બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં આર્થિક રીતે કેમ આગળ નીકળી ગયું?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તનવીર મલિક
    • પદ, પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

14 ઑગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદ થયા બાદ પાકિસ્તાનના પશ્ચિમ અને પૂર્વ ભાગોએ એક સાથે આઝાદીની યાત્રા શરૂ કરી હતી. પરંતુ પછીનાં દસ-બાર વર્ષમાં બંને ભાગો વચ્ચે સામાજિક અને આર્થિક અંતર ઘણું વધી ગયું હતું.

આ અંગે જી. ડબ્લ્યૂ. ચૌધરી તેમના પુસ્તક 'લાસ્ટ ડેઝ ઑફ યુનાઇટેડ પાકિસ્તાન'માં લખે છે કે, 1960માં પશ્ચિમ પાકિસ્તાનની માથાદીઠ આવક પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)ના લોકોની માથાદીઠ આવક કરતાં 32 ટકા વધુ હતી અને આગામી દસ વર્ષમાં આ તફાવત વધીને 81 ટકા થશે.

જી. ડબ્લ્યૂ. ચૌધરી પાકિસ્તાનમાં જનરલ યાહ્યા ખાનની સરકારમાં મંત્રી હતા.

16 ડિસેમ્બર, 1971ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના આર્થિક સૂચકાંકોમાં ઘણો તફાવત હતો, જેમાં દેશની આર્થિક પ્રગતિનો દર, દેશના અર્થતંત્રનું કદ, માથાદીઠ આવક અને નિકાસનો સમાવેશ થતો હતો.

પરંતુ છેલ્લા બે દાયકામાં બાંગ્લાદેશમાં થયેલી આર્થિક પ્રગતિને કારણે આઝાદીનાં 52 વર્ષ પછી બાંગ્લાદેશના આર્થિક સૂચકાંકો પાકિસ્તાન કરતાં ઘણા સારા છે.

બાંગ્લાદેશે પાછલાં 52 વર્ષમાં આર્થિક ક્ષેત્રે પાકિસ્તાન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને તેના વિદેશવેપારમાં વધારો કર્યો છે. બીજી તરફ ત્યાં ગરીબી દરમાં પણ ઘટાડો થયો છે. જ્યારે આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિ પાકિસ્તાન કરતાં વધુ છે.

પાછલાં ઘણાં વર્ષોમાં પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા, આતંકવાદ અને નબળી શાંતિ અને સુરક્ષાની સ્થિતિને કારણે એક તરફ ઔદ્યોગિક પ્રગતિનું પૈડું થંભી ગયું છે, તો બીજી તરફ વિદેશવેપાર, જીડીપી વૃદ્ધિ, માથાદીઠ આવક અને ગરીબીનાં ક્ષેત્રોમાં પણ ખાસ પ્રગતિ થઈ નથી.

જો 52 વર્ષ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશની આર્થિક સ્થિતિની સરખામણી કરવામાં આવે તો કેટલાંક ક્ષેત્રોમાં બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. જેમાં કાપડની નિકાસનું ક્ષેત્ર ખાસ નોંધનીય છે.

હાલમાં બાંગ્લાદેશ ચીન પછી વિશ્વમાં સૌથી વધુ કાપડની નિકાસ કરતો દેશ બની ગયો છે. બીજી તરફ પાકિસ્તાનની ગણતરી કાપડની નિકાસ કરતાં ટોચના પાંચ દેશોમાં પણ થતી નથી.

બાંગ્લાદેશની કાપડની નિકાસની સફળતા પણ આશ્ચર્યજનક છે, કારણ કે ત્યાં કપાસનું ઉત્પાદન થતું નથી, પરંતુ પાકિસ્તાન કપાસનો મોટો ઉત્પાદક દેશ હોવા છતાં હાલમાં તે કાપડની નિકાસમાં બાંગ્લાદેશ કરતાં ઘણો પાછળ છે.

52 વર્ષ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશની આર્થિક પ્રગતિની સરખામણી બંને દેશોની સરકારી સંસ્થાઓ અને વિશ્વ બૅન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટાના આધારે જીડીપી, માથાદીઠ આવક, વિદેશવેપાર અને ગરીબીનાં ક્ષેત્રોમાં કરવામાં આવી છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો વિકાસદર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રથમ વર્ષમાં એટલે કે 1972ની વાત કરીએ તો, 16 ડિસેમ્બર 1971ના રોજ તેની સ્થાપના થયા બાદ બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર માઇનસ 13 ટકા નોંધાયો હતો.

વર્લ્ડ બૅન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર તે જ વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ દર 1 ટકા હતો.

યુદ્ધને કારણે બંને ક્ષેત્રોની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હતી. પરંતુ પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર આગામી વર્ષમાં સાત ટકા હતો જ્યારે બાંગ્લાદેશનો વિકાસ દર નકારાત્મક હતો.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નાણાકીય વર્ષ દર વર્ષે 1લી જુલાઈથી શરૂ થાય છે અને આવતા વર્ષે 30મી જૂને સમાપ્ત થાય છે.

52 વર્ષ પછી આર્થિક સર્વેક્ષણ અનુસાર 30 જૂન-2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ દર 1 ટકાથી ઓછો એટલે કે 0.29 ટકા હતો.

બીજી તરફ સમાન નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશની આર્થિક સમીક્ષા અનુસાર ત્યાંનો આર્થિક વિકાસ દર 6 ટકા હતો.

જણાવી દઈએ કે, બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર સતત 12-13 વર્ષથી 6 ટકાથી વધુ રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર છેલ્લા દસ-બાર વર્ષમાં ત્રણથી ચાર ટકાની વચ્ચે રહ્યો છે, જેમાં બે વર્ષ સુધી તે એક ટકાથી ઓછો હતો.

હાલમાં બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાનું કદ 454 અબજ ડૉલર્સ છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું કદ 340 અબજ ડૉલર્સ છે.

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના શિક્ષક આદિલ મલિકે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, 1990માં બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર 0.2 ટકા હતો, ત્યારબાદ તેમાં સુધારો થવા લાગ્યો અને તે દર વર્ષે વધીને 2022 સુધીમાં છ ટકાના સ્તરે પહોંચી ગયો છે.

બંને દેશોની માથાદીઠ આવક

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લાં 52 વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની માથાદીઠ આવકમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. વિશ્વ બૅન્કના ડેટા અનુસાર, બાંગ્લાદેશની માથાદીઠ આવક 1972માં 90 ડૉલર્સ હતી, જ્યારે પાકિસ્તાનની માથાદીઠ આવક 150 ડૉલર્સ હતી.

આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશની માથાદીઠ આવકનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, જ્યારે પાકિસ્તાનની માથાદીઠ આવકનો ગ્રાફ આ સમયગાળા દરમિયાન ઉપર અને નીચે જઈ રહ્યો છે.

પાકિસ્તાનના આર્થિક સર્વે અનુસાર ગયા નાણાકીય વર્ષના અંતે પાકિસ્તાનની માથાદીઠ આવક 1568 ડૉલર્સ હતી. તેની સરખામણીમાં બાંગ્લાદેશની આર્થિક સમીક્ષા મુજબ તેના નાગરિકોની માથાદીઠ આવક 2687 ડૉલર્સ હતી.

બંને દેશોની નિકાસ

બાંગ્લાદેશના વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

વિદેશી વેપારના ક્ષેત્રમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની કામગીરીમાં પણ છેલ્લાં 52 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે.

વિશ્વ બૅન્ક અનુસાર 1972માં બાંગ્લાદેશની નિકાસ 350 ડૉલર્સ મિલિયન હતી. જ્યારે પાકિસ્તાનની નિકાસ તે વર્ષે બાંગ્લાદેશ કરતાં લગભગ બમણી 675 મિલિયન ડૉલર્સ હતી.

52 વર્ષમાં નિકાસના ક્ષેત્રમાં બાંગ્લાદેશની પ્રગતિ આશ્ચર્યજનક છે. ખાસ કરીને છેલ્લાં વીસ વર્ષમાં તેનો વિકાસ ઘણો ઊંચો રહ્યો છે.

માલ અને સેવાઓના ક્ષેત્રમાં ગયા નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશની નિકાસ 64 બિલિયન ડૉલર હતી, જેમાંથી 55 બિલિયન ડૉલરની વસ્તુઓ અને 9 બિલિયન ડૉલરની સેવાઓની નિકાસ કરવામાં આવી હતી.

તેની સરખામણીમાં ગયા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની કુલ નિકાસ 35 ડૉલર્સ બિલિયન હતી. જેમાંથી 27 ડૉલર્સ બિલિયન માલ અને 8 બિલિયન ડૉલર્સની સેવાઓ હતી.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગરીબીનો દર

બાંગ્લાદેશના વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના વડા પ્રધાન

જો આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગરીબી દરની સરખામણી કરીએ તો છેલ્લાં 52 વર્ષમાં તેમાં ફેરફાર જોવા મળ્યો છે.

વર્લ્ડ બૅન્કના જણાવ્યા અનુસાર 2016માં બાંગ્લાદેશમાં ગરીબીનો દર 13.47 ટકા હતો અને 2022માં તેનો દર ઘટીને 10.44 ટકા થવાની ધારણા છે.

વિશ્વ બૅન્કના આંકડા અનુસાર 2000માં બાંગ્લાદેશમાં ગરીબીનો દર 49 ટકા હતો. પરંતુ બે દાયકામાં તેનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

વર્લ્ડ બૅન્કના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબીનો દર 39.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે 2018માં પાકિસ્તાનમાં ગરીબીનો દર 22 ટકા હતો.

પાકિસ્તાન પર બાંગ્લાદેશના આર્થિક ફાયદાનું કારણ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે આર્થિક નિષ્ણાતોને આ સદીની શરૂઆતથી પાકિસ્તાન પર બાંગ્લાદેશની આર્થિક સફળતાના કારણો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના શિક્ષક આદીલ મલિકે કહ્યું, "જો વર્તમાન સદીમાં બાંગ્લાદેશના વિકાસ અને પાકિસ્તાનના વિકાસનો જો આપણે સ્ટૉક લઈએ. તો એના પાછળ રહી જવાના કારણોમાંનું સૌથી મોટું કારણ બંને દેશોમાં હાજર ઉચ્ચ વર્ગના વિચાર અને દૃષ્ટિમાં રહેલો તફાવત છે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "બાંગ્લાદેશમાં ખાસ વર્ગ હોય, તેમના રાજકીય પક્ષો હોય કે ઉદ્યોગપતિઓ હોય, તેઓ એક મુદ્દા પર સહમત છે કે દેશમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપીને નિકાસ વધારવી."

તેમણે કહ્યું, “વડા પ્રધાનથી લઈને ફેકટરીમાં કામ કરતા લોકો સુધી આ અંગે સર્વસંમતિ છે. બીજી તરફ પાકિસ્તાનમાં રાજકીય સૈન્ય અને ઉચ્ચ વર્ગનો સંપૂર્ણ ભાર રિયલ ઍસ્ટેટ ક્ષેત્ર પર છે અને દરેક તેમાં કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફના સમયમાં પુષ્કળ વિદેશી નાણું પાકિસ્તાનમાં આવ્યું પરંતુ તે બધું જ રિયલ ઍસ્ટેટમાં ખોવાઈ ગયું અને આ દરમિયાન બાંગ્લાદેશે ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આપણાથી આગળ નીકળી ગયું."

આદિલ મલિકે કહ્યું કે, “બાંગ્લાદેશમાં ભદ્ર વર્ગના હિતો ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને પાકિસ્તાનમાં ખાસ વર્ગના હિતો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે અને આ સૌથી મોટો તફાવત છે. જેણે છેલ્લા 20 વર્ષોમાં બંને દેશોમાં અલગ-અલગ આર્થિક સ્થિતિ ઊભી કરી છે.”

તેમણે કહ્યું, "પાકિસ્તાન અને ભારતથી બાંગ્લાદેશને અલગ પાડતું બીજું કારણ એ છે કે, પ્રથમ, જમીન સુધારણા દ્વારા ત્યાં જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી અને બીજું એ કે ભારતમાં છે એવી જાતિની સમસ્યા નથી."

"ત્યાં કારખાનાના માલિક અને તેના કામદારોની સામાજિક સ્થિતિ સમાન છે અને જો કોઈ કામદાર ત્યાં પ્રગતિ કરે છે અને ફેકટરી સ્થાપે છે, તો તેના માટે તકો છે."

આદીલના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં શિક્ષણ પ્રણાલીનું સાર્વત્રિકકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં દરેકને શિક્ષણની પહોંચ છે.

“તેથી આજે સ્થિતિ એ છે કે, પાકિસ્તાનમાં હાલમાં 22 મિલિયન બાળકો શાળાએ જતા નથી જ્યારે બાંગ્લાદેશમાં આવા બાળકોની સંખ્યા માત્ર 72 હજાર છે.”

આદિલે કહ્યું, "સૌથી ઉપર બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા અને શાંતિની સારી સ્થિતિ છે, જેના કારણે અર્થવ્યવસ્થામાં વિકાસ શક્ય બન્યો છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાન ત્રણ માટે રાજકીય અસ્થિરતા, આતંકવાદ અને શાંતિ જાળવણી સમસ્યાઓનો શિકાર છે. જેણે અર્થવ્યવસ્થાને ખરાબ સ્થિતિમાં મૂકી દીધી અને પાકિસ્તાનમાં નીતિઓમાં સાતત્યનો અભાવ પણ હતો."

બીબીસી સાથે વાત કરતા પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટના આર્થિક નિષ્ણાત ડૉ. હાફસા હિનાએ કહ્યું, "પાકિસ્તાનમાં ઘણા પડકારો છે. જેમાંથી સૌથી મોટી સમસ્યા વિનિમય દર છે, જેને હંમેશા નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એનાથી પાકિસ્તાનની નિકાસને અસર થઈ છે."

"તે જ રીતે, દેશમાં ઉદ્યોગોને સુરક્ષા પૂરી પાડવા માટે ટૅરિફ ખૂબ ઊંચા રાખવામાં આવ્યા હતા. જેનો ગેરલાભ એ હતો કે, પાકિસ્તાનનો ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર થઈ શક્યો ન હતો. સ્થાનિક વપરાશ પર નિર્ભરતાને કારણે નિકાસ ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. બીજી તરફ પાકિસ્તાનમાં ઊર્જા ટૅરિફની ઉદ્યોગ પર ખૂબ નકારાત્મક અસર પડી હતી જેના કારણે તે વિશ્વમાં સ્પર્ધા કરવાની રેસમાં આગળ વધી શક્યું ન હતું."

કપડાની નિકાસમાં પાકિસ્તાનને કેવી રીતે પાછળ છોડ્યું?

છેલ્લા બે દાયકામાં બાંગ્લાદેશે જે ક્ષેત્રમાં તેની અપાર પ્રગતિથી સૌને ચોંકાવી દીધા છે તે છે કપડાં ક્ષેત્રમાં થયેલી તેની પ્રગતિ. બાંગ્લાદેશે ગયા વર્ષે વિશ્વમાં 42 અબજ ડૉલરના વસ્ત્રોની નિકાસ કરી હતી, જ્યારે તેની સરખામણીમાં પાકિસ્તાનની કાપડની નિકાસ દસ અબજ ડૉલરની હતી.

કપડાના ક્ષેત્રમાં ચીન પછી બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે.

પ્રોફેસર આદીલના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં માત્ર કપડાના ક્ષેત્રમાં જ સાડા ત્રણ અબજ ડૉલરનું મૂડી રોકાણ થયું છે.

વિશ્વના અન્ય દેશો ઉપરાંત પાકિસ્તાનમાંથી પણ બાંગ્લાદેશમાં મૂડી રોકાણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગાર્મેન્ટ્સ બિઝનેસમેન ફારુખ ઇકબાલ પણ બાંગ્લાદેશમાં કામ કરે છે અને તેની એક ઑફિસ ત્યાં કાર્યરત છે.

બીબીસી સાથેના તેમના અનુભવો શૅર કરતાં તેમણે કહ્યું, "સૌથી મોટું કારણ ત્યાં શાંતિ અને વ્યવસ્થાની સારી સ્થિતિ છે. તે કોઈને પિસ્તોલનું લાઇસન્સ પણ આપતા નથી. બીજું, ત્યાં ઘણી સહનશીલતા છે, જેનું ઉદાહરણ એ છે કે જો કોઈ વિદેશી મૂડી રોકાણકાર ત્યાં આવે છે, તો તેની ખૂબ કાળજી લેવામાં આવે છે."

તેમના અનુભવના આધારે તેમણે કહ્યું કે, “ત્યાંની મજૂરી ઘણી સસ્તી છે અને તેમના ઉત્પાદનની ગુણવત્તા ઘણી સારી છે. ગૅસ અને વીજળીની ઉપલબ્ધતા અવિરત અને સસ્તી છે."

સિંધમાંથી બાંગ્લાદેશમાં ગારમેન્ટ સૅક્ટરમાં મૂડી રોકાણ કરનાર અદનાન ઝફરે જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશમાં ઉદ્યોગોને સુવિધાઓ પૂરી પાડવાની સરળતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, ત્યાં વીજળી, ગૅસ અને પાણીના જોડાણો બે દિવસમાં ઉપલબ્ધ છે, જ્યારે પાકિસ્તાનમાં હાલ ગૅસ કનેક્શન મળી નથી રહ્યા અને વીજળી કનેક્શન મેળવવામાં બે વર્ષ લાગે છે."

તેમણે કહ્યું કે, તે બાંગ્લાદેશમાં તેમની ફેકટરીનું કામ પાકિસ્તાનથી ઑનલાઈન જોઈ રહ્યા છે અને તેમને અત્યાર સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

પાકિસ્તાનમાં ગારમેન્ટ સૅક્ટરના નિકાસકારોના સંગઠનના ભૂતપૂર્વ પ્રમુખ એજાઝ ખોખરે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ગાર્મેન્ટસ ક્ષેત્રમાં પ્રગતિનું એક કારણ તેની પ્રોડક્ટ લાઇન છે.

"તેઓ આ પ્રદેશમાં ઘણી બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, જ્યારે અમે અત્યાર સુધી માત્ર ચાર-પાંચ ઉત્પાદનોની જ નિકાસ કરી શક્યા છીએ."

તેમણે કહ્યું કે, "બહુ ઓછા શર્ટ્સ, ખાસ કરીને લેડીઝ શર્ટ પાકિસ્તાનમાં બને છે જ્યારે બાંગ્લાદેશ લેડીઝ અંડરગારમેન્ટ્સમાં ઘણું આગળ નીકળી ગયું છે."

તેમણે કહ્યું, "તેમની કાર્યશક્તિ સૌથી મોટો ફરક લાવી રહી છે. બાંગ્લાદેશમાં ગારમેન્ટ સેક્ટરમાં 80 ટકા કર્મચારીઓ મહિલાઓ છે જ્યારે 20 ટકા પુરુષો છે."

તેમણે કહ્યું કે, "મહિલાઓ આઠ કલાકની શિફ્ટમાં સાડા સાત કલાક કામ કરે છે. જ્યારે બીજી તરફ પુરુષો માટે આ દર પાંચથી છ કલાકની વચ્ચે છે."

તેમણે કહ્યું કે, "પાકિસ્તાનમાં ગારમેન્ટ સેક્ટરમાં મહિલાઓ માત્ર દસ ટકા જ કામ કરે છે."

"આ ઉપરાંત બાંગ્લાદેશમાં કપડાની મોટી ફેકટરીઓની સંખ્યા ઘણી વધારે છે અને તે ત્રીસથી ચાલીસ ટકાની વચ્ચે છે જ્યારે પાકિસ્તાનમાં તે માત્ર સાત ટકા છે."

પાકિસ્તાનમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ અંગે ડૉ.હફસાએ કહ્યું કે, બાંગ્લાદેશની વાત ખૂબ જ પ્રભાવશાળી છે પરંતુ પાકિસ્તાનમાં તેનાથી વિપરીત છે.

"સરકાર દ્વારા મહિલાઓને કોઈ ટૅકનિકલ શિક્ષણ આપવાને બદલે તેમને અમુક હજાર રૂપિયા આપવામાં આવે છે, જે દરેક સરકાર જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા આપે છે. તો આવી સ્થિતિમાં મહિલાઓ કેવી રીતે પ્રોડક્શન સિસ્ટમનો ભાગ બની શકશે?"

રેડ લાઇન
રેડ લાઇન