લાખો અનુયાયીઓને ‘ચમત્કાર’ની જાળમાં ફસાવીને બળાત્કાર, ટૉર્ચર કરનાર ધર્મગુરૂની કહાણી - બીબીસી ઇન્વેસ્ટિગેશન

- લેેખક, ચાર્લી નૉર્થકોટ અને હૅલન સ્પૂનર
- પદ, બીબીસી ન્યૂઝ, આફ્રિકા આઈ
“અમને બધાને એમ લાગતું હતું કે અમે સ્વર્ગમાં આવી ગયા છીએ, પરંતુ અમે હકીકતમાં નરકમાં હતા. આ નરકમાં અતિશય ભયાનક ઘટનાઓ બનતી હતી.”
“જોશુઆ દ્વારા મારા પર જાતીય હિંસા કરવામાં આવી હતી અને મને બે વર્ષ સુધી એકાંત કેદમાં રાખવામાં આવી હતી. આ દુર્વ્યવહાર એટલો ગંભીર હતો કે જેના કારણે મેં એ કૅમ્પસની અંદર જ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.”
આ શબ્દો રાએ નામના એક બ્રિટિશ મહિલાના છે. વર્ષ 2002માં તેઓ બ્રાઇટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં હતાં અને તેમણે પોતાની ડિગ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેમની સિનેગોગ ચર્ચમાં ભરતી કરવામાં આવી હતી. તેમણે 12 વર્ષ સુધી ધર્મગુરૂ ટીબી જોશુઆનાં કથિત શિષ્યા તરીકે તેમના લાગોસમાં આવેલા કૅમ્પસમાં કામ કર્યું હતું.
વિશ્વના સૌથી મોટા ખ્રિસ્તી ઇવેન્જેલિકલ ચર્ચમાં ગણના થાય છે તેવા સિનેગોગ ચર્ચના સ્થાપક ટીબી જોશુઆ દ્વારા તેમના અનુયાયીઓની વ્યાપક સતામણી કરવાના અને ત્રાસ આપવાના પુરાવા બીબીસી દ્વારા કરવામાં આવેલી લાંબી તપાસમાં બહાર આવ્યા છે.
સિનાગોગ ચર્ચના ડઝનબંધ સભ્યો કે જેમાં પાંચ બ્રિટિશ નાગરિકો પણ સામેલ છે તેમણે એવા આરોપો લગાવ્યા હતા કે તેમની સાથે આ ચર્ચના સ્થાપક ટીબી જોશુઆ દ્વારા સતામણી, બળાત્કાર અને બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરવામાં આવ્યો હતો.
એક ગુપ્ત જગ્યાએ આવેલા લાગોસ કૅમ્પસમાં આ પ્રકારની ઘટનાઓને છેલ્લાં 20 વર્ષમાં અંજામ આપવાના આરોપો લાગ્યા હતા.
‘સિનેગોગ ચર્ચ ઑફ ઓલ નેશન્સે’ આરોપોનો જવાબ આપ્યો ન હતો પરંતુ કહ્યું હતું કે અગાઉના દાવાઓ પાયાવિહોણા છે.
ટીબી જોશુઆનું 2021માં અવસાન થયું હતું. તે એક પ્રભાવશાળી અને ખૂબ જ સફળ ઉપદેશક હતા જેમનું વિશ્વસ્તરે મોટું ફેન ફોલોઇંગ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ બે વર્ષ સુધી કરેલી તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
તપાસમાં શું-શું જાણવા મળ્યું?

નાઇજીરિયન ઉપદેશક ટીબી જોશુઆએ કરેલી શારીરિક હિંસા અને ત્રાસની ઘણા ડઝનથી વધુ સાક્ષીઓએ આપવીતી વર્ણવી હતી. ઘણા કિસ્સામાં બાળકો પર પણ હિંસા કરવામાં આવતી હતી અને અનેક લોકોને સાંકળ વડે બાંધીને મારવામાં આવતા હતા.
અનેક મહિલાઓ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે જોશુઆ તેમની સાથે જાતીય હિંસા કરતા અને વર્ષો સુધી વારંવાર તેમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે.
જોશુઆ દ્વારા વારંવાર કરવામાં આવતા બળાત્કાર પછી મહિલાઓને બળજબરીપૂર્વક ગર્ભપાત કરવાનું કહેવામાં આવતું હતું. ચર્ચની અંદર જ ગર્ભપાત થતો અને એક મહિલાનો તો પાંચ વખત ગર્ભપાત કરવામાં આવ્યો હતો.
ઘણા લોકોએ એ વાતનો પુરાવો રજૂ કર્યો છે કે કઈ રીતે જોશુઆ ચમત્કારની વાતો કરીને સમગ્ર વિશ્વના લાખો લોકોને છેતરતો હતો.
ટીબી જોશુઆએ સ્થાપેલા ચર્ચની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘સિનેગોગ ચર્ચ ઑફ ઑલ નેશન્સ’ (સ્કોઆન) નો વૈશ્વિક સ્તરે મોટો અનુયાયીવર્ગ છે. આ ચર્ચની એક ખ્રિસ્તી ટીવી ચેનલ ‘ઇમાન્યુએલ ટીવી’ પણ છે અને સોશિયલ મીડિયા મીડિયા પ્લૅટફોર્મ્સ પર પણ તેમના લાખો અનુયાયીઓ છે.
19990ના અને 2000ના દાયકાઓ દરમિયાન હજારો-લાખોની સંખ્યામાં તેના અનુયાયીઓ યુરોપ, અમેરિકા, દક્ષિણ-પૂર્વી એશિયા અને આફ્રિકાથી નાઇજીરિયાના ચર્ચનો પ્રવાસ કરતા. તેઓ ત્યાં ટીબી જોશુઆના કથિત આધ્યાત્મિક ચમત્કારોને જોવા માટે જતા હતા. લાગોસમાં આવેલા તેમના કમ્પાઉન્ડમાં ઓછામાં ઓછા 150 શિષ્યો રહેતા હતા. કેટલાક શિષ્યો તો દાયકાઓથી ત્યાં રહેતા હતા.
યુકે, નાઇજીરિયા, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઘાના, નામિબિયા અને જર્મની જેવા દેશોમાંથી આ ચર્ચમાં ગયેલા પચ્ચીસેક જેટલા શિષ્યોએ બીબીસી સાથે વાત કરી હતી. તેમણે તેમને ચર્ચમાં થયેલા અનુભવોની આપવીતી રજૂ કરી હતી.
કેટલાક લોકો તો હજુ ત્યાં 2019માં જ જઈને આવ્યા છે. મોટાભાગના અનુયાયીઓ જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે જ તેઓ ચર્ચ સાથે પહેલીવાર જોડાયા હતા. ઘણા કિસ્સાઓમાં જોશુઆએ તેમને ત્યાં સુધી આવવાનું ભાડું પણ આપ્યું હતું.
બીબીસીએ આ તપાસ આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લૅટફૉર્મ ‘ઑપન ડેમોક્રેસી’ સાથે મળીને કરી હતી. ચર્ચના અનુયાયીઓ રેકૉર્ડ પર ખુલીને બોલવા તૈયાર થયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. તેમના જણાવ્યા અનુસાર ઘણી વખત તેમણે અવાજ ઊઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેને શાંત કરી દેવામાં આવતો હતો.
નાઇજીરિયામાંથી જેમણે બીબીસી સાથે વાત કરી તેવા સાક્ષીઓ દાવો કરે છે કે તેમના પર શારીરિક રીતે હુમલો કરવામાં આવ્યો હતો. એક કેસમાં તો આ ચર્ચ સામે બોલ્યા પછી અને યુટ્યૂબ પર આરોપો મૂક્યા હોય તેવા વીડિયો પોસ્ટ કર્યા પછી એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી.
માર્ચ, 2022માં એક શેરીમાંથી આ ચર્ચના લાગોસ કમ્પાઉન્ડનો વીડિયો રેકૉર્ડ કરવાનો પ્રયાસ કરનાર બીબીસીના એક કર્મચારી પર ચર્ચના સુરક્ષાકર્મીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, અને કલાકો સુધી તેની અટકાયત કરી લેવામાં આવી હતી.
બીબીસીએ આ તપાસમાં લગાવેલા આરોપો બાબતે સ્કાઓનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. ટીબી જોશુઆ સામેના અગાઉ કરવામાં આવેલા દાવાઓને અને આરોપોને તેમણે નકારી કાઢ્યા હતા.
તેમણે જવાબમાં લખ્યું હતું કે, “ધર્મગુરુ ટીબી જોશુઆ પર પાયાવિહોણા આરોપો લગાવવા એ કોઈ નવી વાત નથી. તેમાંથી એકપણ આરોપો પ્રસ્થાપિત થઈ શક્યા નથી.”
તપાસમાં બહાર આવી વિચલિત કરી દેનારી ઘટનાઓ

ઇમેજ સ્રોત, JOURNEYMAN PICTURES
આફ્રિકન દેશોમાં રિપોર્ટિંગ કરનાર પત્રકાર સોલોમન ઍશોમ્સનું કહેવું છે કે, “જે અમે જોયું છે, એવું પહેલાં ક્યારેય બન્યું નહીં હોય, આવું પહેલાં ક્યારેય જોયું નથી.”
જોશુઆના અસંખ્ય વિડિયોમાં ગંભીર રીતે ચેપગ્રસ્ત જનનાંગો ધરાવતા પુરુષો બતાવવામાં આવ્યા છે. તેમનાં જનનાંગો ફાટી ગયાં હોય છે અને પછી જ્યારે તે પ્રાર્થનામાં હાથ ઊંચો કરે છે ત્યારે તે ચમત્કારિક રીતે સાજા થઈ જાય છે.
અન્ય વીડિયોમાં સ્ત્રીઓને બાળકને જન્મ આપવા માટે સંઘર્ષ કરતી બતાવવામાં આવે છે પરંતુ જેવો જોશુઆ નજીક આવે ત્યારે તરત જ તે સ્ત્રી તેમના બાળકોને જન્મ આપે છે.
જોશુઆની આ પ્રકારની અનેક વીડિયો ટેપ્સ યુરોપ અને આફ્રિકાના ઉપદેશક ચર્ચોમાં 1990 અને 2000ના દાયકામાં બતાવવામાં આવતી હતી, હજારો-લાખો લોકો તેને જોતા હતા.
રાએ કહે છે કે, “હું ગે હતી પણ મને તે ગમતું ન હતું. મેં વિચાર્યું કે આ માણસ મને સ્ટ્રૅઇટ બનાવી દેશે. એ મારા માટે પ્રાર્થના કરશે તો હું ગે નહીં રહું.”
ડર્બી, મિડલૅન્ડ્સમાં રહેતા ઍનેકા નામના એક બ્રિટિશ મહિલાએ પણ એ વાતને સ્વીકારી હતી કે તેઓ પણ આ પ્રકારના વીડિયો જોઈને પ્રભાવિત થયાં હતાં.
બિસોલા નામના નાઇજીરિયન મહિલાએ આ ક્મ્પાઉન્ડમાં 14થી વધુ વર્ષ વીતાવ્યાં હતા. તેમના મત અનુસાર જોશુઆ ગોરા કે યુરોપિયન વ્યક્તિઓનો ઉપયોગ તેની બ્રાન્ડનું માર્કેટિંગ કરવામાં કરતો હતો.
જોશુઆ સાથે પહેલાં કામ કરી ચૂકેલા લોકોના મત અનુસાર તેણે ફંડરેઇઝિંગ, ધાર્મિક યાત્રાઓ, વીડિયોના વેચાણ અને અન્ય દેશોમાં સ્ટેડિયમોમાં થતી મોટી ઇવેન્ટ્સમાં હાજરી આપીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
10 વર્ષ સુધી જોશુઆના નં. 2 ઍગોમાહ પૉલના જણાવ્યા અનુસાર, તેણે જે પણ કર્યું તે ખૂબ જ સોલિડ પ્લાનિંગ સાથે કર્યું હતું. ખાસ કરીને નકલી ચમત્કારોનું પ્લાનિંગ તે ખૂબ ચીવટથી કરતો હતો.
જોશુઆની માયાજાળ

ઇમેજ સ્રોત, Getty Images
2021માં 57 વર્ષની ઉંમરે જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે ટીબી જોશુઆ આફ્રિકાના સૌથી પ્રભાવશાળી ઉપદેશક હતા.
તેણે સમગ્ર વિશ્વના લોકોને ચમત્કારો બતાવીને તેની તરફ આકર્ષિત કર્યા હતા. તે આંધળાપણું અને એચઆઇવી જેવા રોગોથી પણ લોકોને સાજા કરી દેવાનો દાવો કરતો હતો.
જોશુઆએ તેના જીવનકાળ દરમિયાન કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને તેની પાસે કારનો મોટો કાફલો અને પ્રાઇવેટ જેટ પણ હતું.
ટીબી જોશુઆ એવો દાવો કરતો હતો કે તેને ત્રણ દિવસ સુધી ભગવાને સેવા કરવા માટે બોલાવ્યો હતો. તેના જણાવ્યા અનુસાર ભગવાને તેને કહ્યું હતું કે, “હું તારો ભગવાન છું. હું તને પવિત્ર આજ્ઞા આપું છું કે તું એ કામ ચાલુ રાખ કે જે ભગવાન કરે છે.”
ત્યારબાદ તેણે આઠ સભ્યો સાથે મળીને સિનાગોગ ચર્ચની સ્થાપના કરી હતી જેનું નામ ‘ચર્ચ ઑફ ઑલ નેશન્સ’ રાખવામાં આવ્યું હતું.
તેના ચમત્કારોના પ્રભાવ હેઠળ સરકારો પણ આવી ગઈ હતી અને 2014માં ઇબોલા વાઇરસના ફેલાવા વખતે લાગોસની સરકારે તેનો ફેલાવો રોકવા માટે તેની મદદ લીધી હતી.
તેણે સિએરા લિયોનમાં તેના કથિત ‘અભિષેક જળ’ની 4 હજાર બૉટલો મોકલાવી હતી. તેના આ જળથી લોકોના રોગો મટી જતા હતા તેવો દાવો કરવામાં આવતો હતો. એકવાર તેની આ બૉટલો લેવા માટે થયેલી ભાગદોડમાં ચાર લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં.
આ સિવાય પણ લાગોસમાં જોશુઆના ચર્ચનો એક ભાગ પડી જતાં 116 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
લાગોસની કોર્ટમાં મૃત્યુ પરીક્ષકોએ કરેલા દાવાઓ છતાં પણ ચર્ચ તેમના પર એકેય પ્રકારનો કેસ ચાલ્યો ન હતો.
(આ અહેવાલમાં જરૂરી એવું વધારાનું રિપોર્ટિંગ મૅગી ઍન્ડરસન, યેમિનિ એડેગોકે અને ઇનેસ વાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે)












