યુક્રેન સંકટ : ભારત રશિયા સાથેના સંરક્ષણ સોદા તોડી નાખશે?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી રિયાલિટી ચૅક
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ ભારતના રશિયા સાથેના સંબંધો ચર્ચામાં છે, તેમાં પણ ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે બંને દેશોના સંબંધો.

ઇમેજ સ્રોત, Getty Images
નાણામંત્રી નિર્મલા સીતારમણે એપ્રિલ મહિનામાં અમેરિકાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે 'ભારત પશ્ચિમી દેશોનો 'સારો મિત્ર' બનવા ઇચ્છે છે.'
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ભારત નબળું પડવા માગતું નથી, અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગે છે. જેનો અર્થ થાય છે કે લાંબા સમયથી ચાલી આવતી રશિયન લશ્કરી સાધન-સરંજામો પરની નિર્ભરતા હજુ પણ ચાલુ રહી શકે છે.

ભારત લશ્કરી સાધન-સરંજામો માટે રશિયા પર કેટલું નિર્ભર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત એ વિશ્વના સૌથી મોટા હથિયારો તેમજ લશ્કરી સાધન-સરંજામો ખરીદનારા દેશોમાંનો એક છે અને પૂર્વ સોવિયેટ સંઘના સમયથી તેમની સાથે સારો સંબંધ ધરાવે છે.
ભારતની પાકિસ્તાન સાથેની દુશ્મની અને ચીન સાથે વધી રહેલા તણાવે સોવિયેટ સંઘના વિઘટન બાદ રશિયા સાથેના સંબંધો મજબૂત રાખ્યા છે.
વિવિધ દેશોના સૈન્યખર્ચ અને વૈશ્વિક હથિયારોની હેરાફેરી પર નજર રાખતા સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે 1992 સુધી ભારતના બે તૃતીયાંશ સૈન્ય સરંજામો રશિયા પાસેથી આવતા હતા.
અમેરિકાસ્થિત રિસર્ચ ગ્રૂપ ધ સ્ટિમસન સેન્ટરના અંદાજ પ્રમાણે ભારતની 85 ટકા સૈન્ય સરંજામો માટે રશિયા જવાબદાર છે.
આ સૈન્ય સરંજામોમાં ફાઇટર જૅટ્સ, ન્યૂક્લિયર સબમરીન, ઍરક્રાફ્ટ કૅરિયર્સ, ટૅન્ક અને મિસાઇલનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું ભારત સૈન્ય સરંજામો માટે વિકલ્પ શોધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, DIDIER LAURAS
છેલ્લા એક દાયકામાં ભારતની રશિયન હથિયારો પરની નિર્ભરતા ઓછી થઈ છે અને ફ્રાન્સ, ઇઝરાયલ, અમેરિકા અને યુકે જેવા દેશો પાસેથી હથિયારો ખરીદ્યા છે.
સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ ફ્રાન્સ, અમેરિકા અને ઇઝરાયલ પાસેથી ભારતે કરેલી હથિયારની ખરીદી વર્ષ 2017ની સરખામણીએ બમણી થઈ ગઈ હતી. જોકે, રશિયા ભારતને હથિયારો પૂરો પાડનાર સૌથી મોટો દેશ હતો.
ભારતે ફ્રાન્સ પાસેથી રફાલ જૅટ્સ, મિરાજ કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને સ્કૉર્પિયન સબમરીન્સ ખરીદી છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીની ફ્રાન્સ મુલાકાત વખતે બન્ને દેશો વચ્ચે અત્યાધુનિક સંરક્ષણ ટેકનૉલૉજી માટે સહકાર સાધવાની તૈયારી દર્શાવી હતી.
તેવી જ રીતે એપ્રિલ મહિનામાં યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસનની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા માટેના સોદા અને ફાઇટર જૅટ્સ બનાવવાની અદ્યતન ટેકનૉલૉજી માટે સહકાર સાધવાના મુદ્દાને રજૂ કર્યો હતો.
ભારતે ઇઝરાયલ પાસેથી ડ્રોન, ઍરબોર્ન વૉર્નિંગ સિસ્ટમ, ઍન્ટી-મિસાઇલ ડિફેન્સ સહિતના સૈન્ય સરંજામ ખરીદ્યા છે.

શું ભારત ફેરવિચારણા કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફેરફારના કારણે ભારત ફ્રાન્સ, અમેરિકા અને ઇઝરાયલની નજીક આવ્યું છે.
તેમ છતાં ભારતે રશિયાના યુક્રેન પર હુમલાની ન તો નિંદા કરી છે, ન તો રશિયાનો પક્ષ લીધો. ભારત સ્પષ્ટપણે સંકેત આપી રહ્યું છે કે તે કોઈ પક્ષ લેવા માગતું નથી.
કેટલાક સંરક્ષણ નિષ્ણાતો માને છે કે રશિયા પરના પ્રતિબંધોની અસરને જોતા ભારત પાસે રશિયા પરની નિર્ભરતા ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નથી.
સ્ટિમસન સેન્ટરના સંરક્ષણ અને સુરક્ષા વિશ્લેષક સમીર લાલવાણી કહે છે કે હવે રશિયન એસ-400 સરફેસ-ટૂ-ઍર મિસાઇલ સિસ્ટમ માટેના કેટલાક પાર્ટ્સને લઈને સમસ્યા સર્જાઈ શકે છે. ભારતે આ મિસાઇલ સિસ્ટમ 2018માં ખરીદી હતી. જેની પૂરેપૂરી ડિલિવરી હજુ મળી નથી.
તેઓ કહે છે, "એવું માનવાનું મજબૂત કારણ છે કે રશિયા એસ-400 મિસાઇલ સિસ્ટમની સમયસર ડિલિવરી નહીં કરી શકે."
તેઓ એમ પણ માને છે કે યુક્રેનમાં રશિયાને જે નુકસાન થયું છે તેનો અર્થ એ હોઈ શકે છે કે તે ભારતની જરૂરિયાતો પૂરી કરી શકશે નહીં. કારણ કે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં પોતાના દેશમાં તૈયાર થયેલા સૈન્ય સરંજામોનો ઉપયોગ તે ખુદ માટે કરશે, ન કે બહાર મોકલવા માટે.

શું ભારત રશિયા વિના ચલાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં તે અસંભવિત લાગે છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં યુએસ કૉંગ્રેસના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સૈન્ય રશિયા દ્વારા પૂરા પાડવામાં આવતા સાધનો વિના અસરકારક રીતે કામ કરી શકશે નહીં અને નજીકના ગાળામાં રશિયન શસ્ત્ર પ્રણાલીઓ પરો આધાર રાખશે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે રશિયા તેના શસ્ત્રો આકર્ષક ભાવે આપે છે.
દિલ્હી સ્થિત ઍવિએશન ઍન્ડ ડિફેન્સ યુનિવર્સના સંપાદક સંગીતા સક્સેના કહે છે કે ભારતીય સેના ખાસ કરીને રશિયા પાસેથી ખરીદી કરવાનું ચાલુ રાખશે.
તેઓ કહે છે, "માત્ર ભારતીય સેના રશિયન સૈન્ય હથિયારોથી વાકેફ હોવાના કારણે જ નહીં, પરંતુ રશિયા સાથેના અડગ સંબંધોના કારણે પણ આ થઈ શકે છે."
જોકે તેઓ ઉમેરે છે કે ભારત ખુદની ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવા માગે છે. કેટલાક કિસ્સામાં અન્ય દેશો સાથે મળીને પણ એમ કરવામાં આવે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












