ગિફ્ટ સિટીમાં 'લિકર પરમિટ': ગુજરાતની દારૂબંધી વહાલાં-દવલાંની નીતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં જણાવ્યું કે 'ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને લિકરના સેવનની છુટ્ટી આપવાનો નિર્ણય લેવાયો છે.'
આ નિર્ણય ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઈન ઍૅન્ડ ડાઈન' સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવાયો છે.
આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેનાથી તેઓ આવી 'વાઇન એન્ડ ડ્રાઇન' આપતી હોટલ, રેસ્ટોરાં, કલ્બમાં લિકરનું સેવન કરી શકશે એવું જણાવાયું છે.
પ્રેસનોટ અનુસાર, ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનાર હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન ઍન્ડ ડાઈન ફેસિલિટી એટલે કે એફએલ-3 પરવાના મેળવી શકશે.
31 ડિસેમ્બરે તો ' દારૂ ન પીવો' અને 'દારૂ પીને ગાડી ન ચલાવવી' તેવાં બોર્ડ પોલીસ ચોકીઓની આસપાસ જોવાં મળતા હોય છે.
જોકે, અનેક લોકો દારૂબંધીની સરકારની નીતિને વહાલાં-દવલાંની નીતિ ગણાવે છે.
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, સરકારી પરમિટ વગર દારૂ પીનાર અને વેચનાર સામે સરકાર કાયદાકીય પગલાં લઈ શકે છે.
જોકે, આ કાયદો ફકત ગુજરાતીઓને જ લાગુ પડે છે અને અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતાં લોકો એક ખાસ પરવાનાને આધારે ગુજરાતમાં દારૂ ખરીદી શકે છે અને પી પણ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ બહારથી આવતાં લોકો છે જેમને પ્રમાણમાં સહેલાઈથી દારૂની પરમિટ મળી શકે છે.
જ્યારે બીજી બાજુ એવા ઘણા ગુજરાતીઓ છે જેમને પરમિટ માટે પણ 'રેડ-ટેપિઝમ'નો સામનો કરવો પડે છે.
રાજ્ય બહારની વ્યક્તિ, ગુજરાતમાં સક્રિય એવા આશરે 58 જેટલી 'પરમિટ શોપ' પરથી દારૂ મેળવી શકે છે.

દારૂની રેલમછેલ?

ઇમેજ સ્રોત, Bandish Soparkar
ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાએ બંદીશ સોપારકર નામના વકીલે દાખલ કરવામાં આવેલી આર.ટી.આઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ની એક અરજીના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં 2011-12 થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો.
આ પરવાનાધારકોમાંથી માત્ર 52,000 પરમિટધારકો ગુજરાતી છે, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.
પરવાનાની દુકાનમાંથી થતા દારૂના વેચાણમાં સુરત સૌથી આગળ છે જ્યારે તેના પછીના ક્રમે અમદાવાદ, વડોદરા અને કચ્છ આવે છે.

શું કહે છે સરકાર?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
રાજ્ય બહાર અને રાજ્યમાં રહેતા લોકોને વેચવામાં આવતા દારૂ વિશે વાત કરતા એડિશનલ ચીફ સેક્રેટરી, (હોમ ડિપાર્ટમેન્ટ) એ. એમ. તિવારીએ આ વર્ષની શરૂઆતમાં બીબીસીને કહ્યું હતું કે:
"ગુજરાત રાજ્યના કાયદા પ્રમાણે ગુજરાતમાં રહેતા લોકો દારૂ પી શકે નહીં, પરંતુ જેમને આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેવા લોકો ડૉક્ટરની ભલામણના દારૂ પીવાની આધારે પરવાનગી મેળવી શકે છે."
"આ કાયદો કોઈ પણ પ્રકારે ગેરબંધારણીય નથી કારણ કે બંધારણમાં પણ આ કહેવામાં આવ્યું છે કે, સરકારે દારૂબંધીનો કાયદો જરૂર પડે ત્યાં લાગુ કરવો જોઈએ."

અંગ્રેજોના આગમન પૂર્વે દારૂ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની દારૂબંધીની આ નીતિની ઘણી વખત ટીકા થઈ છે.
સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી બીબીસી ગુજરાતી સાથેની તેમની વાતચીત દરમિયાન કહે છે :
"આ પ્રકારની નીતિ, દારૂના ગેરકાયદેસર વેચાણને પ્રોત્સાહન આપે છે અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓના ખતરાને અવકાશ આપે છે."
દારૂબંધીની અસરો પર દક્ષિણ ગુજરાતના લોકો સાથેના તેમના અભ્યાસ વિશે વાત કરતા વિદ્યુત જોષી કહે છે, "ગુજરાતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં, ઘણા સમાજ પોતાના ખાન-પાનના ભાગરૂપે જાતે દારૂ બનાવતા હતા, જેનું વેચાણ થતું નહોતું."
"ઘરમાં જેમ શાક-રોટલી બને તેવી રીતે દારૂ પણ બનતો હતો અને તે સાવ સામાન્ય બાબત હતી."
વિદ્યુત જોષી કહે છે, "અંગ્રેજોના આગમન બાદ તેના ઉપર કંટ્રોલ આવ્યો, દારૂ બનાવવાના પરવાનાઓ પારસી સમાજના અનેક લોકોને આપવામાં આવ્યા."
"ગુજરાતની અલગ રાજ્ય (તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી) તરીકેની સ્થાપના બાદ અહીં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, જેના પછી દારૂનું ગેરકાયદેસર વેચાણ શરૂ થયું."

દારૂની છૂટનો વિકલ્પ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
વિદ્યુત જોષી માને છે કે રાજયમાં દારૂબંધીનો અમલ અસરકારક નથી અને તેનાથી સીધી રીતે એવા સમાજોની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું છે કે જેમના માટે દારૂ એ લકઝરી નહીં, પણ સામાજિક જીવનનો એક ભાગ હતો.
તેઓ માને છે કે ગેરકાયદેસર દારૂના વેચાણની બદીને દૂર કરવા માટે, તાડી, રાઇસ-બિયર, મહુડો જેવા દારૂ કે જેમાં અલ્કોહોલની માત્રા પાંચ ટકાથી વધારે ન હોય તેને બનાવવાની પરવાનગી અમુક સમાજને આપવી જોઈએ.
આનાથી ગુજરાત રાજ્યમાં થતી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ અને ખરાબ ગુણવત્તાના દારૂનું વેચાણ ઓછું થઈ જશે.
જોકે, સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની આવું નથી માનતા. તેઓ કહે છે, "વધતાં જતાં શહેરીકરણ અને કૉર્પોરેટ કલ્ચરની વચ્ચે હવે ગુજરાતનો યુવા વર્ગ દારૂ પીવા તરફ સહેલાઈથી આકર્ષાઈ જાય છે."
"દારૂબંધીના કાયદા હેઠળ, સરકારે દારૂને કારણે થતાં નુકસાન વગેરેની જાહેરાતો કરવી જોઈએ, પરંતુ સરકાર તે તરફ ઉદાસીન દેખાય છે."
ગૌરાંગ જાની માને છે કે સરકારે હાલમાં શહેરના લોકો માટે દારૂના વેચાણને સહેલું કરવાના પ્રયાસો છે અને આગળ જઈને આ નીતિને હજી હળવી કરાશે તેવું લાગે છે.
તેઓ માને છે કે, ગુજરાતમાં ઘણી મહિલાઓ સલામતી અનુભવે છે તેનું મુખ્ય કારણ દારૂબંધી છે.
પરંતુ એડવોકેટ જીવિકા શિવ આવું માનતાં નથી .
તેમનું માનવું છે, "દારૂબંધી છે, તેનો અર્થ એ નથી કે મહિલાઓ પર અત્યાચારો થતા નથી, બળાત્કાર થતા નથી કે તેમની છેડતી થતી નથી."
"દારૂ પીને પુરૂષો મહિલાને મારે છે, તેનાં અનેક ઉદાહરણ છે."
"હું માનું છું કે દારૂના વેચાણ ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે, જેથી ગમે ત્યાં ગેરકાયદે દારૂ વેચતા અડ્ડા બંધ થાય."

બહારના પ્રવાસીઓને પરવાનો

ઇમેજ સ્રોત, iStock
વાઇબ્રન્ટ ગુજરાત, રણોત્સવ વગેરે જેવી ઇવેન્ટમાં આવતા બિઝનેસ ડેલિગેટ્સને પરમિટ શોપ ધરાવતી હોટલમાંથી દારૂ પીવા માટેનો પરવાનો મળી જતો હોય છે.
બહારથી આવતા પ્રવાસીઓ પોતાની ટિકિટ અને બીજા રાજ્યનું પોતાનું એડ્રેસ પ્રૂફ રજૂ કરીને પ્રતિ એક અઠવાડિયે એક યુનિટ એવી રીતે મહિનાના ચાર યુનિટ સુધી દારૂ મેળવી શકે છે. એક યુનિટનો અર્થ એટલે દારૂની એક બોટલ થાય છે.
જોકે, સરકારની આ નીતિ સામે ગુજરાતમાં મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર ઑનલાઇન વિરોધ થઈ રહ્યો છે.
વડોદરામાં રહેતા રાજીવ પટેલ 'ડ્રાય ગુજરાત 2021'નામથી ઑનલાઇન કૅમ્પેન ચલાવે છે.
તેઓ માને છે કે સરકાર બહારના રહેવાસીઓ અને ગુજરાતીઓ વચ્ચે ભેદભાવ રાખે છે.
પટેલના ફેસબુક પેજ-'પ્રોહિબિશન ફ્રી ગુજરાત' પર 24 હજારથી વધુ સભ્યો છે.
રાજીવભાઈની માગણી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ન હોવો જોઈએ.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "વર્ષોથી ચાલતા આ કાયદા ઉપર ચર્ચા કરવાનો સમય થઈ ગયો છે."
"ગુજરાતીઓ દુનિયાભરના દેશોમાં છે અને ત્યાં દરેક જગ્યા દારૂ મળે છે. માત્ર તેમના પોતાના રાજ્યમાં તેમના માટે દારૂ નથી."
"દારૂ પીતા પકડાય તો સરકાર અને મીડિયા તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરે છે. આ વાતથી મારા સ્વાભિમાનને ઠેસ પહોંચે છે."
પટેલ અને તેમની સાથે જોડાયેલા ઘણા લોકો 2021 સુધી દારૂના કાયદામાં ફેરફાર લાવવા માટે સરકાર સાથે વિચારણા કરવા માંગે છે.
પટેલ માને છે કે દારૂ પીવો એ સામાજિક બદી છે કે નહીં તેના પર સૌથી પહેલા ચર્ચા થવી જોઈએ કારણ કે સૌથી વિકસિત દેશો પણ દારૂબંધીના કાયદાઓમાં બદલાવ લાવ્યા છે.
યુરોપ અને ન્યૂ યૉર્કમાં પણ એક સમયે દારૂબંધીનો કાયદો હતો.
રાજીવ પટેલે ગુજરાત સરકાર વિરૂદ્ધ ઑક્ટોબર 2018માં એક પિટિશન દાખલ કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે દારૂ પીવા પરનો પ્રતિબંધ ભારતીય બંધારણના આર્ટિકલ 21ના ભંગ સમાન છે.
પિટિશનમાં કહ્યું છે કે, પોતાના ઘરમાં બેસીને દારૂ ન પી શકવા માટે કાયદો ઘડવો તે 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ છે. જોકે, આ પિટિશન હજી પેન્ડિંગ છે.
2005માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત થયું ત્યારબાદ રોકાણકારોને આકર્ષવા માટે તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દારૂબંધીની નીતિને હળવી કરીને બિઝનેસ ડેલિગેટ્સ માટે પરમિટ શોપ પરથી દારૂ મળે તેવું આયોજન કર્યુ હતું.
આ વિશે વાત કરતા ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) અને રિટાયર્ડ આઈ.પી.એસ (ઇન્ડિયન પોલીસ ઑફિસર) ચિત્તરંજન સિંગ કહે છે કે, તે સમયના મુખ્ય મંત્રી (મોદી)ને લાગ્યું હતું કે જો બિઝનેસમૅનને અહીં રોકાણ માટે બોલવવા હોય તો દારૂબંધીની નીતિને હળવી કરવી પડશે.
જોકે, મોદી વડા પ્રધાન બન્યા બાદ ગુજરાતે નીતિને વધુ કડક બનાવી દીધી છે.
ચિત્તરંજન સિંગ કહે છે, "જેમને દારૂ પીવો છે, તેમને સારી ક્વૉલિટીનો અને ભરોસાપાત્ર દારૂ મળી રહેવો જોઈએ."
"ઘણી વખત કોઈ નોન-કરપ્ટ ઑફીસર હોય તો દારૂના ગેરકાયદેસર વેચાણ પર સીધી અસર પડે છે, કારણ કે ગુજરાતની આજુબાજુનાં રાજ્યોમાંથી દારૂ સહેલાઈથી ગુજરાતમાં આવતો હોય છે."
ચિત્તરંજન સિંગ માને છે કે, દારૂબંધીના કાયદાનો અમલ કરવો તે પોલીસ ખાતાના હાથમાં છે.

સરકારની તિજોરીને નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
દારૂબંધીને લીધે સરકારી તિજોરીને થતા નુકસાન અંગે પણ અનેક લોકો અનેક વાર બોલતા હોય છે.
એવું પણ માનવામાં આવે છે કે આ કાયદો હોવા છતાં મોટાપાયે ગેરકાયદે દારૂનું વેચાણ થાય છે.
તેનો આર્થિક ફાયદો સરકારી તિજોરીને થવાને બદલે ભષ્ટ્ર અધિકારીઓ તેમજ રાજકારણીઓને થાય છે.
સરકારને નુકસાન થાય છે તે વાત સરકાર પોતે પણ અલગ રીતે સ્વીકારે છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ ગયા વર્ષે જ 15મા નાણાકીય પંચ પાસેથી રૂ. 9,864 કરોડ ફાળવવા રજૂઆત કરી હતી.
આ રકમ દારૂબંધીને કારણે રાજ્ય સરકારને દર વર્ષે આબકારી જકાતનું જે નુકસાન થાય છે. તેની ભરપાઈ પેટે માગવામાં આવી હતી.
દારૂબંધીના કાયદાના યોગ્ય અમલ અંગે પણ અનેકવાર અદાલતે ટકોર કરી છે અને પોલીસ-બૂટલેગર વચ્ચે ઘર્ષણની પણ ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે.
(આ સ્ટોરી સૌપ્રથમ બીબીસી ગુજરાતી પર 2 જાન્યુઆરી, 2019ના રોજ પ્રકાશિત થઈ હતી)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














