શી જિનપિંગ : જે ચીને પોતાના પિતાને કેદ કર્યા, જિનપિંગ એ જ દેશના સૌથી શક્તિશાળી નેતા કેવી રીતે બની ગયા?

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20માં કૉમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં તેઓ ફરી એકવાર પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે.

સતત ત્રીજી વખત શી જિનપિંગ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે.

એક દાયકા સુધી સત્તામાં રહેલા શી જિનપિંગે ત્રીજી વખત સત્તામાં આવીને ઘણા દાયકાઓથી ચાલી રહેલા રેકોર્ડને તોડીને ઈતિહાસ રચ્યો છે. તેમણે હવે માઓ ત્સે તુંગની બરાબરી કરી લીધી છે.

ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓ ત્સે તુંગના નિધન બાદ કોઈ નેતા ત્રીજી વખત સત્તા પર નથી આવ્યા.

પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શી જિનપિંગે પોતાની નવી સ્ટેન્ડિંગ કમિટિની પણ જાહેરાત કરી છે.

શી જિનપિંગની ટીમમાં લી કિયાંગ, શાઓ લેજી, વાંગ હ્યૂનિંગ, કાઈ કી ડિંગ શેશિયાંગ અને લી શી કીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી લી કિયાંગને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમણે લી કેકિઆંગનું સ્થાન લીધું છે.

પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા બાદ શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું, 'મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આપ સૌનો આભાર.'

તેમણે કહ્યું કે દેશે અત્યાર સુધી ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે આપણે દરેક રીતે ચીનને એક આધુનિક સમાજવાદી દેશ બનાવવા તરફ આગળ વધીશું.

line

આજીવન પદનો માર્ગ મોકળો

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

આ સાથે જ જિનપિંગ માટે આજીવન આ પદ પર રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ચીનના નેતાઓએ વર્ષ 2018માં માત્ર બે ટર્મ માટે રાષ્ટ્રપતિ બનવાની મર્યાદાને સમાપ્ત કરવા માટે મત આપ્યો હતો. આ નિયમ 1990ના દાયકાથી અમલમાં હતો.

શી જિનપિંગે 2012માં સત્તા સંભાળી ત્યારથી તેમના શાસન હેઠળ ચીન સરમુખત્યારશાહી શાસન તરફ અગ્રેસર થયું અને અસંમતીઓ, વિવેચકો અને પ્રભાવશાળી અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ પર કડક કાર્યવાહી કરાઈ.

કેટલાક તેમને ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા અને પૂર્વ શાસક માઓ કરતાં પણ વધુ સરમુખત્યાર માને છે.

તેમના શાસન હેઠળ, ચીને શિનજિયાંગમાં 'પુનઃશિક્ષણ' શિબિરો શરૂ કરી, જેના પર વીગર મુસ્લિમો અને અન્ય લઘુમતી સમુદાયોના માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો.

ચીને હૉંગકૉંગ પર તેની પકડ મજબૂત કરી અને જરૂર પડ્યે તાઈવાનને ફરીથી 'બળપૂર્વક' પાછું મેળવવાની પ્રતિજ્ઞા લીધી.

તેમનો પ્રભાવ જોઈને 2017માં કૉમ્યુનિસ્ટ પાર્ટીએ બંધારણમાં 'શી જિનપિંગના વિચારો' પર આધારિત પુસ્તકનો સમાવેશ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ પહેલાં ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓ અને 1980ના દાયકામાં ડેંગ શિયાઓપિંગના વિચારોને બંધારણમાં સમાવવામાં આવ્યા હતા.

લાઇન
  • શી જિનપિંગ 20માં કૉમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં તેઓ ફરી એકવાર પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે
  • શી જિનપિંગે 2012માં સત્તા સંભાળી ત્યારથી તેમના શાસન હેઠળ ચીન સરમુખત્યારશાહી શાસન તરફ અગ્રેસર થયું છે, કેટલાક તેમને ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા અને પૂર્વ શાસક માઓ કરતાં પણ વધુ સરમુખત્યાર માને છે
  • તેમનો પ્રભાવ જોઈને 2017માં કૉમ્યુનિસ્ટ પાર્ટીએ બંધારણમાં 'શી જિનપિંગના વિચારો' પર આધારિત પુસ્તકનો સમાવેશ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું
  • શી જિનપિંગના પિતા ઝી ઝોંગક્સુન ક્રાંતિકારી હતા અને કૉમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા, તેઓ ચીનના નાયબ વડા પ્રધાન પણ હતા
  • તેમના પિતાને 1962માં કેદ કરવામાં આવ્યા એ સાથે જ તેમના પરિવારની પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો
  • શી જિનપિંગને તે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમકે તે શાળામાં ઉચ્ચ રાજનેતાઓનાં બાળકો અભ્યાસ કરતાં હતાં
  • જિનપિંગનાં પત્ની જાણીતાં ગાયિકા છે. શી જિનપિંગ અને પેંગનાં એક પુત્રી શી મિંગઝે છે. તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, જોકે એટલું સ્પષ્ટ છે કે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે
લાઇન
line

રાજકુમાર, ખેડૂત અને રાષ્ટ્રપતિ

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

શી જિનપિંગનો જન્મ 1953માં થયો હતો. તેમના પિતા, ઝી ઝોંગક્સુન ક્રાંતિકારી હતા અને કૉમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. તેઓ ચીનના નાયબ વડા પ્રધાન પણ હતા.

તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ એટલી શાનદાર રહી છે કે શી જિનપિંગને હંમેશાં રાજકુમાર જેવા માનવામાં આવ્યા છે. પરંતુ તેમના પિતાને 1962માં કેદ કરવામાં આવ્યા એ સાથે જ તેમના પરિવારની પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો.

માઓને તેમના પક્ષના નેતાઓ પર ભારે શંકાઓ રહેતી હતી, ખાસ કરીને જેમને તેઓ પ્રતિસ્પર્ધી માનતા હતા તેમના પર. માઓએ આવા નેતાઓને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપી દીધો હતો.

એ બાદ 1966ની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન લાખો લોકોને ચીની સંસ્કૃતિના દુશ્મન જાહેર કરવામાં આવ્યા, જેના કારણે દેશભરમાં હિંસક ઘટનાઓ બની.

આ ઘટનાઓની અસર શી જિનપિંગના પરિવાર પર પણ પડી હતી. સત્તાવાર નિવેદનો અનુસાર, તેમનાં પિતરાઈ બહેનની હત્યા કરવામાં આવી હતી. જોકે, ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, પાર્ટીના ઉચ્ચ વર્ગથી પરિચિત એક ઇતિહાસકારે કહ્યું કે તેમણે માનસિક દબાણમાં આવીને આપઘાત કરી લીધો હતો.

શી જિનપિંગને તે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, કેમ કે તે શાળામાં ઉચ્ચ રાજનેતાઓનાં બાળકો અભ્યાસ કરતાં હતાં. બાદમાં તેમણે 15 વર્ષની ઉંમરે બીજિંગ છોડી દીધું. તેમને દેશના ઉત્તર-પૂર્વમાં ગરીબીથી પીડિત લિયાંગજિયાહેમાં 'પુનઃશિક્ષણ' અને આકરી મહેનત માટે મોકલવામાં આવ્યા હતા. અહીં તેઓ સાત વર્ષ રહ્યા.

પરંતુ તેમણે સામ્યવાદી પક્ષને નફરત કરવાને બદલે તેને અપનાવી લીધો. તેમણે ઘણી વખત પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પિતાના વિચારોને કારણે તેને નકારી કાઢવામાં આવતા હતા.

આખરે તેમને 1974માં હેબેઈ પ્રાંતમાં પાર્ટીમાં સ્થાન મળ્યું. ત્યાંથી શરૂ થયેલી સફર પછી તેમને સિનિયર ભૂમિકાઓ મળતી રહી અને એક દિવસ શીર્ષ સ્થાને પહોંચી ગયા.

શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆન

1989માં 35 વર્ષની ઉંમરે તેઓ દક્ષિણ ફુજિયન પ્રાંતના નિંગડે શહેરમાં પાર્ટીના પ્રમુખ હતા. આ તે સમય હતો જ્યારે બીજિંગના તિયાનમેન સ્ક્વેર પર રાજકીય સ્વતંત્રતાની માગ સાથે વિરોધપ્રદર્શન થઈ રહ્યાં હતાં.

આમ તો આ પ્રાંત રાજધાની બીજિંગથી દૂર હતો છતાં શી જિનપિંગે અન્ય પાર્ટી નેતાઓ સાથે મળીને સ્થાનિક વિરોધને નિયંત્રિત કરવા અને તેને દબાવવાના પ્રયાસો કર્યા.

કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં થયેલો આ આંતરિક ઝઘડો અને લોહિયાળ સંઘર્ષને દેશના સરકારી રેકૉર્ડ અને ઇતિહાસનાં પાનાંમાંથી ભૂંસી નાખવામાં આવ્યા હતા. તિયાનમેન સ્ક્વેર ખાતે થયેલા લોહિયાળ સંઘર્ષને કારણે ચીને તેની 2000 ઑલિમ્પિક રમતોની યજમાની ગુમાવી દીધી. આ ઘટનામાં હજારો લોકોનાં મોત થયાં હોવાનો અંદાજ છે.

લગભગ બે દાયકા પછી શી જિનપિંગ બીજિંગમાં 2008 સમર ઑલિમ્પિકના પ્રભારી બન્યા. ચીન એ બતાવવા માટે આતુર હતું કે તે બદલાઈ ગયું છે અને યજમાન બનવાને લાયક છે. ચીને એ પણ બતાવ્યું કે તે આ દિશામાં કામ કરી રહ્યું છે અને ચીન રમતગમતમાં એક ઉભરતી શક્તિ બની ગયું.

શી જિનપિંગના વધતા કદે પક્ષની નિર્ણય લેતી સંસ્થા, પોલિટ બ્યૂરોને પણ પ્રભાવિત કરી અને 2012માં તેઓ ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆનને સરકારી મીડિયામાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જિનપિંગનાં પત્ની જાણીતાં ગાયિકા છે.

આ દંપતીમાં એક ખાસિયત હતી જે અગાઉના પ્રમુખો કરતાં અલગ હતી. અગાઉના પ્રમુખોનાં પત્નીઓ જાહેરમાં બહુ બહાર આવ્યાં ન હતાં. શી જિનપિંગ અને પેંગનાં એક પુત્રી શી મિંગઝે છે. તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, જોકે એટલું સ્પષ્ટ છે કે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

વિદેશી મીડિયા હંમેશાં પરિવારના અન્ય સભ્યો અને તેમના વિદેશી વ્યવસાય વિશે તપાસ કરતું રહે છે.

line

જિનપિંગનાં સપનાંનું ચીન

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

શી જિનપિંગ પુરા જુસ્સા સાથે 'ચીનના કાયાકલ્પ' અને તેમનાં સપનાંનું ચીન બનાવવાના વિઝન તરફ અગ્રસર જોવા મળ્યા.

તેમના શાસન હેઠળ, વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ ધીમા વિકાસદરના ઉકેલ રૂપે કરોડો રૂપિયાના 'વન બેલ્ટ વન રોડ' પ્રોજેક્ટ સાથે ચીનના વૈશ્વિક સંબંધો વિકસાવવા તેમજ નબળા સરકારી ઉદ્યોગોને અંકુશમાં લેવા અને પ્રદૂષણ ઘટાડવા માટે કામ કર્યું.

ચીને વૈશ્વિક મંચ પર પોતાની ધાક જમાવવા દક્ષિણ ચીની સમુદ્રમાં શક્તિ પ્રદર્શન કર્યું અને એશિયાઈ અને આફ્રિકન દેશોમાં અબજો ડૉલરનું રોકાણ કરીને પોતાનો પ્રભાવ પણ વધાર્યો.

છેલ્લા દાયકામાં ચીનનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપી હતો, પરંતુ કોરોના મહામારીને કારણે આ ગતિ ધીમી પડી ગઈ. શી જિનપિંગે 'ઝીરો કોવિડ' નીતિ અપનાવી અને તેના કારણે ચીન બાકીના વિશ્વથી અલગ પડી ગયું.

દેશમાં એક સમયે ભારે તેજીમાં ચાલતા પ્રોપર્ટી માર્કેટનો આજે ધબડકો થયો છે અને તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા સાથે ચાલી રહેલું વેપાર યુદ્ધ ચીન માટે ઘણું નુકસાનકારક રહ્યું છે અને તેનો અંત આવવાની હાલ કોઈ સંભાવના જણાતી નથી.

line

'માઓ પછીના સૌથી સરમુખત્યાર નેતા'

2019માં ચીન શાસન વિરુદ્ધ હજારો લોકો હૉંગકૉંગની શેરીઓમાં ઉતર્યા હતા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 2019માં ચીન શાસન વિરુદ્ધ હજારો લોકો હૉંગકૉંગની શેરીઓમાં ઉતર્યા હતા

રાષ્ટ્રપતિ બન્યા બાદ શી જિનપિંગે પાર્ટીના ટોચના હોદ્દા પર ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી. ટીકાકારોએ તેને રાજકીય દ્વેષ ગણાવ્યો. તેમના શાસનકાળ દરમિયાન ચીનમાં આઝાદી પર ઘણાં નિયંત્રણો જોવામાં આવ્યાં છે.

માનવાધિકાર જૂથો માને છે કે શિનજિયાંગ પ્રાંતમાં સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોથી લાખો વીગર મુસ્લિમોને જેલમાં ધકેલી દીધા છે. સરકાર તેને રી-એજ્યુકેશન કૅમ્પનું નામ આપી રહી છે. ચીને અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના એ આરોપને ફગાવી દીધો છે જેમાં શિનજિયાંગમાં નરસંહારની વાત કરવામાં આવી હતી.

શી જિનપિંગના શાસનકાળમાં હૉંગકૉંગ પર ચીનની પકડ વધુ મજબૂત થઈ છે.

રાષ્ટ્રપતિ જિનપિંગે વર્ષ 2020માં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરીને દેશમાં લોકશાહી તરફી વિરોધને સંપૂર્ણ ડામી દીધો હતો. આ કાયદા અનુસાર, જે લોકો આવું કરે છે તેઓ અલગતાવાદી, હિંસક અને વિદેશી શક્તિઓ સાથે મળેલા ગુનેગારો છે. આવા આરોપમાં મહત્તમ સજા આજીવન કેદ છે.

આ કાયદો લાગુ થયા બાદ મોટી સંખ્યામાં લોકશાહી તરફી નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ઍપલ ડેઇલી, સ્ટૅન્ડ ન્યૂઝ જેવી ટોચની મીડિયા સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.

જિનપિંગના શાસન હેઠળ ચીને તાઈવાનના સ્વ-શાસિત ટાપુને ચીન સાથે જોડવાના પ્રયાસો શરૂ કર્યા અને લશ્કરી કાર્યવાહીની ધમકી પણ આપી.

ચીનની શક્તિ અને પ્રભાવને જોતા વિશ્વની નજર હવે શી જિનપિંગના રાષ્ટ્રપતિ તરીકેના ત્રીજા કાર્યકાળ પર રહેશે. તેમના કોઈ અનુગામી નથી. 69 વર્ષીય જિનપિંગ 1970ના દાયકામાં માઓત્સે તુંગના મૃત્યુ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન