સ્કૉર્પિયન: ઘણા દેશોમાં મોસ્ટ વૉન્ટેડ રહેલા માનવતસ્કર 'વીંછી' સુધી પહોંચવાની કહાણી

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી
    • લેેખક, સુ મિશેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

હું ઇરાકના એક શૉપિંગ મૉલમાં યુરોપના સૌથી કુખ્યાત માનવતસ્કરની સામે બેઠી છું. તેમનું નામ બરઝાન મઝીદ છે અને તેને બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશાની પોલીસ શોધી રહી છે.

અહીં આ મૉલમાં અને આગળના દિવસે તેમની ઑફિસમાં જે વાતચીત થઈ, તે દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને યાદ જ નથી કે અત્યાર સુધીમાં કેટલા લોકોને ઇંગ્લિશ ચૅનલ પાર કરાવી ચૂક્યા છે.

"કદાચ, એક હજાર કે કદાચ, દસ હજાર. મને નથી ખબર. હું ગણતો નહોતો."

કેટલાક મહિના પહેલાં સુધી આ મુલાકાત થવી અસંભવ જેવું લાગતું હતું.

પૂર્વસૈનિક રૉબ લૉરી, જેઓ શરણાર્થીઓ માટે કામ કરે છે, તેમની સાથે હું ‘સ્કૉર્પિયન’ નામથી ઓળખાતી વ્યક્તિને શોધવા અને તેમને પ્રશ્નો પૂછવા નીકળી હતી.

સ્કૉર્પિયન એટલે કે, વીંછી.

તેમની ગૅંગે થોડાં વર્ષો સુધી હોડીઓ અને લૉરી દ્વારા ઇંગ્લિશ ચૅનલ પાર માનવતસ્કરીના ધંધા પર કબજો જમાવ્યો હતો.

2018થી અત્યાર સુધીમાં હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચૅનલ પાર કરતા સમયે 70થી વધારે પ્રવાસીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. ગયા મહિને ફ્રાંસના તટ પર પાંચ લોકો માર્યા ગયા, તેમાં સાત વર્ષની એક બાળકી પણ હતી.

‘સ્કૉર્પિયન’ની ‘શોધ’ કઈ રીતે શરૂ થઈ?

સ્કૉર્પિયન, મોસ્ટ વૉન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ એક ખતરનાક મુસાફરી છે, પરંતુ, તસ્કરો માટે એ લોભામણી હોઈ શકે છે. ઇંગ્લિશ ચૅનલ પાર કરાવવા માટે તસ્કર દરેક પ્રવાસી પાસેથી છ હજાર પાઉન્ડ (લગભગ 6 લાખ 27 હજર રૂપિયા) લે છે.

2023માં લગભગ 30 હજાર લોકોએ ઇંગ્લિશ ચૅનલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો—તેનાથી તમે નફાનો અંદાજ બાંધી શકો છો.

ઉત્તરી ફ્રાંસના એક પ્રવાસી કૅમ્પમાં અમારી મુલાકાત એક બાળકી સાથે થઈ હતી. આ જ મુલાકાત બાદ સ્કૉર્પિયનમાં અમારો રસ વધી ગયો હતો.

એ નાનકડી બાળકી એક ડોંગીમાં સવાર થઈને ઇંગ્લિશ ચૅનલ પાર કરવાના પ્રયત્નમાં લગભગ મરવાની જ હતી.

તે ડોંગી સમુદ્રમાં મુસાફરી કરવાને યોગ્ય નહોતી. તે સસ્તી હતી, બેલ્જિયમમાંથી સેકન્ડ હૅન્ડ ખરીદવામાં આવી હતી અને તેના પર 19 લોકો સવાલ હતા; વળી, તેમની પાસે લાઇફ જૅકેટ પણ નહોતાં.

બ્રિટનમાં હવે પોલીસ ગેરકાયદે પ્રવાસીઓને પકડે છે ત્યારે તેમના મોબાઇલ લઈ લે છે અને તપાસ કરે છે. પ્રવાસીઓના મોબાઇલોમાં—2016થી જ—એક નંબર વારંવાર જોવા મળ્યો હતો.

ઘણી બધી વાર તે ‘સ્કૉર્પિયન’ના નામથી સેવ કરવામાં આવ્યો હતો. ઘણા મોબાઇલમાં તેને વીંછીના ફોટો સાથે સેવ કરવામાં આવ્યો હતો.

બ્રિટનની નેશનલ ક્રાઇમ એજેન્સી (એનસીએ)માં સીનિયર ઇન્વેસ્ટિગેશન ઑફિસર માર્ટિન ક્લાર્કે જણાવ્યું કે ધીરે ધીરે પોલીસને ખબર પડી ગઈ કે, એક કુર્દિશ ઇરાકી વ્યક્તિ બરઝાન મઝીદને ‘સ્કૉર્પિયન’ નામથી સંબોધવામાં આવી રહ્યો છે.

કોણ છે આ ‘સ્કૉર્પિયન’?

2006માં મઝીદ જ્યારે 20 વર્ષના હતા ત્યારે, તેમને એક લૉરીમાં સંતાડીને ઇંગ્લૅન્ડ લઈ અવાયા હતા. બાદમાં તેમને બ્રિટનમાંથી કાઢી મૂકવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, તેમ છતાં, તેઓ ઘણાં વરસો સુધી બ્રિટનમાં રહ્યા. થોડાં વરસો તેમણે બંદૂક અને ડ્રગ્સ સાથે સંકળાયેલા ગુનાઓ માટે જેલમાં વિતાવ્યાં.

આખરે, 2015માં તેમને ઇરાક મોકલી દેવાયા. તેના થોડાક સમય બાદ જ એવી ખબર પડી કે મઝીદને પોતાના મોટા ભાઈ પાસેથી માનવતસ્કરીનો બિઝનેસ મળી ગયો. તેમના મોટા ભાઈ ત્યારે બેલ્જિયમની જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

મઝીદ જ પાછળથી ‘સ્કૉર્પિયન’ નામથી ઓળખાવા લાગ્યા.

2016થી 2021 દરમિયાનનાં વરસોમાં સ્કૉર્પિયનની ગૅંગે જ યૂરોપ અને યુકે વચ્ચે માનવતસ્કરીના મોટા ભાગના બિઝનેસ પર દબદબો જમાવી રાખ્યો હતો.

ઇન્ટરનૅશનલ પોલીસના બે વર્ષના ઑપરેશનનું પરિણામ એ આવ્યું કે ગૅંગના 26 સભ્યોને બ્રિટન, ફ્રાંસ, અને બેલ્જિયમની અદાલતોમાં સજા ફટકારવામાં આવી.

પરંતુ, સ્કૉર્પિયન બચતા રહ્યા અને ફરાર રહ્યા.

તેમની ગેરહાજરીમાં બેલ્જિયમની એક અદાલતમાં તેમની પર કેસ ચલાવવામાં આવ્યો. સ્કૉર્પિયન પર 121 લોકોની તસ્કરીનો આરોપ હતો. ઑક્ટોબર 2022માં તેમને 10 વર્ષની જેલની સજા થઈ અને 8 લાખ 34 હજાર પાઉન્ડનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો.

આ સજા બાદથી જ કોઈનેય એ ખબર નહોતી કે સ્કૉર્પિયન આખરે છે ક્યાં.

અમે આ રહસ્ય ઉકેલવા માગતા હતા.

પહેલી વાર આ રીતે વાતચીત થઈ…

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, 2012માં મજીદ ઇંગ્લૅન્ડમાં મિકેનિક તરીકે કામ કરતા હતા

રૉબના ઓળખીતાએ અમને એક ઈરાની વ્યક્તિ સાથે મુલાકાત કરાવી, જેનું કહેવું હતું કે તે જ્યારે ચૅનલ પાર કરવાની કોશિશ કરતો હતો ત્યારે સ્કૉર્પિયનનો ભેટો થયો હતો. સ્કૉર્પિયને એ વ્યક્તિને જણાવ્યું હતું કે તેઓ તુર્કીમાં રહીને બિઝનેસ ચલાવી રહ્યા છે.

બેલ્જિયમમાં અમે મઝીદના મોટા બાઈને શોધ્યા—હવે તે જેલની બહાર છે. તેમનું પણ એવું જ કહેવું હતું કે સ્કૉર્પિયન તુર્કીમાં હોઈ શકે છે.

યુકે જનારા મોટા ભાગના પ્રવાસીઓ માટે તુર્કી એક મહત્ત્વપૂર્ણ જગ્યા છે. અહીંના ઇમિગ્રેશન કાયદાના કારણે આફ્રિકા, એશિયા, અને મધ્યપૂર્વના દેશોમાંથી તુર્કિયેમાં પ્રવેશ માટે વીઝા પ્રાપ્ત કરવા આસાન છે.

એક ખાનગી માહિતીના આધારે અમને ઇસ્તંબુલના એક એવા કૅફે વિશે જાણવા મળ્યું જ્યાં માનવતસ્કરોની આવ-જા રહે છે. તાજેતરના દિવસોમાં જ બરઝાન મઝીદ અહીં જોવા મળ્યા હતા.

અમારી પ્રારંભિક પૂછપરછ સારી ન રહી. અમે મૅનેજરને પૂછ્યું કે શું તમે બિઝનેસ વિશે કશું જણાવી શકો છો? તો, આખા કૅફેમાં સન્નાટો છવાઈ ગયો.

થોડી વાર બાદ જ એક વ્યક્તિ અમારા ટેબલ પર આવ્યો અને તેણે પોતાના જૅકેટની અંદર રાખેલી બંદૂક બતાવી. તેનો અર્થ સ્પષ્ટ હતો કે અમે ખતરનાર લોકો વચ્ચે હતા.

અમારા ત્યાર પછીના પડાવમાં અમને કેટલાંક સારાં પરિણામ મળ્યાં. અમને જણાવાયું કે મઝીદ તાજેતરમાં જ થોડી સડકો દૂર એક મની એક્સ્ચેન્જમાં 1 લાખ 72 હજાર પાઉન્ડ જમા કરાવવા ગયા હતા. અમે ત્યાં અમારો નંબર આપ્યો અને બીજી રાત્રે રૉબના ફોનની રિંગ વાગી.

કૉલર આઇડી પર ‘નંબર વિધહેલ્ડ’ લખેલું હતું, એટલે કે, ફોન કરનારા વ્યક્તિનો નંબર દેખાતો નહોતો.

ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો કે તે બરઝાન મઝીદ જ છે.

ખૂબ મોડું થઈ ગયું હતું અને એવી આશા નહોતી, સમય પણ નહોતો કે શરૂઆતથી કૉલનું રેકૉર્ડિંગ કરી શકાય. રૉબ એ વાતચીતને યાદ કરતાં જણાવે છે, "સામેથી કહેવામાં આવ્યું—‘મેં સાંભળ્યું છે કે તમે મને શોધી રહ્યા છો’. મેં પૂછ્યું, ‘તમે કોણ છો? સ્કૉર્પિયન?’ જવાબ મળ્યો, ‘હાં. તમે મને એ જ નામે બોલાવવા માગો છો, ચાલો, ઠીક છે’."

એવો એક પણ રસ્તો નહોતો જેનાથી અમે જાણી શકીએ કે તે અસલી બરઝાન મઝીદ છે કે નહીં, પરંતુ, જે માહિતી તે વ્યક્તિએ આપી, તે અમારી પાસેની માહિતી સાથે મેળ ખાતી હતી.

તે વ્યક્તિએ કહ્યું કે 2015માં નિર્વાસિત કરાયા સુધી તે નોટિંઘમમાં રહેતા હતા. પરંતુ તેમણે તસ્કરીના ધંધામાં જોડાયાની વાતનો ઇનકાર કરી દીધો.

તમણે કહ્યું, "તે સાચું નથી. એ તો બસ મીડિયાએ ફેલાવેલી વાતો છે."

લાઇન વારે વારે કપાતી રહેતી હતી. તેમણે, તેઓ ક્યાંથી વાત કરી રહ્યા છે, તેની કશી માહિતી ન આપી.

બીજી વાર ફરી કૉલ આવ્યો

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, તેમના ભાઈઓ સાથે મજીદ

તે વ્યક્તિ ફરીથી ક્યારે કૉલ કરશે કે નહીં કરે— વાતની અમને કશી માહિતી નહોતી. દરમિયાનમાં રૉબના એક સ્થાનિક ઓળખીતાએ જણાવ્યું કે સ્કૉર્પિયન હવે તુર્કીથી ગ્રીસ અને ઇટલીમાં પ્રવાસીઓની તસ્કરી કરી રહ્યો હતો.

અમે જે સાંભળ્યું તે પરેશાન કરનારું હતું. લગભગ 12 લોકોને લઈ જવા માટે લાઇસન્સ મેળવનારી હોડીઓ પર 100થી વધારે પુરુષો, મહિલાઓ,અને બાળકોને બેસાડાઈ રહ્યાં હતાં.

આ હોડીઓ એવા તસ્કરો ચલાવતા હતા જેમની પાસે હોડી ચલાવવાનો કશો અનુભવ નહોતો અને તટરક્ષક દળથી બચવા માટે હોડીને ખતરનાક રસ્તેથી લઈ જતા હતા.

એ લોકો ઘણા બધા પૈસા કમાઈ રહ્યા હતા. એવું કહેવાય છે કે એ હોડીમાં જવા માટે દરેક વ્યક્તિએ 10 હજાર યૂરો આપવા પડતા.

છેલ્લાં 10 વર્ષોમાં 7 લાખ 20 હજાર કરતાં વધારે લોકોએ ભૂમધ્ય સાગર પાર કરીને યુરોપમાં ઘૂસવાની કોશિશ કરી. લગભગ 2,500 લોકોનાં મૃત્યુ થયાં—મોટા ભાગના લોકો ડૂબવાથી મર્યા.

ચૅરિટી એસઓએએસ મેડિટેરેનિયનનાં જુલિયા શેફરમેયર કહે છે કે તસ્કરો લોકોનાં જીવનને જોખમમાં મૂકે છે. "લોકો મરે કે જીવે, તેનાથી એ લોકોને કશો ફરક નથી પડતો."

અચાનક ફરી એક વાર કૉલ આવ્યો. હવે અમારી પાસે ‘સ્કૉર્પિયન’ને સીધા સવાલ કરવાનો સમય હતો.

ફરી એક વાર સ્કૉર્પિયને તસ્કર હોવાનો ઇનકાર કર્યો. જોકે, તસ્કર શબ્દ માટે તેમની વ્યાખ્યા કોઈ એવી વ્યક્તિ સાથે સંબંધિત હતી જે શારીરિક રીતે હાજર રહીને એ કામ કરતો હોય, નહીં કે એવી વ્યક્તિ જે તેની સાથે સંકળાયેલો હોય.

તેમનું કહેવું હતું, "તમારે ત્યાં રહેવાનું હોય છે. અત્યારે હું ત્યાં નથી."

મઝીદનું કહેવું હતું કે, તેઓ બસ ‘પૈસાદાર માણસ’ છે.

મઝીદ પણ ડૂબી ગયેલા માણસો માટે સહાનુભૂતિ દર્શાવે છે.

તેમનું કહેવું હતું, "ઉપરવાળાને ખબર હોય છે તે તમારે ક્યારે જવાનું છે, પરંતુ એ ક્યારેક ક્યારેક તમારી ભૂલ હોય છે. ઉપરવાળાએ ક્યારેય નથી કહ્યું કે જાઓ પેલી હોડીમાં બેસી જાઓ."

"…ઇરાકમાં છે સ્કૉર્પિયન"

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કી પોલીસને એમ હતું કે માર્મારિસમાં સ્કૉર્પિયનની એક વિલા છે

અમારો હવે પછીનો પડાવ માર્મારિસનો એર રિસૉર્ટ હતો. તુર્કીની પોલીસનું માનવું હતું કે અહીં સ્કૉર્પિયનનો એક વિલા છે. અમે આજુબાજુ વાતો કરી અને અમને એક કૉલ આવ્યો, એક મહિલાનો, જેનું કહેવું હતું કે તેની સ્કૉર્પિયન સાથે ઓળખાણ છે.

તેઓ જાણતાં હતાં કે મઝીદ લોકોની તસ્કરીમાં સામેલ છે. તેમનું કહેવું હતું કે તેનાથી સ્કૉર્પિયનને તણાવ થાય છે પરંતુ તેમને પ્રવાસીઓ કરતાં વધારે પૈસાની ચિંતા છે.

તેઓ કહે છે, "તેમને તેમની પરવા નથી. તે ખરેખર દુઃખદ છે ને? આ કંઈક એવું છે જેના વિશે હું વિચારું છું અને શરમ અનુભવું છું, કેમ કે, મેં બાબતો સાંભળી છે અને મને ખબર છે કે એ બાબતો સારી નથી."

આ મહિલાએ કહ્યું કે તેમણે હમણાંથી સ્કૉર્પિયનને માર્મારિસના વિલામાં નથી જોયા. જોકે, કોઈકે તેમને કહેલું કે સ્કૉર્પિયન ઇરાકમાં છે.

એ વાતની પુષ્ટિ અમારા બીજા એક સંપર્કથી થઈ. તેણે ઇરાકના કુર્દિસ્તાન ક્ષેત્રના સુલેમાનિયાહ શહેરમાં એક મની એક્સ્ચેન્જ પર સ્કૉર્પિયનને જોયા હતા.

અમે નીકળી પડ્યા. અમે નક્કી કર્યું કે જો અહીં અમને સ્કૉર્પિયન ન મળે તો અમે આ બધું બંધ કરી દઈશું. પરંતુ રૉબના કૉન્ટેક્ટ સ્કૉર્પિયનનો સંપર્ક કરવામાં સફળ રહ્યા.

શરૂઆતમાં તેઓ ખૂબ શંકા કરતા હતા, એ વાતે ચિંતિત લાગતા હતા કે અમે તેમને ફરીથી યૂરપ લઈ જવાની કોઈ યોજના ઘડી છે.

ત્યાર બાદ સતત ટેક્સ્ટ મેસેજ આવવા લાગ્યા—પહેલાં રૉબના કૉનેક્ટના માધ્યમથી, અને પછી સીધા રૉબને.

સ્કૉર્પિયનનું કહેવું હતું કે તેઓ અમને મળી શકે છે, પરંતુ મળવાની જગ્યા એમણે નક્કી કરી હોય ત્યારે. અમે આ શરત અમાન્ય કરી. અમને શંકા હતી કે તેનાથી અમને ફસાવી શકાય છે.

અને પછી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો—એવું પૂછતો કે, "તમે ક્યાં છો?"

અમે કહ્યું કે અમે નજીકના એક મૉલમાં છીએ. સ્કૉર્પિયને અમને ત્યાં ગ્રાઉન્ડ ફ્લૉર પર એક કૉફી શૉપમાં મળવા માટે કહ્યું.

આખરે અમે સ્કૉર્પિયનને જોઈ શક્યા.

છેવટે એ મીટિંગ થઈ

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સ્કૉર્પિયન સાથે સુ અને રૉબની મુલાકાતની તસવીર ગુપ્ત રીતે તેના ડ્રાઇવરે લીધી હતી

બરઝાન મઝીદ એક ગોલ્ફર જેવા દેખાતા હતા. કપડાં સારાં પહેરેલાં હતાં—નવું જીન્સ, આછા વાદળી રંગનું શર્ટ, અને હાઉ જૅકેટ.

જ્યારે તેમણે પોતાના હાથ ટેબલ પર મૂક્યા ત્યારે મેં જોયું કે તેમના નખ મૅનીક્યોર કરેલા હતા.

દરમિયાનમાં, બીજા ત્રણ લોકો બાજુની સીટ પર આવીને બેસી ગયા. અમારું અનુમાન હતું કે એ લોકો તેમની સિક્યૉરિટી ટીમના હતા.

ફરી એક વાર તેમણે કોઈ મોટા ગુનાઇત સંગઠનની ટોચે બેઠેલી વ્યક્તિ હોવાનો ઇનકાર કર્યો.

તેમનું કહેવું હતું કે બીજી ગૅંગના લોકો તેમને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "કેટલાક લોકો જ્યારે પકડાય છે ત્યારે કહે છે કે અમે પેલા માટે કામ કરીએ છીએ, જેથી તેમને ઓછી સજા થાય."

તેમને એ વાત પણ નહોતી ગમતી કેટલાક તસ્કરોને બ્રિટિશ પાસપૉર્ટ મળેલા હતા અને તેઓ પોતાનો બિઝનેસ કરી રહ્યા હતા.

બરઝાનનું કહેવું હતું, "ત્રણ દિવસમાં એક વ્યક્તિએ 170 કે 180 લોકોને તુર્કિયેથી ઇટલી મોકલ્યા, તેમની પાસે હજુ પણ બ્રિટિશ પાસપૉર્ટ છે. પરંતુ હું બીજા કોઈ દેશમાં બિઝનેસ કરવા જવા માગું છું, પણ નથી જઈ શકતો."

અમે જ્યારે પ્રવાસીઓના મૃત્યુની જવાબદારી બાબતે તેમના પર દબાણ કર્યું ત્યારે એમનું તે એમ જ કહેવું હતું જે તેમણે ફોન પર કહેલું કે હું બસ પૈસા લઉં છું, અને જગ્યા બુક કરું છું.

એમના હિસાબે, તસ્કર એ છે જે લોકોને હોડી અને લૉરીઓ પર ચઢાવે છે અને તેમને લઈ જાય છે. "મેં કોઈનેય હોડી પર નથી ચઢાવ્યા અને ન તો કોઈને માર્યા છે."

વાતચીત પૂરી થઈ ગઈ પરંતુ સ્કૉર્પિયને રૉબને સુલેમાનિયાહમાં પેલું મની ઍક્સ્ચેન્જ બતાવવા આમંત્રિત કર્યા જ્યાંથી તેઓ કામ કરતા હતા.

તે એક નાનકડી ઑફિસ હતી. ત્યાં બારી પર અરબીમાં કશુંક લખેલું હતું અને કેટલાક મોબાઇલ નંબર્સ લખેલા હતા.

લોકો અહીંયાં પ્રવાસીઓઓ માટે પૈસા જમા કરવા આવતા હતા. રૉબે જણાવ્યું કે જ્યારે તેઓ ત્યાં હતા તે સમયે એક વ્યક્તિ પેટીઓમાં ભરીને કૅશ લઈ આવ્યો હતો.

માનવતસ્કરીની વાતનો સતત ઇનકાર

સ્કોર્પિયન, મોસ્ટ વોન્ટેડ, માનવતસ્કર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બૅલ્જિયમની એક કોર્ટે સ્કૉર્પિયનની ગેરહાજરીમાં સજા સંભળાવી હતી

આ પ્રસંગે સ્કૉર્પિયને જણાવ્યું કે તેઓ 2016માં કઈ રીતે આ બિઝનેસમાં આવ્યા. આ એ સમય હતો જ્યારે હજારો લોકો યૂરપ જઈ રહ્યા હતા

સ્કૉર્પિયનનું કહેવું હતું કે, "તેમને કોઈએ મજબૂર નહોતા કર્યા. તેઓ જવા ઇચ્છતા હતા. તેઓ તસ્કરો પાસે ભીખ માંગી રહ્યા હતા કે મહેરબાની કરીને અમારા માટે આ કામ કરી આપો. ક્યારેક ક્યારેક તસ્કરો કહે છે કે,"ફક્ત ઉપરવાળા માટે તેઓ મદદ કરી દેશે." પછી તેઓ ફરિયાદ કરતા હતા, "અરે આ નહીં, તે નહીં.. આ સાચું નથી."

સ્કૉર્પિયને જણાવ્યું કે 2016થી 2019 વચ્ચે તેઓ બેલ્જિયમ અને ફ્રાંસમાં ઑપરેશનનું નેતૃત્વ કરનારા મહત્ત્વના બે લોકોમાંથી એક હતા. તેમણે લાખો ડૉલરની હેરાફેરીની વાત સ્વીકારી. તેમણે કહ્યું, "મેં તેમની સાથે અનેક પ્રકારનાં કામ કર્યાં. પૈસા, સ્થળ, પ્રવાસી, તસ્કરી… હું આ બધાંમાં હતો."

ત્યાર બાદ પણ તેઓ માનવતસ્કરની વાતનો ઇનકાર કરતા રહ્યા, પરંતુ, તેમનાં કામ તેમની વાત સાથે મેળ નહોતાં ખાતાં.

સ્કૉર્પિયનને એ વાતનો અહેસાસ નહોતો થયો કે જ્યારે તેઓ પોતાના ફોનને સ્ક્રૉલ કરી રહ્યા હતા, રૉબે પાછળથી પૉલિશ કરેલી દીવાલ પર તેમના મોબાઇલની સ્ક્રીન જોઈ.

રૉબે મોબાઇલમાં પાસપૉર્ટ નંબરોનું લિસ્ટ જોયું. અમને પાછળથી જાણવા મળ્યું કે તસ્કરો તેને ઇરાકી અધિકારીઓને મોકલશે. પછી તેમને નકલી વીઝા ઇશ્યૂ કરવા માટે લાંચ આપવામાં આવશે, જેથી તે લોકો તુર્કિયે જઈ શકે.

તે છેલ્લી તક હતી જ્યારે અમે સ્કૉર્પિયનને જોયા હતા.

દરેક તબક્કે અમે અમારી પાસેની માહિતી બ્રિટન અને યૂરપના અધિકારીઓને મોકલી છે.

સ્કૉર્પિયનને દોષિત સાબિત કરવામાં સામેલ બેલ્જિયમનાં પબ્લિક પ્રોસિક્યૂટર એન લુકોવિઆકને હજી પણ આશા છે કે સ્કૉર્પિયનને એક દિવસ ઇરાકમાં પ્રત્યાર્પિત કરી શકાશે.

તેઓ કહે છે, "એ વાતનો સંકેત આપવો જરૂરી છે કે, તમે એ બધું નથી કરી શકતા જે તમે કરવા ઇચ્છો છો. અમે તેને લઈ આવીશું."