ગુજરાત : દારૂની પરમિટ માટે ડૉક્ટર ભલામણ ક્યારે કરે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં 'કેટલીક છૂટ' અપાઈ છે. આ નિર્ણય ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઇન ઍૅન્ડ ડાઇન' સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવાયો છે.
આ નિર્ણય બાદ ગુજરાતમાં ફરી એક વાર દારૂબંધી અને દારૂ અંગેની ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાં દારૂબંધી છે, પણ સમયાંતરે ગુજરાતમાંથી ગેરકાયદેસર દારૂ મળી આવતો હોવાના અહેવાલ આવતા રહે છે. ગુજરાત વિધાનસભામાં પણ રાજ્યમાં પકડાયેલા દારૂના જથ્થાના સત્તાવાર આંકડા રજૂ કરવામાં આવે છે.
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ કેટલાક નિયમોને આધારે જે તે વ્યક્તિને દારૂ પીવાની પરમિટ પણ આપવામાં આવે છે. જોકે, દરેક વ્યક્તિને આ છૂટ મળતી નથી, પણ કેટલાક કિસ્સામાં નિયમોને આધારે છૂટ મળે છે.
નોંધનીય છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં આરોગ્યના આધારે પણ રાજ્યમાં અપાતી પરમિટની સંખ્યામાંભારે વધારો જોવા મળ્યો છે.
ગુજરાત રાજ્યમાં વસતા લોકો માટે (મુંબઈ વિદેશી દારૂ નિયમ, 1953ના નિયમ 64 હેઠળ) આરોગ્ય સંદર્ભે દારૂની પરમિટની જોગવાઈ કરાયેલી છે. જેમાં વ્યક્તિ ‘પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગ માટે’ સ્વાસ્થ્ય પરમિટ અપાય છે.
આ પરમિટ મેળવવા માટે નિયત ફૉર્મમાં અરજી સાથે પોતાના ‘કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર’ પણ મેળવવાનું હોય છે.
પરંતુ આખરે ડૉક્ટરો આ પ્રકારની પરમિટ માટેનું પ્રમાણપત્ર કેવી રીતે આપે છે, એ માટે શું ચેક કરે અને કઈ તપાસ કરે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર દારૂ પીવાની સલાહ ક્યારે આપે?

ઇમેજ સ્રોત, STOCK PHOTO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના એક વરિષ્ઠ ડૉક્ટર નામ ન આપવાની શરતે ‘દવા તરીકે દારૂ’ના ઉપયોગ અંગેની માન્યતાઓ અંગે સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, "તબીબી ઇતિહાસમાં એવો કોઈ રોગ નથી કે જેમાં દવા તરીકે દારૂની જરૂર પડે, પણ જયારે દર્દીને દારૂ પીવો જ હોય અથવા એ કહે કે તેમને કોઈ વાતનો તણાવ, બેચેની, ડિપ્રેશન કે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તેમને પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે."
તેઓ કહે છે કે, "થોડા પ્રમાણમાં દારૂ લેવાથી તે તમને આરામદાયક ઊંઘ લાવવામાં મદદ કરે છે અને વ્યક્તિ તણાવમુક્ત રહે છે. આ સિવાય કદી પણ, કોઈ પણ બીમારીમાં દારૂનું સેવન કરવાની જરૂર નથી, ન કોઈ ડૉક્ટર આવું કરવાનું સૂચવે છે."
દારૂ અને તેના અનુમાનિત સ્વાસ્થ્યસંબંધી લાભો અંગે વાત કરતાં અન્ય એક અનુભવી ડૉક્ટર નામ ન આપવાની શરતે કહે છે કે, “ઘણી વાર દર્દીના હૃદયની નળીમાં કૉલેસ્ટ્રોલનું બ્લોકેજ હોય તો કદાચ ડૉક્ટર તેનું સ્તર પાતળું કરવા માટે દારૂ મર્યાદિત માત્રામાં લેવાનું કહી શકે છે, જેને મેડિકલ ભાષામાં વેન્ટ્રિક્યુલેટ ડાયલેશન કહે છે. આ સિવાય જો ઊંઘ ન આવતી હોય તો એ માટે પણ દારૂનું અમુક માત્રામાં સેવન કરવાનું કહીએ છીએ, જેને સ્લીપ ઇન્ડ્યુસિંગ દવા કહેવાય છે."
દારૂ પીવાથી કોઈ માંદગી કે આરોગ્ય સંબંધિત સમસ્યામાં લાભ થતા હોવાની માન્યતા અંગે સ્પષ્ટતા કરવા માટે બીબીસી ગુજરાતીએ દિલ્હીની મૅક્સ હૉસ્પિટલના ડૉક્ટર પંકજ ચતુર્વેદી સાથે વાત કરી હતી.
તેઓ દારૂથી કોઈ પણ પ્રકારની માંદગીમાં લાભ ન થતો હોવાની વાત કરે છે.
“દારૂ પીવાથી ફાયદો થતો હોય એવું કોઈ સંશોધનથી સાબિત નથી કરી શકાયું. એ એક કૅન્સરકારક પીણું છે. એટલે તેનું ગમે તેટલી નજીવી માત્રામાં સેવન કરવું પણ હાનિકારક છે."
તેઓ આ બાબતે આગળ વાત કરતાં કહે છે કે, “માત્ર જ્યારે વ્યક્તિ દારૂ પીવાની ટેવવાળી હોય અને તેમનાથી આ વ્યસન છોડવું અશક્ય બની ગયું હોય ત્યારે જ ડૉક્ટર ઓછા પ્રમાણમાં દારૂ પીવાનું કહી શકે છે. જોકે, એ વાત પણ ખોટી છે. કારણ કે બજારમાં તમામ પ્રકારની દવા ઉપલબ્ધ છે. આ દવા દર્દીને તાત્કાલિક દારૂથી દૂર રહેવામાં મદદરૂપ બને છે. તેથી દારૂની ગમે તેવી બીમારીમાં કોઈ જ જરૂરિયાત હોતી નથી.”
અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. દુર્ગેશ મોદી આ વિશે વાત કરતાં કહે છે કે, "વર્ષો પહેલાં જયારે દવામાં આજ જેવી શોધ નહોતી થઈ, ત્યારે ડૉક્ટરો ખાંસી જેવા રોગો માટે નિર્ધારિત પ્રમાણમાં દારૂ લેવાની પરવાનગી આપતા. પરંતુ આજે દરેક બીમારી માટે શ્રેષ્ઠ દવા ઉપલબ્ધ છે, તેથી અમે ક્યારેય કોઈનેય દારૂ માટેની ભલામણ લખી નથી આપતા.”
નોંધનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર દારૂનું થોડું પણ સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી.
ડૉ. કેરિના ફેરેરા-બોર્જેસ વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના દારૂ અને ગેરકાયદેસર દવાઓ માટેની કચેરીના પ્રાદેશિક સલાહકાર છે. તેઓ કહે છે કે, "અમે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં દારૂ પીવાની સલાહ આપતા નથી. તમે કેટલો દારૂ પીઓ છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. દારૂ પીવાથી શરીર માટે તેનું જોખમ પહેલા ટીપાથી શરૂ થઈ જાય છે. માત્ર એટલું છે કે જેટલો વધુ દારૂ પીશો એટલો એ તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થશે."
જોકે, આ બાબતે સ્વાસ્થ્યના આધારે દારૂની પરમિટ મેળવવા માટે મેળવવું પડતું તબીબી પ્રમાણપત્ર આપવાની સત્તા ધરાવતા અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ દારૂ પીવાની તબીબી સલાહના આધારો અંગે વાત કરવાની ના પાડી દીધી હતી.
અહીં એક રસપ્રદ વાતની નોંધ લેવા જેવી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રમાણે વડોદરાના એક રહેવાસીએ ગુજરાત સરકાર પાસેથી માહિતીના અધિકારનો ઉપયોગ કરીને પૂછ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કઈ બીમારીમાં દારૂ પીવાની પરવાનગી અપાય છે. આ અરજીના જવાબમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, “ગુજરાત સરકારે આવી કોઈ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી નથી.”
એટલે કે કઈ બીમારીમાં દારૂ પીવાની પરવાનગી અપાય એ માટેની કોઈ ‘ચોક્કસ સરકારી માર્ગદર્શિકા’ નથી.
ગુજરાતમાં રહેતી વ્યક્તિ માટે પરમિટ માટેના કેટલાક નિયમો

ઇમેજ સ્રોત, istock
- અરજદાર વ્યક્તિની ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
- દારૂની પરમિટ લેનાર વ્યક્તિની માસિક આવક રૂપિયા 25,000 કરતાં વધુ હોવી જોઈએ.
દારૂની પરમિટ માટેનું ફૉર્મ ક્યાંથી મળે?
દારૂની પરમિટ માટેનું ફૉર્મ (વિનામૂલ્યે) જે તે જિલ્લાની કચેરીમાંથી મળી શકશે.
પ્રોસેસ ફી (રૂપિયા 2,000) અને આરોગ્ય તપાસણીની ફી (રૂપિયા 2,000) નક્કી કરેલી છે.
પરમિટ મળ્યા બાદ વાર્ષિક ફી 2,000 રૂપિયા પણ ભરવાના રહેશે.
દારૂની પરમિટ માટે અરજી કેવી રીતે કરવી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જે વ્યક્તિએ દારૂની પરમિટ મેળવવી હોય એણે નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે.
અરજદારે અરજીની સાથે પોતાના પરિવારિક તબીબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
તેમજ પોતાની ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને આવક દાખલો આપવાનો રહેશે.
આ સિવાય અરજદારને જે કંઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય એ માટેની સારવાર, તેના પુરાવા, રિપોર્ટ વગેરે રજૂ કરવાના રહેશે.
પરમિટમાં કેટલો દારૂ મળે?
નશાબંધી અને આબકારી વિભાગની માહિતી અનુસાર, આ પ્રમાણે અરજી કર્યા બાદ અરજીનો એક માસમાં નિકાલ કરી દેવામાં આવે છે.
પરમિટ મળ્યા બાદ પછી કેટલા પ્રમાણમાં દારૂ મળે એની પણ વિગતો આપવામાં આવેલી છે.
- ઉંમરમાં 40 વર્ષથી વધુ અને 50 વર્ષ સુધીમાં દર મહિને ત્રણ યુનિટ દારૂ મળે છે.
- 50 વર્ષથી વધુ અને 65 વર્ષ સુધીની ઉંમરમાં ચાર યુનિટ.
- 65 વર્ષથી વધુ વયના અરજદારને પાંચ યુનિટ દારૂ મળે છે.
- પરમિટની મુદત, નિયમોને અધીન એરિયા મેડિકલ બોર્ડ દ્વારા કરાયેલી ભલામણ સુધી રહે છે.
ગુજરાતમાં બીજા કોને દારૂની પરમિટ મળી શકે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાતમાં દારૂની પરમિટ મુખ્યત્વે પ્રવાસીઓને, હંગામી રહેવાસીઓને, ગુજરાતના નાગરીકને સ્વાસ્થ્યના કારણે અને સશસ્ત્ર દળોના સેવાનિવૃત્ત સભ્યોને મળે છે.
વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કૉંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે.
વિદેશી દારૂની ગ્રૂપ પરમિટ
ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર કોઈ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કૉન્ફરન્સ, વ્યવસાયિક કે શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેનારા અને ગુજરાતના રહેવાસી ન હોય તેવા સભ્યોને વિદેશી દારૂની ગ્રૂપ પરમિટની જોગવાઈ છે.
આ પરમિટ માટે અરજદારે 5,000 રૂપિયા ફી પેટે આપવાના રહેશે અને વિદેશી દારૂનો મંજૂર થયેલો જથ્થો સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂના પરવાનેદાર વેપારી પાસેથી ખરીદવાનો હોય છે.
આ શરતોનો પહેલી વખત ભંગ કરનાર વ્યક્તિને 500 રૂપિયાનો દંડ અને છ માસની કેદની સજા થઈ શકે છે અને બીજી કે ત્રીજી વખત ભંગ કરનારને વધારે સજાની જોગવાઈ છે.
હંગામી રહેવાસી માટેની પરમિટ
જો કોઈ પણ વ્યક્તિ ભારત બહારના કોઈ અન્ય દેશ કે જ્યાં દારૂનો સામાન્ય રીતે વપરાશ કરવામાં આવતો હોય તે દેશમાં જન્મેલી હોય, નિવાસી હોય અથવા નાગરિક હોય અને ગુજરાતમાં હંગામી ધોરણે વસવાટ કરવા આવે ત્યારે તેમને ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર પરમિટ મળી શકે છે.
આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે માન્ય વિઝા અને પાસપોર્ટની નકલ હોવી જોઈએ.
આ પરમિટ માટે અરજદારે 500 રૂપિયા અરજી ફી પેટે આપવાના રહેશે અને વિદેશી દારૂનો જથ્થો મંજૂર થયેલો જથ્થો સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂના પરવાનેદાર વેપારી પાસેથી ખરીદવાનો રહેશે.
જોકે, પ્રવાસીઓને આ પરમિટ મહત્તમ એક મહિના માટે આપવામાં આવે છે અને આ પરમિટ માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. આ પરમિટ અનુસાર મહત્તમ છ યુનિટ માટે પરવાનગી આપવામાં આવે છે.
દારૂના વપરાશ પર પ્રતિબંધ ન હોય ભારતનાં અન્ય રાજ્યો અને કોઈ એવા દેશમાંથી ગુજરાત આવનારા પ્રવાસીઓને મહત્તમ સાત દિવસ માટે ગુજરાત રાજ્યની પોતાની મુલાકાત સમયે વિદેશી દારૂ કબજામાં રાખવા અને ઉપભોગ કરવા માટેની પરમિટ મેળવી શકે છે.
આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ અને તેમને એક અઠવાડિયા માટે એક યુનિટ દારૂની પરવાનગી મળી શકે છે.












