પાકિસ્તાનમાંથી આઝાદ થવા માગતો એ પ્રદેશ જે અંધાધૂંધીથી ભરપૂર છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, નોર્બર્ટો પરેડેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

બલૂચિસ્તાન એક એવો પ્રદેશ છે જે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન ત્રણેય દેશોમાં આવેલો છે અને તેનો ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો છે.

આ પ્રદેશ લાંબા સમય સુધી અસ્થિરતાનું જાણે કે ઘર બનીને રહ્યો છે. આ અસ્થિરતાનું મુખ્ય કારણ હતું બલૂચ રાષ્ટ્રવાદીઓએ પાકિસ્તાનની સરકાર સામે માંડેલો મોરચો, જેના કારણે બંને બાજુએ હજારો લોકોને પીડા ભોગવવાનો વારો આવ્યો છે.

આજે પણ તે ક્ષેત્રીય સંઘર્ષનું ઍપિસેન્ટર બનેલો છે. ઈરાન અને પાકિસ્તાન બંને એકબીજા પર બલૂચ ભાગલાવાદીઓને પ્રોત્સાહન અને સમર્થન આપવાનો આરોપ લગાવે છે.

પાકિસ્તાને ઈરાનમાં આવેલા બલૂચિસ્તાન- એટલે કે સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંત પર હુમલાઓ કર્યા હતા જેમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ હુમલાના બે દિવસ પહેલાં ઈરાને પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતમાં ઉગ્રવાદીઓને લક્ષ્યમાં રાખીને હુમલાઓ કર્યા હતા.

પાકિસ્તાનના અધિકારીઓના કહેવા અનુસાર, ઈરાને કરેલા હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.

આ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એ પ્રકારની ચિંતા જન્મી છે કે મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં આ વિવાદો વધીને કોઈ યુદ્ધનું સ્વરૂપ ન લે.

જોકે, ઐતિહાસિક રીતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા ગૂંચવણભર્યા રહ્યા છે પરંતુ બંને દેશોએ ચોક્કસ સૌહાર્દ જાળવી રાખ્યો છે.

બંને દેશો માટે બલૂચ ઉગ્રવાદીઓનો પ્રશ્ન કાયમનો રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ભૂતપૂર્વ બ્રિટિશ ઍમ્બેસેડર રૉબર્ટ મેકેર તેને અંધાધૂંધી ભરેલી એ જગ્યા ગણાવે છે જ્યાં કોઈ ‘કાયદો’ નથી.

પાકિસ્તાનનો 44 ટકા ભાગ બલૂચિસ્તાનમાં આવેલો છે, જેમાં સોનું, તાંબું અને ગેસનો વિપુલ જથ્થો છે. તે દૃષ્ટિએ એશિયામાં બલૂચિસ્તાનો આ વિસ્તાર ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

પરંતુ વિરોધાભાસી રીતે, દૂરસુદૂરમાં આવેલો આ પ્રદેશ વિખૂટો રહે છે. તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી ઓછો વિકસિત પ્રાંત છે.

ભારતના ભાગલા પછી અસ્થિરતા શરૂ થઈ

ઈરાન પાકિસ્તાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પ્રાંતનું નામ બલૂચ જનજાતિઓ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમણે આ વિસ્તારમાં સદીઓ પહેલાં વસવાનું શરૂ કર્યું હતું.

એવી સંભાવના છે કે એ પહેલાં આ વિસ્તાર કોઈ અન્ય નામે ઓળખાતો હોય પરંતુ ઇસ્લામિક કાળ પહેલાંનો તેનો કોઈ રેકૉર્ડ મળતો નથી.

અલગ-અલગ ઉગ્રવાદી જૂથો પ્રેરિત અસ્થિરતા 1948માં શરૂ થઈ હતી. બલૂચ લોકો તેમના અલગ સ્વતંત્ર રાષ્ટ્ર માટેની માગણી કરી રહ્યા હતા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમણે આ ચળવળ શરૂ કરી હતી.

ભાગલાવાદી લોકોએ સતત તેમનો મત વ્યક્ત કર્યો હતો કે ઇસ્લામાબાદથી ચાલતી પાકિસ્તાનની સરકાર તેમના પ્રદેશ પ્રત્યે સતત દુર્ભાવનાથી કામ કરે છે. બલૂચ લોકોને સતત એવું લાગતું હતું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આટલું મોટું રાજ્ય હોવા છતાં તેમનું પ્રતિનિધિત્ત્વ દરેક જગ્યાએ ઓછું હતું.

આ વિસ્તારમાં આવેલા મોટા રણમાં બે દાયકાથી વધુ સમય પહેલાં પાકિસ્તાને છ પરીક્ષણો કર્યાં હતાં જેના કારણે પાકિસ્તાને સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરનાર દેશ તરીકે વિશ્વમાં સાતમું સ્થાન બનાવ્યું હતું.

આ પરીક્ષણો મે, 1998માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ ચગાઈ જિલ્લામાં (તેને ચગાઈ-1 કહેવામાં આવે છે)માં કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગ્યા હતા.

"અમે ક્યારેય આ પરમાણુ સ્પર્ધામાં ભાગ લેવા માગતા ન હતા," શરીફે તે સમયે આમ કહ્યું હતું.

ઉગ્રવાદીઓ પર હુમલા

કરાચી સ્ટોક ઍક્સચેન્જ

ઇમેજ સ્રોત, Reuters

ઈરાન એવો દાવો કરી રહ્યું છે કે તેણે તાજેતરમાં કરેલો હુમલો જૈશ-અલ-અદલના બલોચ ઉગ્રવાદી જૂથને લક્ષ્યમાં રાખીને કર્યો હતો.

ઈરાનનું કહેવું છે કે આ જૂથના આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતી પર છુપાયેલા છે, પરંતુ પાકિસ્તાન આ વાતને નકારે છે.

એક દિવસની રાજદ્વારી વાતચીતો પછી, પાકિસ્તાને ગુરુવારે ઈરાની પ્રદેશમાં મિસાઈલો છોડી હતી. પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેણે ઈરાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત બે ઉગ્રવાદી જૂથોને ટાર્ગેટ કર્યા હતા.

સત્ય એ છે કે બલૂચિસ્તાનમાં ઘણા ઉગ્રવાદી જૂથો જેવા કે પાકિસ્તાની તાલિબાન, સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી જૂથ લશ્કર-એ-ઝાંગવી અને અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) કામ કરે છે. પાકિસ્તાન એવો દાવો કરે છે કે તેમની સામે આ હુમલો કરવામાં આવ્યો હતો.

2020માં ચાર બીએલએના માણસોએ રાઇફલ્સ અને ગ્રૅનેડથી સજ્જ થઈને પાકિસ્તાનમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા કરાચી સ્ટૉક ઍક્સચેન્જ પર હુમલો કર્યો હતો. તેમણે બે સુરક્ષાકર્મીઓ અને એક પોલીસ અધિકારીની હત્યા કરી હતી અને તેઓ માર્યા ગયા તે પહેલાં તેમણે સાત અન્ય લોકોને ઘાયલ કર્યા.

ચીન માટે પણ અગત્યનો પ્રદેશ

ઇરાન પાકિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

આ જ સમૂહે 2019માં દક્ષિણ બલૂચિસ્તાનના ગ્વાદર બંદર શહેરની ઝવેર પર્લ-કોંટિનેંટલ હૉટલ પર પણ હુમલો કર્યો હતો. જેમાં સામાન્ય રીતે ત્યાં ભેગા થતા ચાઈનીઝ અને અન્ય રોકાણકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હૉટેલ સંકુલને કેટલાક અલગતાવાદી સમૂહો ચાઇના-પાકિસ્તાન ઇકૉનોમિક કૉરિડોર (CPEC) ની કામગિરીના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે, જે એપ્રિલ 2015માં જાહેર કરાયેલ મૅગાપ્રૉજેક્ટ છે.

આ પ્રૉજેક્ટ અંતર્ગત આશરે 62 બિલિયન અમેરિકી ડૉલરનું અંદાજિત રોકાણ થવાનું છે જેનો ઉદ્દેશ્ય બે સાથી દેશો વચ્ચે રસ્તાઓ, રેલવે અને ગેસ પાઇપલાઇનનું નેટવર્ક બનાવવાનો છે. આ આંકડો નિકારાગુઆના જીડીપી કરતાં પણ વધુ છે.

ઉગ્રવાદીઓ ચીની રોકાણનો અતિશય વિરોધ કરે છે અને એવી દલીલ કરે છે કે તેનાથી સ્થાનિક લોકોને કોઈ ફાયદો થવાનો નથી.

બીબીસી ઉર્દૂ સેવાના પત્રકાર સકલેન ઈમામના જણાવ્યા અનુસાર, “બલૂચિસ્તાનમાં અનેક પ્રકારના રાષ્ટ્રવાદ જોવા મળે છે. ઘણા લોકો પાકિસ્તાન જે પણ નિર્ણય લે તેનો વિરોધ કરે છે કારણ કે તેઓ કોઈપણ ભોગે એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા ઇચ્છે છે.”

“જ્યારે અનેક જૂથોના મનમાં એવી લાગણી છે કે પંજાબ પછી પાકિસ્તાનનો બીજો સૌથી મોટો પ્રદેશ હોવા છતાં પણ તેમના લોકોની સલાહ લેવામાં આવતી નથી.”

દમનના અહેવાલો

બીએલએ એ બલૂચિસ્તાનના છ સશસ્ત્ર ભાગલાવાદી જૂથોમાંનું એક જૂથ છે જેણે પાકિસ્તાનમાં પહેલાં પણ હુમલાઓ કર્યા છે.

અમેરિકા અને બ્રિટન તેને ‘આતંકી’ સમૂહ ગણાવે છે.

બલૂચિસ્તાન એક એવો પ્રાંત છે જ્યાં આજે પત્રકારો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ માટે જવું સહેલું નથી.

જોકે, પાકિસ્તાની સેના દ્વારા ત્યાં કરવામાં આવતા દમનના અહેવાલો સમયાંતરે મળતા રહે છે. સ્થાનિક અધિકારીઓ તેને ફગાવે છે.

2023માં પાકિસ્તાની સેનાના 10 જવાનો અને સુરક્ષા અધિકારીઓના બલૂચિસ્તાનમાં એક હુમલામાં મૃત્યુ થયાં હતાં. આ હુમલો ભાગલાવાદી તત્ત્વો દ્વારા કરવામાં આવ્યો હતો તેવું મનાય છે.

અહેવાલો અનુસાર ઈરાન દ્વારા સંચાલિત જૂથો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.

વિશેષજ્ઞો અને ઍક્ટિવિસ્ટ્સ કહે છે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે જ્યાં સુધી કોઈ સમજૂતી નહીં થાય ત્યાં સુધી વિવિધ બલૂચ ઉગ્રવાદી જૂથો આ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ રાખશે.