વિશ્વ વસતીદિવસ : ભારતની વસતી સદીના અંત સુધીમાં ઘટી જશે? કેવી રીતે?
- લેેખક, તારેન્દ્ર કિશોર
- પદ, બીબીસી ગુજરાતી માટે
હાલ વસતીની બાબતમાં ભારત કરતાં માત્ર ચીન આગળ છે, પરંતુ એક રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે સદીના અંત ભાગ સુધીમાં ભારતમાં વસતીવિસ્ફોટની પરિસ્થિતિ સુધરી શકે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એટલે કે રિપોર્ટમાં કરાયેલા અનુમાન અનુસાર આ સદીનો અંત ભાગ આવતાં-આવતાં ભારતની વસતી ઘટીને લગભગ 100 કરોડ જેટલી જ થઈ જશે. એટલે કે હાલની વસતી કરતાં પણ 30-35 કરોડ ઓછી.
માત્ર ભારત જ નહીં વિશ્વની કુલ વસતીમાં પણ અતિશય ઘટાડો થવાનું અનુમાન છે.
અગાઉ કરતાં વિશ્વની વસતી બે અબજ સુધી ઓછી હશે એવું અનુમાન છે.
આ અંદાજ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'લૅંસેટ'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કરાયો હતો.
આ રિપોર્ટ પ્રમાણે હાલ વિશ્વની વસતી લગભગ 7.8 અબજ છે, જે વર્ષ 2100માં લગભગ 8.8 અબજ થઈ જશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2019માં જે રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો, તેમાં વર્ષ 2100 સુધીમાં વિશ્વની વસતી લગભગ 10.9 અબજ થઈ જવાનું અનુમાન કરાયું હતું.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર આ સદીના અંત સુધીમાં અનુક્રમે ભારત, નાઇજીરિયા, ચીન, અમેરિકા અને પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દેશો હશે.

વર્ષ 2047 બાદ ઘટશે ભારતની વસતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ રિપોર્ટમાં ભારત વિશે કરાયેલા અનુમાન અનુસાર ભારતના વસતીવૃદ્ધિના દરમાં વર્ષ 2047 બાદ ઘટાડો નોંધાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2047 સુધી ભારતની વસતી વધીને તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે અને એ સમયે દેશની વસતી લગભગ 1.61 અબજ હશે.
ભારતનો વસતીવૃદ્ધિદર વર્ષ 2010થી લઈને વર્ષ 2019 સરેરાશ 1.2 ટકા હોવાનું જણાવવામાં આવ્યું છે અને કહેવાયું છે આ ઝડપે ભારત ચીનને વર્ષ 2027 સુધી પછાડી વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.
રિપોર્ટમાં અનુમાન કરાયું છે તેમ વર્ષ 2064માં વિશ્વની વસતી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે. 2064 સુધી વિશ્વની કુલ વસતી લગભગ 9.73 અબજ હશે.

કેમ ઘટશે ભારતની વસતી?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયેલ અંદાજથી ઊલટું 36 વર્ષ પૂર્વે જ વિશ્વની વસતી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી જવાનું અનુમાન આ રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.
લૅંસેટે પોતાના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રે ઘટી રહેલા પ્રજનનદર અને વૃદ્ધોની વસતીને ધ્યાનમાં રાખ્યા હતા, પરંતુ અન્ય કેટલાક માપદંડોની અવગણના કરાઈ હતી.
આ બંને રિપોર્ટના પરિણામમાં દેખાઈ રહેલા ફેર અંગે પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પૂનમ મુતરેઝાએ જણાવ્યું હતું કે આવું પ્રજનનદરમાં થયેલા ઘટાડાના આકલનને કારણે થયું.
તેમણે કહ્યું કે સાથે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે ડેટા એકઠો કરાયો હતો, તે પાછલાં દસ વર્ષની વસતીગણતરી પર આધારિત હતો. લૅંસેટમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં તાજેતરનાં અનુમાનોને સામેલ કરાયાં છે.
તેમણે વધુ વાત કરતાં બીબીસીને કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ અને લૅંસેટનો હાલનો રિપોર્ટ, એ બંને અનુમાન આધારિત છે અને આ બંને અનુમાનો તાજેતરના પ્રજનનદર આધારે કરાયાં છે."
"ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પ્રજનનદરમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાને બાદ કરતાં અન્ય તમામ રાજ્યોમાં પ્રજનનદર ઘટવાનો છે."
"એટલે કે થયું એવું કે પ્રજનનદરમાં ઘટાડાના અનુમાન કરતાં પણ વધુ ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે."
તેઓ આ પ્રજનનદર ઘટવા માટે ઘણાં કારણો જવાબદાર હોવાનું જણાવે છે.
તેમણે કહ્યું, "લગ્ન કરવાની ઉંમરમાં વધારો થયો છે. હવે લોકો બે બાળકો વચ્ચે યોગ્ય અંતર જાળવી રહ્યા છે."
"માત્ર પરિવારનિયોજન જ નહીં, પરંતુ લોકોમાં વધુ બાળકોને કારણે ભોગવવી પડતી આર્થિક સંકડામણ અંગે પણ જાગૃતિ આવી છે. મુખ્યત્વે ગરીબ લોકો આ અંગે જાગૃત થઈ રહ્યા છે."
"તેઓ બાળકોને ભણવવા માગે છે. આવું કરવા માટે ઘણો ખર્ચ થાય છે. આ તમામ કારણોને લીધે પ્રજનનદરમાં ઘટાડો નોંધાયો છે."

ભારત સામે કયા પડકારો હશે?
આ રિપોર્ટ અનુસાર ભારત જેવા અગાઉ વધુ વસતી ધરાવતા દેશની વસતી વર્ષ 2047 સુધી લગભગ 1.61 અબજ થઈ જશે.
એ સમયે ભારત વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ હશે. આવી પરિસ્થિતિમાં ભારતે કેવા-કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે?
આયોજનપંચના ભૂતપૂર્વ સભ્ય અને અર્થશાસ્ત્રી સંતોષ મેહરોત્રા જણાવે છે કે આ પડકારો તક પણ સાબિત થઈ શકે છે.
તેઓ જણાવે છે કે, "હાલમાં સ્થિતિ એ છે કે કોરોના પહેલાં બેરોજગારી 45 વર્ષની સર્વોચ્ચ સપાટી પર હતી."
"તેથી આપણે પાછલાં છ વર્ષથી જે નીતિ અપનાવીને ચાલી રહ્યા છીએ એ જ નીતિ પ્રમાણે આગળ વધતા રહીશું તો તે વિનાશક સાબિત થશે, કારણ કે એ નીતિના કારણે બિનકૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ-ધંધામાં રોજગારી ઘટતી ગઈ છે."
"જો આપણે હકારાત્મક નીતિઓ અપનાવીશું તો રોજગારીમાં ફરી વધારો થશે. વર્ષ 2010થી 2012 સુધી દર વર્ષ દરરોજ દેશમાં 75 લાખ નોકરીઓ વધી રહી હતી."
"તેથી તાત્કાલિક ધોરણે જરૂરી નીતિઓ લાગુ કરવામાં આવે, કારણ કે વિલંબ માટે હવે આપણી પાસે કોઈ સંભાવના નથી. આ મહામારીએ આપણા અર્થતંત્રના પાયા હચમચાવી નાખ્યા છે."
તેઓ આગળ જણાવે છે કે વર્ષ 2040 બાદ આપણી વસતીનો એક મોટો ભાગ વૃદ્ધ થવા લાગશે અને સાથે આવનારાં દસ વર્ષમાં કામ કરી શકનાર ઉંમરના લોકોની સંખ્યા પણ વધશે, નોકરી શોધનાર યુવાનોની સંખ્યા પણ વધશે.
મેહરોત્રા વધુ વાત કરતાં જણાવે છે કે, "આપણે વર્ષ 2010થી 2012 વચ્ચે એ સાબિત કરી બતાવ્યું છે કે બિનકૃષિ ક્ષેત્રમાં દર વર્ષે 75 લાખ નોકરીઓ પેદા કરી શકાય છે, ઓછામાં ઓછું આટલી ઝડપ તો કોઈ પણ ભોગે જાળવવી જ પડશે, પરંતુ તેના કરતાં પણ વધુ ઝડપે નોકરીઓ પેદા કરવાની જરૂરિયાત રહેશે."
વસતી સાથે જન્મતા આર્થિક પડકાર વિશે પૂનમ મુતરેજા જણાવે છે કે, "નજીકના ભવિષ્યમાં વસતી વધુ હશે, કારણ કે લોકોની સરેરાશ ઉંમર વધુ હશે, પરંતુ સારી વાત એ છે કે આ સાથે જ એક મોટો વર્ગ કામ કરનાર લોકોનો પણ હશે."
"જો નોકરીઓ હશે તો એ વાત આપણા અર્થતંત્રમાં મોટો ફાળો આપનાર બની શકે છે. તેથી નોકરીઓ પેદા કરવાની વાત પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ આપણી પાસે એક સંપત્તિ માફક હોઈ શકે છે."
"તેનાથી જીડીપી અને તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને આપણા દેશને તેનાથી ફાયદો જ થશે, પરંતુ આ સાથે જ એ વાત પણ ધ્યાને લેવી પડશે કે આપણા દેશમાં રહેલા વૃદ્ધોની સંખ્યા પણ વધુ હશે. તેથી તેમની સામાજિક સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે."

અર્થતંત્ર પર અસર અને તક

ઇમેજ સ્રોત, Getty Images
લૅંસેટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2035 સુધી ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. બીજા નંબર પર અમેરિકા અને ત્રીજા ક્રમે ભારત હશે.
આ વાત પર સંતોષ મેહરોત્રા જણાવે છે કે, "જો વિકાસદર અને રોજગારીદર હાલ છે, એવા રહ્યા તો આપણે ક્યારેય ત્રીજા ક્રમે નહીં પહોંચી શકીએ અને જો એ મુકામ હાંસલ કરી પણ લઈએ તો પણ જો માથાદીઠ આવકમાં વધારો નહીં થાય તો આપણે ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે."
લૅંસેટના રિપોર્ટમાં 23 એવા દેશ છે જેમની વસતી ઘટીને હાલની સરખામણીએ અડધી થઈ જવાની વાત કરાઈ છે. આવા દેશોમાં જાપાન, સ્પૅન, થાઇલૅન્ડ, દક્ષિણ કોરિયા, પોલૅન્ડ અને પોર્ટુગલ જેવા દેશો સામેલ છે.
પૂનમ મુતરેજા આ વિશે જણાવે છે કે જે દેશોની વસતીમાં 50 ટકાનો ઘટાડો નોંધાવાનો છે, એ દેશોને ભારતમાંથી લોકોને બોલાવવાની જરૂર પડશે.
તેઓ જણાવે છે કે, "પરંતુ આ અંગે પણ ભારતે યોજના બનાવવાની જરૂર છે. જો ભારત યોજનાબદ્ધ રીતે આ દિશામાં કામ નહીં કરે તો આપણે માત્ર એટલું જ કહેતા રહી જઈશું કે દેશની વસતી આટલી વધી ગઈ છે, અમે શું કરીએ."
"આપણે આ પરિસ્થિતિને તકમાં ફેરવવી પડશે નહીંતર વસતી એક આફત સાબિત થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













