એવું મંદિર કે જ્યાં મહિલાઓ માસિક દરમિયાન પણ પૂજા કરે છે

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
    • લેેખક, એ. ડી. બાલાસુબ્રમણ્યમ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની છુટ આપતા ચુકાદા બાદ બહુ વિવાદ થયો હતો.

સબરીમાલા મંદિર વિવાદની વચ્ચે એવું પણ મંદિર છે જ્યાં માસિક દરમિયાન પણ મહિલાઓ અંદર પ્રવેશી શકે છે.

એમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.

તમિલનાડુની આદિ પરાશક્તિ મંદિરમાં મહિલાઓ કોઈ પણ જાતની રોક ટોક વગર પવિત્ર સ્થાન સુધી જઈ શકે છે.

આ મંદિરમાં મહિલાઓના માસિકચક્રને અપવિત્ર માનવામાં આવતું નથી પણ શરીરના એક પરિવર્તનના ભાગરૂપે જ એને ગણવામાં આવે છે.

line

સ્થાપના અને લોકપ્રિયતા

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ ભારતમાં મોટા ભાગનાં મંદિરોથી અલગ આ મંદિરમાં કોઈ પૂજારી હોતા નથી.

મંદિરના જનસંપર્ક અધિકારી રવિચંદ્રન કહે છે, ''આ મંદિરમાં પુરુષોની જેમ મહિલાઓ પણ મંદિરના ગર્ભસ્થાન સુધી જઈ શકે છે અને જાતે પૂજા કરી શકે છે. અહીંયા જાતિ, ધર્મ, લિંગ કે ઉંમરનું કોઈ બંધન નથી.''

કેટલાક દાયકા પહેલાં ચેન્નઈ-વિલ્લુપુર નેશનલ હાઈવે પર આવેલા મરૂવથૂર ગામના એક શાળાના શિક્ષકે એવો દાવો કર્યો હતો કે એમણે એક લીંમડાના ઝાડમાંથી દૂધ નીકળતું જોયું હતું.

એમના દાવાના કેટલાક દિવસો બાદ ભારે વાવાઝોડામાં આ ઝાડ પડી ગયું હતું અને બંગારૂએ ફરીથી દાવો કર્યો હતો કે અહીંયા સ્વયંભૂ લિંગ પેદા થયું છે.

ત્યારબાદ તેઓ પોતાની જાતને ' શક્તિ' કહેવા માંડ્યા અને ઝાડવાળી જગ્યાએ આદિ પરાશક્તિનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું.

ધીમે-ધીમે એમની લોકપ્રિયતા વધવા માંડી અને તમિલનાડુ અને આજૂબાજૂનાં રાજ્યો આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાંથી હજારો ભક્તો ત્યાં એમને સાંભળવા ઉમટવા માંડ્યા.

મંદિરનો વ્યાપ વધવા માંડ્યો અને ઘણી સામાજિક અને શિક્ષણ સંસ્થાઓ મંદિરના નામે ખોલવામાં આવી.

મંદિરના ટ્રસ્ટે ગામમાં એક મેડિકલ કૉલેજ પણ ખોલી છે, જ્યાં જ્યાં દૂર દૂરથી બાળકો ભણવા માટે આવે છે.

line

મુખ્ય પદ પર મહિલાઓ

ધર્મગુરુ બંગારૂ
ઇમેજ કૅપ્શન, ધર્મગુરુ બંગારૂ

મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટ સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવે છે અને એના મોટા ભાગનાં મુખ્ય પદો પર મહિલાઓ છે.

રવિ ચંદ્રન દાવો કરે છે, ''બંગારૂએ સ્વયંભૂ લિંગની શોધ કરી હતી 1966માં અને હાલમાં એની સાથે જોડાયેલી લગભગ પાંચ હજાર સંસ્થાઓ છે. એમાંથી કેટલીક તો વિદેશમાં છે.''

જોકે, મંદિર સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે.

લગભગ 30 વર્ષોથી આ મંદિરમાં પૂજા કરી રહેલાં મીનાકુમારી કનકરાજ એ પળને યાદ કરતાં જણાવે છે જ્યારે તેમણે પ્રથમ વખત આ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

તેઓ જણાવે છે, ''જ્યારે મને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અને જાતે પૂજા કરવાની છૂટ મળી હતી એ અનુભવનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. એ વખતે મારી ખુશીનો કોઈ પાર નહોતો."

"મંદિરમાં શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે અહીંયા માસિકચક્રને અપવિત્ર માનવામાં આવતું નથી."

"એમણે મને જણાવ્યું કે મંદિરને પોતાનું ઘર જ ગણો. મેં એ જ પ્રકારનો અનુભવ કર્યો હતો. મંદિરમાં સમાનતા વિશે ઘણું બધું લખાયેલું છે.''

line

તમામ જ્ઞાતિના લોકો આવે છે

મંદિરમાં પૂજા કરી રહેલાં મહિલા
ઇમેજ કૅપ્શન, મંદિરમાં પૂજા કરી રહેલાં મહિલા

તેઓ દાવો કરે છે કે આ સમાનતા લિંગને આધારે તો છે જ ઉપરાંત જાતિને આધારે પણ અહીં કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.

''અમારી પ્રાર્થના સભાઓના સભ્યો અમારા જેવા પ્રોફેસરો તો છે જ પણ મેલું ઉપાડનારી અને કપડાં ધોનારી મહિલાઓ પણ છે. તે સૌ મંદિરના પવિત્ર સ્થાન સુધી જઈ શકે છે અને પૂજા કરી શકે છે."

"ત્યાં તમારી જાતિ પૂછવામાં આવતી નથી. સૌને ત્યાં શક્તિ કહીને પૂજવામાં આવે છે. મહિલાઓના માસિકચક્રને પણ અપવિત્ર ગણવામાં આવતું નથી.''

અગ્રણી લેખક ઇરા મુરૂગવલએ બીબીસી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું, ''કબાયલી સમાજમાં મહિલાઓના માસિકચક્રને શુભ માનવામાં આવે છે. આને વંશવેલો આગળ વધારવાનું પ્રતીક માનવામાં આવે છે.''

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો