બાળકોને નવો સ્માર્ટફોન કઈ ઉંમરે લઈ આપવો જોઈએ? ફોનની બાળક પર શી અસર થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેલી ઓક્સ
- પદ, બીબીસી ફ્યુચર
આ આધુનિક સમયની મૂંઝવણ છે. આપણે સંતાનોના હાથમાં સ્માર્ટ ફોન આપવો જોઈએ કે પછી તેમને તેનાથી શક્ય તેટલા દૂર રાખવાં જોઈએ?
સ્માર્ટ ફોન તો દુષ્ટતાભર્યો પટારો છે અને તેના ઉપયોગથી મારા સંતાનના માનસ પર દુષ્ટ અસર થશે, એવું તમે માતા-પિતા તરીકે વિચારતા હો તો તમે માફીને પાત્ર છો.
બાળકના માનસ પર મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના સંભવિત પ્રભાવ વિશેના આશ્ચર્યજનક સમાચારોથી પ્રેરાઈને કોઈ આવું માની શકે. સંતાનઉછેરની આ આધુનિક સમસ્યાથી સેલિબ્રિટીઓ પણ મુક્ત નથી.
અમેરિકન ગાયિકા મેડોનાએ ઘણા વખત પહેલાં કહ્યું હતું કે મારાં સંતાનોને 13 વર્ષની વયે સ્માર્ટ ફોન અપાવવાનો મને ખેદ છે અને હું ફરી એવું ક્યારેય નહીં કરું.
બીજી તરફ તમારી પાસે એક સ્માર્ટ ફોન છે અને તેને તમે તમારા દૈનિક જીવનનું મહત્ત્વનું સાધન માનો છે, જે ઈ-મેઈલ્સથી માંડીને ઑનલાઇન શૉપિંગ તથા વીડિયો કૉલ્સ તેમજ ફેમિલી ફોટો આલબમ્સ સહિતની ઘણી બાબતો માટે ઉપયોગી છે.
તમારા સંતાનના બધા સહાધ્યાયીઓ અને દોસ્તો પાસે સ્માર્ટ ફોન હશે અને તમારા સંતાન પાસે નહીં હોય તો તેમને માઠું નહીં લાગે?
બાળકો અને તરુણો પર સ્માર્ટ ફોન તથા સોશિયલ મીડિયાની લાંબા ગાળાની અસર વિશેના અનેક સવાલો અનુત્તર છે, પરંતુ અત્યાર સુધીના સંશોધનમાં સ્માર્ટ ફોનનાં મુખ્ય જોખમ તથા લાભ વિશે કેટલાક પુરાવા મળ્યા છે.
બાળકો દ્વારા સ્માર્ટ ફોન તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાવતા કોઈ સ્પષ્ટ પુરાવા હજુ સુધી મળ્યા નથી, પરંતુ આ કદાચ સંપૂર્ણ કથા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધીનાં મોટાં ભાગનાં સંશોધનમાં નાનાં બાળકોને બદલે કિશોર વયનાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તાજા પુરાવા દર્શાવે છે કે બાળકના વિકાસના કેટલાક ચોક્કસ તબક્કામાં તેમના પર નકારાત્મક અસરનું જોખમ વધારે હોઈ શકે છે.
તમારું સંતાન સ્માર્ટ ફોન માટે તૈયાર છે કે કેમ અને તેને સ્માર્ટ ફોન લઈ આપ્યા પછી તમારે શું કરવું જોઈએ એ નક્કી કરવાનાં મહત્ત્વનાં અનેક પરિબળો બાબતે નિષ્ણાતો એકમત છે.

'પુખ્ત વયનાં 90 ટકાથી વધુ બાળકો પાસે પોતાનો સ્માર્ટ ફોન'

ઇમેજ સ્રોત, Edwin Remsberg/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટનના કૉમ્યુનિકેશન્સ ક્ષેત્રના નિયમનકર્તા ઓક્સફામના આંકડા સૂચવે છે કે બ્રિટનમાં બાળકોનો એક મોટો હિસ્સો 11 વર્ષની વય સુધીમાં જ સ્માર્ટ ફોન ધરાવતો થઈ જાય છે.
44 ટકા બાળકો પાસે નવ વર્ષની અને 91 ટકા બાળકો પાસે 11 વર્ષની વય સુધીમાં પોતાનો સ્માર્ટ ફોન હોય છે.
અમેરિકામાં નવથી 11 વર્ષની વયનાં સંતાનોના 37 ટકા માતાપિતા જણાવે છે કે તેમનાં સંતાનો પાસે પોતાનો સ્માર્ટ ફોન છે. યુરોપમાં 19 દેશના અભ્યાસના તારણ મુજબ, 9થી 16 વર્ષની વયનાં બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ રોજ કરે છે.
અમેરિકાની કૅલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર કેન્ડિસ ઓડગેર્સ કહે છે કે “પુખ્ત વયનાં 90 ટકાથી વધુ બાળકો પાસે પોતાનો સ્માર્ટ ફોન હોય છે.”
આઠ વર્ષની વય સુધીનાં બાળકોમાં ડિજિટલ ટેક્નૉલૉજીના વપરાશ વિશેનો યુરોપનો એક અભ્યાસ જણાવે છે કે સ્માર્ટ ફોનના અને સોશિયલ મીડિયા ઍપ્લિકેશન્શના ઉપયોગની હાનિકારક અસરની વાત કરીએ તો આ વયજૂથનાં બાળકો ઑનલાઇન જોખમથી મર્યાદિત પ્રમાણમાં વાકેફ છે અથવા તો જરાય નથી.
કેન્ડિસ ઓડગેર્સે ડિજિટલ ટેક્નૉલૉજીના ઉપયોગ અને બાળકો તથા કિશોરોના આરોગ્ય વચ્ચેની કડી વિશેના છ અભ્યાસનું તેમજ મોટા પાયે હાથ ધરાયેલા અન્ય અભ્યાસનું વિશ્લેષણ કર્યું હતું. તેમને કિશોર વયનાં બાળકો દ્વારા ટેક્નૉલૉજીના ઉપયોગ અને તેમની સુખાકારી વચ્ચે કોઈ સુસંગત કડી મળી ન હતી.
તેમણે કહ્યું હતું કે “મોટા ભાગના અભ્યાસમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને માનસિક આરોગ્ય વચ્ચે કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું ન હતું. જે અભ્યાસમાં આ બન્ને વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું તેમાં પણ પ્રભાવના સારી-માઠી અસર મર્યાદિત હતી. સૌથી મોટું તારણ એ કે કિશોર વયનાં બાળકો સહિતના લોકો જે માને છે અને એ વિશેના વાસ્તવિક પુરાવા વચ્ચે તર્ક સંગતતા જોવા મળી ન હતી.”
બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ સાયકૉલૉજિસ્ટ એમી ઓર્બેન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં પણ કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા.
તમામ અભ્યાસોમાં નાનો નકારાત્મક સહસંબંધ જોવા મળ્યો હતો, પરંતુ ટેક્નૉલૉજીના વપરાશથી સુખાકારી પર માઠી કે તેનાથી તદ્દન વિપરીત અસર થતી હોવાનું જાણવાનું અશક્ય હોવાનું તારણ એમી ઓર્બેને કાઢ્યું હતું.
આ વિશેનાં મોટાં ભાગનાં સંશોધનમાં અર્થપૂર્ણ પરિણામની ગુણવત્તાનો અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પરિણામ નિશ્ચિત રીતે જ સરેરાશ સૂચવે છે.
“ટેક્નૉલૉજીની બાળકોની સુખાકારી પરની અસર વિશે વૈજ્ઞાનિક સાહિત્યમાં પણ મોટી ભિન્નતા જોવા મળી છે,” એમ એમી ઓર્બેને કહ્યું હતું.
વળી કિશોર વયનાં બાળકોમાં વ્યક્તિગત અનુભવનો આધાર તેમના વ્યક્તિગત સંજોગો પર હોય છે. તેમણે ઉમેર્યું હતું કે “તેમની અત્યંત નજીક હોય તેવી વ્યક્તિ જ કોઈ ચોક્કસ મંતવ્ય આપી શકે.”

'ફોન સાથેની એકલતામાં બાળકો ગુમાવી રહ્યાં છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
વ્યાવહારિક દૃષ્ટિએ તેનો અર્થ એ થાય કે કેટલાંક બાળકો સોશિયલ મીડિયા કે અમુક ચોક્કસ ઍપ્લિકેશન્સના ઉપયોગની માઠી અસરનો ભોગ બન્યાં હોય તે શક્ય છે અને માતા-પિતાએ તેનાથી વાકેફ થઈને સંતાનોને માઠી અસરમાંથી બહાર આવવામાં મદદ કરવી જોઈએ.
બીજી બાજુ કેટલાક યુવા લોકો માટે સ્માર્ટ ફોન જીવનરેખા બની શકે છે. વિકલાંગ વ્યક્તિ માટે તે સંપર્કનું અને સોશિયલ નેટવર્કિંગનું નવું સ્વરૂપ શોધવાનું અથવા તો સ્વાસ્થ્ય વિશેની સમસ્યાઓના જવાબ શોધવાનું સાધન બની શકે છે.
બ્રિટનની લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ખાતે સામાજિક મનોવિજ્ઞાનનાં પ્રોફેસર અને પેરન્ટિંગ ફૉર અ ડિજિટલ ફ્યુચર પુસ્તકનાં લેખિકા સોનિયા લિવિંગસ્ટન કહે છે કે “વિચારો કે તમે કિશોર વયની વ્યક્તિ છો અને તમારી તરુણાવસ્થા બાબતે કે તમારી સેક્સ્યુઆલિટી તમારા દોસ્તો જેવી નથી એ બાબતે અથવા તો આબોહવા પરિવર્તન વિશે ચિંતિત છો.”
આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં કિશોર વયનાં બાળકો તેમના દોસ્તો કે પરિવારજનો સાથે વાતચીત માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે.
ઓડગેર્સ કહે છે કે “બાળકો ઑનલાઇન કોની સાથે વાતચીત કરતા હોય છે એ વિશેનું વાસ્તવિક વિશ્લેષણ કરશો તો સમજાશે કે તેમનું ઑફલાઇન નેટવર્ક તદ્દન વેગળું હોય છે. મને લાગે છે કે આપણે ફોન સાથેની એકલતામાં બાળકો ગુમાવી રહ્યાં છીએ એ વિચાર કેટલાંક બાળકો માટે વાસ્તવિક જોખમ હોઈ શકે છે, પરંતુ મોટાં ભાગનાં બાળકો માટે તે સંપર્કમાં રહેવાનું, શૅરિંગનું અને સહ-દર્શનનું સાધન છે.”
સ્માર્ટ ફોનને લીધે બાળકો બહાર ઓછો સમય પસાર કરતા હોવાનું આળ વારંવાર મૂકવામાં આવે છે, પરંતુ ડેનમાર્કમાં 11થી 15 વર્ષની વયનાં બાળકોને આવરી લેતા એક અભ્યાસમાં એવા પુરાવા મળ્યા છે કે સ્માર્ટ ફોન વાસ્તવમાં માતા-પિતામાં સલામતીની ભાવનાને પ્રબળ બનાવીને બાળકોને સ્વતંત્ર હરવાફરવાની મોકળાશ આપે છે અને તેમને અપરિચિત વાતાવરણમાં મદદરૂપ થાય છે.
બાળકોએ જણાવ્યું હતું કે ફોનને કારણે તેઓ માતા-પિતા તથા મિત્રો સાથે સંપર્કમાં રહી શકે છે અને ઘરની બહાર રહેવાના અનુભવને સમૃદ્ધ બનાવે છે.
અલબત્ત, સાથીઓ સાથે સતત સંપર્કમાં રહેવાની સગવડનું જોખમ પણ છે.

તરુણાવસ્થામાં ફોન આપવો વધુ જોખમી

ઇમેજ સ્રોત, Getty Images
લિવિંગસ્ટન કહે છે કે "મને લાગે છે કે સ્માર્ટ ફોન, યુવા લોકો કાયમ ઝંખતા હતા તે એક અદભુત સ્વાતંત્રતા છે, પરંતુ ઘણા લોકો માટે તે જબરદસ્તી બની શકે છે. તે આદર્શ બની શકે છે."
"એ તેમને એવું માનવા પ્રેરી શકે છે કે ફોનની આ દુનિયામાં બધા લોકપ્રિય લોકો છે અને તેમાં પ્રવેશવા તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમાંથી તેઓ બાકાત રહી જશે. આ દુનિયામાં દરેક વ્યક્તિ લગભગ એકસરખું કામ કરી રહી છે અને જે કંઈ લેટેસ્ટ છે એનાથી વાકેફ છે."
10થી 21 વર્ષની વયના 17,000થી વધારે યુવાઓએ સર્વેક્ષણમાં આપેલી માહિતીનું વિશ્લેષણ કરતાં સંશોધકોને જાણવા મળ્યું હતું કે 11થી 13 વર્ષની છોકરીઓમાં અને 14થી 15 વર્ષના છોકરાઓમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, તેમના એક વર્ષ પછીના જીવનમાં અસંતોષ, જ્યારે વયના એ તબક્કામાં સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ તેમના આગામી વર્ષના જીવનમાં વધુ સંતોષ મળવાનો સંકેત આપે છે.
છોકરાઓ કરતાં છોકરીઓ તરુણાવસ્થામાં વહેલી પ્રવેશતી હોવાની હકીકતને આ તારણ રેખાંકિત કરે છે, પરંતુ સંશોધકો જણાવે છે કે સમયના તફાવતને લીધે આવું થતું હોવાના પૂરતા પુરાવા નથી.
આ સંદર્ભમાં બીજો સંકેત 19 વર્ષની છોકરીઓ અને છોકરાઓ બન્નેમાં જોવા મળ્યો હતો. તરુણ વયનાં ઘણાં સંતાનો આ વયે ઘર છોડીને નીકળી પડતાં હોય છે.
માતા-પિતાએ પોતાના પરિવારો માટે નિર્ણય લેતી વખતે આ વય શ્રેણીઓને ધ્યાનમાં રાખવી જોઈએ, પરંતુ વિકાસલક્ષી ફેરફારો બાળકોને સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવી શકે છે એ બાબતનું વધારે ધ્યાન રાખવું જોઈએ.
દાખલા તરીકે, કિશોરાવસ્થા દરમિયાન મગજમાં વ્યાપક ફેરફાર થતા હોય છે અને તેનો પ્રભાવ યુવા છોકરા-છોકરીઓના વર્તન-વ્યવહાર પર પડતો હોય છે. તેમાં તેમના સામાજિક સંબંધ અને દરજ્જા પરત્વેની વધુ સભાનતાનો પણ સમાવેશ થાય છે.

વપરાશમાં ભેદ, પણ પારખવો જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
ઉંમરની સાથેસાથે અન્ય પરિબળો પણ બાળ તથા કિશોર વયનાં સંતાનો પરની સોશિયલ મીડિયાની અસરને પ્રભાવિત કરી શકે છે, પરંતુ સંશોધકોએ આ વ્યક્તિગત તફાવતને આંકવાનું હમણાં જ શરૂ કર્યું છે.
ઓર્બેન કહે છે કે “હવે આ બાબત સંશોધનના કેન્દ્રમાં છે. જીવનના વિવિધ તબક્કે લોકો પર તેની હકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય છે. તેનું કારણ અલગ જીવનરીત, વિકાસના વિવિધ તબક્કા અથવા તેમના દ્વારા સોશિયલ મીડિયાનો અલગ પ્રકારે ઉપયોગ હોઈ શકે છે. આ બધા વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે.”
સંતાનોને સ્માર્ટ ફોન લઈ આપવો કે નહીં એ નક્કી કરવામાં આ સંશોધન વિચારભાથું પૂરું પાડી શકે, પરંતુ એ કામ ક્યારે કરવું તેનો ચોક્કસ જવાબ આપી શકતું નથી.
ઓર્બેન કહે છે કે “મારા મતે આ બાબત વધારે જટિલ છે એમ કહેવાથી નિર્ણય લેવાનું કામ ફરી માતા-પિતાની જવાબદારી બને છે, પરંતુ સ્માર્ટ ફોન એટલી બધી ખરાબ વસ્તુ ન હોઈ શકે, કારણ કે તે અત્યંત વ્યક્તિગત બાબત છે.”
ઓડગેર્સના જણાવ્યા મુજબ, માતા-પિતા માટે મહત્ત્વનો સવાલ એ હોવો જોઈએ કે બાળક તથા પરિવાર માટે તે કેટલું યોગ્ય છે?
ઘણાં માતા-પિતા માટે તેમના સંતાનને સ્માર્ટ ફોન ખરીદી આપવો તે વ્યવહારુ નિર્ણય હોય છે. ઓડગેર્સ કહે છે કે “ઘણા કિસ્સામાં માતા-પિતા જ એવું ઇચ્છતાં હોય છે કે તેમના સંતાન પાસે મોબાઈલ ફોન હોય, જેથી તેઓ દિવસભર તેમના સંપર્કમાં રહી શકે.”
સંતાનને સ્માર્ટ ફોન આપવાની બાબતને તેમના પુખ્ત થવાના માર્ગમાંનો માઇલસ્ટૉન પણ ગણવામાં આવે છે.
ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટીના કૉમ્યુનિકેશન્સ વિભાગમાં સંશોધક તરીકે કાર્યરત અન્જા સ્ટેવિક કહે છે કે “સ્માર્ટ ફોનથી બાળકોમાં સ્વાતંત્ર્ય તથા જવાબદારીની ભાવના વિકસે છે. માતા-પિતાએ એ વાતનો વિચાર કરવો જોઈએ કે તેમનાં સંતાનો પોતાનો સ્માર્ટ ફોન સાચવી શકે એટલાં સક્ષમ છે કે કેમ?”
પોતાના સંતાન પાસે સ્માર્ટ ફોન હોય એ વાત ખુદને કેટલી સ્વીકાર્ય છે તેનો વિચાર માતા-પિતાએ જરૂર કરવો જોઈએ.
સ્ટેવિક અને તેમના સાથીઓએ હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાને તેમના સંતાન દ્વારા સ્માર્ટ ફોનના ઉપયોગ પર નિયંત્રણનો અભાવ અનુભવાય છે ત્યારે માતા-પિતા તથા સંતાન વચ્ચે આ બાબતે વધારે ચડભડ થતી હોય છે.

બાળકો સાથે નિખાલસ ચર્ચા કરવી પણ જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
એ પણ યાદ રાખવું જરૂરી છે કે સ્માર્ટ ફોન હોવાથી તમામ ઍપ્સ અને ગેમ્સ માટેના દરવાજા ખૂલી જતા નથી.
લિવિંગસ્ટન કહે છે કે “હું બાળકોના ઇન્ટરવ્યૂ કરું છું ત્યારે વારંવાર સાંભળવા મળે છે કે તેમનાં માતા-પિતા તેમને સ્માર્ટ ફોન તો લઈ આપે છે, પરંતુ તેઓ કઈ ઍપ્સ વાપરે છે તે વિશે પૂછપરછ અને ચર્ચા કરતાં રહે છે. મને લાગે છે કે આ સારી વાત છે.”
દાખલા તરીકે, માતા-પિતાએ તેમનાં સંતાનો સાથે સ્માર્ટ ફોન પર ગેમ્સ રમવામાં સમય પસાર કરવો જોઈએ અને કન્ટેન્ટ યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.
ઓડગેર્સ કહે છે કે “થોડી માત્રામાં નજર રાખવાની સાથે સંતાનો ઑનલાઇન જે જોઈ અને અનુભવી રહ્યાં છે તેની યોગ્યતાના સંદર્ભમાં નિખાલસ ચર્ચા કરવી જોઈએ.”
બાળકો રાત્રે ઊંઘતી વખતે તેમના રૂમમાં સ્માર્ટ ફોન સાથે ન રાખે તેવા ફોનના વપરાશ સંબંધી ઘરના નિયમો બનાવતી વખતે માતા-પિતાએ પોતે સ્માર્ટ ફોનનો કઈ રીતે વપરાશ કરે છે તેનો વિચાર પણ કરવો જોઈએ.
લિવિંગસ્ટન કહે છે કે “બાળકો દંભને ધિક્કારતા હોય છે. માતા-પિતા જમતી વખતે, બેડરૂમમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય, પરંતુ પોતાને એવું કરવાની ના કહેવામાં આવે તે સંતાનોને જરાય ગમતું નથી.”
બહુ નાનાં બાળકો પણ તેમનાં માતા-પિતા સ્માર્ટ ફોનનો જે રીતે ઉપયોગ કરે છે તેમાંથી કશુંક શીખતા હોય છે.
આઠ વર્ષની વય સુધીનાં બાળકોમાં ડિજિટલ ટેક્નૉલૉજીના વપરાશ વિશેના યુરોપના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે આ વયજૂથનાં બાળકોને ટેક્નૉલૉજીના વપરાશ જોખમ બાબતે બહુ ઓછી અથવા જરાય જાણકારી ન હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસ દરમિયાન કેટલાંક માતા-પિતાને જાણવા મળ્યું હતું કે સંતાનો માતા-પિતાના સ્માર્ટ ફોન પાસવર્ડની ખબર હતી અને તેઓ તેને આસાનીથી ઓપન કરી શકતાં હતાં.
એ જાણકારીનો ઉપયોગ માતા-પિતા તેમનાં નાનાં સંતાનોને સ્માર્ટ ફોન આધારિત કાર્યોમાં સામેલ કરીને તેમજ તેના યોગ્ય વપરાશ બાબતે વાકેફ કરવામાં કરી શકે.
સ્ટેવિકે કહ્યું હતું કે “આ રીતે સ્માર્ટ ફોન શું છે, તેના પર શું ચાલી રહ્યું છે અને તે શા માટે છે તે બાળકોને સારી રીતે શીખવાડી શકાય.”
આખરે તો સંતાનોને તેમનો પોતાનો સ્માર્ટ ફોન ક્યારે લઈ આપવો તેનો નિર્ણય માતા-પિતા માટે મૂલ્ય સંબંધી નિર્ણય હોય છે.
કેટલાક લોકો સંતાનોને સ્માર્ટ ફોન આપવાનું યોગ્ય ગણતા નથી. થોડી કલ્પનાશીલતા સાથે કામ લેવામાં આવે તો પોતાનો સ્માર્ટ ફોન ન હોય તેવાં બાળકોને કશુંક ગુમાવ્યાનો રંજ થતો નથી.
લિવિંગસ્ટન કહે છે કે “પ્રમાણમાં સારો આત્મવિશ્વાસ ધરાવતાં અને મિલનસાર બાળકો પોતાના રસ્તો શોધી લેતા હોય છે. આખરે તો તેમનું મોટા ભાગનું સામાજિક જીવન સ્કૂલમાં જ હોય છે અને તેઓ એકમેકને રોજ મળતા જ હોય છે.”
વાસ્તવમાં પોતાની પાસે સ્માર્ટ ફોન ન હોવાથી કશુંક ગુમાવવાના ભયનો સામનો પરિપકવ ટીનેજર્સ માટે ઉપયોગી પાઠ સાબિત થઈ શકે છે.
માતા-પિતાના નિયંત્રણથી મુક્ત થાય ત્યારે તેઓ પોતાના માટે સ્માર્ટ ફોન ખરીદી શકે છે અને પોતાની મર્યાદા નક્કી કરી શકે છે.
લિવિંગસ્ટન કહે છે કે “કશુંક ગુમાવવાના ભયની સમસ્યા એ છે કે તેનો ક્યારેય અંત આવતો નથી. તેથી દરેકે પોતાની મર્યાદા નક્કી કરવાનું શીખવું જરૂરી છે. અન્યથા તેઓ 24 કલાક અને સાતેય દિવસ સ્માર્ટ ફોન સ્ક્રોલ કરતા રહેશે.”














