જમશેદપુર: કેવી રીતે એક ગામડું 'તાતાનગર' બની ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મૂળ ગુજરાતીએ દેશના પૂર્વના છેડે દેશનો પહેલો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાનું સપનું જોયું, જે તેના મૃત્યુ પછી સાકાર થયું અને ઔદ્યોગિક એકમની આજુબાજુમાં નવી અર્થવ્યવસ્થા અને નગરે આકાર લીધો.
આગળ જતાં નગરને કંપનીના સ્થાપકનું નામ 'જમશેદપુર' મળ્યું અને કંપનીના નામના આધારે તે 'તાતાનગર' તરીકે પણ ઓળખાય છે. જે દેશનું પ્રથમ આયોજિત ઔદ્યોગિકનગર છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઝારખંડની હેમંત સોરેન સરકારે બંધારણીય જોગવાઈઓ મુજબ ઔપચારિક રીતે ઔદ્યોગિક શહેરનો વહીવટ તાતા જૂથને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે.
જમશેદપુરનો વહીવટ ખાનગી કંપની પાસેથી લઈને મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે સર્વોચ્ચ અદાલત જાન્યુઆરી-2024માં ચુકાદો આપે તેવી શક્યતા છે.
ત્યારે, એક નજર કરીએ દેશના 'સ્ટીલ સિટી'ની સ્થાપના અને સમય સાથે તેમાં આવેલાં પરિવર્તન પર.
એક ગામડું જ્યારે નગર બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઉદ્યોગપતિ જમશેતજી તાતાનો જન્મ માર્ચ-1839માં વર્તમાન ગુજરાતના નવસારી ખાતે થયો હતો. તેમણે યુરોપ, અમેરિકા સહિત અનેક દેશોના પ્રવાસ ખેડ્યા હતા અને તેમને લાગતું હતું કે ભારતમાં સ્ટીલની ફેકટરી સ્થાપવી જોઈએ.
સિંહભૂમ જિલ્લાના ગૅઝેટિયરમાં કંપનીની સ્થાપના સમયની વિગતો નોંધવામાં આવેલી છે, (પૃષ્ઠ 288-325) જે મુજબ :
વર્ષ 1910ના સિંહભૂમ જિલ્લાના ગૅઝેટિયરમાં સ્ટીલ સિટી કે કંપની વિશે ઉલ્લેખ નથી. કાલીમટી ગામમાં 25 પાક્કા બાંધકામનો ઉલ્લેખ છે, જેનો ઉપયોગ તાતા દ્વારા ફેકટરી માટે કરવામાં આવશે અને તેનાથી ત્રણ હજાર શ્રમિકોને રોજગાર મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના સ્ટીલઉદ્યોગનો પાયો નાખનારા ઍન્ડ્રુ કાર્નેગી તથા માઇનિંગ એંજિનિયર સી.એમ. વિલ્ડની ભલામણથી ટાટા કંપનીએ અમેરિકાના ચાર્લ્સ પેજ પેરિનની સેવાઓ લેવાનું નક્કી કર્યું હતું. વર્ષ 1859માં દેશનો પહેલો 'જિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા' પ્રકાશિત થયો હતો.
શરૂઆતના વર્ષોમાં તાતા જૂથે ખનીજ સંપદાના આધારે મધ્ય ભારતના ચંદા જિલ્લાની આસપાસ લોખંડની અયસ્ક માટે તપાસ અને સંશોધન હાથ ધર્યાં હતાં, પરંતુ ત્યાં કોલસાની ઉપલબ્ધતા ન હતી, એટલે તેના વિશેનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. જીએસઆઈના ભારતીય અધિકારી પીએન બોઝના સૂચનથી તેમણે પૂર્વ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
દોરાબજી જમશેતજી તાતા, સાપોરજી સકલાતવાલા અને શ્રીનિવાસ રાવ આદર્શ સાઇટની શોધ માટે દિવસો સુધી બિહાર અને ઓડિશાનાં જંગલોમાં ફરતા અને તંબુઓમાં રાત વિતાવતા. તેમને સ્થાનિકોના પૂર્વાગ્રહનો પણ સામનો કરવો પડતો. છેવટે સુવર્ણરેખા અને ખરકઈ નદીના કિનારે આવેલા સ્થળે તેમની શોધનો અંત આવ્યો હતો.
એક વ્યક્તિ, ચાર ધ્યેય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કહેવાય છે કે જમશેતજી તાતાએ જીવનમાં ચાર ધ્યેય સેવ્યાં હતાં, જેમાંથી તેમના જીવનકાળ દરમિયાન માત્ર એક જ સાકાર થવા પામ્યું હતું. તેઓ એક સ્ટીલ પ્લાન્ટ, વિશ્વકક્ષાની શૈક્ષણિકસંસ્થા, હોટલ અને હાઈડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટની સ્થાપના કરવા માગતા હતા. જેમાંથી તેમના જીવનકાળ દરમિયાન બૉમ્બેની તાજમહેલ હોટલનું એકમાત્ર સપનું પૂર્ણ થવા પામ્યું હતું.
"એ વાતનું ધ્યાન રાખજો કે રસ્તા ખૂબ જ પહોળા હોય અને તેની બંને બાજુએ છાંયડો આપે તેવાં ઘટાદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે. એ વાતની ખાતરી કરજો કે લોન બગીચા માટે પૂરતી જગ્યા રાખવામાં આવે. ફૂટબૉલ-હૉકી અને પાર્ક માટે મોટી જગ્યા અનામત રાખજો. મંદિર, મસ્જિદ અને ચર્ચ માટે જગ્યા ફાળવજો."
વર્ષ 1907માં સાઇટ નક્કી થઈ, તેનાં પાંચ વર્ષ પહેલાં જમશેતજી તાતાએ પ્રસ્તાવિત 'સ્ટીલ સિટી' માટે આ રૂપરેખા વિચારી હતી અને આ વાતો લખી હતી. વર્ષ 1904માં તેમના અવસાન પછી આ કલ્પનાને સાકાર કરવાની જવાબદારી તેમના દીકરા દોરાબજી ઉપર આવી હતી.
વર્ષ 1910માં કંપનીએ કોલસાની ખાણ પણ હસ્તગત કરી, જેથી કરીને ઊર્જાની જરૂરિયાતો પૂરી થઈ રહે. વર્ષ 1911માં ભઠ્ઠી ચાલુ થઈ અને પછીના વર્ષથી ઉત્પાદન શરૂ થયું. વર્ષ 1912માં બીજી ભઠ્ઠી પણ શરૂ થઈ અને કામ માટે આઠ કલાકની મર્યાદા નક્કી કરવામાં આવી.
પ્લાન્ટના એંજિનિયરો તથા ઉચ્ચ અધિકારીઓ માટે બંગલાઓની અને કર્મચારીઓને માટે ઘરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની સંરચના આલેખાકારની હતી. રહીશોના આરોગ્ય તથા બીજી સુવિધાઓની જવાબદારી કંપનીએ જ ઉપાડી હતી.
જોતજોતામાં તે ધમધમતું ઔદ્યોગિકનગર બની ગયું હતું, જેમાં હજારો લોકો નિવાસ કરતા હતા. સ્ટીલની હેરફેર માટે રેલવેલાઇન પણ નખાઈ ગઈ હતી. તાતા સ્ટીલ દ્વારા પ્રકાશિત માહિતીપુસ્તિકા 'જમશેદપુર'માંથી ઉપરોક્ત વિગતો લેવામાં આવી છે.
ગૅઝેટિયરના ઉલ્લેખ પ્રમાણે, શરૂઆતનાં વર્ષોમાં તત્કાલીન અંગ્રેજ સરકાર ખાનગી કંપની દ્વારા સ્ટીલ પ્લાન્ટ નાખવામાં આવે તે વિચારથી સહજ ન હતી, પરંતુ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ગાડી, તોપગોળા તથા અન્ય જરૂરિયાતો માટે તાતાએ સ્ટીલ પૂરું પાડ્યું હતું, જેના કારણે સરકારનું વલણ બદલાયું હતું.
2 જાન્યુઆરી, 1919ના રોજ તત્કાલીન વાઇસરૉયે સાગચીને તેના સ્થાપકના આધારે જમશેદપુર એવું નામ આપ્યું. આ સિવાય ઔદ્યોગિક એકમને કારણે તે તાતાનગર તરીકે પણ ઓળખાય છે.
પ્રારંભિક વર્ષોમાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર અંગ્રેજ કે શ્વેત લોકોનું પ્રભુત્વ હતું, તેના સ્થાને ભારતીયોને પ્રાધાન્ય મળે તે માટે જમશેદપુરમાં જ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. આયાતીના બદલે સ્વદેશી પ્રૌદ્યોગિકી ઉપર ભાર મૂકવામાં આવ્યો.
એક વ્યક્તિની અજોડ ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1938માં જહાંગીર રતનજી દાદાભોય એટલે કે જેઆરડી તાતાએ જૂથની કમાન સંભાળી. આ પહેલાં વર્ષ 1932માં કરાચીથી બૉમ્બે વાયા અમદાવાદની વિમાનઉડ્ડાણ ભરીને તેઓ દેશ-વિદેશના મીડિયામાં છવાઈ ગયા હતા.
વર્ષ 1939માં ઇંગ્લૅન્ડમાં ભણેલ રૂસી મોદી નામનો પારસી યુવક રૂ. એકસોના માસિક પગારથી નોકરી શરૂ કરી. જે કંપનીને નવી ઊંચાઈ પર લઈ જવાનો હતો.
વર્ષ 1939માં હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વિસ્તારમાં તાતા જૂથે કેમિકલ કંપનીની સ્થાપના કરી. જમશેદપુરની જેમ આ વિસ્તારમાં પણ ઔદ્યોગિક નગર ઊભું થઈ ગયું, જે મીઠાપુર તરીકે ઓળખાય છે. બીજી બાજુ, આ અરસામાં તાતા લૉકોમૉટિવ અને તાતા ટીન પણ જમશેદપુરમાં જ સ્થપાયાં.
કંપનીએ યુદ્ધવાહનોનું પણ નિર્માણ કર્યું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં જ કંપની સાર્વજનિક બની હતી. આઝાદી પછી નવા દેશના નિર્માણ માટે સ્વાભાવિક રીતે લોખંડની જરૂરિયાત પડવાની હતી, જેનો લાભ કંપનીને થયો.
ડાયરેક્ટર-ઇન-ચાર્જ એસ. કે. નાણાવટી વર્ષ 1967માં તાતાના જમશેદપુર પ્લાન્ટ ખાતે IBM 1401 કમ્પ્યૂટર લાવ્યા હતા. જેઓ વર્ષ 1970માં મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા.
વર્ષ 1974માં કંપની સાથે જોડાયાના લગભગ 35 વર્ષ પછી હવે રૂસી મોદી એમડી બન્યા હતા અને કંપનીની ડ્રાઇવિંગ સીટ પર હતા. તેમના કાર્યકાળ દરમિયાન 16 જેટલી અલગ-અલગ કંપનીઓનું એકીકરણ થયું હતું.
વર્ષ 1980થી 1987 દરમિયાન સ્ટીલનો ઉત્પદાનખર્ચ વધી રહ્યો હતો, ત્યારે તેમણે કંપની છોડનાર કર્મચારીઓને નિવૃત્તીની વય એ વખતે મળતો હોય તેટલો જ પગાર આપવાની જોગવાઈ કરી હતી, ચાહે તે બીજે કેમ નોકરી ન લે!
કામદાર સંગઠનોના વિરોધ વગર કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કામ મોદીએ સુપેરે પાર પાડ્યું હતું. જે એચઆર માટે ઉદાહરણરૂપ છે. કહેવાય છે કે મોદીના કાર્યકાળ દરમિયાન એક પણ વખત યુનિયને હડતાલ નહોતી પાડી.
આ સિવાય તેમના કાર્યકાળ દરમિયાન કંપનીએ આધુનિક મશીનરી વસાવી હતી. જેના કારણે પછીનાં વર્ષોમાં ખર્ચ ઘટ્યું હતું અને ઉત્પાદન વધ્યું હતું.
કૉર્પોરેટ કિવદંતી છે કે તેમને તત્કાલીન ટિસ્કોના 80 હજાર જેટલા કર્મચારીઓનાં નામ મોઢે હતાં અને તેમની સાથે નામજોગ વાત કરતા. દેશ-વિદેશનાં અલગ-અલગ સ્થળોના સ્ટીલ પ્લાન્ટ્સની મુલાકાત લેતા, જેના કારણે જ્વલ્લે જ તેમણે કોઈ એક સ્થળે ત્રણ રાતથી વધુનો સમય વીતાવ્યો હતો.
જેઆરડી તાતાએ ટિસ્કોમાં મોદીને છૂટોદોર આપ્યો હતો, જેનો દુરુપયોગ કરવાના પણ મોદી ઉપર આરોપ લાગ્યા હતા. મોદી ઉપર માનીતાઓને આગળ કરવાના તથા કંપનીના પૈસાનો દુરૂપયોગ કરવાના આરોપ લાગ્યા, જેને રૂસી મોદીએ નકાર્યા હતા.
એપ્રિલ-1993માં જેઆરડીએ તાતા જૂથની કમાન રતન તાતાને સોંપી. જેમણે 'મીઠાથી મોટરગાડી' સુધીની જૂથની તમામ કંપનીઓમાં એકિકૃત ઓળખ અને કાર્યપદ્ધતિ લાગુ કરવાનો પ્રયાસ કર્યો.
આ માટે તેમણે જૂના જોગીઓના વિરોધનો સામનો કરવો પડ્યો, જેમાં ટિસ્કોના રૂસી મોદી પણ સમાવિષ્ટ હતા. મોદીને ટિસ્કોમાંથી તેમને 'અસન્માનીય રીતે' હઠાવી દેવામાં આવ્યા હોવાની મીડિયામાં ચર્ચા થઈ. એજ વર્ષે ગણતરીના મહિનામાં જેઆરડીનું અવસાન થયું.
વર્ષ 2014માં રૂસી મોદીનું અવસાન થયું, ત્યારે તેમને રતન તાતાએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, 'તાતા સ્ટીલમાં રૂસી મોદી એક સંસ્થાન જેવા હતા.'
વર્ષ 2005માં ટિસ્કોને નવું નામ તાતા સ્ટીલ મળ્યું. રતન તાતાના નેતૃત્વમાં કંપનીએ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓનું અધિગ્રહણ કર્યું, જેમાં સિંગાપોરની નેશનલ સ્ટીલ, થાઇલૅન્ડની મિલેનિયમ સ્ટીલ અને યુકેસ્થિત કોરસ સ્ટીલ નોંધપાત્ર છે. કોરસના અધિગ્રહણને કારણે કંપનીની ઉપર દેવાનો બોજો વધ્યો, પરંતુ તેને પશ્ચિમી દેશોમાં પગપેસારો કરવાનો મોકો મળ્યો.
મે-2016માં જમશેદપુરની જેમ જ ઓડિશામાં કલિંગનગર ઇન્ટિગ્રૅટેડ સ્ટીલ પ્લાન્ટની શરૂઆત કરી, જેના કારણે અન્ય કંપનીઓની સરખામણીમાં ઉત્પાદનખર્ચનો લાભ થયો છે.
જમશેદપુર અત્યારે
કહેવાય છે કે ઇંદિરા ગાંધી અને પછી મોરારજી દેસાઈએ પણ તાતા સ્ટીલના રાષ્ટ્રીયકરણના પ્રયાસ કર્યા હતા, પરંતુ યુનિયનના દબાણને કારણે આમ કરી શક્યા નહોતા.
તાજેતરનાં વર્ષોમાં કંપનીએ 'ભૂષણ સ્ટીલ', 'ઊષા માર્ટિન'ના સ્ટીલના એકમ તથા 'નીલાંચલ ઇસ્પાત'નું અધિગ્રહણ કર્યું છે.
ભારત ઉપરાંત યુરોપ અને પૂર્વ એશિયાનાં એકમો દ્વારા 35 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરે છે. પાંચ ખંડમાં લગભગ 77 હજાર કર્મચારી કામ કરે છે અને કંપની વર્ષ 2045 સુધીમાં 'નેટ ઝીરો કાર્બન કંપની' બનવાનું લક્ષ્યાંક રાખે છે.
તાતા સ્ટીલ અને જમશેદપુરનો ઇતિહાસ સમાંતર ચાલે છે. તાતા પાવર, તાતા મોટર, તાતા કમિન્સ, તાતા કન્સ્લ્ટિંગ એંજિનિયર્સ લિમિટેડ, તાતા રૉબિન્સ અને તાતા કન્સ્લટન્સી જેવા કંપનીનાં એકમો અહીં સક્રિય છે.
વર્ષ 2000માં બિહારમાંથી અલગ ઝારખંડનું ગઠન થયું. હાલમાં જમશેદપુર એ પૂર્વ સિંહભૂમ જિલ્લાનું વહીવટી કેન્દ્ર છે. 'નૉટિફાઇડ એરિયા ઑથૉરિટી'ની વ્યવસ્થા હેઠળ તેનો વહીવટ ચાલે છે.
શહેરની માહિતી પુસ્તિકામાં તાતા સ્ટીલ દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડા પ્રમાણે, જમશેદપુર 64 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. જેનો લગભગ 37 ટકા વિસ્તાર હરિયાળીથી ઢંકાયેલો છે. જ્યાંનો સાક્ષરતા દર 86 ટકા જેટલો છે.
શહેરમાં 700 કિલોમીટરથી વધુના રસ્તા ફેલાયેલા છે. સિવરલાઇનની લંબાઈ 475 કિલોમીટર તથા ડ્રેનેજ લાઇનની લંબાઈ 900 કિલોમીટર છે.
લગભગ 10 લાખ કરતાં વધુની વસતિમાં તાતા જૂથના કર્મચારીઓ અને પરિવારોની વસતિ લગભગ 25 ટકા જેટલી છે. કુલ વસતિના લગભગ 30 ટકા વસતિ હો, સંથાલ અને મુંડા જેવા આદિવાસી સમુદાયની છે, જેઓ અહીં સદીઓથી નિવાસ કરે છે.
તાતા જૂથ હસ્તકની વિમાન કંપની ઍર ઇન્ડિયાનું વર્ષ 1953માં રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું હતું અને લગભગ 70 વર્ષ પછી વર્ષ 2022માં કંપનીએ ફરી તેનો કબજો સંભાળ્યો હતો. હવે જમશેદપુરના કિસ્સામાં સમય તેનું ચક્ર પૂર્ણ કરશે કે કેમ તેનો આધાર ઝારખંડ સરકારના વલણ અને અદાલતના ચુકાદા ઉપર રહેશે.












