ચીનમાં પ્રતિબંધિત આધ્યાત્મિક આંદોલનની લોકપ્રિયતા દુનિયામાં કેમ વધી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેની વિન્સેટ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, તાઇપેઈ
એ સ્ત્રી કૃશકાય છે, ઉઘાડા પગે એક છત્રી નીચે અને એક પ્લાસ્ટિક શીટ પર ઊભી છે. પોર્ટેબલ એ ધ્યાન કરી રહી છે, જ્યારે સ્પીકરમાંથી ભક્તિ સંગીત અને આધ્યાત્મિક પ્રવચન સંભળાઈ રહ્યાં છે.
એ ફાલુન ગોંગ સાથેના ચીનના વર્તન સામે ઝુંબેશ ચલાવતી એકમાત્ર વિરોધપ્રદર્શનકર્તા છે. તેની પાછળની ઇમારત બીજિંગ સંપર્ક કાર્યાલયની છે. આ ઑફિસ હૉંગકૉંગમાં ચીની સરકારનું પ્રતિનિધિત્વ કરે છે.
એ સ્ત્રી સાથે વિરોધપ્રદર્શન કરવા બીજા ઘણા લોકો તૈયાર હતા, પરંતુ ચીને હૉંગકૉંગમાં 2020માં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદ્યો અને વિરોધી પર કાર્યવાહી કરવાનું સરળ બની ગયું હોવાથી એક અપવાદ સિવાય ફાલુન ગોંગ હવે વિરોધપ્રદર્શનની હિંમત કરતી નથી.
હકીકતમાં પોતે ફાલુન ગોંગના સભ્યો છે એવું ખુલ્લેઆમ સ્વીકારતા લોકોને શોધવા માટે આજકાલ આ દેશની બહાર પ્રવાસ કરવો પડે છે.

તાઇવાનની રાજધાની તાઇપેઇની બહાર એક ગંદી ઇમારતમાં ફાલુન ગોંગના અનુયાયીઓનું એક જૂથ ઉપરના માળે એક ઍપાર્ટમેન્ટમાં ધ્યાન કરી રહ્યું છે.
તેઓ ફાલુન ગોંગના સ્થાપક લી હોંગ ઝીના ઉપદેશો એકસાથે મોટા અવાજે બોલે છે. દીવાલ પર લી હોંગ ઝીનો ફોટો લટકી રહ્યો છે. તેમના શબ્દોથી ઓરડો ભરાઈ ગયો છે.
તાઇવાનના સ્વ-શાસિત ટાપુ પર અનુયાયીઓ ધરપકડના ડર વિના પોતાના સંપ્રદાયનું ખુલ્લેઆમ અનુસરણ કરી શકે છે.
આ આધ્યાત્મિક ચળવળને “દુષ્ટ સંપ્રદાય” ગણાવીને ચીનના સામ્યવાદી પક્ષે તેના પર પ્રતિબંધ મૂક્યો તેને બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફાલુન ગોંગનું કહેવું છે કે તેના અનુયાયીઓએ ચીનમાં સતામણીનો સામનો કરવો પડે છે. તેમની પાસે બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે અને તેમનાં અંગો કાઢી લેવાં માટે તેમની હત્યા સુધ્ધાં કરવામાં આવે છે.
ચીનના સત્તાવાળાઓ આ દાવાને નકારે છે, પરંતુ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે તે દાવાને વિશ્વસનીય ગણાવ્યા છે.
ડિસેમ્બર, 2018ના વચગાળાના એક ચુકાદામાં જાહેર કરવામાં આવ્યું હતું કે “ચીનમાં નીતિ-મૂલ્યોના કેદીઓનાં અંગો બળજબરીથી કાઢી લેવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના પીડિતોની સંખ્યા મોટી છે, એવું ટ્રિબ્યુનલના સભ્યો સર્વસંમતિથી અને નિઃશંકપણે માને છે.”
ફાલુન ગોંગને ચીની સરકારના સૌથી સંગઠિત વિરોધ પક્ષ તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એ શું છે?
ફાલુન ગોંગના એક સ્થાનિક તાઇવાની નેતા લિયાઓ કહે છે, “તે એક આધ્યાત્મિક ચળવળ અથવા આસ્થા છે. તેમાં ધાર્મિક ગતપાલન અને આત્મિક વિકાસ બન્નેનો સમાવેશ થાય છે.”
સંપ્રદાયના સ્થાપક લી હોંગ ઝીનો ઉલ્લેખ કરતાં એક નિવૃત્ત ઉદ્યોગપતિ મિસ્ટર વાંગ કહે છે, “અમે માનીએ છીએ કે તેઓ ભગવાન છે. તેઓ ઈસુ અથવા ભગવાન અથવા મોહમ્મદ જેવા છે. અમને લાગે છે કે તેમના જ્ઞાનનું સ્તર ઘણું ઊંચું છે.”
ફાલુન ગોંગ ચમત્કારિક છે..

ઇમેજ સ્રોત, Getty Images
મિસ્ટર વાંગ અને તેમનાં પત્ની ચેન એક દાયકાથી વધુ સમયથી ફાલુન ગોંગનું પાલન કરી રહ્યાં છે.
શ્રીમતી ચેન કહે છે, “ફાલુન ગોંગ ચમત્કારિક છે.” શ્રીમતી ચેન હેપેટાઈટિસ બીથી પીડાતાં હોવાનું નિદાન બે દાયકા પહેલાં થયું હતું.
ફાલુન ગોંગનાં સત્રોમાં હાજરી આપ્યાં પછી તેઓ માને છે કે તબીબી વિજ્ઞાન જે સમજાવવા માટે સંઘર્ષ કરે છે તેવી અનુભૂતિ તેમને થઈ છે. શ્રીમતી ચેનના જણાવ્યા મુજબ, તેમના સમગ્ર શરીરમાં ખંજવાળ આવે તેવાં લાલ ચાઠાં થઈ ગયાં હતાં, પરંતુ એ દૂર થવાની સાથે તેમની બીમારી પણ દૂર થઈ ગઈ હતી.
તેઓ કહે છે, “મને સમજાયું હતું કે માસ્ટર લીએ મારા શરીરને શુદ્ધ કર્યું છે. મારી બીમારીને દૂર કરવા બદલ હું માસ્ટર લીની ખરેખર આભારી છું. કૅન્સર સહિતના રોગોથી પીડાતા ઘણા લોકો ફાલુન ગોંગને લીધે સ્વસ્થ થાય છે.”
ફાલુન ગોંગ બીમાર લોકોને કેવી રીતે સ્વસ્થ કરી દે છે તેનો ટેકો આપતા કોઈ સ્વતંત્ર તબીબી પુરાવા ઉપલબ્ધ નથી.
“જે લોકો ફાલુન ગોંગનું પાલન કરે છે તેઓ બીમાર પડતા નથી. માસ્ટર લીએ અમને કહ્યું હતું કે તમે બીમાર પડો છો તે બીમારી નથી, પરંતુ તમારાં કર્મ છે. તમારે સાજા થવા માટે દવા લેવાની જરૂર નથી. કોઈ જ જરૂર નથી.”
ચીની સામ્યવાદી પક્ષનું કહેવું છે કે આ પ્રકારના ઉપદેશો ફાલુન ગોંગને વધુ ખતરનાક બનાવે છે.
ફાલુન ગોંગ કહે છે કે આ ચળવળની બદનામી માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા દુષ્પ્રચાર અભિયાનનો શિકાર તે બન્યું છે, પરંતુ સંસ્થાપક લી હોંગ ઝી અને આ સંપ્રદાયના આરોગ્ય વિશેના ઉપદેશોની ટીકા કરતા લોકોની સંખ્યા વધી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ફાલુન ગોંગના ભૂતપૂર્વ સભ્ય સેમે તેમની ખરી ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, “સારવાર ન લેવાને લીધે સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે એ હું જાણું છું. હું કહીશ કે ફાલુન ગોંગના ઉપદેશોનું અનુસરણ ન કર્યું હોત તો એ પૈકીના ઘણા લોકો આજે જીવતા હોત.”
ઉત્તર-પૂર્વ ચીનમાં 1992માં સ્થપાયેલા ફાલુન ગોંગને એક સમયે ચીની સત્તાવાળાઓએ સમર્થન આપ્યું હતું. તેમણે આ ચળવળને આરોગ્ય માટે મદદરૂપ ગણી હતી.
સંકલિત શરીર-મુદ્રા તથા મૂવમેન્ટ, શ્વાસ અને ધ્યાનની અત્યંત લોકપ્રિય પરંપરાગત ચીની પ્રણાલી કિન્ગોગ માટેના ક્રેઝમાંથી તેનો ઉદભવ થયો હતો.
ફાલુન ગોંગે સામ્યવાદી પક્ષ કરતાં પણ પોતાના વધુ સભ્યો હોવાનો દાવો 90ના દાયકામાં કર્યો હતો. તેના સ્થાપકના 1999ના અનુમાન મુજબ, ફાલુન ગોંગના વિશ્વભરમાં લગભગ 10 કરોડ અનુયાયી હતા.
જોકે, લોકશાહીની આસપાસના મુદ્દાઓ પર રાજકીય હિમાયત માટે સૌથી વધુ જાણીતા અમેરિકાના સ્વયંસેવી સંગઠન ફ્રીડમ હાઉસના જણાવ્યા અનુસાર, આજે પણ મેઇનલૅન્ડ ચીનની અંદર બેથી ચાર કરોડ લોકો નિયમિત રીતે ફાલુન ગોંગને ખાનગી રીતે અનુસરતા હોવાનું માનવામાં આવે છે.
સરકારની દખલગીરી અને સંપ્રદાયની કથિત સતામણી સામે હજારો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. તેના અનુસંધાને સરકારે ક્રૂર પગલાં લેવાનું શરૂ કર્યું હતું.
સામ્યવાદી પક્ષે દાવો કર્યો હતો કે ફાલુન ગોંગ આંદોલન સમાજ માટે જોખમી છે, પરંતુ ટીકાકારો કહે છે કે ફાલુન ગોંગની લોકપ્રિયતા અને પ્રભાવથી સરકાર ડરી ગઈ હતી અને તે આ આધ્યાત્મિક પંથને નાબૂદ કરવા કૃતનિશ્ચય હતી.
ફાલુન ગોંગ દાવો કરે છે કે વિશ્વભરના લગભગ 30 દેશોમાં તે પ્રૅક્ટિસ કરવામાં આવે છે અને તેના ઉપદેશોનું 40 ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે, પરંતુ તેના પોતાના દેશમાં એ ચારે બાજુથી ઘેરાયેલી છે.
મિસ્ટર વાંગ કહે છે, “અમે માનીએ છીએ કે સામ્યવાદી પક્ષ દુષ્ટ છે. તેથી જ તેણે ફાલુન ગોંગને દબાવી દીધી છે.”
ફાલુન ગોંગને ચીન કેમ ખતરનાક ગણે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ આંદોલન ખતરનાક છે, કારણ કે તે તેના સભ્યોને દવા ન લેવાનું શીખવે છે, એવા સામ્યવાદી પક્ષના દાવાને પણ ફાલુન ગોંગ નકારી કાઢે છે.
એક સ્થાનિક નેતા મિસ્ટર લિયાઓ કહે છે, “રોગનાં કારણો વિશેની અમારી સમજ ઘણા લોકો કરતાં અલગ હોઈ શકે છે. એકંદરે આપણને એવું શીખવાડવામાં નથી આવતું કે આપણે હૉસ્પિટલે ન જવું જોઈએ.”
તેઓ ઉમેરે છે, “બીમારી એ ખરાબ કર્મનું પરિણામ છે અને ખરાબ કર્મ એ અન્ય લોકો માટે કશુંક ખરાબ કરવાનું પરિણામ છે. એ કંઈક એવું છે, જે તમારે નૈતિક રીતે ન કરવું જોઈએ.”
મિસ્ટર વાંગના કહેવા મુજબ, “લોકો મૃત્યુ પામતા રહે છે. તમે રાષ્ટ્રપતિ હો કે શક્તિશાળી વ્યક્તિ હો તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક વ્યક્તિ બીમાર પડે છે. માંદગી એક પ્રકારનું કર્મ છે. તમે આ પૃથ્વી પર આવો છો ત્યારથી તમે બીમાર પડતા રહો છો. દવા લેવાનો કોઈ ફાયદો નથી.”
સેમ કહે છે, “આ બે અત્યંત ઓછી વિશ્વસનીય સંસ્થાઓ વચ્ચેની દલીલ છે. સામ્યવાદી પક્ષે ફાલુન ગોંગની કેટલીક વાજબી ટીકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ એ પછી ઘણી બધી બાબતોમાં વિભાજિત થઈ ગઈ હતી, જેના પર ભરોસો કરવાનું મને મુશ્કેલ લાગે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ ઉમેરે છે, “ફાલુન ગોંગ પોતાને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન એવા લોકોનું જૂથ ગણાવે છે કે જેઓ ફક્ત પોતાનું કામ કરવા માગે છે. ફક્ત આધ્યાત્મિક પ્રગતિ કરવા માગે છે, પરંતુ હકીકતમાં એવું નથી. ફાલુન ગોંગ ખૂબ જ ચુસ્તપણે નિયંત્રિત સંસ્થા છે.”
તેઓ ફાલુન ગોંગના સ્થાપક લી હોંગ ઝીની ટીકા પણ કરે છે. લી હોંગ ઝી અમેરિકામાં રહેતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ એકલા નથી.
વિદ્વાનો દાવો કરે છે કે લીના મોટા ભાગના સાક્ષાત્કારિક ઉપદેશો લોકપ્રિય સાયન્સ ફિક્શનમાંથી ઉઠાવવામાં આવ્યા છે.
ફાલુન ગોંગના ઉચ્ચ ઉપદેશો પૃથ્વી પરના બાહ્ય-પાર્થિવ જીવનની વાતો કરે છે અને દાવો કરે છે કે તેના સભ્યો “બાહ્ય અવકાશ”માં પાછા ફરવાની યાત્રા પર છે.
જોકે, તેમાં આસ્થા ધરાવતા લોકો માટે તે આટલું કાલ્પનિક નથી, જેટલું તે લાગે છે.
મિસ્ટર લિયાઓ કહે છે, “પૃથ્વી એ ગંતવ્ય સ્થાન નથી, જ્યાં દરેક વ્યક્તિએ કાયમ માટે રહેવું જોઈએ.”
“અમે માનીએ છીએ કે આપણે અલગ-અલગ જગ્યાએથી અહીં આવ્યા છીએ અને આપણો અહીં રહેવાનો ઉદ્દેશ આત્મિક વિકાસનો છે. એ પછી આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા ફરી શકીએ.”
(સેમની ઓળખ ગુપ્ત રાખવા માટે તેનું નામ બદલવામાં આવ્યું છે)












