એ રાત જ્યારે ઓસામા બિન લાદેન વઝિરિસ્તાનના એક ઘરમાં જમવા માટે પહોંચ્યો

ઓસામા બિન લાદેન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એમ. ઇલિયાસ ખાન
    • પદ, બીબીસી

તમારા ઘરે જો દુનિયાની મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ મહેમાન બનીને આવે તો તમને કેવું લાગશે?

વર્ષ 2010ની ગરમીમાં વઝિરિસ્તાનના એક કબીલામાં રાતના ભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જે વ્યક્તિ માટે આ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તે હતો અલ-કાયદાનો નેતા ઓસામા બિન લાદેન.

આ આમંત્રણના ઠીક એક વર્ષ પછી 2 મે 2011ના રોજ અમેરિકાના નેવી સીલ્સે પાકિસ્તાનના એબટાબાદમાં એક ઑપરેશનમાં બિન લાદેનને મારી નાખ્યો.

બિન લાદેનના મૃત્યુના એક વર્ષ પછી વર્ષ 2012માં બીબીસીએ એક વિશેષ અહેવાલ તે બે લોકોની કહાણી જણાવી જ્યારે ઓસામા બિન લાદેનને તેમના ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, મેજબાનોને આ વાતની જાણકારી નથી કે તેમના મહેમાન કોણ છે.

આ રાતની કહાણી પ્રમાણે, વઝિરિસ્તાનના એક સ્થાનિક પરિવારના અડધો ડઝન સભ્યો એક મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. આ મહેમાન વિશે તેમને એક અઠવાડિયા પહેલાં કહેવામાં આવ્યું હતું કે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તમારી ઘરે આવશે.

તેમને મહેમાનનું નામ જણાવ્યું ન હતું અને તેમના આવવાનો સમય પણ નિશ્ચિત થયેલા સમયના થોડાક કલાકો પહેલાં જ જણાવવામાં આવ્યો હતો. આ વિસ્તારના રહેવાસી જ્યારે રાત્રે 11 વાગ્યે ઊંઘમાં હતા ત્યારે મહેમાનની ગાડીઓનો અવાજ સંભળાયો.

એક પ્રત્યક્ષદર્શીએ પોતાનું નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું કે લગભગ એક ડઝન ગાડીઓ અલગ-અલગ દિશાઓમાંથી આવીને આંગણમાં દાખલ થઈ. તેમાંથી એક જીપ આંગણાના વરંડા પાસે જ ઊભી રહી અને એક લાંબી અને નબળી કદ-કાઠીવાળી વ્યક્તિ સફેદ પાઘડી અને લબાદા પહેરીને બહાર નિકળી.

"મેં તેમના હાથને પકડીને ચુમ્યો"

ઓસામા બિન લાદેન

ઇમેજ સ્રોત, Getty Images

વઝિરિસ્તાનના મેજબાનોને રાતના અંધારાંમાં પોતાની આંખો પર ભરોસો નહોતો થઈ રહ્યો. કારણ કે તેમની સામે દુનિયાનો મોસ્ટ વૉન્ટેડ માણસ ઓસામા બિન લાદેન હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુનિયા પોતાની સંપૂર્ણ તાકાત અને સંસાધનો સાથે તેમને શોધી રહી હતી. આ ઉપરાંત એવી પણ જાહેરાત કરવામાં આવી હતી ઓસામા બિન લાદેન વિશે જાણકારી આપનાર વ્યક્તિને અઢી લાખ અમેરિકન ડૉલરનું ઈનામ આપવામાં આવશે.

વઝિરિસ્તાનના એક રહેવાસીએ કહ્યું અમે આશ્ચર્યમાં હતા. અમને આશા ન હતી કે અમારા ઘરે આવનાર મહેમાન ઓસામા બિન લાદેન હશે.

ઓસામા બિન લાદેન ગાડીમાંથી બહાર નીકળ્યો અને દરેક સાથે હાથ મિલાવ્યો. વઝિરિસ્તાનના એક કબીલાના નેતા અનુસાર, મેં તેમના હાથને પકડીને ચુમ્યો અને સન્માનથી તેને માથે લગાડ્યો.

ઘરના લોકો ઓસામા સાથે અંદર ન ગયા. ત્યાં ઓસામા સાથે માત્ર બે લોકો જ હાજર હતા.

અહીં ઉલ્લેખનીય છે કે આ ઘટના ઓસામાના મોતના એક વર્ષ પહેલાં પાકિસ્તાનના એબટાબાદ શહેરની છે, જે આ આદિવાસી ગામથી લગભગ 300 કિલોમીટર દૂર છે.

ઓસામાના મોતના સમાચાર આવ્યા ત્યારે આ પૂર્વ મેજબાને પોતાના નજીકના દોસ્તોને આ ખાસ મહેમાન વિશે વાત કરી. તેમણે બીબીસી સાથે પોતાનું નામ અને ગામની ઓળખાણ છુપાવવાની જ શરતે આ જાણકારી આપી.

તેમણે આપેલી જાણકારી પ્રમાણે ઓસામા બિન લાદેને લગભગ ત્રણ કલાક વિતાવ્યા. ઓસામાએ તે દરમિયાન નમાજ પઢી અને આરામ પછી મહેમાનો માટે ભાત અને ચિકન પિરસવામાં આવ્યા હતા.

આ દરમિયાન મેજબાનોને ઘર છોડીને જવાની અનુમતિ નહોતી અને કોઈ અંદર આવવાની પણ પરવાનગી ન હતી. કારણ કે આંગણાના મુખ્ય દરવાજા, છત અને ફળિયામાં ચારેતરફ બંદૂકધારી લોકો હાજર હતા.

જ્યારે એક મેજબાને આગ્રહ કર્યો કે તેમના 85 વર્ષીય પિતાને ઓસામા બિન લાદેન સાથે મળવાની અનુમતિ આપો ત્યારે ઓસામાના અંગરક્ષકો આ બાબતે અસહજ દેખાયા હતા. જોકે, મેજબાને અનુરોધ કર્યો કે આ માંગને તેમના પિતાની છેલ્લી ઇચ્છા તરીકે સ્વીકાર કરવામાં આવે. આ સંદેશ અલ-કાયદા નેતાને મોકલવામાં આવ્યો, જેણે આ માગણીનો સ્વીકાર કર્યો.

મેજબાનના પિતાને લેવા માટે ચાર ગાર્ડ તેમની સાથે ગયા હતા. તેમને ઓસામા બિન લાદેનની ઉપસ્થિતિ વિશે ત્યારે જ જાણ કરાવામાં આવી હતી જ્યારે તેને પરિસરમાં પ્રવેશ કર્યો.

મેજબાનના વૃદ્ધ પિતાએ બિન લાદેન સાથે 10 મિનિટ વાતચીત કરી હતી. તેમણે આપેલી જાણકારી પ્રમાણે વૃદ્ધ પિતાએ પશ્તોમાં અલ-કાયદા નેતા માટે પ્રાર્થના કરી અને પોતાના અનુભવોના આધારે આદિવાસી વિસ્તારમાં યુદ્ધ રણનીતિ પર સલાહ આપી. જોકે, સ્વાભાવિક છે કે તેઓ પશ્તોમાં બોલતા હતા તેથી ઓસામાને તેમની વાત સમજાણી ન હોય પરંતુ ઓસામા બિન લાદેનના મેજબાન અને અંગરક્ષકોના ચહેરા પર એક સ્મિત હતું.

ઓસામા અને તેમના અંગરક્ષકો જેવી રીતે આવ્યા તે જ રીતે ચાલ્યા ગયા. તેઓ અડધો ડઝન જીપમાં બેઠા અને વાહનો પરિસરમાંથી નીકળીને અલગ-અલગ દિશામાં જતા રહ્યા હતા. મેજબાનને અંદાજો પણ ન લાગ્યો કે તેમાંથી ઓસામાની ગાડી કઈ હતી અને તે કઈ દિશામાં આગળ વધી હતી.

આ કહાણી સંભાળવતી વખતે વઝિરિસ્તાનના લોકોએ આ વાત પર અડગ રહ્યા કે અમે તે વ્યક્તિ વિશે ન જણાવી શકીએ જેમણે ઓસામાના જમવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેઓ ઓસામા સાથે આવેલા લોકો વિશે પણ વાત કરવા માંગતા ન હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ઓસામાના એબટાબાદમાં મોત પછી અમેરિકા અને પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે અલ-કાયદા નેતા છેલ્લાં પાંચ વર્ષથી શહેરમાં એકલા રહેતા હતા અને આ દરમિયાન તે પોતાના ઘરમાંથી બહાર નથી નીકળ્યા.

પાકિસ્તાનની સેના અને સરકારે શું કહ્યું?

ઓસામા બિન લાદેન

ઇમેજ સ્રોત, AFP

જોકે, આ કહાણી સાબિત કરે છે કે આ દાવાઓ સાચા નથી. જોકે, કેટલાક સવાલોના જવાબ હજી પણ મળ્યા નથી.

ઓસામા બિન લાદેન તે વિસ્તારમાં અચાનક કેવી રીતે પહોંચ્યો? તે એક વિશાળ અને દૂરનો આદિવાસી વિસ્તાર હતો, જ્યાં પાકિસ્તાનની સેનાએ વઝિરિસ્તાન સહિત પૂર્વ એટીએફમાં આતંકવાદીઓ અને ડઝનેક સૈનિક ચોકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. ઓસામા બિન લાદેન આ ચોકીઓમાંથી કેવી રીતે છટકી ગયો?

પાકિસ્તાનની સેના અને સરકારે ઓસામા બિન લાદેન વિશે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમના મત પ્રમાણે અલ-કાયદાના નેતાને કોઈ અધિકારિક સમર્થન ન હતું.

એક સવાલ તે પણ છે કે તે અજ્ઞાત અને રહસ્મયી વ્યક્તિ કોણ હતી જેણે ઓસામા બિન લાદેનના રહેવા, જમવા અને યાત્રાની વ્યવસ્થા કરી. ઓસામાની આ યાત્રાનો ઉદ્દેશ્ય શું હતો, કારણ કે તે દુનિયાનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હતો.