જ્યારે રતન તાતાની પ્રેમકહાણી ભારત-ચીન યુદ્ધના લીધે અધૂરી રહી ગઈ

રતન તાતા તેમનાં દાદી સાથે

ઇમેજ સ્રોત, HOB/FB

ઇમેજ કૅપ્શન, રતન તાતા તેમનાં દાદી સાથે (તસવીર સૌજન્ય - Instagram/officialhumansofbombay)

તાતા ગ્રૂપના પૂર્વ ચૅરમૅન રતન તાતા પોતાની ઉદ્યોસાહસિકતા સિવાય તેમની દાનવૃત્તિને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે.

ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રતન તાતાએ જીવનમાં ક્યારેય લગ્ન ન કર્યાં.

સોશિયલ મીડિયા પોસ્ટ માટે જાણીતી વેબસાઇટ-બ્લૉગ 'હ્યુમન્સ ઑફ બૉમ્બે' સાથેની વાતચીતમાં રતન તાતાએ તેમની જિંદગીની અનેક અંતરંગ બાબતો અંગે વાત કરી.

કઈ રીતે તેમને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો?

કઈ રીતે લગ્ન કરવા સુધી વાત પહોંચી ગઈ?

માતાપિતાના છૂટાછેડાની તેમની પર શી અસર થઈ?

આ સાથે જ તેમણે પોતાની કેટલીક તસવીરો પણ શૅર કરી.

ત્રણ ભાગની સિરીઝના પહેલા પાર્ટમાં તેમણે લખ્યું, "મારું બાળપણ બહુ સારું હતું. જ્યારે હું અને મારા ભાઈ મોટા થયા ત્યારે માતાપિતાના છૂટાછેડાના કારણે અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી, કારણ કે એ વખતમાં છૂટાછેડા આજની જેમ સામાન્ય બાબત નહોતી."

તેમણે કહ્યું, "અમારાં દાદીએ દરેક રીતે અમારું ધ્યાન રાખ્યું. મારાં માતાએ ફરી લગ્ન કર્યાં એ પછી સ્કૂલમાં છોકરાઓ અમારી વિશે જાતભાતની વાતો કરતા હતા, અમને પરેશાન કરતા હતા."

"જોકે અમારાં દાદી અમને સમજાવતાં હતાં કે આવું ન કહેશો, શાંત કેવી રીતે રહેવું અને કોઈ પણ કિંમતે પ્રતિષ્ઠા જાળવી રાખવી."

રતન તાતાએ તેમના પિતા સાથેના મતભેદો અંગે પણ વાત કરી.

રતન તાતા

ઇમેજ સ્રોત, Getty Images

રતન તાતાએ કહ્યું, "હવે કહેવું સરળ છે કે કોણ ખોટું હતું અને કોણ સાચું. હું વાયોલિન શીખવા માગતો હતો, પણ મારા પિતા ઇચ્છતા હતા કે હું પિયાનો શીખું."

"હું ભણવા માટે અમેરિકા જવા માગતો હતો, તેઓ ઇચ્છતા હતા કે હું બ્રિટનમાં રહું. હું આર્કિટેક્ટ બનવા માગતો હતો, પણ એમની જીદ હતી કે હું એન્જિનિયર કેમ ન બનું."

એ પછી રતન તાતા ભણવા માટે અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટી ગયા અને આનું પૂરું શ્રેય તેમણે તેમનાં દાદીને આપ્યું.

તેમણે કહ્યું, "મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું હતું, જોકે પછી મેં આર્કિટેક્ચરમાં ડિગ્રી લીધી."

એ પછી રતન તાતા લૉસ એન્જલસમાં નોકરી કરવા લાગ્યા જ્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યું.

line

અધૂરી પ્રેમકહાણી

રતન તાતા

ઇમેજ સ્રોત, HOB/FB

એ દિવસોને યાદ કરતાં રતન તાતા કહે છે, "એ ઘણો સારો સમય હતો - મોસમ પણ ખુશનુમા હતી, મારી પાસે પોતાની ગાડી હતી અને મને મારી નોકરી પ્રત્યે પ્રેમ હતો."

આ શહેરમાં રતન તાતાને મનપસંદ છોકરી મળી અને તેમને પ્રેમ થઈ ગયો.

રતન તાતા કહે છે, "એ લૉસ એન્જલસ હતું, જ્યાં મને પ્રેમ થયો અને હું એ છોકરી સાથે લગ્ન કરવાનો હતો."

"એ જ વખતે મેં ભારત આવવાનો નિર્ણય લીધો, કેમ કે મારાં દાદીની તબિયત સારી નહોતી રહેતી."

તેઓ કહે છે, "હું એવું વિચારીને ઘરે આવી ગયો કે જેની સાથે હું લગ્ન કરવા માગું છું તે પણ મારી સાથે ભારત આવશે, પણ 1962ના ભારત-ચીનના યુદ્ધને લીધે તેનાં માતાપિતા તેને ભારત મોકલવાના પક્ષમાં નહોતા અને આ રીતે આ સંબંધ તૂટી ગયો."

ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને શરૂઆતના 20 કલાકમાં એક લાખ 40 હજાર લાઇક્સ મળ્યાં છે. ફેસબુક પર અઢી હજાર કરતાં વધારે લોકો આને શૅર કરી ચૂક્યા છે.

મોનિકા મૃદ્ધાએ લખ્યું, "મને બીજા અને ત્રીજા પ્રકરણનો ઇંતેજાર રહેશે."

અબ્દુલ લખીએ લખ્યું, "હ્યુમન્સ ઑફ બૉમ્બેની શ્રેષ્ઠ સિરીઝ. ભારતમાં દરેક વ્યક્તિ રતન તાતા વિશે વધુમાં વધુ જાણવા માગે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન