અમેરિકાનું એ શહેર જ્યાં આરબોની બહુમતી છે અને મેયર મુસ્લિમ છે

ડિયરબોર્ન, મિશિગન, ઉત્તર અમેરિકા

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, ડોરોથી હર્નાડેઝ
    • પદ, વિશેષ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

અમેરિકાના મિશિગન રાજ્યની ડિયરબૉર્નમાં શાતિલા બેકરીમાં ફ્લેકી બકલાવા, મેશાબેક (ઇજિપ્તની પેસ્ટ્રી) અને ગોલ્ડન-સ્ટાઇલ મેકરન્સથી ભરેલા ડિસ્પ્લે કેસીસની આસપાસ રવિવારે બપોરે ગ્રાહકો એકઠા થયા હતા.

બેકરીના કર્મચારીઓ ગ્રાહકોના ઑર્ડર મુજબ સામગ્રી પૅક કરી રહ્યા હતા. સ્થાનિક લોકો અરબી અને અંગ્રેજીના મિશ્રણમાં એકમેકની સાથે ઉત્સાહપૂર્વક વાતો કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિએ તેના દોસ્ત સાથે મજાક કરતાં કહ્યું હતું, “સ્વસ્થ આહાર માટે મેં પ્લાન બનાવ્યો છે.”

શાતિલા ઘણી રીતે ડિયરબૉર્નનું સુક્ષ્મ સ્વરૂપ છે. 1970ના દાયકામાં લેબનીઝ ઇમિગ્રન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી આ બેકરીની આસપાસ ડઝનબંધ આરબ-અમેરિકન રેસ્ટોરાં, બિઝનેસીસ, માર્કેટ્સ, હલાલ કસાઈની દુકાનો, હેર સલૂન્સ અને મસ્જિદો આવેલાં છે.

બે મુખ્ય શેરીઓ વોરેન એવેન્યુ અને મિશગન એવેન્યુમાં અરેબિક અને અંગ્રેજી ભાષામાં સાઇન બોર્ડ ધરાવતું તેમજ છેલ્લી એક સદીથી ડેટ્રોઇટની બહાર આવેલું આ શહેર અમેરિકામાં આરબોની સૌથી વધુ વસ્તી ધરાવતું સ્થાન બની ગયું છે.

ડેટ્રોઈટ લાંબા સમયથી ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરિંગ કંપની ફોર્ડ મોટર કંપનીનો પર્યાય બની રહ્યું છે.

ડિયરબૉર્ન 2023માં આરબોની બહુમતીવાળું અમેરિકાનું પ્રથમ શહેર બન્યું હતું.

1.10 લાખ લોકોની વસ્તીવાળા આ શહેરમાં આરબ અમેરિકન નેશનલ મ્યુઝિયમ અને નૉર્થ અમેરિકામાંની સૌથી મોટી મસ્જિદ બન્ને આવેલાં છે.

ડિયરબૉર્ન અમેરિકાના એવાં જૂજ શહેરો પૈકીનું એક છે, જેના મેયર મુસ્લિમ તથા આરબ છે, જ્યાંના નાગરિકો માટે ઈદનો દિવસ પેઈડ હોલીડે જાહેર કરવામાં આવ્યો છે અને દેશનાં જૂજ સ્થળો પૈકીનું એક છે, જ્યાં ઇસ્લામિક આધાનને મસ્જિદોમાંના લાઉડસ્પીકર્સ પરથી બ્રૉડકાસ્ટ કરવાની છૂટ છે.

એક સ્થાનિક રહેવાસીએ મને કહ્યું તેમ, “આ વતનથી દૂર આવેલું વતન છે.”

આજે આ શહેર પ્રવાસીઓને મધ્યપૂર્વની મુલાકાત લેવાની તક આપે છે, જેથી તેઓ જાણી શકે કે આરબ અમેરિકનોએ આ શહેર અને રાષ્ટ્રને કેવી રીતે આકાર આપ્યો છે.

ફોર્ડની બીજી પ્રોડક્ટ

હેનરી ફોર્ડ મ્યુઝિયમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ડિયરબૉર્ન અમેરિકન ઇનોવેશનના હેનરી ફોર્ડ મ્યુઝિયમનું ઘર છે અને તેનો કાર-બિલ્ડિંગ ઇતિહાસ આંતરિક રીતે આરબ અમેરિકનો સાથે જોડાયેલો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડિયરબૉર્ન હિસ્ટોરિકલ મ્યુઝિયમના ક્યુરેટર જેક ટેટના જણાવ્યા અનુસાર, વીસમી સદીની શરૂઆત સુધી આ શહેર ખેતરાઉ જમીનથી ઓછી વસ્તીવાળું ગામ હતું. વાહન ઉત્પાદક અને ભાવિ અગ્રણી બિઝનેસમૅન હેનરી ફોર્ડે તેમની ફોર્ડ મોટર કંપનીનું હેડક્વાર્ટર 1920ના દાયકામાં હાઇલૅન્ડ પાર્કથી 10 માઈલ દૂર ડિયરબૉર્નમાં ખસેડ્યું પછી બધું દાયકાઓમાં બદલાઈ ગયું હતું.

ટેટ કહે છે, “એ સમયે અહીં ખૂબ શાંત નાનો સમુદાય હતો. નવો પ્લાન્ટ શરૂ થયો ત્યારે સમગ્ર અમેરિકા અને વિશ્વમાંથી લોકો હેનરી ફોર્ડ માટે કામ કરવા ઉત્સુક હતા. મધ્યપૂર્વના લોકો માટે તે મોટી શરૂઆત હતી.”

હેનરી ફોર્ડે 1908માં તેમના પ્રખ્યાત મોડેલ ટી ઑટોમોબાઇલનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેમને કામદારોની જરૂર હતી. આ ઉદ્યોગપતિએ આફ્રિકન અમેરિકનોની ભરતીની જાતિવાદી નીતિઓ માટે તેમજ યહૂદી વિરોધી નીતિ માટે જાણીતા ડેટ્રોઈટ વિસ્તારમાં તાજેતરમાં જ આવેલા મધ્યપૂર્વના વસાહતીઓમાંથી કામદારો ભરતી કરવાનું વિચાર્યું હતું.

લેબનન, સીરિયા, ઇરાક, યમન અને પેલેસ્ટિનિયન પ્રદેશોના કામદારોનાં ટોળાં ટૂંક સમયમાં મોટા પગારવાળી નવી નોકરીની શોધમાં ડેટ્રોઈટ આવી પહોંચ્યાં હતાં. (એક સ્થાનિક દંતકથા એવી પણ છે કે હેનરી ફોર્ડે એક બંદરમાં યમનના એક નાગરિકને કહ્યું હતું કે તેમની ફેક્ટરીમાં કામદારોને રોજના પાંચ ડૉલર લેખે વેતન આપવામાં આવે છે. તે કારણે, યમન તથા મધ્યપૂર્વના અન્ય દેશોમાંથી આ વિસ્તારમાં આવતા લોકોની સંખ્યા વધી હતી)

1920ના દાયકાની શરૂઆતમાં ફોર્ડની ટી મૉડલ ઍસૅમ્બ્લી લાઇનના મોટા ભાગના કામદારો આરબ વંશના હતા.

હેનરી ફોર્ડ ડિયરબૉર્ન ગયા ત્યારે તેમના ઘણા કર્મચારીઓ તેમને અનુસર્યા હતા. એ કારણે માત્ર 2,400 લોકોની વસ્તીવાળું આ શાંત ગામ વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક પ્લાન્ટમાં પરિવર્તિત થયું હતું તેમજ ડિયરબૉર્ન અમેરિકામાં આરબોના સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ બન્યું હતું.

2020ની વસ્તીગણતરી અનુસાર, શહેરના લગભગ 1.10 લાખ રહેવાસીઓ પૈકીના 54.5 ટકા લોકો મધ્યપૂર્વના અથવા ઉત્તર આફ્રિકન વંશના હોવાનો દાવો કરે છે.

આરબો માટે ચુંબક

આરબ અમેરિકન નેશનલ મ્યુઝિયમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, આરબ અમેરિકન નેશનલ મ્યુઝિયમ એ યુ.એસ.નું એકમાત્ર મ્યુઝિયમ છે જે આરબ અમેરિકન હોવાના અનુભવને દર્શાવે છે.

સેન્ટર ફૉર અરેબિક નૅરટિવ્સના ડિરેક્ટર મૅથ્યુ જેબેર સ્ટીફલરના જણાવ્યા મુજબ, એ પછીના દાયકામાં વધુ આરબો અને આરબ અમેરિકનો ડિયરબૉર્નમાં સ્થળાંતરિત થયા હોવાથી એક સામુદાયિક નેટવર્ક રચાયું હતું, જેણે અન્ય લોકોને અહીં આવવા પ્રોત્સાહિત કર્યા હતા.

“તેમણે અહીં ડૉક્ટરોની ઑફિસો, રેસ્ટોરાં અને કરિયાણાની દુકાનો ખોલવી શરૂ કરી હતી. એક એન્કલેવ બનાવ્યું હતું. એ પછી તેમના વતન, ખાસ કરીને લેબનન, યમન, પેલેસ્ટાઈન અને ઇરાકમાં આંતરિક સંઘર્ષ સતત ચાલુ રહ્યો હતો. તેથી ત્યાંના લોકોએ સ્થળાંતર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે ડિયરબૉર્નને નવા લોકો મળતા રહ્યા હતા, કારણ કે એ લોકો સંઘર્ષરત્ દેશોમાંથી આવતા રહ્યા હતા.”

આવી જ કથા અમાન્દા સાબના પરિવારની છે. આ લેબનીઝ-અમેરિકન શેફનો જન્મ અને ઉછેર ડિયરબૉર્નમાં થયો હતો. તેઓ બાળક હતા ત્યારે 1970ના દાયકામાં તેમનાં માતા-પિતાએ અહીં સ્થળાંતર કર્યું હતું.

ઘણા અન્ય લોકોની માફક તેમનાં માતા-પિતા પણ ઊંચા પગારવાળી ઑટો કંપનીની નોકરીથી આકર્ષાયા હતા. આ શહેરમાં તેમના પરિવારના અન્ય સભ્યો પહેલેથી જ હતા. તેથી તેમનું ધ્યાન આ શહેર પ્રત્યે આકર્ષાયું હતું.

તેઓ કહે છે, “ડિયરબૉર્ન પહેલેથી એક પ્રકારની દીવાદાંડી, કેન્દ્ર, કિલ્લો બની રહ્યું છે. મારા સમુદાય અને ધર્મ સાથે જોડતી તમામ વસ્તુઓ ડિયરબૉર્નમાં છે.”

2015માં સાબ હિજાબધારી પહેલા મુસ્લિમ મહિલા હતાં, જેમણે રિયાલિટી શો માસ્ટરશેફ અમેરિકામાં ભાગ લીધો હતો. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની લડાઈના પ્રતિસાદમાં તેમણે શેફ્સ ફૉર પેલેસ્ટાઈન શ્રેણી બનાવી હતી.

ડિનરની એ સિરીઝમાં આ વિસ્તારના કેટલાક શ્રેષ્ઠ શેફ્સ એકઠા થયા હતા અને તેમણે પેલેસ્ટિનિયન ચિલ્ડ્રન્સ રિલીફ ફંડ તથા પેલેસ્ટિનિયન અમેરિકન મેડિકલ ઍસોસિયેશન માટે નાણાં એકત્ર કર્યાં હતાં.

સાબ કહે છે તેમ, અહીંના ઘણા રહેવાસીઓ તેમના વતનમાં સંઘર્ષ સહન કર્યા પછી સારા જીવનની શોધમાં ડિયરબૉર્ન આવ્યા હોવાથી આ શહેરે માત્ર આરબ અમેરિકનો માટે આશાભર્યા આશ્રયસ્થાન તરીકે સેવા આપી હતી એટલું જ નહીં, અહીં રહેતા લોકોના વિદેશમાં પીડાતા પરિવારોની સપોર્ટ સિસ્ટમ પણ બન્યું હતું.

સાબ કહે છે, “ડિયરબૉર્ન બધાને આવકારતા, દયાળુ અને ઉદાર સમુદાયો પૈકીનું એક છે.”

આરબ આહાર સંસ્કૃતિ

ડિયરબોર્ન

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ડિયરબોર્નના કાફે અને રેસ્ટોરન્ટમાં ખાવા માટે લોકો સમગ્ર મધ્ય-પૂર્વમાંથી આવે છે.

આજે ડિયરબૉર્નમાં આરબોની ઊડીને આંખે વળગે તેવી હાજરી કદાચ તેના આહારમાં સૌથી વધુ અનુભવાય છે. ખાણીપીણીના શોખીનો સમગ્ર અમેરિકન મિડવેસ્ટથી માંડીને તેની ઘણી મિડલ ઇસ્ટર્ન ફૂડ શૉપ્સ, કેફે અને રેસ્ટોરાંમાં આવે છે.

સાબ કહે છે, “ડિયરબૉર્ન પોતે જ એક ફૂડ ઍડવેન્ચર છે.”

ડિયરબૉર્નમાં મધ્ય પૂર્વીય સંસ્કૃતિનો સ્વાદ માણવાની સાથે જોવા જેવું બીજું પણ ઘણું બધું છે.

ઇસ્લામિક સેન્ટર ઑફ અમેરિકાએ ફોર્ડ રોડ પર એક વિશાળ મસ્જિદ 2005માં સમર્પિત કરી હતી, જે ફોર્ડ મોટર કંપનીના વડામથકથી માત્ર બે માઈલ દૂર આવેલી છે. એ ઉત્તર અમેરિકાની સૌથી મોટી મસ્જિદ હોવા ઉપરાંત અમેરિકાની સૌથી જૂની શિયા મસ્જિદ પણ છે. તેમાં એક સાથે 1,000 લોકો પ્રાર્થના કરી શકે છે.

એ તમામ ધર્મના લોકોનું સ્વાગત કરે છે અને પ્રવાસીઓ મસ્જિદના સુવર્ણ ગુંબજ, ઊંચા મિનારાઓ તથા અંદરના અલંકૃત ઇસ્લામિક સુલેખનની પ્રશંસા કરતા રહે છે.

ડિયરબૉર્નના દક્ષિણ છેડે આવેલી અમેરિકન મુસ્લિમ સોસાયટીના દરવાજા પણ બધા માટે ખુલ્લા હોય છે. તે ટૂર ઑફર કરે છે.

1937માં બાંધવામાં આવેલી અને સભાગાર બનાવવા માટે વિસ્તારવામાં આવેલી તે અમેરિકાની એવી પ્રથમ મસ્જિદ હતી, જેને અઝાનનું લાઉડસ્પીકર મારફત પ્રસારણ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આરબ અમેરિકન સંસ્કૃતિનું જતન

અલ-હદીકા

ઇમેજ સ્રોત, DOROTHY HERNANDEZ

ઇમેજ કૅપ્શન, અલ-હદીકા, આરબ અમેરિકન નેશનલ મ્યુઝિયમના નવા બગીચામાં સમગ્ર આરબ વિશ્વમાંથી ઐતિહાસિક રીતે ઉગાડવામાં આવતા છોડનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ધર્મ ડિયરબૉર્નના ઘણા આરબ-અમેરિકન રહેવાસીઓના જીવનનો મુખ્ય હિસ્સો છે, પરંતુ માત્ર એ જ નથી.

આરબ અમેરિકન નેશનલ મ્યુઝિયમનો હેતુ તે સમજાવવાનો છે.

આ સંગ્રહાલય પોતાને “આરબ-અમેરિકન અનુભવને રેકૉર્ડ કરવા માટે સમર્પિત અમેરિકાના આવા એકમેવ અને પ્રથમ મ્યુઝિયમ” તરીકે ઓળખાવે છે. તે સમુદાયના સ્થળાંતરની કથાઓ જણાવે છે અને દેશમાં આરબ-અમેરિકનોએ આપેલા યોગદાનને દર્શાવે છે.

તેની મુખ્ય ગૅલરીઝ અને આરબ ફિલ્મ ફેસ્ટિવલ જેવા વાર્ષિક કાર્યક્રમો ઉપરાંત આ મ્યુઝિયમે 2023માં તેનું અલ-હકીદા હેરિટેજ ગાર્ડન પણ ખુલ્લુ મૂક્યું હતું.

મ્યુઝિયમના સમુદાયના ઇતિહાસકારો પૈકીના એક શાથા નજીમે ધાબા પરના વૃદ્ધિના વિવિધ તબક્કામાં રહેલા છોડવાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમાં ઉભરતા વેલાઓથી માંડીને તાજેતરમાં લણવામાં આવેલી મજબૂત ઇજિપ્તની ડુંગળીનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ગાર્ડન આઠમી જૂનથી ખૂલશે. મ્યુઝિયમના મૌખિક ઇતિહાસ સંગ્રહ માટે તેઓ જે વાર્તાઓ એકઠી કરી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખીને ગાર્ડન બનાવવામાં આવ્યો છે. એ પૈકીની ઘણી કથાઓમાં પોતાનું વતન છોડી આવેલા લોકોના અનુભવની વાતો છે.

તેમણે કહ્યું હતું, “મને લાગે છે કે વતન સાથે જોડાવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક છોડ દ્વારા જોડાવાની છે. વતનનાં ધાન્ય તથા જડીબુટ્ટીઓનું વાવેતર કરવું અને અહીં રાખવાં તે નવું ઘર અને નવું વાતાવરણ સ્થાપિત કરવા જેવું છે, જે પરિચિત લાગે છે.”

નજીમના કહેવા મુજબ, આ મૌખિક ઇતિહાસ આરબ અમેરિકનો માટે અમેરિકામાંના જીવનનું સંપૂર્ણ ચિત્ર પ્રસ્તુત કરે છે. “ઘણી બધી વાર્તાઓ આપણા દ્વારા કહેવામાં આવી છે, પરંતુ આપણને નહીં.” અલબત્ત, ડિયરબૉર્નમાં તે અલગ છે.

તેમણે કહ્યું હતું, “તમે અહીં એવા લોકો સાથે છો, જેઓ તમારી સંસ્કૃતિથી પરિચિત છે. તેઓ કદાચ એક જ દેશના નહીં હોય, પરંતુ તમારી સાથે ઘણું સામ્ય ધરાવે છે. એ બધું વતન અને નવી જગ્યાએ અસ્તિત્વની નવી ભાવના સર્જે છે, તેમજ એક સુંદર નવું ઘર બનાવે છે. બધા લોકો કદાચ અહીં ઈરાદાપૂર્વક નહીં આવ્યા હોય, પરંતુ અમે શક્ય તેટલું શ્રેષ્ઠ કર્યું છે. તેથી આરબ-અમેરિકન શબ્દ સાથે અમે તાદાત્મ્ય અનુભવીએ છીએ.”