જંગલમાં દબાયેલા સોનાનું અબજોનું કૌભાંડ અને હેલિકૉપ્ટરમાંથી ફેંકી દેવાયેલા અધિકારીની કહાણી

- લેેખક, લુસી વાલ્લીસ
- પદ, બીબીસી ન્યૂઝ
ઇન્ડોનેશિયાના જંગલમાં સોનાનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હોવાના એક ખાણ કંપનીના દાવાને પગલે તે કંપનીમાં રોકાણ કરવા પડાપડી થઈ હતી, પરંતુ જે ચમકતું હતું તે સોનું નહોતું અને કંપનીના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રીનું થયેલું મૃત્યુ એક વણઉકલ્યું રહસ્ય બની ગયું છે.
ચેતવણીઃ આ લેખમાં આત્મહત્યા અને વિચલિત કરે તેવી વિગતોનું વર્ણન છે, જે કેટલાક વાચકોને પરેશાન કરી શકે છે.
1997ની 19 માર્ચની સવારે કૅનેડાની માઇનિંગ કંપની બ્રે-એક્સ મિનરલ્સના વડા ભૂસ્તરશાસ્ત્રી માઇકલ ડી ગઝમૅન એક હેલિકૉપ્ટરમાં બેસીને ઇન્ડોનેશિયામાં આવેલા અંતરિયાળ જંગલ વિસ્તારમાં જવા રવાના થયા હતા.
આ પ્રવાસ તેઓ અગાઉ ઘણીવાર કરી ચૂક્યા હતા. એ સ્થળે સોનાનો જંગી જથ્થો હોવાનું તેમણે જાહેર કર્યું હતું.
પ્રવાસ શરૂ થયાની 20 મિનિટ પછી હેલિકૉપ્ટરની ડાબી બાજુનો પાછળનો દરવાજો ખૂલી ગયો અને ડી ગઝમૅન નીચેની ગાઢ ઊંડી ખીણમાં પડી ગયા.
માઇનિંગ કંપનીના વડાએ જાહેરાત કરી કે ડી ગઝમૅનને હૅપેટાઇટિસ-બી થયાનું નિદાન થયું હતું અને તેઓ વારંવાર થતા મેલેરિયાથી કંટાળી ગયા હતા. તેથી તેમણે આત્મહત્યા કરી લીધી.
એ ઘટનાનાં દસ વર્ષ પછી કૅલગરી હેરલ્ડ અખબારે ડી ગઝમૅનના મૃત્યુની તપાસ કરવા કૅનેડિયન પત્રકાર સુઝેન વિલ્ટનને મોકલ્યાં હતાં.
વિલ્ટન કહે છે, “મને દુનિયાનું અડધું ચક્કર લગાવવા માટે મોકલવામાં આવી હતી.પરંતુ આ સ્ટોરી મને ત્યારથી પરેશાન કરતી રહી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે સુઝેન એક નવી પોડકાસ્ટ શ્રેણી રજૂ કરી રહ્યાં છે. તેમાં ઘાતક હેલિકૉપ્ટર યાત્રા પહેલાં શું થયું હતું તેની ઊંડાણપૂર્વકની તપાસની વિગત રજૂ કરવામાં આવી છે.
સોનાના ભંડારનું પરીક્ષણ

ઇમેજ સ્રોત, Richard Beher
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડી ગઝમૅનનો જન્મ 1956માં વૅલેન્ટાઇન ડેના દિવસે ફિલિપાઇન્સમાં થયો હતો. પ્રેમના દિવસે જન્મેલા હોવાને કારણે તેઓ વારંવાર પ્રેમમાં પડ્યા હતા. તેમને સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ત્રણ, કદાચ ચાર, પત્નીઓ હતી.
કરાઓકે, બિયર, સ્ટ્રિપ ક્લબ્ઝની મુલાકાતો અને સોનાના આભુષણો પહેરવાનો શોખ ધરાવતા ડી ગઝમૅન અનુભવી ભૂસ્તરશાસ્ત્રી હતા. તેઓ માનતા હતા કે ઇન્ડોનેશિયામાં તેમનું નસીબ ચમકી શકે છે.
વિલ્ટનના કહેવા મુજબ, ઇન્ડોનેશિયાને તેના સમૃદ્ધ કુદરતી ખનિજતત્ત્વોના ભંડારને કારણે સોનાના સંશોધકો માટે 1990ના દાયકામાં તકોની ભૂમિ ગણવામાં આવતો હતો.
જ્હોન ફેલ્ડરહેડને ઘણા લોકો ભૂસ્તરશાસ્ત્રીઓના 'ઇન્ડિયાના જોન્સ' તરીકે ઓળખતા હતા. જ્હોન એવું માનતા હતા કે બોર્નિયો ટાપુ પરના ઇસ્ટ કાલિમંતન પ્રાંતમાં અંતરિયાળ સ્થળ બુસાંગમાં સોનાનો જંગી જથ્થો ધરાવતી ખાણ છે, પરંતુ તેના માટે જ્હોનને પૈસાની જરૂર હતી.
જ્હોન ફેલ્ડરહેડે 1993માં બ્રે-એક્સ મિનરલ્સના વડા ડેવિલ વોલ્શ સાથે સોદો કર્યો હતો. વોલ્શ દટાયેલા ખજાનાથી ભરપૂર એ સાઇટનું સપનું સંભવિત રોકાણકારોને વેચવાના હતા.
ફેલ્ડરહોફે પાયાની કામગીરી કરીને સ્પષ્ટ કર્યું હતું કે આ શોધમાં મદદ માટે તેમને એક પ્રોજેક્ટ પાર્ટનરની જરૂર છે. તે પાર્ટનર સાથી ભૂસ્તરશાસ્ત્રી અને દોસ્ત ડી ગુઝમૅન હતા.
જોકે, સોનાનો ભંડાર ખરેખર છે કે કેમ, તેનું પરીક્ષણ કરવા માટે ફેલ્ડરહોફ, ડી ગુઝમૅન અને તેમની ટીમ પાસે માત્ર 18 ડિસેમ્બર, 1993 સુધીનો સમય જ હતો. ઇન્ડોનેશિયા સરકારે તેમને આપેલા ઍક્સપ્લોરેશન લાઇસન્સની મુદ્દત એ દિવસે પૂર્ણ થવાની હતી.
અંતિમ સમયમર્યાદા પૂર્ણ થવાને બે દિવસ બાકી રહ્યા હતા અને માત્ર બે જ હોલ ખોદી શકાયા હતા. પરંતુ તેમાં સોનું હોવાનો કોઈ સંકેત મળ્યો ન હતો. વિલ્ટનના કહેવા મુજબ, ડી ગઝમૅને વોલ્શને જણાવ્યું હતું કે ડ્રિલિંગનું ચોક્કસ સ્થળ તેઓ જાણે છે. એ લોકેશન તેમને સપનામાં દેખાયું હતું.
ડી ગઝમૅને જે ચોક્કસ સ્થળ દેખાડ્યું હતું ત્યાં તેમની ટીમે ડ્રિલિંગ કર્યું હતું અને ત્યાંથી સોનાનો જથ્થો મળી આવ્યો હતો. ચોથા હોલનું ડ્રિલિંગથી વધુ મોટી શોધની સંભાવના સર્જાઈ હતી.
છ અબજ ડૉલરનું કૌભાંડ

ઇમેજ સ્રોત, Warren Irwin
તે અત્યાર સુધીની સૌથી મોટી સોનાની ખાણની છેતરપિંડી હતી. એક એવું કૌભાંડ હતું, જેમાં અસંખ્ય જીવો હોમાઈ ગયા હતા. સવાલ એ છે કે ખરેખર શું થયું હતું?
એ પછીના ત્રણ વર્ષ સુધી તે સાઇટ પર કામ ચાલુ રહ્યું હતું. જેમ જેમ સોનાના જથ્થાનો અંદાજ વધતો ગયો તેમ તેમ રોકાણકારોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બ્રે-એક્સના શેરની કિંમત 20 સેન્ટથી વધીને 280 ડૉલર થઈ ગઈ હતી. કંપનીનું કુલ મૂલ્ય છ અબજ ડૉલરનું થઈ ગયું હતું.
કૅનેડાનાં નાનાં શહેરોના ઘણા લોકો આ સોના પાછળની આ દોડમાં જોડાયા હતા. તેમણે તેમની બચતમાંથી હજારો ડૉલરનું રોકાણ કર્યું હતું, પરંતુ સમય પસાર થવાની સાથે ચમક ઝંખવાતી ગઈ હતી.
ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સુહાર્તોએ 1997ની શરૂઆતમાં નિર્ણય કર્યો હતો કે બ્રે-એક્સ મિનરલ્સ જેવી નાની કંપની એ સ્થળની સંપૂર્ણ માલિકી ધરાવી શકે નહીં અને તેના તમામ લાભ લઈ શકે નહીં. તેનો લાભ ઇન્ડોનેશિયા સરકારને પણ મળવો જોઈએ અને વધુ મોટી, વધુ અનુભવી માઇનિંગ કંપનીની મદદ લેવી જોઈએ. તેથી અમેરિકન કંપની ફ્રીપૉર્ટ-મેકમોરાન સાથે કરાર કરવામાં આવ્યો હતો.
કિંમતી ધાતુઓનાં ખાણકામ સંબંધી તમામ નાણાકીય જોખમો ઉઠાવવા માટે સંમત થતાં પહેલાં ફ્રીપૉર્ટ-મેકમોરાને પોતે પણ જરૂરી તપાસ કરવાની હતી. બુસાંગ ખાતેના ભંડારમાં ડ્રિલિંગ માટે તેના ભૂસ્તરશાસ્ત્રીઓને મોકલવામાં આવ્યા. તેનો એક માર્ગ ટ્વીનિંગ હતો. ટ્વીનિંગ એટલે જે સ્થળે સોનાનો ભંડાર મળ્યો હતો તેની બરાબર બાજુમાં ડ્રિલિંગ કરી અને ખડકોના નમૂના લેવાના હતા.
ડી ગુઝમૅને જ્યારે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો

ઇમેજ સ્રોત, Warren Irwin
ખાણકામમાં તે પ્રમાણભૂત પ્રક્રિયા હતી, પરંતુ બ્રે-એક્સ મિનરલ્સે એ કામ કર્યું નહોતું.
ટ્વીનિંગના નમૂના બે અલગ-અલગ પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ પરિણામ એકસરખું આવ્યું હતું. તેમાં સોનાના કોઈ સગડ મળ્યા નહોતા.
તેનો અર્થ, જે લોકોએ કંપનીમાં રોકાણ કર્યું હતું એમના માટે શું હોઈ શકે?
ફ્રીપૉર્ટ-મેકમોરાન દ્વારા વોલ્શ અને ફેલ્ડરહોફને નવા ડેટાની જાણ કરવામાં આવી હતી. ટોરોન્ટોમાં એક સંમેલનમાં હાજરી આપી રહેલા ડી ગુઝમૅનને, ફ્રીપૉર્ટ-મેકમોરાનની ટીમને સમજાવવા બુસાંગ પાછા ફરવાની સૂચના આપવામાં આવી હતી.
ડી ગુઝમૅન કૅનેડાથી સિંગાપોર ગયા હતા, જ્યાં તેમણે તેમના પત્ની જીની સાથે સમય વિતાવ્યો હતો. ડી ગુઝમૅનને જીની સાથેના સંબંધથી એક પુત્ર અને એક પુત્રી થયાં હતાં.
એ પછીના ડી ગુઝમૅનનાં જીવનના અંતિમ કલાકોનાં તાણાવાણા એક અન્ય કૅનેડિયન પત્રકાર જેનિફર વેલ્સે મેળવ્યા હતા.
વેલ્સના કહેવા મુજબ, ડી ગુઝમૅને તેમના જીવનની છેલ્લી સાંજ બ્રે-એક્સ મિનરલ્સના કર્મચારી રુડી વેગા સાથે બુસાંગ ખાણથી દક્ષિણે 161 કિલોમીટર દૂર આવેલા બાલિકપાપન શહેરમાં પસાર કરી હતી.
રુડી વેગા કંપનીની ફિલિપિનો એક્સપ્લોરેશન ટીમનો હિસ્સો હતા અને ફ્રીપૉર્ટ-મેકમોરાન સાથેની મુલાકાત માટે તેઓ ડી ગુઝમૅન સાથે પ્રવાસ કરવાના હતા.
વેગાએ બાદમાં ઇન્ડોનેશિયન પોલીસને આપેલી માહિતી મુજબ, તેઓ ડી ગુઝમૅન સાથે એક કરાઓકે બારમાં ગયા હતા. હોટેલમાં પાછા ફર્યા બાદ ડી ગુઝમૅને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી સવારે ડી ગુઝમૅન અને વેગા હેલિકૉપ્ટર દ્વારા બુસાંગ નજીકના અન્ય શહેર સમરિડા ગયા હતા.
એ પછી ડી ગુઝમૅન ખાણ સુધી પહોંચવા માટે ફરી હેલિકૉપ્ટરમાં બેઠા હતા, પરંતુ એ વખતે વેગા તેમની સાથે નહોતા.
તેમાં ડી ગુઝમૅન સાથે બે અન્ય લોકો પણ હતા. એક મેન્ટનન્સ ટેકનિશિયન અને એક પાઇલટ, જે ઇન્ડોનેશિયન ઍરફોર્સનો પાઇલટ હતો. તેણે બુસાંગની ખાણ સુધીની હેલિકૉપ્ટર ટ્રીપ ક્યારેય કરી નહોતી. સમરિંદામાં રોકાણ પણ વિચિત્ર હતું, કારણ કે ડી ગુઝમૅન સામાન્ય રીતે બાલિકપાપનથી સીધા બુસાંગ જતા હતા.
એવું કૌભાંડ જેના માટે કોઈની જવાબદારી નક્કી ના થઈ

ઇમેજ સ્રોત, Genie de Guzman
એ ઘટના બાબતે પ્રારંભિક નિવેદન આપ્યા પછી પાઇલટે ભાગ્યે જ તે સફર બાબતે વાત કરી છે. વિલ્ટનના કહેવા મુજબ, ડી ગુઝમૅન સાથે જે કંઈ થયું તેમાં પોતાની સંડોવણીનો તેણે ઇનકાર કર્યો હતો અને શું થયું તે પોતે જોયું નથી એવી દલીલ સતત કરી છે.
1997ની 19 માર્ચે સ્થાનિક સમય અનુસાર 10.30 વાગ્યા સુધીમાં ડી ગુઝમૅનનું મોત થયું હતું.
હેલિકૉપ્ટરમાંથી આત્મહત્યા હાથેથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી અને ચાર દિવસ પછી વિશાળ જંગલમાંથી એક લાશ મળી આવી હતી.
ડી ગુઝમૅનના મોતના છ સપ્તાહ પછી બુસાંગનાં સોનાનાં સપનાનો અંત, રોકાણકારોની નિરાશા સાથે આવ્યો હતો.
બ્રે-એક્સ મિનરલ્સનું મૂલ્ય છ અબજ ડૉલરથી ઘટીને નહીંવત્ થઈ ગયું હતું.
બુસાંગ સાઇટ પર સોનાનો એક કણ સુદ્ધાં ન હોવાની પુષ્ટિ એક સ્વતંત્ર અહેવાલમાં કરવામાં આવી હતી. 1995થી 1997 સુધીનાં રૉક સૅમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેમાં સોલ્ટિંગ નામની પ્રક્રિયા દ્વારા ચેડાં કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. એ વિસ્તારમાં સોનું હોવાનું સાબિત કરવા માટે અન્ય સ્રોતમાંથી સોનાના કણો મેળવવામાં આવ્યા હતા અને સોલ્ટશેકર દ્વારા છાંટવામાં આવ્યા હતા.
આજે લગભગ 30 વર્ષ પછી પણ એ કૌભાંડ માટે ક્યારેય કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.
વોલ્શના જણાવ્યા મુજબ, તેઓ આ બાબતે કશું જાણતા નહોતા. 1998માં સ્ટ્રૉકને લીધે તેમનું મૃત્યુ થયું હતું. 2007માં કૅનેડિયન ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે ફેલ્ડરહેડ છેતરપિંડીથી અજાણ હતા અને ઇનસાઇડર ટ્રૅડિંગ માટે દોષિત નહોતા. એ ડચ ભૂસ્તરશાસ્ત્રીનું 2019માં અવસાન થયું હતું.
આપણે ડી ગુઝમ્રન તરફ પાછા ફરીએ. પોતે છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ હોવાનું જાહેર ન થાય એટલા માટે તેમણે ખુદનો જીવ લીધો હતો?
વિલ્ટનના કહેવા મુજબ, ડી ગુઝમૅનની આત્મહત્યાની ચિઠ્ઠી (સુસાઇડ નોટ) ચિંતામાં વધારો કરે છે.
ફેલ્ડરહોફે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ડી ગુઝમૅને સુસાઇડ નોટ લખી હોવા બાબતે તેમના પિતરાઈ ભાઈએ શંકા વ્યક્ત કરી હતી.
સુસાઇડ નોટમાં તેમની શારીરિક બીમારીઓનો ઉલ્લેખ છે, પરંતુ તેમના સંબંધીઓ તેમને આ બાબતે ફરિયાદ કરતા ક્યારેય સાંભળ્યા નહોતા.
વિલ્ટન કહે છે, બીજી સુસાઇડ નોટ બ્રે-એક્સ મિનરલ્સના ફાઇનાન્સ મૅનેજર માટે લખવામાં આવી હતી. ડી ગુઝમૅન તે ફાઇનાન્સ મૅનેજરને જાણતા નહોતા. તેમાં ડી ગુઝમૅનની એક પત્નીના નામની ખોટી જોડણી લખવામાં આવી હતી.
તપાસ ટીમે લાંબા સમય સુધી કરી મૃત્યુની તપાસ

શબપરીક્ષણનો અહેવાલ જાહેર થયા પછી પુરાવાઓની તપાસ માટે ડી ગુઝમૅનના પરિવાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ફિલિપિનો તપાસ ટીમના એક સભ્ય ડૉ. બેનિટો મોલિનો હતા.
ડૉ. મોલિનોના જણાવ્યા મુજબ, જંગલમાંથી મળેલા શબના ફોટોગ્રાફ્સમાં ડી ગુઝમૅનની ગરદન પર ઉઝરડા જોવા મળ્યા હતા. તેમણે તારણ કાઢ્યું હતું કે ડી ગુઝમૅનનું મોત ગળું દબાવી દેવાને કારણે થયું હતું.
ડૉ. મોલિનોએ પોડકાસ્ટમાં કહ્યું હતું, “ડી ગુઝમૅન મૃત્યુ પામ્યા ત્યારે તેમણે આત્મહત્યા કરી હોવાનો દેખાડો કરવા તેમને હેલિકૉપ્ટરમાંથી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હશે.”
“મોટા ગુનાઓમાં બલિનો કાયમ એક બકરો હોય છે. તેથી અસલી માસ્ટરમાઇન્ડની ઓળખ થશે એવું અમે માનતા નથી.”
એ લાશ ખરેખર ડી ગુઝમૅનની જ હતી?
ડૉ. મોલિના સાથે કામ કરતા ફૉરેન્સિક નૃવંશશાસ્ત્રી ડૉ. રિચાર્ડ તાદુરને જણાવ્યું હતું કે શબ શોધવામાં ચાર દિવસ થયા હતા અને પ્રારંભિક વર્ણનોના આધારે એવું લાગે કે એ વ્યક્તિ ચાર દિવસ કરતાં વધુ સમયથી મૃત હાલતમાં હતી.
ડી ગુઝમૅનનાં પત્ની જીની પણ કહે છે, "મારા પતિ ચોકઠું પહેરતા હતા, પરંતુ જે મૃતદેહ મળી આવ્યો હતો તેના દાંત અકબંધ હતા."
વિલ્ટનના જણાવ્યા મુજબ, ડી ગુઝમૅનના ડેન્ટલ રેકર્ડ તેમના પરિવારે ક્યારેય જાહેર કર્યા નથી.
ડી ગુઝમૅનના ભૂસ્તરશાસ્ત્રી દોસ્ત મન્સુર ગેઈગેર કહે છે, "તેમણે જીનીને જણાવ્યું હતું કે ડી ગુઝમૅન જીવંત છે અને દક્ષિણ આફ્રિકા ભાગી ગયા છે."
ડી ગુઝમૅન હાલ કૅમૅન આઇલેન્ડ્સમાં રહેતા હોવાનું ગેઈગર માને છે.
ડી ગુઝમૅને પોતાના મોતનું નાટક કરવા કોઈ મૃતદેહને હેલિકૉપ્ટરમાં સાથે લઈ જવાની વ્યવસ્થા કરી હશે? ડી ગુઝમેન ખરેખર એ હેલિકોપ્ટરમાં બેઠા હતા?
ડી ગુઝમૅનને જીની સાથેના સંબંધથી થયેલો દીકરો માને છે કે તેના પિતા જીવંત હોવાની શક્યતા છે. આ વાત તેને તેની માતાએ કહી હતી.
એ દીકરો પણ પિતાની માફક ભૂસ્તરશાસ્ત્રી છે અને પિતાનો વારસો ખરા માર્ગે આગળ ધપાવવા કટિબદ્ધ છે.
માઇકલ ડી ગુઝમૅન જૂનિયર કહે છે, “હું કદાચ મારી પોતાની ખાણો બનાવીશ. કેટલાક રોકાણકારોનો સાથ લઈશ અને બહેતર માઇક ડી ગુઝમૅન બનીશ.”












