એ 'ધર્મ' જેમાં બહુપત્નીત્વ સ્વીકાર્ય હતું પણ દારૂ અને કૉફી હરામ હતાં

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
- લેેખક, એડિસન વેઈગા
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
'ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ લેટર-ડે સેઈન્ટ્સ' (સંસ્થાનું અધિકૃત નામ, જેને ચર્ચ ઑફ મોર્મોન્સ કહેવામાં આવે છે) દ્વારા વિતરિત કરવામાં આવેલા એક ચોપાનિયામાં જોસેફ સ્મિથ(1805-1844)ને “ઈશ્વરના પ્રબોધક” કહેવામાં આવ્યા છે.
તેમાં એક ભવ્ય અને સુંદર પોશાક પહેરેલા માણસનું ચિત્ર છે. તેના માથા પર સફેદ, આછા ભૂરા વાળ છે, વાદળી આંખો છે અને ચહેરો ઘમંડી છે.
સવાલ એ થાય કે વર્મોન્ટના એક ખેડૂતના આ દીકરાએ 19મી સદીમાં અમેરિકામાં નવા ખ્રિસ્તી ચર્ચની રચના કેવી રીતે કરી હતી? નિષ્ણાતોના મતે, સ્મિથના આગવા દૃષ્ટિકોણ ઉપરાંત અમેરિકન સંદર્ભે પણ તેમાં યોગદાન આપ્યું હતું.
સાઓ પાઉલો ખાતેની મૅકેન્ઝી પ્રેસ્બિટેરિયન યુનિવર્સિટીના પ્રોફસર, ઈતિહાસકાર, ફિલસૂફ અને ધર્મશાસ્ત્રી લેઈટ ડી મોરેસે બીબીસીને કહ્યું હતું, “મોર્મોનિઝમ 19મી સદીના અમેરિકાના સમય-સંજોગની લાક્ષણિક નિપજ છે.”
“આજે પંથ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે તેવાં સંખ્યાબંધ ધાર્મિક જૂથોનો એ સમયે ઉદય થયો હતો. ફરક એટલો છે કે સ્મિથે જે ચર્ચની સ્થાપના કરી હતી તે શક્તિ બન્યું હતું અને આજે સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર થયેલો છે.”
ખુદ ચર્ચ દ્વારા પ્રકાશિત લેટેસ્ટ સ્ટેટેસ્ટિકલ રિપોર્ટ મુજબ, 2022ના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં તેના 1.7 કરોડ અનુયાયીઓ હતા અને અમેરિકા, મૅક્સિકો તથા બ્રાઝિલમાં મોર્મોન્સની સંખ્યા સૌથી વધારે હતી.
મોર્મોનિઝમને ‘લાક્ષણિક અમેરિકન નિપજ’ ગણાવતાં મોરેસે એવી દલીલ કરી હતી, “તે એક પ્રકારની સંયુક્ત શ્રદ્ધા છે. એક એવો ધર્મ, જે ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ઇસ્લામ અને પ્રાચીન મૂર્તિપૂજકવાદનાં તત્ત્વોને પણ સમાહિત કરે છે.”
“મહત્ત્વની બીજી બાબત તેની પરિવર્તન ક્ષમતા છે. સમય સાથે તેમાં પરિવર્તન આવ્યું છે. કેટલીક ચીજો છોડી દેવામાં આવી છે, કેટલીક બદલી નાખવામાં આવી છે, કારણ કે તેનો કોઈ પ્રભાવ ન હતો. બીજી બાબતોને નવો અર્થ આપવામાં આવ્યો હતો. તેની નવેસરથી વ્યાખ્યા કરવામાં આવી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ભ્રષ્ટ ધર્મ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોસેફ સ્મિથ કિશોર વયના હતા ત્યારે બહુ પ્રાર્થના કરતા હતા અને કથા ત્યારથી શરૂ થઈ હતી. મોર્મોન ધર્મની સત્તાવાર માહિતી અનુસાર, સ્મિથે 14 વર્ષની વયે ભગવાનને પૂછ્યું હતું કે તેમણે ક્યા ચર્ચમાં સામેલ થવું જોઈએ. તેમના પોતાના જણાવ્યા મુજબ, “એ ભારે ઉથલપાથલભર્યા દિવસો હતા,” જેમાં તેમનું મન “ગંભીર ચિંતન અને મનનનું કારણ બન્યું હશે.”
ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ ધ લેટર-ડે સેઈન્ટ્સના હિસ્ટોરિકલ રીસર્ચ ઍન્ડ આઉટરીચ વિભાગના ડિરેક્ટર, અમેરિકન ઈતિહાસકાર કીથ એરેક્સને કહ્યું હતું, “19મી સદીની શરૂઆતમાં સ્મિથ યુવાન હતા. તેમણે બાઇબલનો વ્યાપક અભ્યાસ કર્યો હતો અને એ વાતે ચિંતિત હતા કે તેઓ પોતે, ભગવાન ઈચ્છે છે એવી રીતે જીવી રહ્યા છે કે નહીં. 1920ની વસંતમાં તેમણે માફી માગવા તથા માર્ગદર્શન મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.”
સ્મિથને પ્રતિસાદ મળ્યો હોવાનું કહેવાય છે. એરેક્સનના કહેવા મુજબ, “દિવ્ય પ્રભુ અને તેમના પુત્ર ઈસુ સ્મિથ સમક્ષ પ્રગટ થયા હતા. ઈસુએ જોસેફ સ્મિથને કહ્યું હતું કે તમારાં પાપ માફ કરી દેવામાં આવ્યાં છે અને તમારે શું કરવાનું છે તેની માહિતી તમને બાદમાં મળશે.”
સ્મિથના વિવરણ અનુસાર, “મેં હવામાં બે પાત્રો તરતાં જોયાં હતાં. તેમના વૈભવ અને ગૌરવનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી. એ પૈકીનાં એકે મને નામથી બોલાવ્યો હતો, મારી સાથે વાત કરી હતી અને બીજા ભણી ઈશારો કરતાં કહ્યું હતું કે એ મારો પ્રિય પુત્ર છે. તેની વાત સાંભળો.”
પોતાના સવાલ સંદર્ભે તેમણે લખ્યું હતું, “તત્કાલીન બધાં ચર્ચ ખોટાં છે. તેથી એકેયમાં નહીં જોડાવાનું મને કહેવામાં આવ્યું હતું.” સ્મિથે ઈસુ પાસેથી સાંભળ્યું હશે કે તમામ પંથ “ઘૃણીત” અને ધર્મથી“ભ્રષ્ટ” હતા.
નવું રહસ્યોદ્ધાટન

ઇમેજ સ્રોત, EDISON VEIGA
એરેક્સનનું કહેવું છે કે 11 બાળકોવાળો સ્મિથનો પરિવાર ધાર્મિક હતો.
તેમણે કહ્યું હતું, “તેઓ નિયમિત રીતે બાઇબલ વાંચતા હતા. શક્ય હોય ત્યારે વિવિધ ચર્ચ અને જાહેર બેઠકોમાં ધર્મપ્રસારકોનાં પ્રવચન સાંભળવા જતા હતા. જોસેફનાં માતા તથા તેમના ત્રણ ભાઈ પ્રેસ્બીટેરિયન ચર્ચમાં સામેલ થઈ ગયાં હતાં. જોસેફે પોતાના ચર્ચની સ્થાપના કરી પછી તેમના પરિવારના બધા સભ્યો તેમાં જોડાયા હતા.”
સ્મિથના દૃષ્ટિકોણની વાત ફેલાઈ ત્યારે તેઓ, ખાસ કરીને અન્ય ચર્ચના સભ્યો દ્વારા સતામણી અને પૂર્વગ્રહનો ભોગ બન્યા હતા. તેમનાં પોતાનાં લખાણ મુજબ, ત્રણ વર્ષ પછી સપ્ટેમ્બર, 1823માં તેમને બીજો સાક્ષાત્કાર થયો હતો. એ વખતે તેમણે મોરોની નામના દેવદૂતને નિહાળ્યા હતા.
સ્મિથના કહેવા મુજબ, “તેમણે મને કહ્યું હતું કે સોનાની પ્લેટ્સ પર લખાયેલું એક ગુપ્ત પુસ્તક છે, જેમાં આ ખંડના પ્રાચીન રહેવાસીઓ તેમજ તેમનાં મૂળ અને ઉદ્ભવ વિશેની માહિતી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તારણહારે પ્રાચીન રહેવાસીઓને શાશ્વત ગોસ્પેલની જે સંપૂર્ણ કથા કહી હતી, એ પણ તેમાં છે.”
દેવદૂતે તેમને જણાવ્યું હતું કે પુસ્તકોની બાજુમાં તમને ચાંદીની વીંટીઓમાં બે પત્થરો મળશે. “પ્રાચીન કાળના દૃષ્ટાઓ પાસે તે પથ્થર હતા અને તેઓ તેનો ઉપયોગ કરતા હતા. ભગવાને તેમને આ પુસ્તકના અનુવાદમાં ઉપયોગ માટે બનાવ્યા છે.”
સ્મિથના કહેવા મુજબ, સોનાની પ્લેટ્સ કોઈને દેખાડવાની નથી, એવું તેમને જણાવવામાં આવ્યું હતું.
યુવાનને માર્ગદર્શન આપવા માટે દેવદૂત દર વર્ષે, સતત ચાર વર્ષ સુધી આવશે. ત્યાર પછી જ સ્મિથને તે પુસ્તક ન્યૂયૉર્ક રાજ્યના મેનચેસ્ટર શહેરની પાસેના એક પહાડ પરથી મળશે.
તેમણે કહ્યું હતું, “પહાડની પશ્ચિમે શિખરની નજીક એક પત્થરની નીચે, સ્ટોન બૉક્સમાંથી તે પ્લેટ્સ રાખવામાં આવી હતી.”
પવિત્ર પુસ્તક

ઇમેજ સ્રોત, EDISON VEIGA
તે મોર્મોનનું પુસ્તક હતું. મોર્મોન નામના એક પ્રાચીન ભવિષ્યવેતાએ એ પુસ્તકનું સંકલન કર્યું હોવાથી તેને 'બૂક ઑફ મોર્મોન' કહેવામાં આવે છે. આમ આ નામ તે ધર્મના અનુયાયીઓમાં લોકપ્રિય બન્યું હતું. સ્મિથ પર એ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાની જવાબદારી હતી. સ્મિથના જણાવ્યા મુજબ, મૂળ પુસ્તક રિફોર્મ્ડ ઈજિપ્શ્યન ભાષામાં લખાયેલું હતું.
એરેક્સને કહ્યું હતું, “આ પુસ્તક મધ્ય-પૂર્વના નિવાસીઓના એક સમૂહની કથા કહે છે, જેઓ ઈસુ ખ્રિસ્તના જન્મનાં 600 વર્ષ પહેલાં પ્રાચીન અમેરિકા પહોંચ્યા હતા. પોતાના પુનરોત્થાન બાદ ઈસુ અમેરિકામાં આ લોકો સામે પ્રગટ થયા હતા અને પુસ્તક તેમના પશ્ચિમી ગોળાર્ધમાં તેમના ધર્મનું વર્ણન કરે છે.”
પુસ્તકની મૂળ ધારણાઓ સાચવવામાં આવી નથી. સ્મિથના જણાવ્યા મુજબ, અનુવાદનું કામ પૂર્ણ થયા પછી પ્લેટો અવકાશમાં પાછી ચાલી ગઈ હતી.
ચર્ચના અનુયાયીઓ આ પુસ્તકને એક પ્રકારનું ‘થર્ડ ટેસ્ટામેન્ટ’ ગણે છે, જે ઑલ્ડ અને ન્યૂ ટેસ્ટામેન્ટ્સની સુધારિત આવૃત્તિ છે. મોરેસના કહેવા મુજબ, “તે મહાન સાક્ષાત્કારની માફક અધિકૃતતા પ્રાપ્ત કરે છે અને ઑલ્ડ બાઇબલમાં જાહેર કરાયેલી અથવા નિર્દેશિત બાબતોનું પૂરક છે અને તેમાં સુધારો કરે છે.”
“વ્યવહારમાં, તેમના માટે બૂક ઑફ મોર્મોન, બાઇબલનો શ્રેષ્ઠ દસ્તાવેજ છે.”
સાઓ પાઉલોની મેથોડિસ્ટ યુનિવર્સિટીના ધાર્મિક વિજ્ઞાનના ડૉક્ટર, ઇતિહાસકાર, ધર્મશાસ્ત્રી, નાઝારેન ચર્ચના પાદરી અને બ્રાઝિલની નાઝારેન થિયોલોજિકલ સેમિનરી તથા ફ્રી બેપ્ટિસ્ટ સેમિનરીના પ્રોફસર વિનિસિયસ કુટો ઉપરોક્ત વાત સાથે સહમત છે.
તેમણે કહ્યું હતું, “તેમાં અન્ય બે ટેસ્ટામેન્ટ્સ સાથેનું સાતત્ય છે, એવું માનવામાં આવે છે. તેઓ ખ્રિસ્તી બાઇબલને પોતાની શ્રદ્ધા માટે મહત્ત્વપૂર્ણ પુસ્તક ગણે છે, પરંતુ બૂક ઑફ મોર્મોનને અત્યાધુનિક અને સૌથી યોગ્ય માને છે.”
“મોર્મોન અને ખ્રિસ્તી બાઇબલ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાય ત્યારે તેઓ બાઈબલને પાછળ છોડી દે છે. તેમના માટે બૂક ઑફ મોર્મોનનું ભાષાંતર આધુનિક, અદ્યતન અને સુસ્પષ્ટ છે.”
કૉફી પણ નહીં અને દારૂ હરામ?

ઇમેજ સ્રોત, Getty Images
આ આધુનિકીકરણનું એક સાદું ઉદાહરણ આલ્કોહોલિક પીણાના વપરાશ સંબંધી છે. બાઇબલમાં જણાવ્યા અનુસાર, ઈસુ વાઈન પીતા હોય અને તેમની છેલ્લી મિજબાની વાઈન અને બ્રેડ સાથે માણી હોય તો તેઓ દારૂ પીવા પરના સંપૂર્ણ પ્રતિબંધને કેવી રીતે ન્યાયી ઠેરવે છે?
મોર્મોન ચર્ચના એક સભ્યના કહેવા મુજબ, “આપણે વર્તમાન સમય વિશે વિચારવું પડશે. આજે આપણે જાણીએ છીએ કે દારૂ પીવો કેટલું હાનિકારક છે.”
કૉફીની બાબતમાં પણ આવું જ છે. 1833ની 27 જાન્યુઆરીએ મળેલા આદેશનો સંદર્ભ આપતાં સ્મિથે લખ્યું હતું, “વાઈન, સ્ટ્રોંગ ડ્રિંક્સ, તમાકુ અને ગરમ પીણાંનો ઉપયોગ નિંદાજનક છે.” મોર્મોનને અર્થઘટન મુજબ, આ વ્યાખ્યામાં કૉફીનો પણ સમાવેશ થાય છે.
એરેક્સનના કહેવા મુજબ, “પ્રસ્તુત આદેશ લોકોને તેમના ભૌતિક શરીરની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી તેઓ સ્વસ્થ રહી શકે અને ડહાપણ તથા જ્ઞાન જેવા આધ્યાત્મિક પુરસ્કાર પ્રાપ્ત કરી શકે.”
“આમ, કેટલાક આદેશો ફળો તથા અનાજના આહાર જેવી આરોગ્ય માટે હિતકારક બાબતોનો આગ્રહ કરે છે અને દારૂ, તમાકુ તથા ગરમ પીણાં સહિતના આરોગ્ય માટે નુકસાનકારક ઘણા આહાર ત્યાગવાનો ઉલ્લેખ કરે છે. ચર્ચના સભ્યો કૉફી અને બ્લેક ટી માટે 'હૉટ ડ્રિંક્સ' શબ્દનો ઉપયોગ છેક 1840ના દાયકાથી કરતા રહ્યા છે.”
બહુપત્નીત્વ સ્વીકાર્ય?

ઇમેજ સ્રોત, Getty Images
આ ધાર્મિક જૂથ સાથે જોડાયેલો સૌથી વિવાદાસ્પદ રિવાજ બહુપત્નીત્વનો બચાવ છે. અલબત, ભૂતકાળની આ પ્રથાને ચર્ચ હવે અનુસરતો નથી. (તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યા મુજબ, બહુપત્નીત્વમાં રાચતા લોકોને પંથમાંથી કાઢી મૂકવાનો નિયમ 1904થી અમલમાં છે)
જીવનચરિત્રકારોનો દાવો છે કે જોસેફ સ્મિથને લગભગ 40 પત્નીઓ હતી.
ચર્ચની સત્તાવાર નોંધ જણાવે છે, “1852થી 1890 દરમિયાન લેટર-ડેના સંતો બહુપત્નીત્વમાં ખુલ્લેઆમ રાચતા હતા. એ પૈકીના મોટા ભાગના ઉટાહમાં રહેતા હતા. બહુપત્નીત્વનો અનુભવ કરનાર મોટા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓએ પડકારો તથા મુશ્કેલીઓ અનુભવી હતી, પરંતુ તેમને તેમના પરિવારોમાં પ્રેમ તથા આનંદ પણ મળ્યો હતો.”
“તેઓ માનતાં હતાં કે તે ભગવાનનો આદેશ છે અને તેનું પાલન કરવાથી તેમને તથા તેમના વંશજોને ઈશ્વરનાં આશિર્વાદ મળશે. ચર્ચના નેતાઓ એવો ઉપદેશ આપ્યો હતો કે બહુપત્નીત્વ સંબંધમાં રાચતા તમામ લોકોએ નિસ્વાર્થતાની ઉદાર ભાવના અને ઈસુ પ્રત્યે શુદ્ધ પ્રેમ વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ.”
એક ગેરસમજનો ઉલ્લેખ કરતાં એરેકસને કહ્યું હતું, “ઘણા લોકો માનતા હતા કે બહુપત્નીત્વ આ ચર્ચની વિશેષતા છે.”
તેમણે સંદર્ભ આપતાં કહ્યું હતું, “પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં જોસેફ સ્મિથે તેમની નજીકના લોકોના એક નાના સમૂહ સમક્ષ, એક પુરુષ દ્વારા એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્નની પ્રથા શરૂ કરવા માટે ભગવાન પાસેથી મળેલો આદેશ પ્રસ્તુત કર્યો હતો.”
“તેમણે કહ્યું હતું કે બાઇબલમાં અનેક પયગંબરોએ આ પ્રથાનું પાલન કર્યું હતું. તેમાં મોઝેસ, અબ્રાહમ અને જેકબ અથવા ઇઝરાયલનો સમાવેશ થતો હતો. તેમનાં મૃત્યુ પછી આ પ્રથાની જાહેરાત કરવામાં આવી હતી અને લગભગ 50 વર્ષ સુધી તેનો અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ 1904 પછી એક પુરુષ દ્વારા અનેક સ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.”
તેનાં ઘણાં સામાજિક-ઐતિહાસિક કારણો હતાં. તેઓ નવી ભૂમિને આબાદ કરવા વધુ સંતાનો પેદા કરવા ઈચ્છતા હતા અને એ સમયે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘણી વધારે હતી.
જોકે, બહુપત્નીત્વની પ્રથા ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ લેટર-ડે સેઈન્ટ્સના સભ્યો માટે, ખાસ કરીને 1862 પછી મોટી સમસ્યા બની ગઈ હતી. એ સમયે અમેરિકન સંસદે તેના વિરુદ્ધનો કાયદો પસાર કર્યો હતો.
બહુપત્નીત્વમાં રાચતા પુરુષો તથા સ્ત્રીઓ સામે 1880ના દાયકાથી કેસ ચલાવવાની શરૂઆત થઈ હતી.
દોષીઓની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ કાયદામાં હોવાથી સરકારી અધિકારીઓ આ ધાર્મિક લોકોને તેમનાં ચર્ચ જપ્ત કરવાની ધમકી આપતા હતા. બહુપત્નીત્વની પ્રથાને ખતમ કરવા માટે ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ લેટર-ડે સેઈન્ટ્સ દ્વારા 1890માં શરૂ થયેલું આંદોલન 1904માં નક્કર આકાર પામ્યું હતું.
ધાર્મિક અસહિષ્ણુતા

ઇમેજ સ્રોત, Getty Images
સ્મિથના પ્રોજેક્ટ તરફ પાછા ફરીએ. 1830માં થયેલા પહેલા સાક્ષાત્કારના દસ વર્ષ પછી એક નવા ખ્રિસ્તી સંપ્રદાયનો જન્મ થયો હતો.
એરેક્સનના કહેવા મુજબ, “જોસેફ સ્મિથે ભગવાનના આદેશ અનુસાર એક નવા ચર્ચની સ્થાપના કરી હતી, જે હવે ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ લેટર-ડે સેઈન્ટ્સ નામે ઓળખાય છે.”
એ સમય સુધીમાં સ્મિથે તેમનાં પહેલાં પત્ની એમ્મા હેલ સ્મિથ સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેમની સાથે પેન્સિલ્વેનિયા(હવે ઑકલૅન્ડ)ના હાર્મની શહેરમાં રહેતા હતા. અલબત, ચર્ચે શરૂઆતથી સતામણીનો સામનો કરવો પડ્યો હતો અને સંસ્થાપક તરીકે સ્મિથ તેનું મુખ્ય નિશાન બન્યા હતા.
સામાજિક અવ્યવસ્થાને વેગ આપવાના આરોપસર તેમની એકથી વધુ વખત ધરપકડ કરવામાં આવી હતી. તેને કારણે તેમણે અનેક શહેરોમાં રહેવું પડ્યું હતું. તેમણે દરેક વખતે નવા અનુયાયીઓને દીક્ષા આપી હતી અને પોતાનાં ચર્ચ માટે નવાં કેન્દ્રો બનાવ્યાં હતાં.
સ્મિથ પર 1844ની 25 જૂને હુલ્લડ ભડકાવવાનો આરોપ મૂકીને કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમની વધુ એક વખત ધરપકડ કરવામાં આવી હતી. તેમને કાર્ટાગો જેલમાં રાખવામાં આવ્યા હતા. બે દિવસ પછી એક સશસ્ત્ર ટોળું કાર્ટાગો જેલમાં ધસી ગયું હતું. સ્મિથે જેલની બારીમાંથી કૂદીને નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો અને રક્ષકોએ કરેલા ગોળીબારમાં તેમનું મોત થયું હતું.
તેમના મોતને સ્થાનિક અખબારોમાં એક ધાર્મિક કટ્ટરપંથીના મોત તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, પરંતુ મોર્મોન સમુદાય તેમને શહીદ ગણવા લાગ્યો હતો અને એ કારણે ચર્ચ ઑફ જિસસ ક્રાઈસ્ટ ઑફ લેટર-ડે સેઈન્ટ્સના વિકાસને વેગ મળ્યો હતો.
મોરેસના કહેવા મુજબ, “ચર્ચની સ્થાપના બાબતે ઘણા વિવાદ છે. તેના સમગ્ર ઈતિહાસમાં કોઈ મૂળ પુસ્તકને જોયું નથી તે હકીકતનો સમાવેશ થાય છે, પરંતુ સ્મિથ અત્યંત ધર્મપરાયણ જીવન જીવ્યા હતા અને તેમણે નવા ચર્ચની સ્થાપના કરી હતી. વિસંગતિઓ છતાં અનેક લોકો આખરે તેમાં જોડાયા હતા.”
એ પછી ચર્ચનું નેતૃત્વ બ્રિઘમ યંગના હાથમાં ગયું હતું. તેમણે અમેરિકન વેસ્ટમાં ખરા પ્રવાસ મારફત મોર્મોનનું વડપણ કર્યું હતું.
ચર્ચના સભ્યોએ આખરે સોલ્ટ લેક સિટીની સ્થાપના કરી હતી અને યૂટા રાજ્યમાં સ્થાયી થયા હતા, જયાં આજે મોટા ભાગના અનુયાયીઓ રહે છે અને ચર્ચનું હેડક્વાર્ટર આવેલું છે.
મોરેસના કહેવા મુજબ, “રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં લોકોની ઓળખના નિર્માણની કથા છે. એમની કથા છે, જેમને તેમના ધર્મનું પાલન કરવા બદલ સતાવવામાં આવ્યા હતા, એક જૂથની કથા છે, જેણે પોતાની આગવી ભૂમિનું નિર્માણ કર્યું હતું.”
મોરેસે ઉમેર્યું હતું, “એ લોકો મહાન અગ્રદૂતો જેવો વ્યવહાર કર્યો છે. તેઓ વફાદાર, મહેનતુ છે. તેઓ તેમની આવકનો દસમો હિસ્સો ધર્મ માટે દાન કરે છે. સમૃદ્ધિ મજબૂત સ્વરૂપે પ્રગટ થઈ અને તેણે ખાતરી કરાવી કે તેઓ સારી બાબતના પક્ષધર હતા. જે સાચું હતું, એ કરી રહ્યા હતા અને ઈશ્વરની સ્વીકૃતિ પ્રાપ્ત કરી રહ્યા હતા.”












