મીઠાપુર : ગુજરાતનું આ ગામડું કેવી રીતે 'ઔદ્યોગિક નગર' બની ગયું?

હેવી કેમિકલ હબ

ઇમેજ સ્રોત, tatachemicals.com

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વિસ્તાર માટે કહેવાય છે કે 'ઓખો જગથી નોખો.' સ્થાનિક સંસ્કૃતિ ઉપરાંત ભૌગોલિક અંતરને કારણે અહીંના વિસ્તાર માટે આ વાત પ્રચલિત છે. છતાં આજથી લગભગ એક સદી પહેલાં વડોદરાના એક સાહસિકે આ વિસ્તારને કેમિકલ વર્ક્સનું હબ બનાવવાનું સપનું જોયું પણ એ અધૂરું રહ્યું. એ પછી વિખ્યાત જેઆરડી તાતાએ તેમનું વિચારબીજ ન કેવળ સાકાર કર્યું, પરંતુ આજે વટવૃક્ષ બની ગયું છે અને ઉદ્યોગસમૂહની મોટી કંપની છે.

જેઆરડી તેને જૂથની 'કમનસીબ કંપની' કહેતા. છતાં મીઠાપુરથી શરૂ કરીને કંપનીએ અનેક ખંડ અને દેશમાં પોતાનો વિસ્તાર કર્યો છે અને કંપનીને 'મીઠાથી મોટરગાડી' બનાવતી કંપની તરીકેની ઓળખ આપી છે.

જો ઝારખંડના જમશેદપુરને 'હેવી એંજિનિયરિંગ હબ' બનાવવામાં તાતા જૂથનો ફાળો છે, તો મીઠાપુરએ 'હેવી કેમિકલ હબ' બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.

મીઠાપુર : આ વિસ્તારમાં પહેલાં અહીં કોણ રહેતું હતું?

કપીલરામ વકીલ

ઇમેજ સ્રોત, tatachemicals.com

ઇમેજ કૅપ્શન, કપીલરામ વકીલ

અંગ્રેજ સરકારના સમયમાં ઓખામંડળનો વિસ્તાર ગાયકવાડ શાસકોને આધીન હતો. વર્ષ 1887માં તેમની વચ્ચે કરાર થયા હતા, જેની જોગવાઈઓ મુજબ, કાઠિયાવાડ અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન બંધ કરી દેવાનું હતું.

સ્થાનિકો પોતાની જરૂરિયાત મુજબનું મીઠું પકાવી શકે પણ વેંચી ન શકે. આ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો અન્ય કામધંધા તરફ વળે. આને પગલે વર્ષ 1890 સુધીમાં મીઠાનો ઉદ્યોગ સદંતર ઠપ થઈ ગયો હતો. વર્ષ 1919માં સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ. એસ. સી. અગ્રવાલ તેમના પુસ્તક 'સૉલ્ટ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા'માં (પેજનંબર 260-285) લખે છે :

'કલકત્તાની બજારમાં મોટા પાયે મીઠું આયાત થઈ રહ્યું હતું, આ સંજોગોમાં ગાયકવાડ દ્વારા મીઠાના ઉત્પાદનની છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી. વર્ષ 1922માં અંગ્રેજ સરકારે ગુણીમાં બંધ કરીને માત્ર દરિયાઈમાર્ગે મીઠાની નિકાસ કરવી, તેની ઉપર જકાત લાદવી, ઉત્પાદન અને નિકાસનો હિસાબ રાખવો વગેરે જેવી શરતોને આધીન નવા કરાર કર્યા અને મીઠાના ઉત્પાદનને મંજૂરી આપી.

એ પછી કચ્છ-કાઠિયાવાડના અન્ય રજવાડાંએ પણ ગાયકવાડની તર્જ પર અંગ્રેજ સરકારની સાથે કરાર કર્યા. પોતાના હદવિસ્તારમાં મીઠાંનું ઉત્પાદન કરવાની મંજૂરી મેળવી અને આ વિસ્તારમાં નવા ઉદ્યોગનો પાયો નખાયો.

વડોદરાના કપીલરામ વકીલે બ્રિટનમાં કેમિકલ એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1918-1920 દરમિયાન તાતા જૂથ માટે ઓડિશા અને બંગાળના દરિયાકિનારે મીઠું અને તેની આડપેદાશોના ઉત્પાદનની સંભાવનાઓ ચકાસવા માટે સરવે કર્યા હતા.

કપીલરામ વકીલને કોડિનાર અને ઓખામંડળ વિસ્તારમાં વિપુલ તકો દેખાઈ હતી. આ બંને વિસ્તાર ગાયકવાડને આધીન હતા. ગાયકવાડ તથા અંગ્રેજ સરકાર વચ્ચેના નવીન કરારને કારણે મીઠાઉદ્યોગની વ્યાપક તકો ખુલ્લી હતી.

હવે કપીલરામ મીઠાઉદ્યોગના ક્ષેત્રે સાહસ કરવા અધીર હતા. વર્ષ 1926માં ઓખા બંદર ધમધમતું થયું હતું એટલે દરિયાઈમાર્ગે નિકાસનો વિકલ્પ ખૂલી ગયો હતો. એ જ વર્ષે તેમણે 10મી સપ્ટેમ્બરના દિવસે પબ્લિક લિમિટેડ તરીકે કંપનીની સ્થાપના કરી. પ્રથમ વિશ્વયુદ્ધને પગલે આર્થિકપ્રવૃત્તિ મંદ હતી. ઓખા અને કૃષ્ણની નગરી દ્વારકાની વચ્ચે આવેલા આ વિસ્તારમાં કુશળ શ્રમિકો ઉપલબ્ધ ન હતા.છતાં એ પછીના વર્ષે કપીલરામે અખાત્રીજના 'ઓખા સૉલ્ટ વર્ક્સ'ની શરૂઆત કરી. ચોથી મે-1927ના દિવસે તત્કાલીન બરોડા સ્ટેટના દિવાન વીટી ક્રિષ્નામચારીએ ખાતમૂહર્ત કર્યું. શરૂઆતના વર્ષોમાં કંપનીના સ્થાપક અને કર્મચારીઓ ઝૂંપડામાં રહેતા. મીઠું વેંચાય એટલે પગાર થાય એવી સ્થિતિ હતી.'

આ વિસ્તાર જ્યારે 'મીઠાના નગર' તરીકે ઓળખાવા લાગ્યો

મીઠાપુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉદ્યોગની સ્થાપનાના એક વર્ષ એટલે કે 5 મે 1928ના દિવસે મીઠાની પહેલી ખેપ ઓખાથી દરિયાઈ સફર કરીને કલકત્તાની બજારમાં પહોંચી. ફિલિપ ચાકો અને ક્રિસ્ટાબેલૅ નોરોન્હાએ 'સૉલ્ટ ઑફ ધ અર્થ : ધ સ્ટૉરી ઑફ તાતા કેમિકલ્સ'માં લખે છે:

'રૂ. 97માં 100 મણના લેખે ગણતરીના કલાકોમાં આખી ખેપ કલકત્તાની બજારમાં વેંચાઈ ગઈ હતી. આ જાણીને કપીલરામને રાહત થઈ, પરંતુ બીજી ખેપ પહોંચે તે પહેલાં તેમની મુશ્કેલીઓ વધવાની હતી. બંગળના મીઠાબજાર પર ઍડનની કાર્ટેલ તરીકે ઓળખાતા વેપારીઓનો કબજો હતો, જેમાંથી અનેક મૂળ ભારતીય પણ હતા.

મીઠાની બીજી ખેપ પહોંચી ત્યારે બજારભાવ 100 મણના રૂ. 105 હતા, પરંતુ નવો ઉત્પાદક માર્કેટમાં ટકી ન શકે તે માટે ભાવોને ઘટાડીને રૂ. 60 કરી નાખ્યો. ઓખામાં ઉત્પાદન કરી, તેને દરિયાઈમાર્ગે કલકત્તા લઈ જઈને આ ભાવે વેંચવું કપીલરામ માટે શક્ય ન હતું. આથી, તેમણે બૉમ્બેમાં રજૂઆત કરી. અન્ય મીઠાઉત્પાદકો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

તત્કાલીન સરકારે ભાવબાંધણું કરીને સ્થિતિને થાણે પાડવાનો પ્રયાસ કર્યો. ઍડન એ સમયે બ્રિટનનું જ સંસ્થાન હતું, છતાં ભારતમાં લેવાયેલા નિર્ણય તેમના ઉપર લાગુ થતા ન હતા. સરકારના પ્રયાસો પણ અપૂરતા અને અધકચરા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં પડતા સરેરાશ વરસાદમાં 66 ટકા જેટલી વૃદ્ધિ થઈ, જે મીઠાના ઉદ્યોગ માટે હાનિકારક હતી. છતાં કપીલરામ તથા તેમના સાથીઓ મીઠાનું ઉત્પાદન વધારવામાં સફળ રહ્યા હતા અને ભારતીય ઉપ-મહાદ્વીપમાં મીઠાના સૌથી મોટા ઉત્પાદક બની ગયા હતા.

પ્લાન્ટની આજુબાજુમાં વસતી વધી રહી હતી. આ વિસ્તાર મીઠાપુર એટલે કે 'મીઠાના નગર' તરીકે ઓળખાવા લાગ્યો હતો. તત્કાલીન બૉમ્બેમાં સાંતા ક્રૂઝ નામના પરાવિસ્તારના આયોજન સાથે વકીલ સંકળાયેલા હતા, જેના આધારે તેમણે પ્લાન્ટની ઇમારત, મૅનેજરના બંગલો, કર્મચારીઓ અને શ્રમિકોના સુવ્યવસ્થિત રહેણાંકની યોજના ઘડી હતી. એક દાયકા સુધી ઓખા સૉલ્ટ વર્ક મુશ્કેલીઓનો સામનો કરતું રહ્યું. જો કપીલરામની જગ્યાએ બીજું કોઈક હોત તો કદાચ પીછેહઠ કરી હોત, પરંતુ તેઓ પ્રકલ્પને સફળ બનાવવા માટે કટિબદ્ધ હતા. કપીલરામના પ્રયાસથી ઓખામાં મૅગ્નેશિયમ ક્લૉરાઇડનો પ્લાન્ટ સ્થપાયો હતો. ઇપ્સમ પોટાશ અને સોડાઍશ પણ તેમની યોજનામાં સામેલ હતા.'

'તાતા સમૂહ'નો ટૂંકો ઇતિહાસ

મીઠાપુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેઆરડી તાતા વચ્ચે અને રતન તાતા એકદમ ડાબે

ગળાકાપ સ્પર્ધાને કારણે મીઠું લગભગ મફતના ભાવે વેંચાઈ રહ્યું હતું. કપીલરામે તેમની મૂડી, સમય, કૌશલ્ય અને તમામ શક્તિ દાવે લગાડી દીધાં હતાં, છતાં કંપનીના શૅરધારકોને એકાદ વાર જ ડિવિડન્ડ ચૂકવી શક્યા હતા. તત્કાલીન બરોડા સ્ટેટે પણ ઓખા સૉલ્ટ વર્ક્સમાં રોકાણ કર્યું હતું. એટલે તેઓ કંપનીની સફળતા અંગે ચિંતિત હતા. આ તકે તેમણે તાતા સમૂહનો સંપર્ક સાધ્યો.

વર્ષ 1868માં જમશેદજી તાતાએ ખાનગી પેઢી તરીકે તાતાની સ્થાપના કરી હતી. કંપનીએ જમશેદપુરમાં સ્ટીલનો પ્લાન્ટ નાખ્યો હતો. બૉમ્બેમાં કંપનીની તાજ હોટલ હતી. આ સિવાય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ પણ નાખ્યો હતો.

જમશેદજી પછી તેમના દીકરા દોરાબજી અને તેમના બાદ પરિવારજન સકલાતવાલા કંપની સંભાળી રહ્યા હતા. પોતાના જીવનની વીસીમાં રહેલા જેઆરડી ફ્રાન્સથી ભારત આવી ગયા હતા અને તાતા સન્સની કામગીરીમાં રસ લેવા લાગ્યા હતા.

તાતા સમૂહની કંપનીઓ અને લોકો વિશે અનેક પુસ્તક લખનારા રૂસી માણેકશા લાલા તેમના પુસ્તક 'બિયૉન્ડ ધ લાસ્ટ બ્લૂ માઉન્ટેન :અ લાઇફ ઑફ જેઆરડી તાતા'ના નવમા પ્રકરણમાં ઘટનાક્રમ વિશે લખ્યું છે :

'1937થી કપીલરામ વકીલ તાતા જૂથના સંપર્કમાં હતા. બરોડા સ્ટેટના મહારાજા સયાજીરાવને પણ લાગતું હતું કે લોખંડ અને વીજ બાદ કેમિકલ મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ છે અને તાતા જૂથ તેમાં આગળ વધી શકે છે. જો દેશમાં સોડાઍશનું ઉત્પાદન થવા લાગે તો દેશમાં કેમિકલ ઉપરાંત કાચ, સિરામિક, ટેક્સ્ટાઇલ, કાગળ તથા અન્ય ઉદ્યોગો માટે દ્વાર ખુલી જાય તેમ હતા.

દાદાભાઈ નવરોજીના પૌત્ર જલ મીઠાપુરના પ્લાન્ટ તથા તેની ભાવિ સંભાવનાઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. જેઆરડી તાતા પણ તેનાથી વાકેફ હતા અને સક્રિયપણે પોતાના સૂચનો આપી રહ્યા હતા. તાતા જૂથના અધિકારીઓ વિમાનમાં મીઠાપુર પ્લાન્ટની મુલાકાત લેતા, ત્યારે ગાડાંમાં બેસીને આજુબાજુનાં ગામના લોકો મોટી સંખ્યામાં 'ઊડતું પંખી' જોવા આવતાં.

ખુદ કપીલરામ પણ તાતા સમૂહને આને માટે જરૂરી પરામર્શ આપી રહ્યા હતા. આ અરસામાં સકલાતવાલાનું અવસાન થયું. વર્ષ 1938માં જેઆરડીને તાતાના ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવ્યા. જેઆરડી પહેલાંથી જ આ પ્રકલ્પ સાથે સંકળાયેલા હોવાથી હસ્તાંતરણમાં અવરોધ ન થયા. જાન્યુઆરી-1939ના 'તાતા કેમિકલ્સ'ની સ્થાપના થઈ. કંપનીએ ઓખા સૉલ્ટ વર્ક્સ હસ્તગત કરી.

મીઠાપુરમાં નગર સ્થાપવાની યોજના કોની હતી?

મીઠાપુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ પહોંચેલા ભારતીય સૈનિક

કરાચીથી બૉમ્બે વાયા અમદાવાદની ઉડ્ડાણ ભરીને દેશમાં વિમાનનક્ષેત્રે નવો ઇતિહાસ લખનારા જેઆરડી હવે તાતા સમૂહમાં પોતાની છાપ છોડવા માટે તત્પર હતા.

જાપાન અને ચીન યુદ્ધ, જર્મની અને ઇટાલીની વિસ્તારવાદી નીતિઓને કારણે અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાઈ રહ્યાં હતાં. આટલું ઓછું હોય તેમ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું.

લાલા તેમના પુસ્તકમાં એ સમયની માહિતી આપતા લખે છે કે, 'જમશેદપુરની તરજ પર જ મીઠાપુરમાં નગર સ્થાપવાની યોજના જેઆરડીના મગજમાં હતી. મીઠાપુરના પ્લાન્ટ માટે જનરેટર, બૉઇલર તથા અન્ય મશીનરીનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. આ સામાન ભારત આવી રહ્યો હતો એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જે વહાણ નીકળ્યું હતું, તે રસ્તામાં ડૂબી ગયું. આથી, જેઆરડીએ યુદ્ધમાં તટસ્થ રાષ્ટ્ર એવા સ્વીડનમાંથી સામાન મંગાવવાનો ઑર્ડર આપ્યો, જે દરિયાઈમાર્ગે મૉસ્કો થઈને ભારત પહોંચવાનો હતો. આ અરસામાં જર્મનીએ યુક્રેનના રસ્તે રશિયા ઉપર આક્રમણ કર્યું. જેઆરડીને લાગતું હતું કે સામાન ભારત નહીં પહોંચે. એટલે તેમણે અમેરિકામાંથી જરૂરી મશીનરી મંગાવવાનો ઑર્ડર મૂક્યો.

એવામાં તેમને સમાચાર મળ્યા કે સ્વીડનથી મંગાવેલો સામાન દરિયાઈમાર્ગે ઈરાન થઈને ભારત પહોંચી રહ્યો છે. શરૂઆતનાં વર્ષોમાં બધાને લાગતું હતું કે હિટલરનો વિજય થશે, પરંતુ તાતા કેમિકલ્સની મશીનરી ભારત પહોંચતાં જેઆરડીને લાગતું હતું કે આ યુદ્ધમાં હિટલરનો પરાજય થશે અને તેમણે આના આધારે જ પોતાની વ્યૂહરચના ગોઠવવાનું શરૂ કરી દીધું હતું.

સંસ્થાન ભારતમાં બ્રિટિશ, યુરોપિયન તથા અમેરિકન કંપનીઓ પાસેથી સહેલાઈથી પ્રૌદ્યોગિકી મળી રહેતી એટલે દેશમાં કૌશલ્યવર્ધન નહોતું થયું. રસાણશાસ્ત્રમાં ઍસિઆધારિત ઉત્પાદનોને જટિલ ઉત્પાદન માનવામાં આવે છે. એ સમયે માંડ અડધોડઝન કંપનીઓ સોડાઍશ ઉત્પાદિત કરતી અને તેની ઉત્પાદનપ્રક્રિયાની માહિતી ગુપ્ત રાખતી.

જ્યારે કપીલરામ વકીલે એક બ્રિટીશ કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે 'મીઠું નાખો અને મીઠું નીકળે. એમાં બીજું કંઈ ન હોય.' આ ટોણો તેમને લાગી આવ્યો હતો. આવી સ્થિતિની વચ્ચે ફેબ્રુઆરી-1944માં તાતા કેમિકલ્સે સોડાઍશ બનાવવાની જટિલ પ્રક્રિયા પર મહારત હાંસલ કરી લીધી હતી. જોકે, તેમનું મહત્તમ 60થી 100 ટન પ્રતિદિવસ હતું.

કંપની કૉસ્ટિકસોડા, લિક્વિડ ક્લૉરિન, બ્લિચિંગ પાઉડર, હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને ઝિંક ક્લૉરાઇડનું ઉત્પાદન કરતી હતી. ઘણોખરો સામાન યુદ્ધમાં જરૂરી હોવાથી ચપોચપ વેંચાઈ જતો.

ભારતમાં ખાંડની ફેકટરીના કામ માટે આવેલા ચૅકોસ્લૉવાકિયાના ત્રણ એંજિનિયર વિશ્વયુદ્ધને કારણે ભારતમાં ફસાઈ ગયા હતા. જ્યારે જેઆરડીને આના વિશે જાણ થઈ, તો તેમનો ઉપયોગ કરીને મીઠાપુરમાં બૉઇલર તથા લોખંડનાં અન્ય માળખાંમાં તેમની સેવાઓ લીધી. '

વિશ્વયુદ્ધનિ વિભિષિકાનો એક પીડિત યુવાન એંજિનિયર તાતા જૂથ સાથે જોડાવાનો હતો અને કંપનીના ઘડતરમાં મોટી ભૂમિકા ભજવવાનો હતો.

મીઠાપુરમાં તાતા જૂથને કેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો?

દરબારી શેઠ

ઇમેજ સ્રોત, tata.com

ઇમેજ કૅપ્શન, દરબારી શેઠ

આ સમયે કંપનીએ પાવર પ્લાન્ટ નાખ્યો, જેની ચીમની 100 ફૂટ ઊંચી હતી. કહેવાય છે કે તેની ટોચ પરથી વર્તમાન સમયે પાકિસ્તાનનું કરાચી દેખાતું. કંપનીમાં કામ કરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. તેમના માટે રહેણાક તથા બીજી જરૂરયાતોની પૂર્તી કરવાનું ઘણું કામ શાપોરજી પાલનજીને સોંપવામાં આવ્યું હતું.

આગળ જતાં આ પરિવારના વારસદાર સાયરસ મિસ્ત્રી તાતા કંપનીના ચૅરમૅન બનવાના હતા. તેમની અને જેઆરડીના અનુગામી રતન તાતાની વચ્ચે વિવાદ થવાનો હતો અને તેમને કંપનીમાંથી કાઢવામાં આવનાર હતા.

મીઠાપુરમાં અંગ્રેજી, ગુજરાતી શાળા, દવાખાનું તથા મનોરંજનની બીજી સવલત ઊભી કરવામાં આવી હતી. જોકે, બીજું વિશ્વયુદ્ધ બંધ થઈ જવાથી સૈન્ય હેતુઓ માટે ઉત્પાદિત લોખંડ તથા અન્ય રસાયણિક ઉત્પાદનોનો નાગરિક બજારમાં ઠલવાવાં લાગ્યાં હતાં. તાતા જૂથ જમશેદપુરના લોખંડ ઉત્પાદન અને મીઠાપુરના કેમિકલ ઉત્પાદનમાં આ સમસ્યા અનુભવી રહ્યું હતું.

એવા સમયમાં બે ઘટના ઘટી. વર્ષ 1946માં કપીલરામ વકીલનું અવસાન થયું. કંપની તાતાને સોંપ્યા બાદ પણ તેનાથી પૂર્ણપણે છૂટા નહોતા થયા. વર્ષ 1947માં દેશને આઝાદી મળી. તાતા તથા અન્ય કંપનીઓને મીઠું પકવવા માટે આપવામાં આવેલાં ઈજારા રદ કરી દેવામાં આવ્યા. નાના-મોટા અગરિયાઓને મીઠું પકવવાના પરવાના અપાવા લાગ્યા.

ભારત સરકારે કૉસ્ટિકસોડા અને સોડાઍશની આયાતને ખુલ્લી છૂટ આપી દીધી. સસ્તા માલની સામે તાતા કંપની ટકી શકે તેમન હતી એટલે આ ચીજોનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો ઉત્પાદન વધે તો સોડાઍશ લાભકારક સાબિત થઈ શકે તેમ હતું.

વર્ષ 1943માં વર્તમાન પાકિસ્તાનના નૌશેરામાં જન્મેલા પઠાણ દરબારી શેઠ તાતા કેમિકલ્સમાં જોડાયા. તેમણે બહાવલપુર યુનિવર્સિટીમાંથી બીએસસી તથા એમએસસીનો અભ્યાસ કર્યો હતો. તેમના પૂર્વ પ્રોફેસરના જ કહેવાથી તેઓ મીઠાપુરમાં જોડાયા હતા.

વિભાજન પછી તેમના જાગીરદાર પિતાએ જમીન વગેરે છોડીને ભારતમાં આવવું પડ્યું. મહામહેનત અને તપાસ પછી દરબારી શેઠ, એમના પિતા તથા અન્ય પરિવારજનો વર્તમાન સમયના પંજાબના અંબાલામાં રાહત છાવણીમાં આશરો લઈ રહ્યા હતા. જાગીરાદાર પરિવાર પાસે મૂડીના નામે અમુક વાસણ, સોનાના થોડા દાગીના અને રોકડ હતાં. દરબારી શેઠ તેમના પરિવારજનોને લઈને પહોંચ્યા, ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો તેમને આવકારવા માટે પહોંચ્યા હતા.

તેમણે દરબારી શેઠના ત્રણ રૂમના બંગલામાં વધારાના રૂમનું ચણતર કરી આપ્યું હતું, જેથી કરીને પરિવારજનો આરામથી રહી શકે. છતાં દીકરાના પૈસે રહેવાનું દરબારી શેઠના પિતાને અનુકૂળ ન લાગ્યું અને તેઓ અન્ય પરિવારજનો પાસે પંજાબ જતા રહ્યા. એ પછી દરબારી શેઠ અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીમાં કેમિકલ એંજિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ગયા. પરત આવીને તેઓ ફરી તાતા કેમિકલ્સમાં જોડાઈ ગયા.

મીઠાપુરમાં જ્યારે દુકાળ પડ્યો અને...

મીઠાપુર

ઇમેજ સ્રોત, tata.com

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું હતું કે મીઠાપુરમાં વપરાશયોગ્ય પાણી તથા કોલસો નજીકમાં ન હોવાથી તેઓ 'ખોટી જગ્યાએ ખોટા ધંધામાં છે અને જેટલા વહેલાં ત્યાંથી નીકળે એટલું સારું.'

આમ છતાં તાતા કેમિકલ્સ વર્ષ 1956-'57માં સોડાઍશનો પ્લાન્ટ 200 ટન પ્રતિદિવસ વિસ્તારવાની યોજના ઉપર વિચાર કરી રહી હતી. આ માટે વિદેશી કંપનીની સાથે વાતચીત ચાલી રહી હતી.ત્યારે દરબારી શેઠે કહ્યું હતું કે તેની ક્ષમતા 200ની નહીં, પરંતુ 400 ટન પ્રતિદિવસની છે અને આ કામ આપણે જાતે કરી શકીએ તેમ છીએ. તેમણે અમેરિકાની ડાઉ કેમિકલ્સ માટે હૉલૅન્ડમાં સોડાઍશનો પ્લાન્ટ ડિઝાઇન કરી ચૂક્યા હતા.

16 સભ્યોના બોર્ડમાંથી માત્ર જેઆરડીને જ દરબારી શેઠ ઉપર વિશ્વાસ હતો. તેમણે દરબારી શેઠને આગળ વધવા માટે લીલીઝંડી આપી. ડિઝાઇન તૈયાર થઈ ગઈ એટલે જેઆરડીએ તેને અમેરિકન નિષ્ણાતને દેખાડવા માટે કહ્યું. જેઆરડીની આ વાત દરબારી શેઠને ગમી નહીં, પરંતુ તેઓ ન્યૂયૉર્ક ગયા. થોડા સમય પછી જ્યારે જેઆરડી અને અમેરિકન નિષ્ણાત મળ્યા, ત્યારે નિષ્ણાતે તાતાના ચૅરમૅનને કહ્યું કે 'યુવાન ઉપર ભરોસો રાખો તેની ડિઝાઇન મને તો શું કોઈ પણ નિષ્ણાતને દેખાડવાની જરૂર નથી. તે કાબેલ છે.'

પ્લાન્ટ ધમધમવા લાગ્યો અને સાનુકૂળ સંજોગોમાં દૈનિક પાંચસો ટન કરતાં વધુનું ઉત્પાદન કરતો. દરબારી શેઠ ઉપર જેઆરડીનો વિશ્વાસ વધી રહ્યો હતો. આ કિસ્સો લાલાએ તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 250-260) ટાંક્યો છે.

વર્ષ 1962માં મીઠાપુરમાં દુકાળ પડ્યો. પાણીની જરૂરિયાત પૂરી પાડતાં બંને તળાવ ખાલી થઈ ગયાં હતાં. ત્યારે દરબારી શેઠ મીઠાપુરમાં ક્યારેય પાણીની તંગી ઊભી ન થાય તેવી કાયમી વ્યવસ્થા કરી. સોડાઍશના ઉત્પાદનમાં વૃદ્ધિ તથા વપરાશ માટે તાજા પાણીની જરૂર ન પડે તેવી વ્યવસ્થાને કારણે કંપનીનો લગભગ પાંચગણો વધવા પામ્યો હતો.

વર્ષ 1967માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી મીઠાપુર આવ્યાં હતાં. ત્યારે દરબારી શેઠે તેમને સૌર-કમ-ન્યુક્લિર અને ઍગ્રો-ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પલેક્સની ડિઝાઇન રજૂ કરી હતી. જેમાં ન્યુક્યિલર પ્લાન્ટ દ્વારા ઊર્જા મેળવીને મોટા પાયે ખાતર બનાવી શકે તેમ હતું. દેશની જરૂરિયાતનો મોટો હિસ્સો આ પ્લાન્ટથી સંતોષાય શકે તેમ હતો.

આ રજૂઆતથી ઇંદિરા ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. છતાં ઇંદિરા ગાંધીની રાજકીય મજબૂરી હતી અને ઈજારાશાહીને કારણે તાતા કંપનીના નફામાં બસ્સો કરોડ જેટલી વૃદ્ધિ થાય એમ હતી. રાજકીય મજબૂરીને કારણે ઇંદિરા એક જ કંપનીને આટલી બધી છૂટ આપી શકે તેમ ન હતા એટલે એ પ્લાન્ટ પડતો મુકાયો હતો.

દરબારી શેઠ કંપનીમાં જેમ-જેમ આગળ જઈ રહ્યા હતા, તેમ-તેમ મીઠાપુરના એકમથી તેઓ દૂર થઈ રહ્યા હતા અને તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે બૉમ્બે કેન્દ્રિત થવા લાગ્યું હતું. અહીં તેઓ તાતા જૂથની અલગ-અલગ કંપનીઓમાં ડાયરેક્ટર,મૅનેજિંગ ડાયરેક્ટર કે અલગ-અલગ હોદ્દા પર રહ્યા હતા.

દરાબારી શેઠ વર્ષ 1983-94 સુધી તાતા કેમિકલ્સના કંપનીના ચૅરમૅન રહ્યા. જ્યારે રતન તાતાએ કમાન સંભાળી અને જૂથની કંપનીઓમાં એકિકૃત ઓળખ અને યુવા નેતૃત્વને લાવવાની તજવીજ હાથ ધરી, ત્યારે દરબારી શેઠે નવી પેઢી માટે માર્ગ કરી આપ્યો હતો.

દરબારી શેઠને તાતા કેમિકલ્સના માનદ ચૅરમૅન બનાવવામાં આવ્યા. વર્ષ 1999માં તેમનું અવસાન થયું, ત્યારસુધી તેઓ આ પદ પર રહ્યા. દીકરાને તાતા કેમિકલ્સમાં ડાયરેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

મીઠાપુરમાં તાતા દ્વારા વિકાસનાં કાર્યો

મીઠાપુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

1980ના દાયકામાં તાતા કેમિકલ્સે આયોડાઇઝ્ડ મીઠું લૉન્ચ કર્યું. જે વૅક્યૂ પૅક્ડ હતું. 'દેશ કા નમક'ની કૅચલાઇને તેને લોકપ્રિયતા અપાવી. આજે તાતા કેમિકલ્સ પેસ્ટિસાઇડ્સ અને સિમેન્ટ બનાવે છે. કંપનીએ યુકે, અમેરિકા, કૅનેડા, કેન્યા અને દક્ષિણ આફ્રિકામાં પ્લાન્ટ ખરીદ્યા છે. અને ત્યાં પોતાની હાજરી ધરાવે છે.

કંપનીનો દાવો છે કે તેણે વર્ષ 1994માં રેકૉર્ડ 36 મહિનામાં ઉત્તર પ્રદેશના બબરાલા ખાતે ખાતરનો પ્લાન્ટ ધમધમતો કરી દીધો હતો. જોકે, પાછળથી તેને વેંચી દીધો હતો.

ઉદ્યોગસમૂહોએ તેમની આવકનો અમુક હિસ્સો સામાજિક સેવાનાં કાર્યોમાં વાપરવાની કાયદાકીય જોગવાઈ અમલમાં આવી તે પહેલાં વર્ષ 1979-'80થી કંપની 'ટાટા કેમિકલ્સ સોસાયટી ફૉર રૂરલ ડેવલ્પમૅન્ટ' નામનો પ્રકલ્પ ચલાવે છે.

આ સંસ્થા આસપાસનાં ગામની મહિલાઓનું જીવનધોરણ સુધરે તે માટે વર્ષ 2002થી 'ઓખાઈ' એટલે કે ઓખામંડળનું એવા મતલબની ફેશન બ્રાન્ડ ચલાવે છે. જે હસ્તકળા અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ બનાવે છે.

બે હજાર કરતાં વધુ મહિલાઓ ભરત, ગૂંથણ, આભલા જેવાં કામ કરીને પરંપરાગત કળાને જીવંત રાખે છે અને વધારાની આવક મેળવે છે. કંપનીના અનેક કાર્યક્રમો ફેકટરીની નજીક શિવરાજપુર નામના દરિયાકિનારે યોજાતા. આગળ જતાં તેને બ્લૂ ફ્લૅગ બીચ તરીકેનો દરજ્જો મળવાનો હતો.

કંપનીએ તાતાના નેજા હેઠળ મીઠા ઉપરાંત દાળ, ખાવાનો સોડા, કઠોળ વગેરે બ્રાન્ડ્સ વિકસાવી. માત્ર કેમિકલના ધંધા ઉપર ધ્યાન આપી શકાય તે માટે આ બ્રાન્ડ્સ તાતા જૂથની અન્ય એક કંપનીને સોંપી દેવામાં આવી. આ સિવાય તે 'તાતા સ્વચ્છ'ના નામથી વૉટર પ્યૂરિફાયર પણ બનાવે છે.

કંપનીએ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં અલગ-અલગ ઉત્પાદનોની ક્ષમતામાં વૃદ્ધિ માટે પ્રયાસ હાથ ધર્યા છે. ધોલેરા ખાતે પણ તેણે પ્લાન્ટ માટે જમીન અધિગ્રહણ કર્યું છે. લાલા તેમના પુસ્તકમાં જેઆરડી તાતાને ટાંકતા લખે છે કે 'હું જેટલી કંપનીઓ સાથે સંકળાયેલો છું, એમાંથી તાતા કેમિકલ્સ જેટલી મુશ્કેલીઓ કોઈએ નથી વેઠી અને કમનસીબ રહી છે.'

વિજ્ઞાનનો અભ્યાસ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવવા છતાં કપીલરામ વકીલને જ્યોતિષમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને તેને ધ્યાનમાં રાખીને જ કંપનીની સ્થાપના કરી હતી.

આટલા અવરોધો પછી પણ કંપની આજે પણ અડીખમ ઊભી છે અને આગળ વધી રહી છે. જેમાં કપીલરામ વકીલ, જલ નવરોજી, જેઆરડી તાતા અને દરબારી શેઠ સહિતના લોકોનો પરિશ્રમ કારણભૂત છે. કદાચ એટલા માટે જ કહેવાયું છે કે 'પ્રારબ્ધ પણ એને જ સાથ આપે છે, જે પુરુષાર્થ કરે છે.'

બીબીસી
બીબીસી