દુનિયાનો એ દેશ, જેને સોનાના ખજાનાએ બરબાદ કરી નાખ્યો

સોનું

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
    • પદ, .

પૂર્વ આફ્રિકાના વિશાળ દેશ સુદાને લોહિયાળ સપ્તાહાંતનો અનુભવ કર્યો હતો. તેમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા અને કમસે કમ 1,100 લોકો ઘાયલ થયા હતા.

વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના જણાવ્યા મુજબ, સૈન્ય અને રેપિડ સપોર્ટ ફોર્સીસ (આરએસએફ) તરીકે ઓળખાતા અર્ધલશ્કરી બળ (કટોકટીના સમય માટેનું નાગરિકોનું દળ) વચ્ચે થયેલી અથડામણના પરિણામે આ મૃત્યુ થયાં હતાં.

અત્યાર સુધી દેશની રાજધાની ખાર્તુમમાં જ બન્ને પક્ષો વચ્ચે મોટા ભાગની અથડામણ થઈ છે, પરંતુ જમીન પરની આ અથડામણ તંગદિલી, કટોકટી અને રાજકીય સંઘર્ષની શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરિણામ છે. એપ્રિલ, 2019માં ઓમર અલ બશીર સરકારનું પતન થયા બાદની એ ઘટનાઓને કારણે દેશ આજ સુધી સ્થિર થઈ શક્યો નથી.

ફરીથી હિંસા ફાટી નીકળાવાના સિલસિલાનું કારણ દેશના બે મુખ્ય સૈન્ય નેતાઓ વચ્ચે સંવાદનો અભાવ છે. નોંધનીય છે કે આ બંને નેતાઓ પર દેશમાં નાગરિક સરકાર બહાલ કરવાની જવાબદારી છે. આ નેતાઓ આરએસએફના વડા તથા હેમેદતી તરીકે જાણીતા મોહમ્મદ હમદાન દગાલો અને સૈન્યના વડા તથા રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન છે.

જોકે, સુદાનમાં આંતરિક તંગદિલીનું સૌથી વધુ પ્રભાવી કારણ આ આફ્રિકન દેશમાંનો સોનાનો સૌથી મોટો ભંડાર છે. સરકારના જણાવ્યા મુજબ, માત્ર 2022માં જ સુદાને 2.5 અબજ ડૉલરના મૂલ્યના 41.8 અબજ ટન સોનાની નિકાસ કરી હતી.

દેશની મોટા ભાગની કસદાર ખાણો પર હેમેદતી અને આરએસએફનું નિયંત્રણ છે. તેઓ માત્ર ખાર્તુમ સરકારને જ નહીં, પરંતુ પાડોશી દેશોના અન્ય ગ્રાહકોને કિંમતી ધાતુ વેચીને પોતાની કામગીરી માટે નાણાંની વ્યવસ્થા કરે છે.

સુદાનના કટોકટીસંબંધી બાબતોના નિષ્ણાત શેવિટ વોલ્ડેમિકેલે બીબીસીને કહ્યું હતું કે, “અનેક આર્થિક સમસ્યા ધરાવતા આ દેશ માટે સોનાની ખાણો આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે અને તંગદિલીની પરિસ્થિતિમાં એ ખાણો વ્યૂહાત્મક લક્ષ્ય બને છે. વળી આ ખાણો આરએસએફ માટે નાણાનો મુખ્ય સ્રોત છે અને તેઓ સૈન્યને શંકાની નજરે જુએ છે.”

એ ઉપરાંત ખાણમાં વ્યાપક ખોદકામને કારણે આજુબાજુના વિસ્તારોમાં જોરદાર વિનાશક અસર થઈ છે. ખાણ ધસી પડવાને કારણે સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે એટલું જ નહીં, સોનું કાઢવા માટે મર્ક્યુરી તથા આર્સેનિકના ઉપયોગને કારણે લોકો મોટી સંખ્યામાં બીમાર પણ પડે છે.

આજ કાલ સુદાનમાં જે હિંસા ચાલી રહી છે તેમાં સોનું વ્યૂહાત્મક તત્ત્વ કેવી રીતે બન્યું?

ગ્રે લાઇન

સુદાન અને તેનો ‘સોનેરી શાપ’

સુદાન હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે સુદાન તરીકે ઓળખાતા પ્રદેશને બ્રિટિશ શાસનથી 1956માં આઝાદી મળી એ પછી અનેક ઉતાર-ચઢાવવાળી પુનર્ચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ઑઇલના ઉત્પાદન સ્વરૂપે દેશને નાણાંનો મુખ્ય સ્રોત મળ્યો હતો.

1980ના દાયકાના મધ્યથી દેશના દક્ષિણ હિસ્સામાં સ્વાતંત્ર્યની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે ઉગ્ર સંઘર્ષ અને રાજકીય નિર્ણયો સાથે તેમજ દક્ષિણ સુદાન પ્રજાસત્તાકના નિર્માણ સાથે 2011માં પૂર્ણ થઈ હતી. તેને લીધે, સુદાનને ક્રૂડઑઇલની નિકાસમાંથી જે આવક થતી હતી તેમાં બે-તૃતિયાંશ ઘટાડો થયો હતો.

સંસાધનોમાં ઘટાડાને પગલે વિવિધ વંશીય અને સશસ્ત્ર જૂથો વચ્ચેનો આંતરિક સંઘર્ષ તીવ્ર બન્યો હતો. દેશના ઉત્તર ભાગમાં આવેલા જેબેલ અમીર નામના પ્રદેશમાં દેશની આર્થિક મુશ્કેલી દૂર કરી શકે તેટલો સુવર્ણ ભંડાર હોવાનું 2012માં બહાર આવ્યું હતું.

ટફ્સ યુનિવર્સિટી, સુદાનના વિશ્લેષક ઍલેક્સ ડી વાલે બીબીસીને કહ્યું હતું કે, “દક્ષિણ સુદાન અલગ થયા પછી સુદાને જે ગુમાવ્યું હતું તેને ધ્યાનમાં લેતાં આ સુવર્ણ ભંડારને તેઓ ભગવાનનું વરદાન માનવા લાગ્યા હતા, પરંતુ આ બાબત ટૂંક સમયમાં જ અભિશાપ બની ગઈ હતી, કારણ કે તેને લીધે વિવિધ જૂથો વચ્ચે એ પ્રદેશ પર અંકુશ જમાવવાની લડાઈ તીવ્ર બની હતી અને નિરંકુશ ગોલ્ડ રશ આકાર પામ્યો હતો.”

સ્થાનિક રેકૉર્ડ્ઝ અને ઍલેક્સ ડી વાલના જણાવ્યા મુજબ, હજારો યુવાનો પ્રાથમિક સાધનો સાથે છીછરી ખાણોમાં પોતાનું નસીબ અજમાવવા ઊમટી પડ્યા હતા.

એ પૈકીના કેટલાકને સોનું મળ્યું હતું અને તેઓ શ્રીમંત બની ગયા હતા, જ્યારે અન્ય તૂટી પડતી ખાણમાં દટાઈ ગયા હતા અથવા ધાતુના ગઠ્ઠા બનાવવા માટે વપરાતા મર્ક્યુરી તથા આર્સેનિકના ઝેરને કારણે બીમાર પડ્યા હતા.

વેસ્ટ કોર્ડોફાન પ્રાંતમાં 2012માં સોનાની એક ખાણ તૂટી પડવાને લીધે 31 લોકો મૃત્યુ પામ્યા હતા. એ જ વર્ષે 31 માર્ચે દેશની ઉત્તરમાંની એક ખાણ તૂટી પડતાં વધુ 14 લોકો મૃત્યુ પામ્યા હતા.

સુદાન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના જણાવ્યા અનુસાર, ખાણ નજીકના જળ વિસ્તારમાં 2020માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ત્યાં મર્ક્યુરીનું સાંદ્રતાસ્તર પ્રતિ દસ લાખ (પીપીએમ) 2004નું અને આર્સેનિકનું સાંદ્રતાસ્તર 14.23 પીપીએમનું હતું.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનાં ધારાધોરણ મુજબ, પાણીમાં મર્ક્યુરીનું લેવલ એક પીપીએમ અને આર્સેનિકનું લેવલ દસ પીપીએમ જ હોવું જોઈએ.

ખાર્તુમની બહરી યુનિવર્સિટીના પર્યાવરણ કાયદાના પ્રોફેસર અલ જેઈલી હમૌદા સાલેહે સ્થાનિક રેડિયોને કહ્યું હતું કે, “સાયનાઇડ અને મર્ક્યુરીના વપરાશને લીધે દેશમાં નિશ્ચિત રીતે પર્યાવરણસંબંધી આપત્તિ સર્જાશે.”

તેમણે ઉમેર્યું હતું કે, “દેશમાં 40,000થી વધારે ગોલ્ડ માઇનિંગ સાઇટ્સ છે. દેશનાં 13 રાજ્યમાં અંદાજે 60 ગોલ્ડ પ્રોસેસિંગ કંપની કાર્યરત્ છે. એ પૈકીની 15 તો દક્ષિણ કોર્ડોફોનમાં જ છે. આ બધાનું પરિણામ સારું નહીં આવે, કારણ કે તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરતા નથી.”

જોકે, વાત આટલેથી અટકતી નથી. અલ બશીરના વફાદાર અને મુસા હલીલ નામના એક આદિવાસી નેતાએ એક વંશના સંખ્યાબંધ લોકોની હત્યા કરીને આ પ્રદેશ કબજે કર્યો હતો. એ વિસ્તારમાં રહેતા 800થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી.

એ પછી હલીલે ત્યાં સોના માટે ખાણકામ કરવાનું અને માત્ર ખાર્તુમ સરકારને જ નહીં, પરંતુ અન્ય ગ્રાહકોને પણ વેચવાનું શરૂ કર્યું હતું.

જોકે, હલીલને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા પછી આરએસએફના નેતા અને અલ બશીરને કોઈ પણ લશ્કરી ખતરાથી બચાવવા માટે પ્રતિબદ્ધ હેમેદતીએ આ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું હતું અને ખાણકામ આગળ વધાર્યું હતું.

એ સમયે ત્યાં દેશની કુલ નિકાસના 40 ટકા આવક સોનાના વેચાણમાંથી થતી હતી.

ઍલેક્સ ડી વાલે કહ્યું હતું કે, “એ સોનાને કારણે હેમેદતી દેશના કિંમતી ધાતુના મુખ્ય વેપારી બની ગયા હતા અને તેમણે ચાડ તથા લિબિયા સાથેની સરહદ પર પણ નિયંત્રણ મેળવ્યું હતું.”

બીબીસી ગુજરાતી
  • પાછલા કેટલાક દિવસોથી આફ્રિકન દેશ સુદાન દેશમાં થઈ રહેલી હિંસાના કારણે સમાચારોમાં છવાયેલું હતું
  • આ હિંસામાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે
  • પરંતુ આ હિંસા માટે દેશની રાજકીય પરિસ્થિતિની સાથે દેશના ‘સોનાના ભંડાર’ને લઈને સર્જાયેલી તંગદિલી પણ કારણભૂત મનાઈ રહી છે
  • પરંતુ સુદાનમાં ફાટી નીકળેલ હિંસા માટે સોનું વ્યૂહાત્મક તત્ત્વ કેવી રીતે બની ગયું?
  • સંસાધનોના ભંડારમાં આવેલા પરિવર્તનને કારણે દેશમાં આંતરિક સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ છે, જાણો સમસ્યા અને તેનાં કારણો અંગે બધું
બીબીસી ગુજરાતી

લોકશાહીનો માર્ગ

સુદાન હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ હમદાન દગાલો

હકીકત એ છે કે સૈન્યના બળવાને કારણે 2019માં ઓમર અલ બશીર સરકારના પતન બાદ દેશને સશસ્ત્ર જૂથો પર નિયંત્રણ ધરાવતા બે લોકો – હેમેદતી તથા અલ બુરહાનના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

ઍલેક્સ ડી વાલે ઉમેર્યું હતું કે, “ અન્ય પરિબળો ઉપરાંત 70,000 કર્મચારીઓ અને 10,000થી વધુ સશસ્ત્ર પિક-અપ ટ્રક સાથે સોનાના ઉત્પાદન પર અંકુશ હોવાને કારણે આરએસએફ સુદાનનું અસલી પાયદળ, રાજધાની ખાર્તુમ પર નિયંત્રણ રાખવા સક્ષમ દળ બની ગયું હતું.”

સુદાનમાં લોકશાહી સરકારની સ્થાપના માટે 2021માં આ બન્ને નેતાએ હાથ મિલાવવાનું વચન આપ્યું હતું.

શેવિટ વોલ્ડેમિકેલે કહ્યું હતું કે, “તેમની યુતિને ગયા ડિસેમ્બરમાં બહાલી આપવામાં આવી હતી. એ સ્પષ્ટ હતું કે સોનાનું ઉત્પાદન ચૂંટાયેલી લોકશાહી સરકારને સોંપવામાં આવશે, પરંતુ હેમેદતીની વધતી જતી શક્તિને ધ્યાનમાં લઈને અલ બુરહાનની આસપાસના લોકોએ આરએસએફ પર લગામ તાણવા જણાવ્યું હતું.”

તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે એવાં ઘણાં જૂથ છે, જેઓ ઉત્તર સુદાનમાંના સોનાના ભંડાર પર અંકુશ મેળવવા ઇચ્છે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “એ કારણસર અલ બુરહામ નિયંત્રિત સૈન્ય, આરએસએફ પર લગામ તાણવા સુરક્ષાસંબંધી સુધારાની વાટાઘાટના ઉપયોગના પ્રયાસ કરી રહ્યું છે, પણ તેની શરતો હેમેદતીને અસ્વીકાર્ય છે.”

સપ્તાહાંતે થયેલી હિંસક અથડામણ વધવાના અનેક કારણ પૈકીનું તે એક કારણ છે. જોકે, તેમાં અન્ય કેટલાંક પરિબળોનો ઉમેરો દેશને અસ્થિર કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે, “લિબિયામાં લડાઈ નરમ પડ્યા પછી ત્યાં લડતા અનેક ડ્રાફુર લડવૈયાઓ અહીં પાછા ફરશે અને સોનાની ખાણ સહિતનાં સંસાધનો માટેની લડાઈ તીવ્ર બનશે તેવું માનવામાં આવે છે.”

વિશ્લેષકો માને છે કે દેશમાં થતી હિંસાને આંતરરાષ્ટ્રીય સમુદાય કેટલી હદે વખોડે છે તેના પર શાંતિનો આધાર છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, “બન્ને પૈકીના એકેય પક્ષને સંપૂર્ણ વિજય મળશે કે કેમ તે નક્કી નથી. બન્ને પક્ષે જાનહાનિ કમનસીબે વધી રહી છે. તેથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નિંદા વધવાની સાથે તેઓ વાટાઘાટનો નિર્ણય કરશે, એવું હું માનું છું.”

રેડ લાઇન
રેડ લાઇન