ભારત વિરુદ્ધ ચીનઃ સૌથી વધુ વસ્તીવાળો દેશ બનવું એ આશીર્વાદ કે શ્રાપ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
એપ્રિલના મધ્યમાં, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડી દેશે એવી આગાહી કરવામાં આવી છે.
એશિયાના બન્ને વિરાટ દેશ પૈકીના પ્રત્યેક દેશની વસ્તી 1.4 અબજથી વધુ લોકોની છે અને છેલ્લાં 70થી વધુ વર્ષથી વિશ્વની કુલ વસ્તીનો એક તૃતીયાંશથી વધુ હિસ્સો આ દેશોનો છે.
ચીનની વસ્તીમાં આવતા વર્ષથી ઘટાડો થવાની શક્યતા છે. ગયા વર્ષે ત્યાં 1.06 કરોડ બાળકોનો જન્મ થયો હતો, જે મૃત્યુ પામતા લોકોની સંખ્યા કરતાં થોડો વધારે છે અને તે પ્રજનનદરમાં ઝડપી ઘટાડાને આભારી છે.
તાજેતરના દાયકાઓમાં ભારતમાં પણ પ્રજનનદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં 1950માં પ્રતિ સ્ત્રી બાળકના જન્મનું સરેરાશ પ્રમાણ 5.7નું હતું, જે આજે ઘટીને પ્રતિ સ્ત્રી બે બાળકનું થઈ ગયું છે.
જોકે, ભારતમાં પ્રજનનદરમાં ઘટાડોનો દર ધીમો રહ્યો છે.
હવે સવાલ એ છે કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારત ચીનને પાછળ છોડી દેશે તેનો અર્થ શું થાય?

ચીને તેની વસ્તીમાં ઝડપી ઘટાડો કર્યો

ઇમેજ સ્રોત, Reuters
1973માં ચીનમાં વસ્તી વૃદ્ધિદર બે ટકા હતો, જે 1983 સુધીમાં ઘટાડીને 1.1 ટકા કરવામાં આવ્યો હતો.
વસ્તી વિષયક નિષ્ણાતો કહે છે કે ચીને આ પૈકીનું ઘણું બધું માનવાધિકારની અવગણના કરીને હાંસલ કર્યું છે. મુખ્યત્વે ગ્રામીણ અને અતિશય અશિક્ષિત તથા ગરીબ દેશમાં મુખ્યત્વે બે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પહેલાં માત્ર એક બાળક તથા પછી મોડાં લગ્નની અને બાળકોના જન્મ વચ્ચે લાંબું અંતર રાખવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં વાર્ષિક લગભગ બે ટકાના દરે વસ્તી વૃદ્ધિ નોંધાઈ હતી. સમય જતાં મૃત્યુદરમાં ઘટાડો થયો,
આયુષ્યનું પ્રમાણ વધ્યું અને આવકમાં પણ વધારો થયો. વધુ લોકોને, ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોને પીવાના સ્વચ્છ પાણીની અને આધુનિક ગટર વ્યવસ્થાની સુવિધા મળી, “તેમ છતાં જન્મદર તો ઊંચો જ રહ્યો છે,” એવું લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના વસ્તી વિષયક નિષ્ણાત ટિમ ડાયસન કહે છે.
ભારતે 1952માં કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો હતો અને 1976માં સૌપ્રથમ રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલી બનાવી હતી. એ વખતે ચીન જન્મદર ઘટાડવામાં વ્યસ્ત હતું.
1975માં કટોકટી દરમિયાન અતિ ઉત્સાહી કુટુંબ નિયોજન કાર્યક્રમમાં લાખો ગરીબ લોકોની બળજબરીથી નસબંધીને લીધે કુટુંબનિયોજન કાર્યક્રમ સામે સામાજિક પ્રતિક્રિયા જોવા મળી હતી.
પ્રોફેસર ડાયસન કહે છે, “કટોકટી ન લાદવામાં આવી હોત અને રાજકારણીઓ વધારે સક્રિય હોત તો ભારતમાં પ્રજનનદરમાં ઝડપી ઘટાડો થયો હોત. તેનો અર્થ એ થયો કે એ પછીની તમામ સરકારો પરિવાર નિયોજનના મામલે સાવચેતીપૂર્વક આગળ વધી હતી.”
કોરિયા, મલેશિયા, તાઈવાન અને થાઇલૅન્ડ જેવા પૂર્વ એશિયન દેશોએ વસ્તી નિયંત્રણ કાર્યક્રમો ભારત કરતાં ઘણા મોડેથી શરૂ કર્યા હતા.
ભારતની સરખામણીએ આ દેશો પ્રજનનદર ઘટાડવામાં, બાળક તથા માતાનો મૃત્યુદર ઓછો કરવામાં, આવક વધારવામાં અને માનવ વિકાસ સુધારણામાં વધુ સફળ થયા હતા.

ભારતમાં વસ્તીવિસ્ફોટ થયો નથી

ઇમેજ સ્રોત, Getty Images
1947માં સ્વાતંત્ર્ય મળ્યા પછી ભારતની વસ્તીમાં એક અબજથી વધુ લોકોનો ઉમેરો થયો છે અને વધુ 40 વર્ષ સુધી દેશની વસ્તીમાં સતત વધારો થવાની આશા છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી તેના વસ્તી વૃદ્ધિદરમાં ઘટાડો થઈ રહ્યો છે અને દેશે ‘વસ્તી વિષયક આપત્તિ’ વિશેની ભવિષ્યવાણીને ખોટી પાડી છે.
તેથી ભારતની વસ્તી ચીન કરતાં વધારે થશે તે બાબત હવે ‘ચિંતાજનક’ નથી, એવું વસ્તી વિષયક નિષ્ણાતો જણાવે છે.
વધતી આવક તથા આરોગ્ય તથા શિક્ષણની વધતી સુવિધાઓને કારણે ભારતીય મહિલાઓ અગાઉ કરતાં ઓછા બાળકોને જન્મ આપે છે અને વસ્તી વૃદ્ધિને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
રિપ્લેસમેન્ટ લેવલની સરખામણીએ પ્રજનનદરમાં મોટો ઘટાડો થયો છે. 22 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકીના 17માં પ્રજનનદરનું પ્રમાણ પ્રતિ સ્ત્રી બે બાળકનું થઈ ગયું છે. (રિપ્લેસમેન્ટ લેવલ એટલે વસ્તીનું પ્રમાણ સ્થિર રાખવા માટે જરૂરી બાળજન્મદર)
વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતીય રાજ્યોની સરખામણીએ દક્ષિણ ભારતીય રાજ્યોમાં જન્મદરમાં ઘટાડાનું પ્રમાણ ઝડપી રહ્યું છે.
પ્રોફેસર ડાયસન કહે છે, “ભારતના વધુ પ્રદેશોમાં દક્ષિણનાં રાજ્યો જેવી સ્થિતિ નથી તે અફસોસની વાત છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં વસ્તીમાં ઝડપી વૃદ્ધિને કારણે જીવનધોરણ નબળું બન્યું છે.”

ચીનને પાછળ છોડવું મહત્ત્વપૂર્ણ હોઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
દાખલા તરીકે, આ બાબત સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં કાયમી સ્થાન મેળવવાના ભારતના દાવાને વધારે મજબૂત બનાવી શકે. સલામતી પરિષદમાં ચીન સહિતના પાંચ દેશો કાયમી સભ્ય છે.
ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘનું સ્થાપક સભ્ય છે અને સલામતી પરિષદમાં કાયમી સ્થાન માટે તે કાયમ આગ્રહ કરતો રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના આર્થિક તથા સામાજિક બાબતોના વસ્તી વિભાગના ડિરેક્ટર જોન વિલ્મોથ કહે છે, “મને લાગે છે કે (સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે) તમે ઘણી બધી ચીજો પર દાવો કરી શકો.”
મુંબઈસ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉપ્યુલેશન સાયન્સના કેએસ જેમ્સના જણાવ્યા મુજબ, ભારતની જનસંખ્યામાં થઈ રહેલું પરિવર્તન પણ સૂચક છે.
કેએસ જેમ્સ કહે છે, કેટલીક ખામી હોવા છતાં ગરીબ અને મોટા ભાગે અશિક્ષિત લોકોના દેશમાં કુટુંબનિયોજન દ્વારા “વસ્તી વિષયક સ્વસ્થ સંક્રાંતિ”નું શ્રેય ભારતને જરૂર આપવું જોઈએ.
“મોટા ભાગના દેશો ઉચ્ચ સાક્ષરતા અને જીવનધોરણ હાંસલ કર્યા પછી આવું કરી શક્યા છે.”
વધારે સારા સમાચાર એ છે કે વિશ્વમાં 25 વર્ષથી ઓછી વયના પાંચ લોકો પૈકીનો એક ભારતનો હોય છે અને ભારતમાં કુલ પૈકીના 47 ટકા નાગરિકો 25 વર્ષથી ઓછી વયના છે.
બે-તૃતીયાંશ લોકોનો જન્મ 1990ના દાયકાના આરંભે દેશમાં અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા પછી થયો છે. યુવા ભારતીયોનો આ વર્ગ કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતો હોવાનું નવા સંશોધનમાં શ્રુતિ રાજાગોપાલન જણાવે છે.
શ્રુતિ કહે છે, “યુવા ભારતીયોની આ પેઢી જ્ઞાન તથા નેટવર્ક ગૂડ્ઝ ઇકૉનૉમીનો સૌથી મોટી ઉપભોક્તા તથા શ્રમ સ્રોત હશે. આ ભારતીયો વૈશ્વિક પ્રતિભાનો સૌથી મોટો સ્રોત પણ હશે.”
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ના જણાવ્યા મુજબ, ભારતે વસ્તી વિષયક લાભો મેળવવા તેના યુવા લોકો માટે રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવું જોઈએ. મુશ્કેલી એ છે કે ભારતમાં કામ કરવાની વયના માત્ર 40 ટકા લોકો જ કામ કરે છે અથવા કામ કરવા ઇચ્છે છે.
વધ સ્ત્રીઓને નોકરીની જરૂર પડશે, કારણ કે બાળકના જન્મ અને તેમના ઉછેરને કારણે કામ કરવાની વય દરમિયાન તેઓ ઓછો સમય આપી શકે છે.
અહીં દૃશ્ય ધૂંધળું છે. સીએમઆઈઈના જણાવ્યા મુજબ, કામ કરવાની વયની માત્ર 10 ટકા મહિલાઓ ઑક્ટોબરમાં શ્રમ દળનો હિસ્સો હતી, જ્યારે ચીનમાં તે પ્રમાણ 69 ટકા હતું.
બીજો મુદ્દો સ્થળાંતરનો છે. લગભગ 20 કરોડ ભારતીયો દેશમાં – એક રાજ્યમાંથી કે જિલ્લામાંથી બીજા રાજ્ય કે જિલ્લામાં સ્થળાંતરિત થયા છે અને તેમની સંખ્યામાં વધારો થવાનો છે.
મોટા ભાગના લોકો એવા છે કે જેઓ કામની શોધમાં ગામ છોડીને શહેરમાં જાય છે.
કેરળના સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ સ્ટડીઝના સ્થળાંતર નિષ્ણાત એસ ઈરુદયા રાજન કહે છે, “ગામડાંમાં ઓછાં કામ તથા ઓછાં વળતરને કારણે લોકો શહેરોમાં સ્થળાંતર કરશે તેથી શહેરો વધુ વિસ્તરશે. આ શહેરો સ્થળાંતર કરતા લોકોને સારું જીવન આપી શકશે? એવું નહીં થાય તો આ સ્થળાંતર વધુ ઝૂંપડપટ્ટી તથા રોગમાં પરિણમશે.”
વસ્તી વિષયક નિષ્ણાતો જણાવે છે કે ભારતે બાળલગ્ન અટકાવવા જોઈએ અને જન્મ તથા મૃત્યુની નોંધણી વધુ ચોકસાઈપૂર્વક કરવી જોઈએ. છોકરીઓ કરતાં છોકરાઓના વધુ જન્મનું પ્રમાણ પણ ચિંતાની બાબત છે.
“વસ્તી નિયંત્રણ” સંબંધી રાજકીય નિવેદનબાજી દેશની સૌથી મોટી લઘુમતી મુસ્લિમલક્ષી હોવાનું જણાય છે, જ્યારે હકીકત એ છે કે “ભારતમાં ધાર્મિક જૂથો વચ્ચે બાળજન્મનું અંતર અગાઉ કરતાં ઘણું ઓછું છે,” એવું પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

વૃદ્ધોની વધતી સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
વસ્તી વિષયક નિષ્ણાતો જણાવે છે કે ભારતમાં વધતી વય પરત્વે બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે.
1947માં ભારતની સરેરાશ વય 21 વર્ષની હતી. માત્ર પાંચ ટકા લોકો 60થી વધુ વર્ષની વયના હતા. આજે સરેરાશ વય 28 વર્ષથી વધુની છે અને 10 ટકાથી વધુ ભારતીયો 60થી વધુ વર્ષના છે.
કેરળ તથા તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યોએ કમસે કમ 20 વર્ષ પહેલાં રિપ્લેસમેન્ટ લેવલ હાંસલ કરી લીધું હતું.
‘હોલ નંબર્સ એન્ડ હાફ ટ્રુથ્સઃ વૉટ ડેટા કૅન અને કૅન નોટ ટેલ અસ અબાઉટ મૉડર્ન ઇન્ડિયા’ નામના પુસ્તકનાં લેખિકા રુકમિણી એસ કહે છે, “કામ કરવાની વયના લોકોના પ્રમાણમાં ઘટાડો થતાં વૃદ્ધ વસ્તીને ટેકો આપવા માટે સરકારી સંસાધનો પરનો બોજો વધતો જશે.”
તેઓ ઉમેરે છે, “પારિવારિક માળખાનું નવસર્જન કરવું પડશે અને એકલા રહેતા વૃદ્ધો પ્રત્યેની ચિંતા સતત વધતી રહેશે.”














