બર્ગમાં સુલતાનની સામે ઑસ્ટ્રેલિયાના ચૅમ્પિયન હાન્સ કામોચ હતા. કામોચે ત્રણ વખત ગેમને ડ્રૉ કરવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ ત્રણેય વખત કંઈ કહ્યા વગર મીર સુલતાન હસતા રહ્યા.
ખીજાઈને કામોચે સુલતાનના ટ્રાન્સલેટરને કહ્યું, "તમારા આ ચૅમ્પિયન કઈ ભાષા બોલે છે?"
ટ્રાન્સલેટરે કહ્યું, "ચેસની ભાષા!"
જેવું વિચાર્યું હતું તેમ ત્રણ-ચાર ચાલ બાદ કામોચ હારી ગયા હતા.
આવી જ ઘટના ક્યૂબાના વિશ્વ ચૅમ્પિયન હોસે કાપાબ્લાંકા સાથે રમવામાં આવેલી તેમની એકમાત્ર આધિકારિક ગેમ સાથે જોડીને સંભળાવવામાં આવે છે.
જ્યારે કાપાબ્લાંકા પોતાની જીતને નિશ્ચિત માનીને ઉત્તેજિત થઈ રહ્યા હતા, ધીમેથી ખૂણામાં બેઠેલો એક પ્યાદો આગળ વધ્યો. કાપાબ્લાંકાને પરાજિત કરવા મીર સુલતાન ખાનની કારકિર્દીનો મહત્ત્વનો ભાગ હતો જ્યારબાદ તેમની રેટિંગ 2550 થઈ ગઈ હતી.
એ આધારે કહી શકાય છે કે તેઓ એશિયાના પહેલા ગ્રાન્ડમાસ્ટર હતા પરંતુ દુર્ભાગ્યપણે વિશ્વ ચેસ ફેડરેશને તેમને એ સન્માન આપ્યું ન હતું જ્યારે 1950માં એ અકીબા રુબિનસ્ટાઇનને મરણોપરાંતની પદવી આપવામાં આવી હતી જેમને સુલતાને હરાવ્યા હતા.

જન્મજાત પ્રતિભા

ઇમેજ સ્રોત, Getty Images
વીતી રહેલા દાયકાઓ સાથે ચેસના શોખીનો વચ્ચે મીર સુલતાન ખાનનું નામ એક કલ્ટ બનતું ગયું અને તેમના નામની સાથે કેટલાક સાચા ખોટા કિસ્સા જોડી દેવામાં આવ્યા છે.
એક વાત કોઈ સંદેહ વગર કહી શકાય છે તેમણે પોતાની અંદર જન્મજાત પ્રતિભા લઈને જન્મ લીધો હતો.
તસવીરોમાં સુલતાન એવી વ્યક્તિ તરીકે દેખાય છે જેમનો રંગ અશ્વેત છે, સામાન્ય કરતાં ઓછી ઊંચાઈ છે પણ આંખોમાં ઠંડી અસંગતિ છે.
તેઓ મોટાભાગે સૂટ-ટાઈની ઉપર સાફો બાંધેલા જોવા મળે છે. જે તસવીરોમાં તેઓ રમતા જોવા મળે છે, તેમાં તમને પંડિત મલ્લિકાર્જુન મંસૂર જેવી એકાગ્રતા જોવા મળશે.
તે બધાની ઉપર તેમની સામાજિક સ્થિતિની વિડંબના જોઈ શકાય છે કે જેના હિસાબે તેઓ એક અંગ્રેજવિરોધી પૈસાદારના કામદારમાત્ર હતા જે તેમને પોતે પ્રાપ્ત કરેલી કોઈ ટ્રૉફીની જેમ પ્રદર્શન કરતું હતું.
અમેરિકી ચેસ ખેલાડી અને ટીકાકાર રુબેન ફાઇને એક માર્મિક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
1933માં ફોકસ્ટોન ઑલિમ્પિયાડ બાદ ઉમર હયાત ખાને અમેરિકી ટીમને, જેમાં પોતે રુબેન ફાઇન પણ હતા, લંડનમાં પોતાના ઘરે જમવા બોલાવ્યા.
ટીમના પહોંચવા પર હયાત ખાને કહ્યું, "મારા ઘરમાં તમારું સ્વાગત છે. સામાન્યપણે હું અહીં મારા પાળતું કુતરાઓ સાથે વાર્તાલાપ કર્યા રાખું છું."
બધા મહેમાનને એવી આશા હતી કે પરંપરા મુજબ ભોજનના મેજનું મુખ્ય સ્થાન ચૅમ્પિયન માટે આરક્ષિત હશે. પરંતુ એ જોઈને આશ્ચર્ય થયો કે મીર સુલતાન એક સાધારણ ચાકરના વસ્ત્રોમાં બાકી નોકરો સાથે મહેમાનોને ભોજન પીરસવાનું કામ કરી રહ્યા હતા.

'સુલતાન ખાન ધૂમકેતુ'
ફાઇને લખ્યું, "અમને ખૂબ વિચિત્ર અનુભવ થઈ રહ્યો હતો કેમ કે એક ગ્રાન્ડમાસ્ટર ચૅમ્પિયન, જેમની શાનમાં અમને નિમંત્રણ મળ્યું હતું, તેઓ પોતાની સામાજિક સ્થિતિના કારણે અમને વેઇટરની જેમ ભોજન પીરસી રહ્યા હતા."
એ વાત સાચી છે કે આપણા દેશમાં પણ આજે મીર સુલતાન ખાનને ઓળખતા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે પરંતુ તેમણે કોઈ ચમકતા તારાની જેમ ચેસના આકાશમાં રાજ કર્યું. તેમના દ્વારા રમવામાં આવેલી કુલ 198માંથી 120 ગૅમને એક જગ્યાએ ભેગી કરીને આશરે 20 વર્ષ પહેલાં રશિયન લેખક અનાતોલી માત્સુકેવિચે એક મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું - 'સુલતાન ખાન ધૂમકેતુ'. સુલતાન ખાનના જીવન મામલે બે કે ત્રણ વધારે પુસ્તકો પણ લખવામાં આવ્યા છે.
વધુ એક રસપ્રદ બાબત વગર આ વાતને ખતમ કરી શકાતી નથી. સર ઉમર હયાત ખાનના નોકર-ચાકરોના ગ્રૂપમાં ગુલામ ફાતિમા નામનાં એક મહિલા પરિચારિકા પણ ઇંગ્લૅન્ડ ગયાં હતાં.
18 વર્ષીય ફાતિમાને પણ ચેસ રમતાં આવડતું હતું. પોતાની વૃદ્ધાવસ્થામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું તેમણે સમ્રાટ જ્યૉર્જ પંચમનાં મહારાણી મૅરીને કાયદેસર ચેસ રમતાં શીખવ્યું હતું.
ઉમર હયાત ખાનના કહેવા પર તેમણે 1932ની બ્રિટીશ ચૅમ્પિયનશીપના મહિલા વર્ગમાં ભાગ લીધો અને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ત્યારબાદ મીર સુલતાને ફાતિમાને ચેસની કેટલીક મુશ્કેલ ચાલ શીખવી. ગુલામ ફાતિમાએ 1933માં બ્રિટિશ ચૅમ્પિયનશીપ જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે એ જ વર્ષે પુરુષોની બ્રિટિશ ચૅમ્પિયનશીપ પણ મીર સુલ્તાન ખાને જીતી હતી.

પરિવારજનોની આપત્તિઓ
આ પુસ્તકોમાં તાજેતરમાં આવેલ પુસ્તક છે બ્રિટિશ ગ્રાન્ડમાસ્ટર અને લેખક ડેનિયલ કિંગ દ્વારા લખાયેલ 'સુલતાન ખાન - ધ ઇન્ડિયન સર્વન્ટ હૂ બિકેમ ચેસ ચૅમ્પિયન ઑફ ધ બ્રિટિશ એમ્પાયર'. વર્ષ 2020માં છપાયેલ આ પુસ્તકમાં જે પ્રકારનાં તથ્યો રજૂ કરાયાં છે તેને લઈને મીર સુલતાન ખાનના પરિવારજનોએ અનેક આપત્તિઓ ઉઠાવી છે.
તેમના સૌથી મોટા દીકરા અતહર સુલતાનનાં દીકરી ડૉ. અતિયાબ સુલતાનને એ વાતનો વાંધો છે કે પુસ્તકમાં તેમના દાદાને ભારતીય બતાવાયા છે જ્યારે વિભાજન બાદ તેમનો વિસ્તાર પાકિસ્તાનમા આવી ગયો હતો.
તેઓ ઇચ્છે છે કે તેમને પાકિસ્તાની બતાવવામાં આવે. બીજી આપત્તિ મીર સુલતાન ખાનને નોકર ગણાવવા અંગે છે અને ત્રીજી આપત્તિ તેમને અભણ દર્શાવવા અંગે છે. આ આરોપોને દ્યાનમાં લઈને કહી શકાય કે મીર સુલતાન ખાનના સમગ્ર જીવનની સંપૂર્ણ કહાણી હજુ સુધી સંસાર સામે આવવાની બાકી છે.
વધુ એક રસપ્રદ વાત જણાવ્યા વગર આ કહાણી ખતમ ન કરી શકાય. સર ઉમર હયાત ખાનના નોકરચાકરના દળમાં ગુલામ ફાતિમા નામનાં એક મહિલા પરિચારિકા પણ ઇંગ્લૅન્ડ ગયાં હતાં. 18 વર્ષનાં ફાતિમાને પણ ચેસ રમતા આવડતી.
પોતાની વૃદ્ધાવસ્થામાં અપાયેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સમ્રાટ જૉર્જ પંચમનાં મહારાણી મેરીને તેમણે ચેસ રમતા શીખવાડી હતી.
ઉમર હયાત ખાનની સલાહ અનુસાર તેમણે 1932ની બ્રિટિશ ચૅમ્પિયનશિપના મહિલા વર્ગમાં ભાગ લીધો અને છઠ્ઠું સ્થાન મેળવ્યું.
આ બાદ મીર સુલતાને ફાતિમાને શતરંજની અમુક જટિલ ચાલ શીખવી હતી. ગુલામ ફાતિમાએ 1933ની બ્રિટિશ ચૅમ્પિયનશિપ જીતી લીધી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પુરુષોની બ્રિટિશ ચૅમ્પિયનશિપ પણ મીર સુલતાન ખાન જીત્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















