બિલાવલ ભુટ્ટો, 19 વર્ષે માતાને ગુમાવવાથી લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રી બનવા અને મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી સુધી

બિલાવલ ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ

પાકિસ્તાનના રાજકારણમાં 1988નું વર્ષ તોફાની બની રહ્યું હતું. તે એ વર્ષ હતું, જેમાં દેશમાં સૌથી વધુ નફરત ધરાવતા લશ્કરી સરમુખત્યારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.

એમનાં 11 વર્ષના આપખુદ શાસનનો અંત આવ્યો હતો અને બેનઝીર ભુટ્ટોના વડપણ તળેની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી માટે સત્તા પર પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો.

પાકિસ્તાનના વર્તમાન વિદેશમંત્રી અને બેનઝીર ભુટ્ટોના એકમાત્ર પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીનો એ જ વર્ષમાં જન્મ થયો હતો.

તેમની જન્મતારીખ એ વર્ષનું અત્યંત ચુસ્ત રીતે છુપાવી રાખવામાં આવેલું રાજકીય રહસ્ય હતી.

લશ્કરી શાસન તેનો ઉપયોગ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચૂંટણીપ્રચારમાં વિક્ષેપ સર્જવા માટે કરવા ઇચ્છતું હતું. પક્ષની ચૂંટણી ઝુંબેશનું નેતૃત્વ બેનઝીર ભુટ્ટો કરી રહ્યાં હતાં.

ઍન્ડ્રિયા ફ્લેસ્ચેનબર્ગે ‘એશિયામાં રાજવંશો અને મહિલા રાજકીય નેતાઓઃ જાતિ, શક્તિ અને વંશાવળી’ શિર્ષક હેઠળના તેમના અભ્યાસપત્રમાં લખ્યું હતું કે લગભગ એક દાયકાથી ચૂંટણી લડી રહેલાં બેનઝીર ભુટ્ટોએ સંતાનને જન્મ આપવાનું મોકૂફ રાખ્યું હોવા છતાં લગ્ન પછી ગર્ભવતી થયાં હતાં અને તેમણે બિલાવલને જન્મ આપ્યો હતો.

તેઓ લખે છે કે નવેમ્બર, 1988માં બેનઝીરની પ્રસૂતિની તારીખ નજીક હશે અને ગર્ભવતી બેનઝીર પૂરી તાકત સાથે ચૂંટણીપ્રચાર કરી શકશે નહીં, એવું ધારીને લશ્કરી શાસક ઝિયા-ઉલ-હકે પાકિસ્તાનમાં એ જ સમયે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું.

અલબત્ત, રહસ્ય કામ કરી ગયું હતું અને ઝિયા-ઉલ-હકની ગણતરી તથા ચતુરાઈ ખોટી સાબિત થઈ હતી. બિલાવલનો જન્મ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીના લગભગ બે મહિના પહેલાં 1988ની 21 સપ્ટેમ્બરે થયો હતો.

તેમનાં માતા બેનઝીર ભુટ્ટોએ પાકિસ્તાનના જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ વિશ્વનાં સૌપ્રથમ વડાં પ્રધાન તરીકે સોગંદ લીધા ત્યારે બિલાવલ લગભગ ત્રણ મહિનાના હતા.

બીબીસી ગુજરાતી
  • પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ગુરુવારે ભારતના ગોવા ખાતે યોજાનાર શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશની કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સની મિટિંગમાં હાજર રહેવાના છે
  • થોડા સમય પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહેતા તેમના ટેકેદારોએ બિલાવલના માથા સાટે બે કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરાઈ હતી
  • પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ હાલ પોતાના રાજકીય પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની કમાન પણ સંભાળી રહ્યા છે
  • બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનમાં લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત છે, તેમના પરિવારના રાજકીય ઇતિહાસને કારણે તેઓ ભારતમાં પણ ખ્યાત છે
  • જાણો તેમના પરિવારની કહાણી
બીબીસી ગુજરાતી

પ્રારંભિક જીવન

બિલાવલ ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેનઝીર ભુટ્ટો તેમનાં પુત્રી બેનઝીર અને પુત્ર બિલાવલ સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિલાવલના જન્મ સાથે પાકિસ્તાનમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ હતી.

બિલાવલના જન્મના એક મહિના પહેલાં ઝિયા-ઉલ-હકનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.

ઝિયા-ઉલ-હકે બિલાવલના નાના ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પ્રદભ્રષ્ટ કર્યા હતા, તેમને ફાંસીની સજા કરી હતી અને તેમના પરિવારની સતામણી કરી હતી. બિલાવલનું બાળપણ ઇસ્લામાબાદ ખાતેના વડા પ્રધાન આવાસમાં વીત્યું હતું.

1988થી 1996 દરમિયાન બેનઝીર ભુટ્ટો બે વખત સત્તા પર આવ્યાં હતાં.

પાકિસ્તાનના લોહિયાળ અને બદલાના રાજકારણમાં વિશેષાધિકાર ધરાવતા પરિવારમાં જન્મ થયો હોવા છતાં બિલાવલે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

બિલાવલના બાળપણના મોટા ભાગના હિસ્સા દરમિયાન તેમના પિતા આસિફઅલી ઝરદારી ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં રહ્યા હતા.

1996માં બેનઝીર ભુટ્ટો સરકારનું પતન થયું પછી આસિફઅલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે આઠ વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં.

બિલાવલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "મેં ઘણી બધી તડકી-છાંયડી જોઈ છે. એ વખતે મારા પિતા અમારી સાથે ન હતા."

"અમને તેમની જરૂર હતી ત્યારે તેમને લઈ જવામાં આવ્યા હતા. અમને સામાન્ય જીવન જીવવા દેવાયું ન હતું."

એપ્રિલ-1999માં બેનઝીર ભુટ્ટો તેમના રાજકીય વિરોધી અને પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના બદલાના રાજકારણથી બચવા દુબઈ ચાલ્યાં ગયાં ત્યારે બિલાવલ તેમની સાથે હતા.

બિલાવલનું બાળપણ અને કિશોરાવસ્થા દુબઈ તથા લંડનમાં પસાર થયાં હતાં.

2012માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટી(ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજ)માંથી આધુનિક ઇતિહાસ તથા રાજકારણના સ્નાતક થયા હતા.

બિલાવલે તેમનું શિક્ષણ પૂર્ણ કરે તે પહેલાં 2007માં તેમના જીવનમાં બધું જોઈ લીધું હતું.

તેમનાં માતા બેનઝીરની રાવલપિંડીમાં એક જાહેરસભામાં હત્યા કરવામાં આવી હતી.

બિલાવલ ભુટ્ટો વંશના વારસદાર બનવાના છે તે નક્કી હતું, પરંતુ કોઈ નહીં વિચાર્યું હોય કે માત્ર 19 વર્ષની વયે તેમણે તેમનાં નાના તથા માતાનો રાજકીય વારસો સંભાળીને પાકિસ્તાનના મોટા રાજકીય પક્ષો પૈકીના એકની લગામ હાથમાં લેવી પડશે.

બેનઝીરનું મૃત્યુ થયું ત્યારે બિલાવલ ઑક્સફર્ડમાં અભ્યાસ કરતા હતા, પરંતુ તેમને તેમનાં માતાની ઇચ્છા અનુસાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

શરૂઆતમાં તેમણે ઔપચારિક વડા તરીકે કામ કર્યું હતું અને લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધી તેમના પિતા આસિફ અલી ઝરદારી પક્ષનું કામકાજ સંભાળતા રહ્યા હતા.

શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના પૉલિટિકલ સાયન્સ વિભાગના ડીન ડૉ. રિયાઝ શેખના જણાવ્યા મુજબ, બિલાવલને શરૂઆતમાં પક્ષના મુદ્દે પિતા સાથે મતભેદ હતા.

તેમણે કહ્યું હતું કે, "બિલાવલ માટે ભાષા અને સંસ્કૃતિના અવરોધ હતા. તેમણે મોટા ભાગનો સમય માતાની સાથે પાકિસ્તાન બહાર વિતાવ્યો હતો."

"તેથી તેઓ પાકિસ્તાનના વાતાવરણથી પરિચિત ન હતા. આસિફઅલી ઝરદારી બહુ સાવધ વ્યક્તિ હતા, જ્યારે બિલાવલ પોતાનું (મજબૂત) વ્યક્તિત્વ દર્શાવવા ઇચ્છતા હતા અને હિંમતપૂર્વક નેતૃત્વ કરવા ઇચ્છતા હતા."

"તેનો અર્થ સલામતી સાથે સમાધાન કરવા જેવો હતો અને એ જોખમ આસિફઅલી ઝરદારી લેવા માગતા ન હતા."

2007માં પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ સામે ઝઝૂમી રહ્યું હતું.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પીઢ કાર્યકર અને ટેકેદાર રબનવાઝ બલોચે જણાવ્યું હતું કે "બિલાવલને બહાર મોકલી આપ્યા હતા, કારણ કે એ સલામત રહે એવું તેઓ ઇચ્છતા હતા."

"તેઓ સમાધાનકારી વલણ સાથે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં સ્થાન પણ બનાવવા ઇચ્છતા હતા અને તેમાં બિલાવલનું ઉગ્ર વલણ આડું આવે તેવું ઇચ્છતા ન હતા. "

ગ્રે લાઇન

રાજકારણમાં પ્રવેશ

બિલાવલ ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિલાવલ ભુટ્ટો

બિલાવલે 2012માં રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કર્યો હતો અને 2013ની ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેઓ ચૂંટણી લડવાની લાયકાત ધરાવતા ન હતા.

પાકિસ્તાનમાં ચૂંટણી લડવાની કાયદેસરની લઘુતમ વય 25 વર્ષ છે. બિલાવલ 2018માં પ્રથમ વખત સંસદસભ્ય બન્યા હતા.

બિલાવલે 2018માં થટ્ટામાં ચૂંટણીપ્રચાર દરમિયાન રૉઇટર્સ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે, "આ જીવન મેં પસંદ કર્યું નથી."

"આના માટે મેં સક્રિય પ્રયાસ પણ કર્યા નથી. મારાં માતા કહેતાં કે તેમણે રાજકારણ પસંદ કર્યું ન હતું, રાજકારણે તેમને પસંદ કર્યાં હતાં. એ વાત મને પણ લાગુ પડે છે."

થટ્ટા દક્ષિણ સિંધ પ્રાંતમાં દરિયાકાંઠે આવેલું શહેર છે. સિંધ પ્રાંત ભુટ્ટો પરિવારનું રાજકીય કેન્દ્ર છે અને તે 1970ના દાયકાથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ગઢ છે.

વરિષ્ઠ પત્રકાર ફૈયાઝ નાઈચ દાયકાઓથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું રાજકારણ કવર કરતા રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, "બિલાવલ અને તેમનાં માતાની કારકિર્દીમાં અમુક સમાનતા છે. બન્નેને માતાપિતા ગુમાવ્યાં પછી અકસ્માતે રાજકારણમાં જોડાવાની ફરજ પડી હતી."

"જોકે, બેનઝીરની સરખામણીએ બિલાવલને કેટલાક ફાયદા જરૂર હતા."

"તેઓ રાજકારણમાં જોડાયા કે તરત જ તેમનો પક્ષ સત્તા પર આવ્યો હતો, જ્યારે ચૂંટણીમાં વિજય મેળવતા પહેલાં બેનઝીરે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને જેલમાં પણ જવું પડ્યું હતું."

પાકિસ્તાનમાં સત્તા કોણ સંભાળશે તેમાં મહત્ત્વની ભૂમિકા દેશનો સૌથી મોટો પંજાબ પ્રાંત ભજવતો હોય છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 2018માં પંજાબમાં લગભગ જમીનદોસ્ત થઈ ગઈ હતી, પરંતુ સિંધ પ્રાંતમાં સરકાર રચવાનો જનાદેશ મેળવવામાં સફળ થઈ હતી, પણ પોતાને ભાવિ વડા પ્રધાન તરીકે પ્રસ્તુત કરવા માટે બિલાવલે સિંધ સરકારનું નેતૃત્વ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

2018માં નવા ચૂંટાયેલા સંસદસભ્ય તરીકે સંસદમાં પ્રથમ ભાષણ આપતાં બિલાવલે, નવા વડા પ્રધાન બનેલા ઇમરાન ખાન માટે ‘પસંદ કરાયેલા વડા પ્રધાન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે ઇમરાન ખાનની ઉમેદવારી પાછળ સૈન્યના પડદા પાછળના સમર્થનનો પરોક્ષ સંકેત હતો.

ઇમરાન ખાનના વિરોધીઓમાં એ શબ્દ તત્કાળ લોકપ્રિય બની ગયો હતો.

ઇમરાન ખાનના વિરોધીઓનો આક્ષેપ હતો કે સૈન્યની પ્રત્યક્ષ તથા પરોક્ષ મદદ વિના ઇમરાન ખાન સરકાર રચી શક્યા ન હોત.

બિલાવલ 2019માં પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લીની માનવાધિકાર માટેની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા હતા.

રબનવાઝ બલોચે જણાવ્યું હતું કે માનવાધિકાર વિશેનું બિલાવલનું વલણ તેમના અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના રાજકારણનો એક આધાર છે.

રબનવાઝ બલોચે કહ્યું હતું કે, "બિલાવલ ધાર્મિક લઘુમતીઓ, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને અખબારી સ્વાતંત્ર્ય માટે આગવું વલણ ધરાવે છે."

"તેઓ આતંકવાદનો ખુલ્લેઆમ વિરોધ તથા ટીકા કરે છે. તેથી તેઓ યુવાનોમાં લોકપ્રિય બન્યા છે."

2019 પછી આસિફઅલી ઝરદારી ધીમે-ધીમે પડદા પાછળ ધકેલાતા ગયા હતા અને બિલાવલ પક્ષના મોખરાના નેતા અને ચહેરો બન્યા.

પક્ષના કામકાજમાં તેમના અભિપ્રાયને વધુ મહત્ત્વ મળે છે.

તેમણે અનેક ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કર્યું છે અને તેઓ ઇમરાન ખાન વિરુદ્ધના દેશના સૌથી મોટા ગઠબંધન પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમૅન્ટ(પીડીએમ)ની રચનાના સૂત્રધારો પૈકીના એક છે.

આ પીડીએમએ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવ્યા હતા.

બીબીસી ગુજરાતી

વિદેશમંત્રી તરીકેની કામગીરી

બિલાવલ ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images

2022માં ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવ્યા બાદ બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા.

સત્તાવાર રીતે એ તેમની પહેલી નિમણૂક છે. વિદેશમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી તેમણે લગભગ બે ડઝન વિદેશ પ્રવાસ કર્યા છે અને વિવિધ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય મંચો પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી બિલાવલને દેશના ખજાના પરનો બોજ ગણાવે છે, પરંતુ કેટલાક લોકો તેમના કામને વખાણી રહ્યા છે.

વિદેશમંત્રી તરીકે બિલાવલની વાક્પટુતા અને જુસ્સો તેમના નાના ઝુલ્ફીકારઅલી ભુટ્ટોની યાદ અપાવે છે.

તેમના નાનાએ પણ 1960ના દાયકામાં વિદેશમંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

જોકે, રાજકીય વિવેચક ઝાહિદ હુસૈન માને છે કે બિલાવલે હજુ ઘણું શીખવાનું છે.

તેમણે કહ્યું હતું કે, "બિલાવલ પાસે તેમના નાના જેવો અનુભવ અને રાજદ્વારી ચતુરાઈ નથી. તેઓ તેમના કામથી કોઈ ઓળખ સ્થાપિત કરી શક્યા નથી."

તેઓ એક સાથે બે જવાબદારી સંભાળી રહ્યા છે. વિદેશમંત્રી હોવા ઉપરાંત તેઓ તેમના પક્ષનું નેતૃત્વ પણ કરી રહ્યા છે."

"તેનો અર્થ એ છે કે તેઓ વિદેશ નીતિના મુદ્દાઓ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી, જે કોઈ પણ વિદેશમંત્રી માટે સર્વોચ્ચ અગ્રતા હોવી જોઈએ."

"ખાસ કરીને પાકિસ્તાન જટિલ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે.”

બીબીસી ગુજરાતી

બિલાવલ અને ભારત

બિલાવલ

ઇમેજ સ્રોત, Getty Images

બિલાવલ તેમના પિતા અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારી સાથે 2012માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

તેમણે તેમના પિતા સાથે ખ્વાજા અજમેર શરીફની દરગાહની મુલાકાત લીધી હતી અને તત્કાલીન ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ તથા કૉંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા.

એ પછી તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરી હતી. તેમાં તેમનાં માતા બેનઝીરનું એક અવતરણ ટાંક્યું હતું અને લખ્યું હતું કે દરેક પાકિસ્તાનીમાં થોડું ભારત અને દરેક ભારતીયમાં થોડું પાકિસ્તાન વસે છે.

તેમણે ભારતીયોને શાંતિની શુભેચ્છા પાઠવી હતી અને ઇસ્લામાબાદ તથા દિલ્હી વચ્ચેની હથિયારોની હોડને શરમજનક ગણાવી હતી.

બિલાવલે ટ્વિટર પર પોતાના અભિપ્રાય જે મુક્ત રીતે વ્યક્ત કર્યા તેનાથી ભારતીય મીડિયા આશ્ચર્યચકિત થઈ ગયું હતું.

જોકે, વિદેશમંત્રી તરીકે બિલાવલની આગામી ભારત મુલાકાત વખતે તેમનું વલણ અને વર્તન બંને અલગ અગાઉ કરતાં તદ્દન અલગ જ હોવાની ધારણા છે.

ભારતની પ્રતિક્રિયા પણ એવી જ હશે. ભારતનું વલણ ભૂતકાળની માફક ઉદાર નહીં હોય.

બંને દેશ વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધને કારણે વાતાવરણ પહેલેથી જ થોડું કડવાશ છે, પરંતુ બિલાવલ પર અંગત બોજ પણ છે.

ડિસેમ્બર, 2022માં સંયુક્ત રાષ્ટ્રમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ખરાબ ટિપ્પણીની ભારતે બરાબર નોંધ લીધી છે.

ભારતના વિદેશમંત્રી ડૉ. જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું તેના જવાબમાં બિલાવલે કહ્યું હતું કે, "હું ભારતના માનનીય વિદેશમંત્રીને યાદ અપાવવા ઇચ્છું છું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ જીવે છે અને તેઓ ભારતના વડા પ્રધાન છે."

બિલાવલની આ કૉમેન્ટને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદારો જબરા ગુસ્સે થયા હતા.

તેમણે પાકિસ્તાનના વિદેશમંત્રી વિરુદ્ધ રેલીઓ કાઢી હતી અને એમના પૈકીના એકે બિલાવલના માથા સાટે રૂ. બે કરોડનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

બીજી તરફ પાકિસ્તાનમાં મુખ્ય રાજકીય પક્ષના નેતા તરીકે તેમની સ્વીકૃતિ વધી હતી.

સામાન્ય રીતે બિલાવલની ટીકા કરતા લોકોએ પણ ભારતીય વિદેશમંત્રીને ‘યોગ્ય’ જવાબ આપવા બદલ તેમની પીઠ થાબડી હતી.

થોડા દિવસ પછી બ્લૂમબર્ગ સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં બિલાવલે તેમની એ કૉમેન્ટનો બચાવ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "મેં ઐતિહાસિક વાસ્તવિકતાનો ઉલ્લેખ કર્યો હતો. મેં જે ટીપ્પણી કરી તે મારી પોતાની ન હતી."

"મેં નરેન્દ્ર મોદી માટે ગુજરાતના કસાઈ શબ્દની શોધ કરી નથી. ભારતીયો પોતે પણ માને છે કે ઇતિહાસનું પુનરાવર્તન એ વ્યક્તિગત અપમાન છે."

બિલાવલની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ભારત સાથેના સંબંધની ઐતિહાસિક રીતે સમર્થક રહી હોવા છતાં વિદેશમંત્રી તરીકેના તેમના આત્યંતિક વલણથી ઘણાને આશ્ચર્ય થયું છે.

રાજકીય વિવેચક ઝાહિદ હુસૈને જણાવ્યુ હતું કે ભારતીય વિદેશમંત્રીએ ઉશ્કેરણી કરી હોવા છતાં બિલાવલનો પ્રતિભાવ આવેગાત્મક હતો. તે વધારે વિચારપૂર્વકનો હોવો જોઈએ.

બીબીસી ગુજરાતી

પરિવારવાદી રાજકારણ

પાકિસ્તાનમાં ભુટ્ટો પરિવારની તુલના ભારતના ગાંધી પરિવાર સાથે કરવામાં આવે છે.

પરિવારવાદી ભૂતકાળ માટે બન્ને વખાણ અને ટીકા કરવામાં આવે છે.

સીએનએનનાં બેકી ઍન્ડરસેનના આ વિશેના સવાલના જવાબમાં બિલાવલે ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "તમે પરિવારવાદી રાજકારણની ભલે ગમે તેટલી ટીકા કરો, પરંતુ આખરે નિર્ણય તો પાકિસ્તાનના લોકોએ કરવાનો છે."

કેટલાક સહિયારા સંદર્ભો પણ છે.

દાખલા તરીકે બિલાવલના નાના ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તત્કાલીન ભારતીય વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે 1972માં શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

બિલાવલનાં માતા બેનઝીર ભુટ્ટોએ 1989માં તત્કાલીન ભારતીય વડાં પ્રધાન રાજીવ ગાંધીને ઇસ્લામાબાદમાં આવકાર્યા હતા.

રાજીવ ગાંધી અને બિલાવલની સરખામણી પણ કરવામાં આવે છે. બંનેએ માતાની હત્યા પછી રાજકારણમાં અણધારી રીતે જોડાવું પડ્યું છે.

હવે બિલાવલ ચોથી મેએ ગોવાની સત્તાવાર મુલાકાતે આવવાના છે.

ધમકીઓ, વિરોધ પ્રદર્શન અને તેમના માથા સાટે જાહેર કરાયેલા ઇનામને ધ્યાનમાં રાખીને તેઓ પાકિસ્તાનના નાયબ વિદેશમંત્રી હિના રબ્બાની ખારને શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠક માટે પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવાનું કામ સોંપી શક્યા હોત, પરંતુ તેમણે આ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો નિર્ણય કર્યો છે. વિશ્લેષકો આ નિર્ણયને અર્થસભર ગણે છે.

ઇસ્લામાબાદ અને નવી દિલ્હી બન્ને ભારપૂર્વક જણાવી રહ્યા છે કે ગોવાની બેઠક બહુરાષ્ટ્રીય વ્યવસ્થા હેઠળ યોજાઈ રહી છે તથા તેમાં દ્વિપક્ષી વાતચીતની કોઈ શક્યતા નથી.

તેમ છતાં બધાની નજર બિલાવલ પર, ભારતીય વિદેશમંત્રી સાથેના તેમના મેળાપ પર, તેમની બૉડી લૅંગ્વેજ પર, તેમના શબ્દોની પસંદગી પર અને તેઓ શું સંદેશ આપવા ઇચ્છે છે તેના પર રહેશે.

જે થવાનું હશે તે થશે, પરંતુ બિલાવલની આ મુલાકાત ભારત-પાકિસ્તાન સંબંધની ભાવિ દિશા જરૂર નક્કી કરશે.

રેડ લાઇન
રેડ લાઇન