ભારતીયો હજુ પણ દીકરી સામે દીકરાની ઇચ્છા કેમ વધારે રાખે છે?
- લેેખક, શાદાબ નઝ્મી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારત સરકાર તરફથી હાલમાં જ જાહેર કરાયેલા એક સર્વેક્ષણ અનુસાર દેશના લૈંગિક અસમાનતામાં સુધારો થઈ રહ્યો છે પરંતુ વસતિનો એક મોટો ભાગ આજે પણ ઓછામાં ઓછો એક દીકરો જન્મે તેવી ઇચ્છા રાખે છે.

ઇમેજ સ્રોત, IMAGESBAZAAR/GETTYIMAGES
2019થી 2021ની વચ્ચે વસતિના મોટા સમૂહની વચ્ચે કરાયેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-5)ના હાલના આકડા દર્શાવે છે કે સર્વેક્ષણમાં સામેલ લગભગ 80 ટકા લોકો ઓછામાં ઓછા એક દીકરો જન્મે તેવી ઇચ્છા રાખે છે.
આ સર્વેક્ષણ દ્વારા જાણવા મળે છે કે હાલ પણ મોટા પ્રમાણમાં લોકો દીકરીઓના સ્થાને દીકરાઓને પ્રાધાન્ય આપે છે.
ભારતમાં પારંપરિક સમાજની જૂની માન્યતા રહી છે કે ખાનદાનનું નામ દીકરો આગળ વધારે છે અને ઘડપણમાં માતા-પિતાની દેખરેખ રાખશે. ત્યાં દીકરીઓ લગ્ન બાદ સાસરે જતી રહેશે. સાથે જ લગ્નમાં ખાસું દહેજ પણ આપવું પડશે.
આ વિચારની સામે વર્ષો સુધી કામ કરનારા લોકોનું માનવું છે કે આ પ્રકારના વિચારને કારણે દીકરીઓની સરખામણીઓ દીકરાઓની સંખ્યા વધી જાય છે, જે લાંબા સમયથી ભારત માટે શરમની વાત રહી છે.

જ્યારે પહેલી વખત લિંગઅસામનતામાં સુધારો જોવા મળ્યો

ગત એક સદીના વસતિગણતરીના આંકડાઓ અનુસાર ભારતમાં મહિલાઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધારે રહી છે. 2021માં થયેલી વસતિગણતરીના આંકડા અનુસાર ભારતમાં દર એક હજાર પુરુષે અંદાજે 940 મહિલાઓ હતી.
2011માં ભારતનો બાળલિંગ અસમાનતાનો દર(જન્મથી 6 વર્ષ સુધીનાં બાળકોની સમાનતા) તો તેનાથી પણ વધારે ખરાબ હતો. આંકડા પ્રમાણે ત્યારે એક હજાર છોકરા સામે માત્ર 918 છોકરીઓ હતી. આના કારણે અનેક ટીકાકારો ભારતને 'ગુમ થયેલી મહિલાઓન દેશ' કહેવા લાગ્યા.
જોકે એનએફએચએસ-5 સર્વેમાં ભારતની લિંગઅસમાનતામાં પહેલી વખત સુધારો જોવા મળ્યો. આ મુજબ, ભારતમાં હવે પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધારે થઈ ગઈ છે.
જોકે, આંકડા એમ પણ કહે છે કે ભારતમાં દીકરાઓની 'ઐતિહાસિક પ્રાથમિકતા' હાલ પણ યથાવત્ છે.
આ મુજબ, 16 ટકા પુરુષ અને 14 ટકા મહિલા એટલે 15 ટકા લોકો દીકરીઓની સરખામણીમાં દીકરો જન્મે તેની આશા રાખે છે. આના કારણે દીકરાની ઇચ્છામાં દીકરીઓ જન્મે છે.
દિલ્હીમાં લોકોના ઘરમાં ઘરેલુ કામ કરનારાં ત્રણ દીકરીઓનાં માતા ઇંદ્રાણીદેવી સાથે બીબીસીએ આ અંગે વાતચીત કરી. તેઓ કહે છે કે તેઓ 'એક 'પૂર્ણ' પરિવાર એટલે કે એક દીકરી અને બે દીકરાઓ ઇચ્છા રાખતાં હતાં, પરંતુ ભગવાનની મરજી કંઈ બીજી હશે, દરેક વખતે તેમને દીકરી જન્મી.'
હવે તેઓ પોતાના ભાગ્યની સાથે સમજૂતી કરી ચૂક્યાં છે અને નિર્ણય કર્યો છે કે તેઓ હવે બાળકોને જન્મ નહીં આપે.
તેઓ કહે છે, "મારા પતિ બસ ડ્રાઇવર છે. હવે અમે બીજાં બાળકોનું પાલનપોષણ નહીં કરી શકીએ."

ભારતના કુલ પ્રજનનદરમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
એનએફએચએસ-5ના અહેવાલ અનુસાર, ઇંદ્રાણી દેવીની જેમ 15થી 49 વર્ષની વચ્ચે અંદાજે 65 ટકા લગ્ન કરેલી મહિલાઓ, જેમને ઓછામાં ઓછી બે દીકરીઓ છે અને એક પણ દીકરો નથી, તેમણે કહ્યું કે તે હવે બીજા બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી. ગત સર્વે એટલે એનએફએચએસ-4માં આ આંકડો 63 ટકાનો હતો.
તાજા અહેવાલમાં આશાનું એક કિરણ જોવા મળ્યું છે. આ મુજબ, દીકરાઓની જગ્યાએ દીકરીને જન્મ આપવાની ઇચ્છા રાખનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
ગત વર્ષે આ સંખ્યા 4.96 ટકા હતી જે વધીને 5.17 ટકા થઈ છે.
જોકે વધારો બહુ મોટો નથી પરંતુ આનાથી ખ્યાલ આવે છે કેટલાક લોકો દીકરાઓથી વધારે દીકરીઓને ઇચ્છે છે.
જાણકારોનું માનવું છે કે આ વાતનો સીધો સંબંધ ભારતમાં ઘટતા કુલ પ્રજનનદર એટલે ટોટલ ફર્ટિલિટી રેટથી છે. આ દર મહિલાઓના પ્રજનનકાળમાં જન્મ થતા બાળકોની ઍવરેજ સંખ્યાની વિગતો આપે છે.
એનએફએચએસ-5ના અહેવાલ અનુસાર દેશમાં વધતા શહેરીકરણ, વધતી મહિલાસાક્ષરતા અને ગર્ભનિરોધકના વધતા ઉપયોગથી પ્રજનનદર ઘટીને 2 થઈ ગયો છે. જાણકારો અનુસાર જો કોઈ વસતિમાં આ આંકડો 2.1થી ઘટી જાય તો અંદાજે ત્રણ દાયકા બાદ વસતિ વધતી અટકી જાય છે.
દેશની અંદાજે 140 કરોડ વસતિના પ્રમાણમાં આ સારા સમાચાર છે, પરંતુ નિષ્ણાતો અનુસાર સંતુલિત વસતિ માટે ભારતે લૈંગિક અસમાનતાની સમસ્યા દૂર કરવા પર જરૂરી ધ્યાન આવું જોઈએ.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








