ભરૂચનાં કુંવારા માતા જેમણે આઈવીએફથી બાળકને જન્મ આપ્યો, કહ્યું 'હું સમાજને જવાબ આપવા તૈયાર છું'
- લેેખક, સાજિદ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભરૂચમાં રહેતા ડિમ્પી પરમાર કુંવારા માતા બન્યાં છે. તેમણે આઈવીએફની મદદથી બાળકને જન્મ આપ્યો છે.
35 વર્ષનાં ડિમ્પી પરમારે પારિવારિક પરિસ્થિતિને કારણે લગ્ન નથી કર્યાં પરંતુ તેમનામાં રહેલાં માતૃત્વને જીવતું રાખવા માટે તેમણે કૃત્રિમ ગર્ભધારણ કર્યો અને માતા બન્યાં છે.

તેમણે મુંબઈમાં આઈવીએફ સારવાર કરાવી હતી. હાલમાં તેઓ અને તેમનું બાળક બંને સ્વસ્થ છે.
ડિમ્પી કહે છે, "મારી ઘરની પરિસ્થિતિ એવી હતી કે હું લગ્ન કરી શકું તેમ નહોતી. હું કૉલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારે મારા ભાઈ બોન કૅન્સરની બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારાં માતાને સંધિવાની બીમારી હતી એટલે હું મારે લગ્ન કરવાં જોઈએ કે નહીં તે બાબતને લઈને મૂંઝવણમાં હતી. તેવામાં 2020માં માતાપિતા કોરોનામાં મૃત્યુ પામ્યાં. તે પછી મેં નિર્ણય લઈ લીધો કે મારે લગ્ન નથી કરવાં."
તેઓ ઉમેરે છે, "ત્યારે મારાં મમ્મી અને અન્ય પરિવારજનોએ મને સમજાવ્યું કે અમે છીએ ત્યારે તો તને જીવવા માટેનો સાથ સહકાર છે, પરંતુ અમે નહીં હોઈએ ત્યારે તું એકલી કેવી રીતે જીવીશ? તે પછી સમાજના પડકારને તું કેવી રીતે સહી શકીશ. તે પછી મને થયું કે હા, જીવનમાં કોઈકનો સાથ હોવો જરૂરી છે."
આઈવીએફ કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિ છે. ભરૂચના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પલક કાપડિયા કહે છે, "આઈવીએફ પદ્ધતિમાં માતામાંથી ઓવમ અને પિતામાંથી શુક્રાણુને લઈને બહાર લેબોરેટરીમાં કૃત્રિમ રીતે ફલિત કરવામાં આવે છે અને ફરી ગર્ભમાં મૂકી દેવામાં આવે છે."
"એ પછીનો તબક્કો સામાન્ય ગર્ભાધારણ જેવો જ હોય છે. સામાન્ય ગર્ભધારણની જેમ જ આઈવીએફ દ્વારા ગર્ભસ્થ શિશુનો વિકાસ થાય છે."

આગળ આવતી સમસ્યાઓને લઈને તૈયાર

કુંવારી માતા બનવું ભારતીય સમાજમાં ક્યારેક જ જોવા મળે છે અને તેમને આસાનીથી સ્વીકાર પણ કરવામાં આવતી નથી. તેમના માટે સમાજ તરફથી ઘણું દબાણ આવી શકે છે. પરંતુ ડિમ્પીનું કહેવું છે કે તેઓ એ દબાણનો જવાબ આપવા માટે તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિમ્પી કહે છે, "મને અત્યારસુધી તો સમાજે કોઈ પ્રશ્ન નથી કર્યો પણ હું માનું છું કે આગળ જતાં ઘણી એવી પરિસ્થિતિઓ આવશે. ખાસ કરીને મારા બાળકના જન્મ પ્રમાણપત્ર સમયે, શાળામાં પ્રવેશ સમયે ઘણા પ્રશ્નોનો મારે સામનો કરવો પડશે."
"લોકો મારા માનસને નકારાત્મક કરવાનો ભરપૂર પ્રયત્ન કરશે પરંતુ હું નક્કી કરીને બેઠી છું કે હું નકારાત્મક વિચારોને મારામાં પ્રવેશવા નહીં દઉં."
"જે પણ નકારાત્મક પ્રશ્નો મારી સામે આવશે એનો હું તૈયારી સાથે સકારાત્મક જવાબ જ આપીશ."

શું છે IVF પદ્ધતિ?

ઇમેજ સ્રોત, SPL
IVF એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ છે, જે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી)નો એક ભાગ છે. નિઃસંતાન દંપતીઓ સંતતિ મેળવવા માટે તેની મદદ લેતા હોય છે.
કોઈ દંપતીને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવતી હોય, ત્યારે આઈવીએફનો ઉપયોગ કરી શકાય છે. IVF ગર્ભધારણની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ-બેબી કહેવાય છે.
આ પદ્ધતિમાં સ્ત્રીનાં અંડબીજ અને પુરુષના શુક્રાણુને લૅબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.
સ્ત્રીનાં અંડબીજ તથા પુરુષનાં શુક્રાણુઓનું લૅબોરેટરીમાં કસનળીમાં મિલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થતાં ભ્રૂણને મહિલા (અને કેટલાક કિસ્સામાં સરોગેટ મધર)ના ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.
એક જ વખતમાં મહિલા માતૃત્વ ધારણ કરી લે તેવું નથી હોતું અને સામાન્યતઃ બેથી ચાર પિરિયડ સાઇકલમાં ગર્ભધારણ થતું હોય છે.
અમુક સંજોગોમાં લેવાયેલા વીર્યના સૅમ્પલની મદદથી એક કરતાં વધુ વખત માતા બની શકે છે.

આઈવીએફનો સામાન્ય ઉપયોગ અને ફાયદા

ઇમેજ સ્રોત, Science Photo Library
જે લોકો વિવિધ કારણોસર સંતાન પ્રાપ્ત ન કરી શકતા હોય, તેવા લોકો માટે આઈવીએફ બાળકને જન્મ આપવામાં મદદરૂપ થતી પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ 1978થી થઈ રહ્યો છે.
આ પદ્ધતિમાં નહીં વપરાયેલાં ઈંડાંનો ઉપયોગ સંશોધન માટે થાય છે અથવા તે ઈંડાં અન્ય યુગલોને દાનમાં આપી શકાય છે.
સિંગલ મધરમાં પણ આઈવીએફનું ચલણ પ્રચલિત છે.
બ્રિટનમાં સરકારના આંકડા અનુસાર, સિંગલ મધર બનવાનું ચલણ વધ્યું છે. 2014થી તો બ્રિટનમાં આમાં 35 ટકાનો વધારો થયો છે.
ઑક્સફર્ડ ફર્ટિલિટીના જણાવ્યા અનુસાર, "લોકો હવે બાળકને એકલા હાથે જ જન્મ આપવા માગે છે. લોકો કાં તો વીર્ય અથવા અંડાણુ ખરીદી લે છે."
ભારતમાં આ ટ્રૅન્ડ હાલના દિવસોમાં જોવા મળ્યો છે. ગયા વર્ષે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેતા તુષાર કપૂરે આમ જ કર્યું હતું.
જોકે, આઈવીએફની પ્રક્રિયા મોંઘી હોય છે. બ્રિટનમાં લગભગ સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આઈવીએફ સફળ રહેશે કે અસફળ એનો આધાર મહિલાઓના અંડાણુ અને સ્પર્મની ગુણવત્તા પર છે.
ઑક્સફર્ડ ફર્ટિલિટીમાં આઈવીએફની સફળતાનો દર 30થી 50 ટકાની વચ્ચે છે.

ઈંડાંને કેવી રીતે ફલિત કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, SPL
ભારતમાં પણ ઓવમ અર્થાત અંડકોષ અર્થાત ઈંડાં અને સ્પર્મ વેચવાનું ચલણ પણ જોવા મળ્યું છે. આની પાછળ ઘણાં કારણોને જવાબદાર માનવામાં આવે છે.
તેમાં એક તો મોટી ઉંમરે લગ્ન. મા-બાપ બનવામાં મુશ્કેલી પેદા થતી હોવાથી આઈવીએફનો આશરો લેવામાં આવે છે.
સ્પર્મની જેમ અંડકોષ ડૉનેટ કરવા સરળ નથી. આ ઘણી જટિલ પક્રિયા છે જેમાં 15 દિવસ લાગે છે.
ભારતમાં નિયમ અનુસાર, મહિલાઓનાં અંડ લેવામાં આવે છે જે મા બની ચૂકી હોય, જેથી એમને ફરીથી મા બનવામાં કોઈ મુશ્કેલી ના પડે.

અંડબીજને ઇંજેકશન દ્વારા મહિલાનાં શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. આ અંડબીજની સાથે જે પુરુષને બાળક પેદા કરવાનું હોય તેના સ્પર્મ સાથે મેળવવામાં આવે છે.
અંડબીજ અને સ્પર્મ ભેગા કરીને બેબી (ઍમ્બ્રિયો) બનાવવામાં આવે છે. ઍમ્બ્રિયોને મહિલાઓનાં ગર્ભમાં પ્રવેશ કરાવવા માટે કોઈ સર્જરી કરવાની જરૂર પડતી નથી.
તેને લાઇન બનાવી મહિલાનાં શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. 15 દિવસોની અંદર ખબર પડી જાય છે કે ગર્ભ રહ્યો છે કે નહીં.
IVFના ગેરફાયદા

ઇમેજ સ્રોત, Science Photo Library/Getty
આ દરમિયાન ઉપયોગમાં લેવાતી દવાઓની આડઅસર થઈ શકે છે, જેમ કે તીવ્ર માથાનો દુખાવો થતો હોય છે.
આમાં એક કરતાં વધારે બાળક જન્મે તેવી શક્યતા પણ હોય છે, જે માતા અને બાળકો માટે જોખમી છે.
ઓવરિયન હાઇપર-સ્ટીમ્યુલેશન સિન્ડ્રોમ એટલે કે, જ્યારે અંડાશયમાં ઘણાં બધાં ઈંડાં વિકસે છે. તે તણાવપૂર્ણ હોય છે અને સાથે જ તેની સફળતાનો દર વધારે નથી.

સરોગસીનો નવો કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, https://egazette.nic.in/
ભાડાની કૂખમાં આઈવીએફથી બાળકને જન્મ આપવા માટે સરોગસીનો સહારો લેવામાં આવે છે. સરોગેટ અને ડોનર અંગે ગોપનીયતા જાળવવા માટે કરાર કરવામાં આવે છે.
25 ડિસેમ્બર 2021ના રોજ ભારત સરકારે બહુચર્ચિત સરોગસી નિયંત્રણ કાનૂન, 2021 લાગુ કર્યો હતો. હવે સરોગસીથી બાળક ઇચ્છતા દંપતીના લગ્નને ઓછામાં ઓછા પાંચ વર્ષ થયા હોવા જોઈએ.
વધુમાં, કાયદો વ્યાપારિક સરોગસીને ગેરકાયદેસર બનાવવા માંગે છે અને માત્ર 'પરમાર્થવાદી સરોગસી' અથવા જેમાં સરોગેટ માતાને કોઈ વધારાના નાણાકીય વળતરનો સમાવેશ થતો ન હોય તેવી સરોગસીને મંજૂરી આપે છે.
અન્ય કલમ પ્રમાણે, દંપતી પાસે 'આવશ્યકતાનું પ્રમાણપત્ર' હોવું જોઈએ જે સૂચવે છે કે તેઓ બિનફળદ્રૂપ છે.
સરોગસી પરોપકારી હેતુ માટે હોવી જોઈએ, તેમાં વ્યાપારી હેતુનો સમાવેશ ન થવો જોઈએ,
વેચાણ, વેશ્યાવૃત્તિ અથવા અન્ય પ્રકારના શોષણ માટે બાળકો પેદા કરવા માટે સરોગસી ન હોવી જોઈએ.
તેમજ, સરોગસી ધારણ કરનારને નિયમમાં ઉલ્લેખિત પ્રતિબંધિત આરોગ્યની સ્થિતિ અથવા બીમારી ન હોવી જોઈએ.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













