ચા પીવાનું સવાર-સાંજ ઓછું કરવું પડી શકે છે, જાણો કેમ?

દેબજાનીના ભવિષ્યનો આધાર ચાના ઉત્પાદન પર છે

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, દેબજાનીના ભવિષ્યનો આધાર ચાના ઉત્પાદન પર છે
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • ભારતમાં ચાનો ઇતિહાસ લગભગ 200 વર્ષ પુરાણો છે
  • બ્રિટિશ શાસન પહેલાં દાર્જિલિંગ અને પછી આસામમાં ચા ઉગાડવાની શરૂઆત કરવામાં આવી હતી
  • દર વર્ષે લગભગ દોઢ અબજ કિલો ચા તૈયાર કરતું ભારત કાળી ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ટોચ પર છે, જ્યારે ચાના કુલ ઉત્પાદનમાં ચીન ટોચ પર છે
  • પાછલાં કેટલાંક વર્ષોથી ઝડપથી બદલાતા હવામાન અને ઉષ્ણતામાનનો ઓછાયો ચાના બગીચાઓ પર પડી રહ્યો છે
લાઇન

સવારના સાડા છ વાગ્યા છે અને દક્ષિણ આસામની બરાક ખીણમાંનાં ઝાડપાન પર રાતે થયેલા વરસાદનાં ટીપાં જોવા મળે છે. સિલચર શહેરથી એકાદ કલાકના અંતરે આવેલા ચાના એક બગીચાની પાછળના વિસ્તારમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.

ટીનની છતવાળાં નાનાં ઘરોમાં પરિવારજનો અને ચાના બગીચામાં કામ કરતા ઘરના સભ્યો માટે ભોજન રંધાઈ રહ્યું છે. બાવન વર્ષની વયનાં દેબજાનીને પણ ભોજન રાંધીને ચાના બગીચામાં પહોંચવાની ઉતાવળ છે, પરંતુ અગાઉ મળતું હતું એટલું કામ આજે પણ મળશે કે કેમ તેની તેમને ખાતરી નથી.

આ નવી ચિંતા તેમના મહેનતુ હાથોના અંકુશમાં નથી. દેબજાનીએ કહ્યું હતું કે "વધુ વરસાદ પડે તો ચાના છોડમાં જીવાતનું પ્રમાણ વધી જાય છે. પાનનું પ્રમાણ ઘટી જાય છે અને અમારું કામ ઘટે છે. તેથી અમારું વેતન પણ ઘટે છે, પરંતુ અમે શું કરી શકીએ?"

line

ઉત્પાદન ઘટ્યું

વિષ્ણુ સૌતાલ આસામના ડોલૂ ચા બગીચામાં છેલ્લાં 23 વર્ષથી કામ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, વિષ્ણુ સૌતાલ આસામના ડોલૂ ચા બગીચામાં છેલ્લાં 23 વર્ષથી કામ કરી રહ્યા છે

જાણો છો કે તાજગી માટે તમે સવાર-સાંજ જે ચાની ચુસ્કી લો છો તેમાં ખલેલ સર્જાઈ શકે છે? જે ચા આટલી સરળતાથી તમારા ઘર સુધી પહોંચી રહી છે તેનું ઉત્પાદન ઘટશે તો તમે શું કરશો?

ઈશાન ભારતીય રાજ્યોમાં ઉત્પાદિત અને યુરોપ-અમેરિકા સુધીના દેશોમાં પીવાતી ચાના ઉત્પાદન પર ક્લાયમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનની અસર હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

ઈશાન ભારતમાં વરસાદ કાયમ વધારે થાય છે. તેને લીધે આ પ્રદેશની જમીનમાં ભેજ રહે છે. ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો અને એમની વચ્ચેની નાની-નાની ખીણોને કારણે આ વિસ્તાર ચા ઉગાડવા માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યો છે.

line

મજૂરોની કફોડી હાલત

ભારતમાં ચાનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, ભારતમાં ચાનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે

થોડાં વર્ષોથી અહીં ઉષ્ણતામાન 35-37 ડિગ્રીથી ઉપર જવા લાગ્યું છે. તેને કારણે ચાના છોડ બળી જાય છે. હવે ચાના છોડ બળી જાય તો દેખીતું છે કે દેબજાની જેવાં ચાના બગીચાઓમાં મજૂરી કરતા લાખો શ્રમિકો પર તેની માઠી અસર થશે.

વિષ્ણુ સૌતાલ આસામના કછાર જિલ્લાના ડોલૂ ચા બગીચામાં છેલ્લાં 23 વર્ષથી કામ કરે છે. બીજા શ્રમિકોની માફક તેમનું કામ પણ ચાનાં પાન એકઠાં કરીને ફેક્ટરીમાં પહોંચાડવાનું છે.

તેમણે કહ્યું હતું કે "આ વર્ષે ચાના છોડવામાં પાંદડાંનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. તેને લીધે ચાના બગીચામાં અમારા જેવા લોકોને કામ જ નથી મળતું. અમે રોજ ચાનાં 23 કિલો પાન તોડીને આપીએ ત્યારે મજૂરીપેટે રૂ. 212 મળે છે. ક્યારેક તો એટલાં પાન પણ તોડી શકાતાં નથી."

line

જળવાયુ પરિવર્તિન

ઈશાન ભારતમાં ચાના 10,000થી વધારે બગીચાઓ છે

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, ઈશાન ભારતમાં ચાના 10,000થી વધારે બગીચાઓ છે

પૂર્વ બંગાળ અને દક્ષિણ આસામમાં 2021ની સરખામણીએ અત્યાર સુધીમાં બમણો વરસાદ પડી ચૂક્યો છે. એ વરસાદના પાણીમાં સિલચર જેવાં ઘણાં શહેરો દિવસો સુધી ડૂબેલાં રહ્યાં હતાં.

ચાના વેપાર સાથે જોડાયેલા તમામ લોકો આ ઘટનાથી આશ્ચર્યચકિત છે અને દુઃખી પણ છે.

ચા ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડિયન ટી ઍસોસિયેશનના સચિવ ભાસ્કર પ્રસાદ ચાલિહાના જણાવ્યા મુજબ, આસામ-મિઝોરમની સરહદે આવેલી બરાક ખીણમાં 2012માં 5.68 કરોડ કિલોગ્રામ ચાનું ઉત્પાદન થતું હતું, જે 2021માં ઘટીને 4.27 કરોડ કિલોગ્રામ થઈ ગયું હતું.

તેમણે કહ્યું હતું કે "વરસાદ હવે માત્ર સાત મહિના થાય છે, પરંતુ અગાઉ બાર મહિનામાં જેટલો વરસાદ પડતો હતો એટલો વરસાદ આ સાત મહિનામાં પડે છે. તેને કારણે જેને અમે ટોપ સોઈલ કહીએ છીએ તે, જમીનની ઉપલી સપાટીને નુકસાન થાય છે."

"ચાના ઉત્પાદનમાં દર વર્ષે માત્ર જળવાયુ પરિવર્તનને કારણે જ લગભગ અઢી ટકાના હિસાબે ઘટાડો થઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે તો આગામી 50 વર્ષમાં ચાનું ઉત્પાદન ખતમ થઈ જશે."

line

બરાક ખીણનો ભવ્ય ભૂતકાળ

ઇન્ડિયન ટી ઍસોસિયેશનના સચિવ ભાસ્કર પ્રસાદ ચાલિહા

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ટી ઍસોસિયેશનના સચિવ ભાસ્કર પ્રસાદ ચાલિહા

ઈશાન ભારતમાં ચાના 10,000થી વધારે બગીચા છે. પશ્ચિમ બંગાળથી માંડીને આસામ, સિક્કિમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં ઉત્પાદિત થતી ચાનો ભારતના કુલ ઉત્પાદનમાં 80 ટકા હિસ્સો છે.

ચાના એ બગીચામાં કામ કરતા દસ લાખથી વધારે લોકોના પૂર્વજોને બ્રિટિશ શાસનકાળમાં દેશના અલગ-અલગ પ્રદેશોમાંથી અહીં લાવવામાં આવ્યા હતા. હવે એ બધા આ રાજ્યોના નાગરિકો છે અને તેમણે સ્થાનિક સંસ્કૃતિ અપનાવી લીધી છે.

કમલજિત તેલીના જણાવ્યા મુજબ, તેમના દાદા કદાચ બિહારી હતા અને તેમને લગભગ 100 વર્ષ પહેલાં બરાક ખીણમાંના ચાના બગીચાઓમાં મજૂરી કરવા માટે લાવવામાં આવ્યા હતા.

કમલજિત તેલીના દાદાને બિહારથી ચાના બગીચામાં મજૂરી માટે લાવવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, કમલજિત તેલીના દાદાને બિહારથી ચાના બગીચામાં મજૂરી માટે લાવવામાં આવ્યા હતા

તેમણે કહ્યું હતું કે "હું નાનો હતો ત્યારે ચાના બગીચાઓની સંખ્યા વધતી જતી હતી અને કામ કરનારા લોકોની અછત હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ચાના બગીચા ઘટી રહ્યા છે."

"મારા જેવા જે લોકો ચાના બગીચામાં કામ કરે છે તેમના માટે તો રોજગારનું સાધન આ જ છે, કારણ કે અમને બીજું કશું કરતા આવડતું નથી. આગળ શું થશે તે ભગવાન જાણે."

ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો સામે ઓછા પડકારો નથી. ઓછા પગારે નોકરી અને સેનિટેશનની ખરાબ વ્યવસ્થા જેવી અનેક સમસ્યાઓનો સામનો તેઓ કરતા રહ્યા છે.

જળવાયુ પરિવર્તનનો સામનો કઈ રીતે કરવો એ તેઓ જાણતા નથી. બદલાતા હવામાનની ચાના છોડ પર થતી અસર અને ચાની ગુણવત્તામાં થતા ઘટાડાને નિહાળી રહેલા લોકોના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ જોવા મળે છે.

આસામ યુનિવર્સિટીનાં પ્રોફેસર જયશ્રી રાઉત પર્યાવરણ વિભાગનાં ડીન પણ છે. તેઓ લાંબા સમયથી આ વિશે સંશોધન કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે "ચાનાં પાંદડાંમાં 50થી વધુ કેમિકલ્સ હોય છે, જે સ્વાદની બાબતમાં અનન્ય હોય છે. વધતા ઉષ્ણતામાન અને વરસાદની માઠી અસર આ છોડમાંના એન્ટી-ઓક્સિડન્ટ્સ પર પણ થઈ છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન