ભારતમાં મુસ્લિમોની વસતી વધી રહી હોવાનો દાવો કેટલો સાચો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શ્રુતી મેનન અને શાદાબ નઝ્મી
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ભારતમાં મુસ્લિમો વસતીની સ્થિતિ અંગે કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંખ્યાબંધ દાવા કર્યા હતા.
સીતારમણે અમેરિકાની પોતાની મુલાકાત દરમિયાન વાત કરતાં ભારતમાં ભાજપના શાસનમાં મુસ્લિમોની સ્થિતિ બદતર બનતી જઈ રહી હોવાની વાત નકારી કાઢી હતી.
અમે તેમનાં કેટલાંક નિવેદનોની સત્યતા તપાસી હતી.

'ભારત સમગ્ર વિશ્વમાં મુસ્લિમ આબાદી મામલે બીજા ક્રમે છે'

ઇમેજ સ્રોત, AFP
વસતીગણતરી અંગેના લેટેસ્ટ આંકડા ઉપલબ્ધ ન હોઈ આ વાત અંગે ચોક્કસપણે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
અમેરિકાસ્થિત પ્યૂ રિસર્ચ સેન્ટરે વર્ષ 2020માં માંડેલા અંદાજ અનુસાર ઇન્ડોનેશિયા બાદ વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસતી ભારતમાં હતી. આ યાદીમાં પાકિસ્તાન ત્રીજા ક્રમે હતું.
પરંતુ અહીં એ વાત નોંધનીય છે કે આ અંદાજ ભારત અને પાકિસ્તાનની વસતીગણતરીના આંકડા પર આધારિત હતો, જે અનુક્રમે 2011 અને 2017માં થઈ હતી.
ઉપરાંત પાકિસ્તાનની વસતીગણતરીના આંકડા પર આધાર રાખવાની વાત ઉપર પણ નિષ્ણાતો પ્રશ્ન ઉઠાવે છે.

2017ની પાકિસ્તાનની વસતીગણતરીમાં કરાચી, સિંધ અને બલૂચિસ્તાન જેવા કેટલાક પ્રાંતોએ વસતીગણતરી માટે તમામ ડેટા એકત્રિત કરવા અંગે કેટલીક મુશ્કેલીઓ રિપોર્ટ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્યૂ રિસર્ચના ઍસોસિએટ ડિરેક્ટર ઑફ રિલિજિયન કોન્રાડ હેકૅટે કહ્યું હતું કે, "પાકિસ્તાનને લઈને અમુક અસ્પષ્ટતા છે. શક્ય છે કે હવે પાકિસ્તાનમાં ભારત કરતાં હવે મુસ્લિમોની સંખ્યા વધુ હોય."

'... અને મુસ્લિમોની વસતીમાં આંકડા સંદર્ભે વધારો થઈ રહ્યો છે'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં મુસ્લિમોની વસતી આંકડા સંદર્ભે વધી હોવાની વાત અંગે નાણામંત્રી સીતારમણ સાચાં છે. પરંતુ અહીં એ વાત પણ નોંધવી ઘટે કે ભારતમાં રહેલાં અન્ય ધાર્મિક જૂથોની વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે.
પરંતુ જો વસતીવધારાની ગતિ, એટલે કે સમય સાથે વસતીમાં થયેલા ફેરફારની ટકાવારીની વાત કરાય તો વર્ષ 1991થી મુસ્લિમો માટે આ દર ઘટી રહ્યો છે. અને આવું જ સામાન્ય વસતી સંદર્ભે પણ જોવા મળી રહ્યું છે.
વર્ષ 2019ના નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના ઑફિશિયલ ડેટા પ્રમાણે અન્ય મોટાં ધાર્મિક જૂથોની સરખામણીએ મુસ્લિમ વસતીમાં પ્રજનનદર સૌથી વધુ જોવા મળ્યો છે. પ્રજનનદર એટલે કે માતૃત્વ ધારણ કરી શકે તેવાં મહિલાઓની સામે સરેરાશ બાળકોના જન્મની સંખ્યા, એ ધ્યાને રાખવું પડે.
પરંતુ આધિકારિક આંકડા અનુસાર આ દરમાં પાછલા બે દાયકામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. હિંદુઓ કરતાં પણ મુસ્લિમોના પ્રજનનદરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે - વર્ષ 1992માં જે દર 4.4 બાળકનો હતો એ ઘટીને વર્ષ 2019માં 2.4 બાળકોનો થઈ ગયો હતો.
પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં સંઘમિત્રાસિંહ જણાવે છે પ્રજનનદરમાં બદલાવનાં મુખ્ય કારક સામાજિક-આર્થિક પાસાં હોય છે. આ બદલાવને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતા નથી.
તેઓ કહે છે કે, "પ્રજનનદરમાં ઘટાડો એ શિક્ષણ સુધીની પહોંચમાં સુધારો, રોજગાર અને સ્વાસ્થ્યસુવિધાઓ સુધીની પહોંચમાં સુધારાનું પરિણામ છે.

તેમ છતાં કેટલાંક હિંદુ જૂથો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ મુસ્લિમોના વસતીવધારાને લઈને ભ્રામક દાવા કરતા રહે છે. કેટલાક કિસ્સામાં તો આ વાતનો દાવો કરીને હિંદુઓને વધુ બાળકો પેદા કરવા માટે પ્રેરવામાં આવે છે.
એક સમયે ભારતમાં હિંદુઓ કરતાં મુસ્લિમોની સંખ્ય વધી જશે એ વિચારને નિષ્ણાતો રદિયો આપી ચૂક્યા છે. નોંધનીય છે કે હાલમાં ભારતની કુલ વસતીમાં 80 ટકા હિંદુઓ છે.
ફૅમિલી વેલફેર પ્રોગ્રામને રિવ્યૂ કરતી રાષ્ટ્રીય સમિતિના ભૂતપૂર્વ ચૅરપર્સન દેવેન્દ્ર કોઠારીએ ભવિષ્ય માટે અલગ કયાસ લગાવ્યો છે.
તેઓ કહે છે કે પ્રજનનદરમાં થયેલા ઘટાડાની અસરના ભાગરૂપે આગામી વસતીગણતરીમાં કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ વધુ અને મુસ્લિમોનું પ્રમાણ ઓછું હશે.

'જો મુસ્લિમોનાં જીવન મુશ્કેલી બની રહ્યાં હોવાની વાતમાં દમ હોય તો વર્ષ 1947ની સરખામણીએ તેમની વસતીમાં વધારો થયો હોત?'
આ નિવેદન વખતે નાણામંત્રી સીતારમણ મુસ્લિમો પ્રત્યે દુશ્મનાવટ વધી રહી હોવાના કેટલાક રિપોર્ટો તરફ ઇશારો કરતાં કહે છે કે, જો આવું હોત તો ભારતમાં મુસ્લિમોની વસતી વધી જ ન હોત.
તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો વેપાર કરી શક્યા, તેઓ તેમનાં બાળકોને સારું શિક્ષણ આપી શક્યા અને સરકાર પાસેથી મદદ પણ મેળવી શક્યા.
અહીં નોંધનીય છે કે મુસ્લિમો સહિત લઘુમતીઓ પર હુમલા અને તેમના મૃત્યુ નિપજાવવાના મામલામાં વધારાની માનવાધિકાર સંસ્થાઓ દ્વારા ઘણી વખત નોંધ લેવાઈ ચૂકી છે.
હ્યુમન રાઇટ્સ વૉચે વર્ષ 2023ના તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે "ધાર્મિક અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ એમાં પણ ખાસ કરીને મુસ્લિમો સામે વ્યવસ્થિત રીતે થતા ભેદભાવને ચાલુ રાખ્યો છે."
ધાર્મિક લઘુમતી સામે થતાં અપરાધ અંગેના ઑફિશિયલ ડેટા પ્રાપ્ય નથી, પરંતુ દેશમાં વધી રહેલા હેટ ક્રાઇમના કિસ્સા અંગે કેટલાંક સ્વતંત્ર સંશોધકો અને સંસ્થાઓએ માહિતી એકત્ર કરી હતી.

'પાકિસ્તાનમાં લઘુમતીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેમને ખાતમો થઈ રહ્યો છે'

સીતારમણે મુસ્લિમોની બહુમતીવાળા પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે આચરાતી હિંસાના બનાવો તરફ ધ્યાન દોરતાં કહ્યું કે આના કારણે બિનમુસ્લિમોની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે.
વર્ષ 2017ના ડેટા અનુસાર પાકિસ્તાનમાં મુસ્લિમો બહુમતીમાં છે, કુલ વસતિ પૈકી હિંદુ 2.14 ટકા, ખ્રિસ્તી 1.27 ટકા અને અહમદી 0.09 ટકા છે.
એ વાત સાચી છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ હિંસાનો ભોગ બને છે.
હ્યુમન રાઇટ્સ વૉચના વર્ષ 2020ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં અહમદી સમાજ હુમલાના નિશાના પર રહેવા મામલે સૌથી ઉપર હતો. ઉપરાંત પાકિસ્તાનના કડક ઈશનિંદાના કાયદા અને કેટલાક એન્ટિ-અહમદી કાયદા અંતર્ગત અહમદી મુસ્લિમ સમાજ સામે સૌથી વધુ આરોપો થાય છે.
તેમજ ખ્રિસ્તીઓ-હિંદુઓ પર હુમલા કરાય છે તેમજ તેમને એકલા પાડી દેવામાં આવે છે. ઉપરાંત ઈશનિંદાના આરોપો પણ આ સમાજના લોકો પર લાગે છે.
પાકિસ્તાની માનવાધિકાર સંસ્થા સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસ અનુસાર વર્ષ 1987 અને ફેબ્રુઆરી 2021 વચ્ચેના સમયગાળા દરમિયાન ઈશનિંદાના કાયદા અંતર્ગત 1,855 લોકો પર ગુના નોંધાયા હતા.
પરંતુ નાણામંત્રીના દાવા મુજબ પાકિસ્તાનમાં લઘુમતીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે કે તેમને 'ખાતમો' થઈ રહ્યો છે એ વાત સાબિત કરવા માટે તાજેતરના સમયનો પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.
અગાઉ અમે વર્ષ 1947 પછી પાકિસ્તાનમાં બિનમુસ્લિમોની સંખ્યા ઘટતી જઈ રહી હોવાના ભાજપના દાવાની તપાસ કરી હતી. જેમાં આ દાવા ગેરમાર્ગે દોરનારા હોવાનું જાણવા મળ્યું હતું કારણ કે એ આંકડામાં હાલના બાંગ્લાદેશ અને અગાઉના સમયના પૂર્વ પાકિસ્તાનમાં વસતા લઘુમતી સમાજના લોકોને લગતા આંકડા પણ સામેલ હતા.















