નદીમાંથી એવું શું મળ્યું કે આખા ભારતને 'સમૃદ્ધ' બનાવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબની સતલજ નદીમાં એક એવી કાચી ધાતુ મળી આવી છે, જે ભારતને ઇલેક્ટ્રૉનિક્સ-ઉદ્યોગમાં વિશ્વનું કેન્દ્ર બનાવી શકે એમ છે.
આઈઆઈટી રોપરના સંશોધકો દ્વારા શોધાયેલ 'ટેન્ટેલમ' નામની આ ધાતુનો ઉપયોગ કરીને કઈ વસ્તુઓ બનાવી શકાય છે?
આ ધાતુ ભારતને વૈશ્વિક હબ બનાવવામાં કેવી રીતે મદદ કરી શકે? ચાલો વિગતવાર જાણીએ-
ટેન્ટેલમ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટેન્ટેલમ એક અત્યંત દુર્લભ ધાતુ છે. આ ભૂરા રંગની ધાતુ ગુણધર્મે 'કઠણ' કે ‘સખત’ છે.
કુદરતી કારણોસર આ ધાતુ કાટપ્રતિરોધક છે. તેનો અર્થ એ થાય કે અન્ય ધાતુઓની જેમ તેને ઝડપથી કાટ લાગતો નથી.
જ્યારે તે હવાના સંપર્કમાં આવે, ત્યારે તેના પર ઑક્સાઇડનું થર આપમેળે રચાય છે અને ટેન્ટેલમને કાટથી સુરક્ષિત રહી શકે છે.
ટેન્ટેલમનો ઉપયોગ શરૂઆતમાં પાણીની ટાંકી અને પુલ બનાવવા માટે થતો હતો, પરંતુ 20મી સદીની શરૂઆતમાં ઊર્જાનો સંગ્રહ કરવાની તેની ક્ષમતાની જાણ થયા બાદ તેનો ઉપયોગ ઉચ્ચ-ગુણવત્તાવાળાં કૅપેસિટર બનાવવા માટે પણ થવા લાગ્યો હતો.
જોકે, હાલના સમયમાં આ ટેન્ટલમને કારણે મોબાઇલ, લેપટૉપ અને હાર્ડ ડ્રાઇવનાં કદમાં ઘટાડો શક્ય બન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેન્ટેલમની ખોજ ક્યારે થઇ?

ઇમેજ સ્રોત, Getty Images
આ ધાતુની શોધ સૌથી પહેલાં 1802માં સ્વિડનના રસાયણશાસ્ત્રી ઍન્ડર્સ ગુસ્તાફ ઍકનબર્ગ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં કોઈએ સ્વીકાર્યું નહોતું કે આ કોઈ નવી ધાતુ છે અને મોટા ભાગના લોકોને લાગ્યું હતું કે તે 'નિયોબિયમ'નું અલગ સ્વરૂપ જ હોવું જોઈએ.
ગ્રીક પૌરાણિક કથાઓમાં, ટેન્ટાલસ નામનો એક ખૂબ જ સમૃદ્ધ પરંતુ દુષ્ટ રાજા હતો. ગ્રીક દેવતા ઝિયસે ટેન્ટાલસને તેના બાકીના જીવન માટે ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહેવાની સજા કરી હતી.
તેના માથા પર એક ઝાડ ઊગ્યું હતું, જ્યારે ટેન્ટલસ તેનાં ફળ ખાવાનો પ્રયત્ન કરે ત્યારે ઝાડ તેની ડાળીને ઊખેડી નાખતું અને જ્યારે તે પાણી પીવાનો પ્રયત્ન કરે ત્યારે તળાવનું પાણી સુકાઈ જતું. આના પરથી આ ધાતુને ટેન્ટેલમ નામ અપાયું, કારણ કે આ ધાતુ ઍસિડમાં લાંબા સમય સુધી ટકી શકે છે.
'યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ ઍનર્જી' અનુસાર ટેન્ટેલમમાં ઍસિડમાં પણ લાંબુ આયુષ્ય ભોગવવાની તાકાત ધરાવે છે. આ ધાતુના નામકરણ પાછળ આ પણ એક જવાબદાર કારણ છે.
ટેન્ટેલમનો ઉપયોગ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટેન્ટેલમનો ઉપયોગ મુખ્યત્વે ઇલેક્ટ્રૉનિક્સ-ઉદ્યોગમાં થાય છે. ટેન્ટેલમથી બનેલાં કૅપેસિટર અન્ય કોઈ પણ પ્રકારનાં કૅપેસિટર કરતાં વીજળીનો વધારે સંગ્રહ કરે છે અને તેથી નાનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
આ ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, લગભગ 3017 ડિગ્રી સેલ્સિયસ. એના લીધે તેનો ઉપયોગ ઘણીવાર રાસાયણિક પ્લાન્ટ, પરમાણુ પાવર પ્લાન્ટ, ઍરક્રાફ્ટ અને મિસાઇલ બનાવવા માટે પણ થાય છે.
કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ અત્યંત મોંઘા એવા પ્લેટિનમના વિકલ્પ તરીકે પણ થાય છે. કાટપ્રતિરોધક હોવાના લીધે તેનો ઉપયોગ માનવશરીરમાં હિપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી માટે પણ કરાય છે. આવી સર્જરીમાં માનવશરીરની અંદર ધાતુ દાખલ કરવાની જરૂર પડતી હોય છે.
સતલજ નદીમાંથી આ ધાતુ મેળવનાર આઈઆઈટી રોપર ટીમનું નેતૃત્વ કરનાર સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રેસ્મી સેબેસ્ટિને 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં આશા વ્યક્ત કરી હતી કે આ ધાતુ પર ભવિષ્યમાં વધુ સંશોધન કરવામાં આવશે. કારણ કે જો સંશોધન થાય તો તેનો વધુ ભંડાર મળી શકે એમ છે, જેનો ફાયદો માત્ર પંજાબને જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ઇલેક્ટ્રૉનિક્સ-ઉદ્યોગને થઈ શકે છે.












