યુક્રેનના બૂચામાં બાળકોનો એ કૅમ્પ જે બની ગયો હત્યાકાંડનું મેદાન
- લેેખક, સારા રેઇન્સફોર્ડ
- પદ, બીબીસી પૂર્વ યુરોપ સંવાદદાતા, બૂચા
માર્ચના અંત ભાગમાં કિએવમાંથી રશિયન દળોને પાછા ધકેલી દેવાયા તે પછી બૂચા વિસ્તારમાં જેમ-તેમ દફનાવી દેવાયેલા 1000 નાગરિકોના મૃતદેહો મળ્યા હતા.
બીબીસીને એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 650ની હત્યા કરી દેવાઈ હતા. બીબીસી સંવાદદાતા સારા રેઇન્સફોર્ડે બાળકો માટેના સમર કૅમ્પમાં બનેલી ઘટનાની તપાસ કરી છે, જેને હવે અપરાધના સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ લેખની વિગતો વિચલિત કરી શકે છે
પ્રથમ દૃષ્ટિએ હત્યાકાંડ જેવું સ્થળ લાગતું નથી. બૂચાની નજીક જંગલના કિનારે રમતગમતના કેન્દ્રમાં પાંચ યુક્રેનિયનને ઘૂંટણીયે બેસાડીને ઠાર કરી દેવાયા હતા.
પ્રવેશની જમણી બાજુ પથ્થરો પર લાગેલા લોહીના દાઘ હવે કાળા પડી ગયા છે. તેમાં બ્લ્યૂ વૂલનની હેટ પડેલી છે, જેમાં કાણું પડેલું છે અને લોહીથી ભીંજાઈ ગયેલી છે. દીવાલમાં મેં જોયું તો એક ડઝન ગોળીઓ ત્યાં લાગેલી હતી.
થોડા ડગલાં દૂર રશિયન સેનાનો રાશનનો થેલો પડેલો છે અને ફટાકડાના ખાખી ખોખા પડ્યા છે. દીવાલ પર ચિત્રો દોરેલા છે, જે દર્શાવે છે કે આ બાળકો માટેનો કૅમ્પ હતો. પરંતુ રશિયાની સેના અહીં ઘૂસી આવી અને આ કૅમ્પ દેહાંતદંડ માટેનું મેદાન બની ગયું.

સમર કૅમ્પમાં થયેલો હત્યાકાંડ હચમચાવી દેનારો છે: રશિયાનો કબજો રહ્યો તેના એક જ મહિનામાં બૂચાના 1,000 નાગરિકો માર્યા ગયા. રશિયન સેનાના તોપમારામાં તે માર્યા ગયા તેવું નથી, પણ એક સિનિયર પોલીસ અધિકારીનું કહેવું છે કે 650થી વધારે લોકોને ગોળી મારી દેવામાં આવી હતી.
યુક્રેન હવે તે હત્યાકાંડ કરનારાને શોધી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વોલોદિમીર બોઇચેન્કો હોસ્તમલમાં રહે છે, જે બૂચાથી નીકળતા રસ્તા પર છે અને રશિયાના દળો સૌપ્રથમ જે હવાઈ પટ્ટી પર ઊતર્યા હતા તેની નજીક છે.
યુદ્ધથી બચવા માટે તેમની બહેન એલિઓના મિકિતુઉક ભાગી રહી હતી ત્યારે ભાઈને પણ કહ્યું કે મારી સાથે આવી જા. વોલોદિમીર સૈનિક નથી પણ નાગરિક છે, છતાં તેમણે અહીં જ રહીને મદદ કરવાનું નક્કી કર્યું. રશિયાના હવાઈ હુમલાને કારણે પડોશીઓ અને બાળકો ભોંયરામાં ભરાઈ ગયા હતા. તેમના માટે ભોજન અને પાણીની વ્યવસ્થા માટે હોસ્તમલમાં ફરતા રહેતા હતા.

અને પછી તે ગુમ થઈ ગયા..

ઇમેજ સ્રોત, BOICHENKO FAMILY
મરચન્ટ નેવીમાં કામ કર્યું હોવાથી દુનિયા અનેક દેશોમાં ફરી આવેલા 34 વર્ષના વોલોદિમીર રોજ ફોન કરીને પોતે સલામત હોવાનું પરિવારને જણાવતા હતા. બહેન એલિયોના રોજ તેમના ફોનની રાહ જોતાં. પુરવઠો ખૂટવા લાગ્યો ત્યારે બહેને કહ્યું કે હવે ત્યાંથી નીકળી જાઓ, પણ ત્યાં સુધીમાં રસ્તા પણ બંધ થઈ ગયા હતા.
એલિયોના છેલ્લે 8 માર્ચે તેમની સાથે વાત કરી શક્યાં હતાં. પરંતુ તે વખતે ભાઈએ કહ્યું તેનાથી તે ચિંતામાં પડી ગયાં હતાં. રડતા સ્વરમાં એલિયોના કહે છે કે "તેણે કહ્યું કે બહેન તું વહાલી છે તે સાંભળીને હું હચમચી ગઈ હતી. તેના અવાજમાં ભય હતો. "
ચાર દિવસ પછી વોલોદિમીર બાળકોના આ કૅમ્પ રેડિયન્ટ પાસે જોવા મળ્યા હતા અને પછી તે ગૂમ થઈ ગયા.
માર્ચમાં કિએવની આસપાસ ઉગ્ર લડાઈ ચાલી હતી અને તેમાં સૌથી ધમાસામ બૂચામાં મચ્યું હતું. તે પછી એપ્રિલમાં રશિયાના દળો ત્યાંથી હટ્યા ત્યારે દુનિયા આઘાત પામી ગઈ: શેરીઓમાં ચારે બાજુ માર્યા ગયેલા નાગરિકોના મૃતદેહો પડ્યા હતા.

મૉસ્કો એવો ખુલાસો કરવાની કોશિશ કરે છે કે હત્યાઓનો દેખાવ કરવામાં આવ્યો છે, પણ તે વાત સાવ ખોટી છે. આ હત્યાકાંડ માટે જવાબદારને સજા અપાવવા માટે યુક્રેન સરકારે તપાસ શરૂ કરી છે અને હવે પોતાના કબજામાં ફરી આવેલા વિસ્તારમાંથી નક્કર પુરાવા એકઠા કરી રહી છે.
કિએવના પ્રાદેશિક પોલીસ વડા એન્ડ્રી નિએબાયટોવ કહે છે, "અમને ખબર નથી કે પુતિન શું કરવા માગે છે એટલે અમે ઝડપથી કામ કરવા માગીએ છીએ. બૉમ્બમારો કરાવીને તેઓ બધા પુરાવાનો નાશ પણ કરાવી નાખે."
નાગરિકોની કાર પર અનેક ગોળીઓથી કાણાં પડી ગયા હોય અને તે એક મેદાનમાં એકઠી કરાઈ હોય તે પુરાવા તરીકે લેવાઈ છે. તેને હાલમાં બૂચાના સીમાડે એકઠી કરાઈ છે.
પરિવારો શહેર છોડીને જવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમના વાહનો પર ગોળીબારી થઈ હતી. એક કારની બારીમાં સફેદ કપડું લગાવાયું હતું જેથી પોતે ખતરારૂપ નથી તેવું સૈનિકોને જણાવી શકાય, છતાં તેના પર ગોળીબાર થયો અને તેના મુસાફરો માર્યા ગયા.
ચોથી એપ્રિલે કૅમ્પ રેડિયન્ટમાંથી મૃતદેહો મળી આવ્યા ત્યારે તેમાં વોલોદિમીરનો મૃતદેહ પણ હતો. તે દિવસે એલિયોનાને તેની તસવીર મોકલાઈ હતી અને બહેન તે તસવીર ડાઉનલોડ થઈ રહ્યાં હતાં ત્યારે જ સમજી ગઈ કે આ ભાઈની જ તસવીર છે.
વોલોદિમીરના હત્યારઓ માટે તે કહે છે, "મારો અણુએ અણુ તેમને ધિક્કારે છે. એ લોકો માણસો જ નથી. લોકોના શરીરમાં કોઈ એવો ભાગ બચ્યો નહોતો, જેના પર પ્રહારો કરવામાં ના આવ્યા હોય."

રશિયન સૈનિકોની યાદી મળી

પાંચ મૃતદેહો ઘૂંટણીયે પડેલા મળી આવ્યા હતા, તેમના હાથ પાછળ બાંધેલા હતા અને માથું નમેલું હતું.
પોલીસ વડાએ બીબીસીને જણાવ્યું કે "અમે જાણીએ છીએ કે તેમને ત્રાસ અપાયો હતો. રશિયાની સેનાએ યુદ્ધની દરેક હદ ઓળંગી દીધી હતી. તે લોકો યુક્રેનની સેના સામે નહોતા લડી રહ્યા, પરંતુ નાગરિકોને પકડીને લઈ જતા હતા અને તેમને ટોર્ચર કરતા હતા."
તપાસ અધિકારીઓ હાલમાં કેવી તપાસ થઈ રહી છે તેની વિગતો આપવા માગતા નથી, જોકે કેટલાક રશિયન સૈનિકો એટલા બેદરકાર હતા કે ઘણા બધા પુરાવા રહી ગયા છે.
યુક્રેનના સત્તાધીશોને કેટલીક છોડી દેવાયેલી છાવણીઓમાંથી રશિયન સૈનિકોની યાદી પણ મળી છે. એકમાં હાજરી પુરાયેલી લાગે છે, જ્યારે એકમાં પાસપોર્ટની વિગતો અને ફોન નંબરો લખેલા છે.
લગભગ 1,000 જેટલા યુદ્ધ ગુના નોંધાયા છે અને મોટા પાયે તપાસ કરવાની છે, ત્યારે યુક્રેનના તપાસકર્તાઓએ ડિજિટલ કામ સારું કરી શકે તેવા નાગરિકોની મદદ પણ માગી છે.

યુદ્ધ પહેલાં યુક્રેનની કાયદા પાલન સંસ્થાઓના ભ્રષ્ટાચાર વિશે લખી ચૂકેલા પત્રકાર દિમિત્રો રેપ્લિયનચૂક કહે છે, "મને લાગે છે કે મારી પણ ફરજ છે." તેમણે હવે તપાસ અધિકારીઓને મદદ કરવાનું શરૂ કર્યું છે અને ઇન્ટરનેટ પર શોધખોળ કરીને શંકાસ્પદ યુદ્ધ ગુનેગારોની જરૂરી વિગતો એકઠી કરી આપે છે.
દિમિત્રો કહે છે, "મને ખ્યાલ છે આ કામ બહુ અઘરું છે અને ઘણા બધા કેસ ઉકેલી શકાશે નહીં. પરંતુ આ અઠવાડિયાઓ દરમિયાન શક્ય એટલી વધુ માહિતી એકઠી કરી લેવી જરૂરી છે."
કૅમ્પમાં પડેલા કચરામાંથી અમને પણ એક કડી મળી હતી. સીઉકા નામની એક રશિયન મહિલાએ પાર્સલ મોકલેલું તે અહીં પડ્યું છે અને તેના પર રશિયન સૈનિક અને યુનિટનું નામ સ્પષ્ટપણે લખેલું છે.
જોકે જે યુનીટના સૈનિકનું નામ લખેલું છે તેના જ સૈનિકો બાળકોના આ કૅમ્પમાં હશે કે કેમ તે ખાતરીથી કહી શકાય નહીં.
નાગરિકોની હત્યા થઈ ત્યારે તે સૈનિકો હાજર હતા કે કેમ તે પણ કહી શકાય નહીં. પોલીસે ખરેખર ક્યારેય હત્યા થઈ તેનો ચોક્કસ સમય નક્કી કરવો પણ જરૂરી છે.

ગુસ્સા અને ભય વચ્ચે વીતાવ્યા દિવસો

નિએબાયટોવ કહે છે "અમે તેના પર કામ કરી રહ્યા છીએ, પણ તેમાં સમય લાગે છે. આ કૅમ્પમાં હૅડક્વાર્ટર બનાવાયું હતું એટલે તેનો કોઈ કમાન્ડર પણ હોવો જોઈએ. કમાન્ડરની જાણ વિના સૈનિકોએ હત્યાઓ ના કરી હોય. તેથી અમે આદેશ આપનારા કોણ હતા તે જાણીશું અને પછી તેનું પાલન કરનારાને શોધીશું."
કૅમ્પના રસ્તાની સામે બાજુ ચર્ચની પાછળ ફરીથી જીવન થાળે પડતું હોય તેવું લાગે છે. એક કિશોર ત્યાં યાર્ડમાં ફરી રહ્યો છે, જ્યારે એક માણસ પોતાના ઘરની તૂટેલી બારીઓને રિપેર કરી રહ્યો છે.
એક નાનકડી દુકાન પણ હમણાં જ ખુલી છે, કેમ કે ઘણા લોકો પરત ફરીને પોતાના ઘરનું સમારકામ કરાવી રહ્યા છે.
પડોશીઓ એ દિવસોને યાદ કરે છે કે કેવી રીતે રશિયાની ટૅન્કો શહેરમાં ઘૂસી ગઈ હતી. નશામાં રહેલા સૈનિકો શેરીમાં ફરતા હતા અને કોઈના પણ ઘરમાં ઘૂસીને વસ્તુઓ ચોરી જતા હતા.

હાલમાં પશ્ચિમ યુક્રેનમાં જતા રહેલા વિક્ટર સિટન્સ્સકી સાથે મારે ફોન પર વાત થઈ હતી. કૅમ્પ રેડિયન્ટ પહેલાં કેવો હતો તેની તેમને ખબર નથી, પણ તેમણે આપેલી વિગતોનો મેળ ખાય છે.
માર્ચની શરૂઆતમાં જ રશિયન સૈનિકોએ વિક્ટરને પકડી લીધા હતા. તેના હાથ બાંધી દીધા અને આંખો પર હેટ ઢાંકી દીધી હતી. તેમને એક જગ્યાએ પૂરી દેવાયા હતા, તેઓ બાળકોના કૅમ્પમાં જ હતા એમ તેમને લાગે છે.
રશિયનોએ તેમને પગ પર બરફીલું પાણી રેડ્યું જેથી તે થીજી જાય અને તેના માથા પર બંદૂક તાકી હતી.
વિક્ટર યાદ કરતાં કહે છે, "તે લોકો પૂછતા હતા કે ફાસીવાદીઓ ક્યાં છે? સૈનિકો ક્યાં છે? ઝેલેન્સ્કી ક્યાં? એક જણે પુતિનની વાત કરી એટલે હું તેમનું ખરાબ બોલ્યો તે સૈનિકે મને માર માર્યો હતો."
એક તરફ ગુસ્સો આવતો હતો, પણ ભય પણ લાગતો હતો. તેઓ ભૂતકાળમાં સાઇબિરીયાના વતની સાથે કામ કરી ચૂક્યા હતા અને રશિયાના લોકો આવો ત્રાસ આપશે તેની તેમને કલ્પના પણ નહોતી.
તેમાંના એક સૈનિકે કહ્યું પણ ખરું કે પોતે સાઇબિરીયાનો છે.

વિક્ટરે તેને કહ્યું કે આવી સ્થિતિ થઈ છે તે બહુ ખરાબ કહેવાય.
તેના જવાબમાં રશિયન સૈનિકે ગુસ્સાથી કહ્યું, "દુખની વાત છે કે આપણા પરદાદાઓ સાથે મળીને નાઝીઓ સામે લડ્યા, પણ તમે લોકો હવે ફાસીવાદી બની ગયા છો".
"તેમણે મને કહ્યું કે સવાર સુધી તે જે કંઈ જોયું છે તેને યાદ કરી લેજે અને નહીં તો પછી તને ઠાર કરી દેવાશે.'"
જોકે તે રાત વિક્ટર માટે લકી સાબિત થઈ. ભારે તોપમારો થયો હતો અને તેના પર પહેરો ભરી રહેલા સૈનિકો નાસી ગયા છે એવું વિક્ટરને લાગ્યું. એટલે તેઓ પણ ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા.
"મને થયું કે અહીં જ પડ્યો રહીશ તેના કરતાં તોપમારા વચ્ચે નાસી છૂટું તો કદાચ બચી જઈશ. તે લોકોએ તમારા લમણે બંદૂક મૂકી જ હતી, તેને ટ્રિગર દબાવતા કેટલી વાર લાગે?"

કૅમ્પમાં બધાની સાથે વોલોદિમીરનો મૃતદેહ દફનાવી દેવાયો હતો, પણ તેમની અંતિમક્રિયાઓ હવે બૂચાના કબ્રસ્તાનમાં યોગ્ય રીતે પૂરી કરવામાં આવી છે.
એલિયોના કહે છે કે અંતિમવિધિ કર્યા પછી તેમને સપનામાં ભાઈ દેખાયો હતો અને સાંત્વના આપી રહ્યો હતો.
જોકે હજીય તેમના મનમાં સવાલો છે. વોલોદિમીરની કબર પર માત્ર તેની જન્મતારીખ લખી છે, મૃત્યુની તારીખ નથી લખી, કેમ કે તેમને ક્યારેય ઠાર કરાયા હશે તે સ્પષ્ટ નથી.
કદાચ ક્યારેય જાણવા નહીં મળે, સિવાય કે કૅમ્પનો કબજો કરનારો રશિયન કમાન્ડર પકડાઈ જાય.
ક્રેડિટ વગરની તમામ તસવીરો સારા રેઇન્સફોર્ડ દ્વારા
એડિશનલ રિપોર્ટિંગ: ડેરિયા સિપિગીના, મરિયાના મેટ્વેઇચૂક અને ટોની બ્રાઉન

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












