મહુડામાંથી દારૂ કેવી રીતે બને છે અને ભારતમાં કેમ તેના પર પ્રતિબંધ મુકાયો હતો?

ઇમેજ સ્રોત, Conrad Braganza
- લેેખક, સુગતો મુખરજી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સદીઓથી આદિવાસીઓનાં જીવન સાથે સંકળાયેલું પીણું એટલે મહુઆ અથવા ગુજરાતીમાં મહુડો - તેનાં ફૂલ અને છોડમાંથી નીકળતો રસ નશીલા પદાર્થ તરીકે પ્રખ્યાત છે. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો, તે આજે ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.
દૂરથી જ મહુડાનાં ફૂલની સુગંધ તમને ઘેરી વળે. ઓડિશાના સિમિલીપાલ નેશનલ પાર્કમાં વહેલી સવારે તમે પ્રવેશો ત્યારે આકર્ષક પાણીનો ધોધ જોવા મળે. હું તેને જોવા ઊભો રહ્યો, ત્યારે ચારે બાજુ આછા લીલા રંગનાં પાનની જાણે જમીન પર ચાદર પથરાયેલી હોય તેવો નજારો હતો.
આ જંગલોના નિવાસી સંથાલ જનજાતિના સુરેશ કિસ્કુ મારા ગાઇડ બન્યા. ડોમ જેવા આકારના નાના થડવાળા વૃક્ષો બતાવીને તેમણે મને કહ્યું આ મહુવાનાં ઝાડ છે.
મધુકા લૉંગિફોલિયા વૈજ્ઞાનિક નામે જાણીતા વૃક્ષને સ્થાનિક લોકો મહુઆનું ઝાડ કહે છે. પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતનાં જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાનાં ઝાડ થાય છે. આ જંગલોમાં સંથાલ, ગોંડ, મુંડા, ઓરેઓન એવી જાતિના આદિવાસીઓ વસે છે. છેલ્લાં ત્રણ હજાર વર્ષથી આ જંગલોમાં વસતા આદિવાસીઓ માટે મહુડાનું ઝાડ 'જીવનવૃક્ષ' છે.
આદિવાસીઓ માટે આ કલ્પવૃક્ષ જેવું છે, કેમ કે તેનાં પાંદડાં, ડાળીઓ, તેનાં ફૂલ અને ફળ બધું જ કામ લાગે છે. તેમાંથી ભોજન બને છે, પશુઓનો ચારો મળે છે, બળતણ તરીકે ચાલે અને ઔષધી પણ ગણાય. તેનો જ ઉપયોગ કરીને કલાકૃતિઓ પણ બને.
મહુડો આદિવાસી જીવનમાં વણાઈ ગયો છે. તેનો ઉલ્લેખ લોકગીતો, લોકઉત્સવો, દંતકથાઓ અને પરંપરામાં છે. જોકે બહારના લોકો તેને કેફી પીણાં તરીકે જ ઓળખે છે. મહુડાનાં ફૂલને માટલામાં રાખીને આઠ દિવસ ઉકાળવામાં આવે અને તેમાંથી દારૂ બને છે.

આદિવાસીઓમાં મહુડાનું માહાત્મ્ય

ઇમેજ સ્રોત, ephotocorp/Alamy
સાંજના સમયે હું કિસ્કુ સાથે જંગલના છેવાડે બનેલા તેના ઘરે પણ ગયો હતો અને તેમનાં માતા તથા નાનાં બહેન ગીતાને મળ્યો. ચૂલા પર ધાતુની કોઠીઓ ચડાવેલી હતી અને તેમાં મહુડો તૈયાર થઈ રહ્યો હતો. મહુડો ઊકળતો હતો, તેની વરાળ એકઠી કરવા તેની માથે એક બીજું વાસણ પણ ચડાવેલું હતું અને પછી તેમાંથી વરાળનું પાણી થાય તે દારૂ તરીકે ટપકે તેને એકઠું કરી લેવાનું.
ગીતાએ આ રીતે એકઠો થયેલો મહુડો બરાબર બન્યો છે કે નહીં તે ચકાસવા માટે ચમચામાં થોડો ભર્યો. પછી તેને ચૂલાની આગ પર ફેંક્યો તે સાથે જ આગ મોટી જ્વાળાની જેમ ફેલાઈ ગઈ. કિસ્કુએ સમજાવતા કહ્યું કે, "આ રીતે આગનો ભડકો થાય એટલે સમજવાનું કે મહુડો અસલ બન્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રંગહીન સ્વચ્છ એવા મહુડાને પાંદડામાંથી બનેલા કપમાં ભરીને ગીતાએ મને આપ્યો અને મેં તેનો સ્વાદ ચાખ્યો. તેજ પ્રવાહીની જેમ તે મારા ગળામાંથી નીચે ઊતરી ગયો અને ગરમાટો અનુભવ્યો અને ફૂલોની સુગંધથી જાણે મન ભરાઈ ગયું.
મને થયું કે, "અરે આ તો મજાનું છે. આજ સુધી ચાખવાનું રહી જ ગયું!"
કિસ્કુ જેવા પરિવારો સદીઓથી આ રીતે ઘરે જ મહુઆ તૈયાર કરતા રહ્યા હતા. ઘરમાં વપરાતા વધે તેને વેચી પણ શકે. પરંતુ 1800ના દાયકામાં તેના પર પ્રતિબંધ આવી ગયો.
આ 'દેશી દારૂ' છે એમ કહીને ભારતની તે વખતની સરકારે કહ્યું કે, “આ નુકસાનકારક કેફીપદાર્થ છે અને તેનાથી લોકોનાં સ્વાસ્થ્ય અને સમજદારી પર અસર થાય છે.”
બ્રિટિશરોએ બૉમ્બે આબકારી ઍક્ટ, 1978 અને મોહરા ઍક્ટ, 1892 જેવા કાયદા કર્યા અને તેના દ્વારા મહુઆ પર પ્રતિબંધ મૂકી દીધો. મહુડો બનાવવાનો પણ નહીં, એટલું જ નહીં જંગલમાંથી મહુડાનાં ફૂલ એકત્ર કરવા અને સંગ્રહ કરવાને પણ ગેરકાયદેસર જાહેર કરી દેવાયું હતું.

'મહુઆ જેવા સ્થાનિક પીણા સાથે સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યની બાબત જોડાયેલી છે'

ઇમેજ સ્રોત, Conrad Braganza
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહુડાનાં ફૂલો જ હવે મળવા મુશ્કેલ બન્યા એટલે જે મહુડો તૈયાર થતો હતો તેમાં ભેળસેળ થવા લાગી અને તે શુદ્ધ ન રહ્યો. બ્રિટિશરોને આ જ જોઈતું હતું કે, શુદ્ધ મહુડો ઓછો બને અને લોકો તેને પીવાનું પસંદ ન કરે. બ્રિટિશરાજની દાનત હતી કે બ્રિટન અને જર્મનીમાં તૈયાર થતા આયાતી આલ્કોહોલનું વેચાણ ભારતમાં વધવું જોઈએ, કેમ કે તેની કમાણીમાંથી જ સેનાનો ખર્ચો નીકળતો હતો.
લંડન યુનિવર્સિટીના આધુનિક ઇતિહાસના પ્રોફેસર ડૉ. એરિકા વૉલ્ડ કહે છે કે, "સામ્રાજ્યના કેટલાક અધિકારીઓ સમજી શક્યા હતા કે મહુડા જેવાં સ્થાનિક પીણાં સાથે સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યની બાબત જોડાયેલી છે, પરંતુ તેનું વેચાણ ચાલતું રહે તો સરકારને મહેસૂલ ન મળે તે બાબત જ મહત્ત્વની ગણાતી રહી હતી."
નોંધનીય બાબત એ છે કે, 1947માં ભારતને આઝાદી મળી તે પછી જૂની અર્થનીતિ અને સામાજિક નૈતિકતાની બાબત ચાલતી રહી હતી. વૉલ્ડ કહે છે કે, "અગાઉના સામ્રાજ્યવાદીઓની જેમ જ નવી સરકાર પણ આલ્કોહોલમાં મૉનોપોલી રહે તેને જ વળગી રહી હતી. તેના કારણે મહુડા પર કડક પ્રતિબંધો યથાવત જ રહ્યા."
તેઓ ઊમેરે છે કે, "આલ્કોહોલ સામે રાષ્ટ્રવાદીઓનો વિરોધ પહેલાંથી જ હતો. દારૂની દુકાનો સામે દેખાવો કરવા, તેનો બહિષ્કાર કરવાનો ચાલતું રહેતું. કેટલાક રાષ્ટ્રવાદીઓ એવું માનતા કે જાણે શરાબ એ વિદેશથી આવેલી વસ્તુ હોય એટલે તેમના માટે મહુડા જેવી દેશી વસ્તુ કે જેના પર આદિવાસીઓનું જીવન આધારિત હતું તે પણ નુકસાનકારક ગણી લેવામાં આવી."
તેના કારણે મહુડા જેવા દેશી દારૂ હલકી ગુણવત્તાના જ હોય અને "જોખમકારક" હોય તેવું જ મનાતું રહ્યું. તેના કારણે આદિવાસીઓને પોતાનાં ગામો સિવાય બહાર તેને તૈયાર કરવાની કે વેચવાની મંજૂરી મળી નહોતી.

'મહુઆને એક ગુણવત્તાસભર દેશી પીણાં તરીકે ફરીથી સ્થાન અપાવવું જોઈએ'

ઇમેજ સ્રોત, Conrad Braganza
ન્યૂ યોર્ક યુનિવર્સિટીના આહાર બાબતના પ્રોફેસર ક્રિશ્નેન્દુ રાય કહે છે કે "તેના કારણે એ ખ્યાલ આવે છે કે, આઝાદી પછી ભારતના ભદ્ર વર્ગના લોકો સ્થાનિક લોકોનાં જીવનને બહુ ઊતરતી કક્ષાનું ગણતા રહ્યા હતા. પરિણામે ભારતમાં નબળા અને સ્થાનિક ધોરણે જ તૈયાર થનારા શરાબની બોલબાલા રહી."
આ રીતે સામાજિક અને રાજકીય વિરોધ વચ્ચે મહુડાને સ્થાન મળે તેમ નહોતું. પરંતુ કેટલાક વેપારી સાહસિકોને લાગ્યું કે, મહુડાને એક ગુણવત્તાસભર દેશી પીણાં તરીકે ફરીથી સ્થાન અપાવવું જોઈએ અને તેની વિરુદ્ધના આબકારી કાયદા તથા નશાબંધીના કાયદાઓમાં ફેરફાર થવો જોઈએ.
ડેસમન્ટ નઝારેથે 2018માં મહુડા સ્પિરિટ અને મહુડા લિકર રજૂ કર્યા હતા અને તેનું બ્રાન્ડ નૅમ ડેસમન્ડજી રાખ્યું હતું. તેઓ કહે છે કે, "અમે ભારતમાં ઉત્પાદિત શરાબ તરીકે ગોવામાં મહુડો મૂક્યો હતો. સરકાર સાથે બહુ માથાફોડી પછી ભારત ઉત્પાદિત શરાબ એવો ટેગ મેળવી શક્યા હતા."
ભારતના કાયદા પ્રમાણે દેશી દારૂ અન્ય રાજ્યોમાં વેચી શકાતો નથી

ઇમેજ સ્રોત, Conrad Braganza
ગોવામાં સ્થિત આ કંપની કર્ણાટકમાં પણ પોતાના ઉત્પાદનો વેચે છે, કેમ કે ભારતમાં આ બીજું એવું રાજ્ય બન્યું છે જ્યાં મહુઆને ભારત ઉત્પાદિત શરાબ તરીકે માન્યતા આપવામાં આવી છે.
ભારતના કાયદા પ્રમાણે દેશી દારૂ અન્ય રાજ્યોમાં વેચી શકાતો નથી. તેથી તેને IML એટલે કે ભારત ઉત્પાદિત શરાબ તરીકે ઓળખ મળે તો જ બીજા રાજ્યમાં વેચી શકાય.
છેલ્લાં થોડાં વર્ષોથી હવે આ બાબતમાં અભિગમ બદલાવા લાગ્યો છે. દાખલા તરીકે 2021માં મધ્ય પ્રદેશ સરકારે પણ મહુડાને પરંપરાગત શરાબ તરીકેની ઓળખ આપવાનું નક્કી કર્યું.
મહારાષ્ટ્ર સરકારે પણ જૂના કાયદાને રદ કરીને મહુડાનાં ફૂલો એકઠાં કરવાની મંજૂરી સ્થાનિક આદિવાસીઓને આપી છે. ઍગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપૉર્ટ ડેવલપમૅન્ટ ઑથૉરિટી સરકારી વિભાગ છે, તેના દ્વારા પણ 2021માં મહુડાનાં સૂકાં પાંદડાંની નિકાસ શરૂ થઈ હતી.
છત્તીસગઢનાં જંગલોમાં આદિવાસીઓએ એકઠાં કરેલાં ફૂલોની નિકાસ ફ્રાન્સમાં કરવામાં આવી હતી.
ધીમેધીમે બીજાં રાજ્યો પણ મહુડા પરનો પ્રતિબંધ દૂર કરી રહ્યાં છે, પણ સમગ્ર દેશમાં દેશી દારૂ પરનો પ્રતિબંધ દૂર થાય તો તેને ડિસ્ટિલ કરવાનો બિઝનેસ વધારે વ્યાપક બની શકે.

'2018માં વસંતદાદા સ્યુગર ઇન્સ્ટિટ્યૂટમાં મહુઆ બનાવવાની શરૂઆત કરાઈ'

ઇમેજ સ્રોત, NK Sareen/Alamy
મુંબઈની સ્ટાર્ટઅપ નેટિવ બ્રૂના ડિરેક્ટર સુસાન ડિયાઝ કહે છે કે તેમણે 2018માં વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં મહુડો બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, "અમારી પાસે રેસિપી તૈયાર છે, પણ મહુડાનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર કાયદો બને તો રાષ્ટ્રીય સ્તરે તેના કામકાજમાં સરળતા થાય."
સુસાન ડિયાઝને લાગે છે કે, મહુડાનાં ફૂલ આધારિત સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર, "વનમાંથી મહુડાનાં ફૂલો એકઠાં થાય અને તેને બૉટલમાં પૅક કરવામાં આવે ત્યાં સુધીની આખી સિસ્ટમ તૈયાર થઈ શકે. તેમાં સ્થાનિક આદિવાસી જૂથોને મહુડાનાં ફૂલો એકત્ર કરવા અને સંઘરવાનો અધિકાર મળે, ડિસ્ટિલરને તે વેચી શકે તે રીતે તેમાંથી કમાણી પણ કરી શકે."
આવું થવા લાગ્યું છે કેમ કે નઝારેથ મહુડાનાં ફૂલો મધ્ય ભારતનાં જંગલોમાંથી, ઓડિશા અને મધ્ય પ્રદેશમાંથી આદિવાસી જૂથો પાસેથી ખરીદે છે. છત્તીસગઢ સ્ટેટ માઇનરો ફોરેસન્ટ પ્રોડ્યૂસ કૉ-ઓપરેટિવ ફેડરેશન પણ આ વેપારને પ્રોત્સાહન આપે છે અને તેની પાસેથી પણ જથ્થો ખરીદવામાં આવે છે.
મહુડાનાં ફૂલોની ગુણવત્તા બહુ જરૂરી છે. નઝારેથ ઇચ્છે છે કે મહુડો શુદ્ધ પીણું છે તે બાબતને ફરીથી પ્રચલિત કરવાની જરૂર છે અને તેના ઉત્પાદનમાં આધુનિક પદ્ધતિ આવે તો તેનાથી વધુ લોકોને તે આકર્ષી શકે.
તેઓ કહે છે, "અમે શુદ્ધ સ્થિતિમાં એકઠાં કરવામાં આવેલાં અને ખાવાલાયક ગુણવત્તાનાં ફૂલો જ ખરીદીએ છીએ. તેને જાળીમાં એકઠાં કરવામાં આવે છે અને તડકામાં સૂકવવામાં આવે છે અથવા સોલાર ડ્રાયરનો ઉપયોગ કરાય તે જોઈએ છીએ." પોતાની કંપની સ્ટાન્ડર્ડ યીસ્ટનો ઉપયોગ કરીને જ મહુડામાં આથો લાવે છે, જેથી એક સરખો સ્વાદ જળવાઈ રહે. એ રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે 40% આલ્કોહોલ/વૉલ્યૂમનું પ્રમાણે જળવાઈ રહે તે રીતે બૅચમાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

'વિશ્વમાં ગળ્યા ફૂલોમાંથી બનતું આ એક માત્ર પીણું છે'

ઇમેજ સ્રોત, Conrad Braganza
ભારતનાં જુદાં જુદાં પીણાંને મિક્સ કરવા માટેના જાણીતા નિષ્ણાત શતભી બસુ પણ કહે છે કે ઉત્પાદનની પ્રક્રિયાને સુધારીને મહુડા જેવા પીણાને આંતરરાષ્ટ્રીય પીણા તરીકે આગળ કરી શકાય છે.
"સ્પષ્ટ ઉત્પાદન ધોરણો સાથે મહુડાને આંતરરાષ્ટ્રીય ધોરણે લઈ જઈ શકાય અને તેને ટકિલા, સેક કે પિસ્કો જેવું પીણું બનાવી શકાય. આ બધાં જ પીણાં સ્થાનિક ધોરણે, નાનાપાયે શરૂ થયેલાં." મહુડામાં શુદ્ધ સ્વાદ છે તેના કારણે તે કોકટેલ માટે ઉપયોગી છે. તેઓ ઉમેરે છે કે તેમાં મિથૅનોલ પણ ઓછું છે એટલે હેંગઓવર પણ ઓછું થાય.
નઝારેથ પણ માને છે કે મહુડાને ભારતના પરંપરાગત શરાબ તરીકે આગળ વધારી શકાય છે અને તેની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પણ ઊભી કરી શકાય તેમ છે. તેઓ કહે છે, "ભારતનાં 13 રાજ્યોમાં મહુડા થાય છે અને વિશ્વમાં ગળ્યાં ફૂલોમાંથી બનતું આ એક માત્ર પીણું છે. તેના કારણે જ તેની એક ફૂલો જેવી સુગંધી ખુશ્બો છે."
"મહુઆ ટુ ધ વર્લ્ડ" - એવા નામ સાથે નઝારેથ અને બ્રેગાન્ઝા એક પ્રૉજેક્ટ ચલાવી રહ્યા છે અને તેઓ 2023માં યુકેમાં તેને રજૂ કરવા માગે છે. બાદમાં અમેરિકા અને વિશ્વના બીજા માર્કેટમાં પણ તેઓ જવા માગે છે.
વર્ષો સુધી દેશી દારૂ તરીકે તેને પ્રતિબંધિત કરાઈને રખાયા પછી મહુઆ માટે હવે ભારતમાં અને વિદેશમાં પણ પ્રસિદ્ધ બ્રાન્ડ તરીકે સ્થાન મેળવવાનો સમય પાકી ગયો છે. મહુઆને આ રીતે મહત્ત્વનો બનાવાઈ રહ્યો છે તે કેવું લાગે છે એવું મેં કિસ્કુને પૂછ્યું.
કિસ્કુએ મને ફોન પર કહ્યું, "મને એમાં બહુ સમજ ના પડે, પણ હું મારા લોકોને જણાવીશ કે આપણા માટે પવિત્ર વૃક્ષ અને તેનાં ફૂલોને હવે બધાં ઓળખવા લાગ્યા છે. આ ખુશીના સમાચારને માણવા અમે બધા એક એક ગ્લાસ મહુડો ઠપકારીશું."














