ચેન્નઈથી જામનગર પહોંચનારા 1,000 મગરને ગુજરાતમાં ગોઠશે ખરું?

મગર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રમિલા ક્રિષ્નન
    • પદ, બીબીસી તામિળ
લાઇન
  • ભારતમાં મગરોની ત્રણ લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલા મદ્રાસ ક્રોકોડાઈલ બૅન્ક ટ્રસ્ટને કેન્દ્ર સરકાર તરફથી મગરો ગુજરાત મોકલવાની પરવાનગી મળી ગઈ છે
  • સાડા આઠ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ફાર્મમાં હાલ આશરે 700 મેન્ગ્રોવ ક્રોકોડાઈલ, 41 સોલ્ટવોટર ક્રોકોડાઈલ અને 48 ચારકોલ ક્રોકોડાઈલ હોવાનું તેમણે જણાવ્યું હતું
  • મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મની 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈઝરાયલ, સિંગાપુર, ચેક રિપબ્લિક, ડૅન્માર્ક અને નેધરલેન્ડ્ઝ વગેરે જેવા દેશો તરફથી દાન મળતું રહ્યું છે
  • સંખ્યાબંધ લુપ્તપ્રાય પ્રજાતિઓની સંખ્યા આવા પ્રયાસોને વધી રહી છે ત્યારે નિષ્ણાતો વધારાના પ્રાણીઓને દેશમાં અન્યત્ર મોકલવાના નિર્ણય સામે સવાલ ઉઠાવી રહ્યા છે
  • ભારતમાં ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે સંરક્ષિત વિસ્તારો અને અભયારણ્યો છે. ત્યાં મોકલવામા આવેલા એક પણ પ્રાણીનું સ્વાસ્થ્ય સારું નથી
લાઇન

ચેન્નઈ નજીકના મામલાપુરમ ખાતે 1976માં શરૂ કરવામાં આવેલા મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મે જગ્યાના અભાવ અને ભંડોળના અભાવે આશરે 1,000 મગર ગુજરાતના એક ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનું શરૂ કર્યું છે.

ભારતમાં મગરોની ત્રણ લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલા મદ્રાસ ક્રોકોડાઈલ બૅન્ક ટ્રસ્ટને કેન્દ્ર સરકાર તરફથી મગરો ગુજરાત મોકલવાની પરવાનગી મળી ગઈ છે.

આ કિસ્સામાં મગરને ખાનગી પ્રાણી સંગ્રહાલયને આપવા સામે અને ભારતમાં મગરોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણના સંખ્યાબંધ પ્રોજેક્ટના પરિણામ બાબતે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મની માફક દેશમાં વાઘ, સિંહ અને હાથી જેવા પ્રાણીઓના સંરક્ષણ માટે અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

એ ઉપરાંત 1950ના દાયકામાં ચાઈવ્સની આયાત દક્ષિણ આફ્રિકાથી કરવામાં આવી હતી, જે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સલામત છે.

સંખ્યાબંધ લુપ્તપ્રાય પ્રજાતિઓની સંખ્યા આવા પ્રયાસોને કારણે વધી રહી છે ત્યારે નિષ્ણાતો વધારાના પ્રાણીઓને દેશમાં અન્યત્ર મોકલવાના નિર્ણય સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

line

ચેન્નઈના ક્રોકોડાઈલ ફાર્મની સમસ્યા

મગર

ઇમેજ સ્રોત, MCBT

ચેન્નઈ ક્રોકોડાઈલ ફાર્મે શરૂઆતમાં મગરની ત્રણ પ્રજાતિ - મૅન્ગ્રોવ ક્રોકોડાઈલ, સૉલ્ટવોટર ક્રોકોડાઈલ અને ચારકોલ ક્રોકોડાઈલના સંરક્ષણનું કામ હાથ ધર્યું હતું. તેમના પ્રોજેક્ટમાં આ પ્રજાતિઓના સંરક્ષણ, તેમના જીન પૂલની જાળવણી, તેમના સંવર્ધન અને તેમને તેમના મૂળ આવાસ વિસ્તારમાં મુક્ત કરવાનો સમાવેશ થાય છે. 1976થી શરૂ કરીને 1990 સુધીમાં આ ફાર્મ દેશનાં ઘણા રાજ્યોમાંથી મગર લાવવામાં આવ્યા હતા.

ક્રોકોડાઈલ ફાર્મના પાલક નિખિલ વાઈટકરે કહ્યું હતું કે "દેશનાં ઘણા રાજયોમાં જળાશયો પર અતિક્રમણ થયું હતું. ઘણી જગ્યાએ ડેમ બાંધવામાં આવ્યા હતા. જે જગ્યાએ મગરો રહેતા હતા ત્યાં માણસોની અવરજવર વધતાં વન્યપ્રાણીઓ અને માણસો વચ્ચેના સંઘર્ષથી નુકસાન થયું હતું. તેથી 1994માં ભારત સરકારે મગરોના સંવર્ધનનો કાર્યક્રમ બંધ કર્યો હતો અને મગરોને જળાશયોમાં છોડી મૂકવામાં આવ્યા હતા. એ પછી અમારી પાસેના મગરોની સંભાળ અમારે જાતે લેવી પડતી હતી."

આ ફાર્મમાં શરૂઆતમાં 13 સ્વેમ્પ ક્રોકોડાઈલ્સ, બે સોલ્ટવોટર ક્રોકોડાઈલ અને 22 પીટ ક્રોકોડાઈલ્સ હતા. પછીના સમયમાં તેમની સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો. અત્યાર સુધીમાં આ ફાર્મે 1,500થી વધારે મગરો દેશનાં વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલ્યા છે. વિદેશની પાર્કસમાં પણ અહીંથી મગરો મોકલવામાં આવ્યા છે.

મગરોનું પ્રજનન વધતાં મગરના બચ્ચાં ઈંડા તોડીને બહાર આવવા લાગ્યાં હતાં. નિખિલે કહ્યું હતું કે "એક સમય એવો આવ્યો હતો કે મગરોની સંખ્યા ઘટાડવાના એકમાત્ર ઉપાય તરીકે તેમનાં ઈંડા તોડી નાખવા પડતાં હતાં. અમે સરકારના માર્ગદર્શન મુજબ 1994થી તે કરી રહ્યાં છીએ. અલબત, પ્રજનને લીધે વધતી સંખ્યાને સંપૂર્ણપણે અંકુશમાં લેવાનું મુશ્કેલ છે."

સાડા આઠ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ફાર્મમાં હાલ આશરે 700 મેન્ગ્રોવ ક્રોકોડાઈલ, 41 સોલ્ટવોટર ક્રોકોડાઈલ અને 48 ચારકોલ ક્રોકોડાઈલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે "અમારું ફાર્મ ભલે ક્રોકોડાઈલ ફાર્મ તરીકે જાણીતું હોય, પરંતુ અમારી પાસે ટેરેસ્ટ્રિઅલ, એક્વેટિક પ્રજાતિના કાચબા અને સાપ તથા ગરોળી સહિતનાં વિવિધ સરિસૃપ પ્રાણીઓ પણ છે. અમે રેપ્ટાઈલ સેન્ક્ચ્યુરી અને સંશોધન કેન્દ્ર પણ ચલાવીએ છીએ."

"અમે પાર્કમાં શક્ય તેટલી વધારે મગરોને સમાવવાનો પ્રયાસ કરતા રહ્યા છીએ. હવે અમે મગરોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીઠબળ ધરાવતા ગ્રીન્ઝ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરને મગરો મોકલવાનો નિર્ણય કર્યો છે."

મગરોને મોકળાશની જરૂર હોય છે. પરંતુ ફાર્મની પહેલી મુલાકાત વખતે અમને એક પાંજરામાં સંખ્યાબંધ મગરો પૂરાયેલી જોવા મળી હતી.

line

એ મગર, જે ચેન્નઈથી પરદેશ ગઈ

મગર

ઇમેજ સ્રોત, MCBT

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મની 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈઝરાયલ, સિંગાપુર, ચેક રિપબ્લિક, ડૅન્માર્ક અને નેધરલેન્ડ્ઝ વગેરે જેવા દેશો તરફથી દાન મળતું રહ્યું છે.

ભારતમાં ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે સંરક્ષિત વિસ્તારો અને અભયારણ્યો છે. ત્યાં મોકલાયેલાં એક પણ પ્રાણીનું સ્વાસ્થ્ય સારું નથી.

line

રિલાયન્સ સપોર્ટ પાર્કનો પ્રતિભાવ

ચેન્નઈથી ગુજરાત મોકલવામાં આવનાર મગરો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગત માગતા ઈ-મેઈલનો કોઈ જવાબ ગ્રીન પાર્ક તરફથી મળ્યો નથી. સંખ્યાબંધ ફોનકોલ્સનો પણ કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નથી.

ગ્રીન પાર્કે તેના 2020-21ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં પાળેલા પ્રાણિઓની સંભાળ સંબંધી સમસ્યાઓના નિરાકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મની મગરો એ પૈકીનું એક છે.

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મમાં સાંકડી જગ્યાઓમાં 1,500થી વધારે મેન્ગ્રોવ ક્રોકોડાઈલ્સને છેક 1994થી રાખવામાં આવ્યા છે. મગરોની સંખ્યા બહુ મોટી હોવાથી તેની સારસંભાળમાં મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મની મદદ માટેની વિનંતીનો ગ્રીન પાર્કે સ્વીકાર કર્યો છે. મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મમાંથી 1,000 મગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમના આવાસ, ભોજન અને સારસંભાળની પૂરતી વ્યવસ્થા ગ્રીન પાર્કમાં કરવામાં આવશે.

મદ્રાસ ક્રોકોડાઈલ પાર્કમાંથી અત્યાર સુધીમાં આશરે 300 મગરો પ્રાયોગિક ધોરણે ગ્રીન પાર્કમાં મોકલવામાં આવ્યા છે.

line

1,000 મગર કઈ રીતે મોકલાશે?

મગર

ઇમેજ સ્રોત, Getty Images

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રત્યેક મગરના કદ મુજબના ઘાસના કૂણા ફાઉન્ડેશન સાથેના લાકડાનાં બોક્સ તૈયાર કરવામાં આવ્યાં છે. મોકળાશ ધરાવતા બોક્સમાં મગરને પૂરી દેવામાં આવે છે. પાલતુ પ્રાણી હોવાને લીધે મગર સપ્તાહમાં એક જ વખત ભોજન લે છે. મગરને ભોજન કરાવીને ગ્રીન પાર્ક માટે રવાના કરવામાં આવે છે. મગરોને બેભાન કરવી પડતી નથી અને મગરો જમીન તથા પાણી પર કોઈ સમસ્યા વિના પ્રવાસ કરી શકે છે.

મગરોના પ્રવાસ માટે ભારત બેન્ઝની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સમગ્ર પ્રવાસ દરમિયાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડ હવામાન જાળવી રાખવામાં આવે છે. આ મગરો ત્રણથી ચાર દિવસમાં જામનગર પહોંચી જાય છે.

અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે 300 મગર સલામત રીતે જામનગર પહોંચી ગયા છે અને બાકીના 700 મગરોને બીજા તબક્કામાં મોકલવામાં આવશે.

line

રિલાયન્સ સમર્થિત પાર્કમાં વિવાદ

મગર

ઇમેજ સ્રોત, MCBT

ચેન્નઈના ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી એ. વિશ્વનાથને મગરોના રિલોકેશન સામે ચેન્નઈ હાઈ કોર્ટમાં આ વર્ષે ઓગસ્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરી હતી. તેમની વકીલ એસ કે સામીએ અદાલતમાં દલીલ કરી હતી કે મગરોનું સ્થળાંતર કરીને તેમને અંકુશમાં રાખી શકાય નહીં. ગ્રીન પાર્કને ટેકો આપવાને બદલે વધારાની મગરોને સરકારી પાર્ક્સમાં મોકલી આપવા જોઈએ.

બીબીસી સાથે વાત કરતાં એસ કે સામીએ કહ્યું હતું કે "આ સમસ્યાનું એકમાત્ર નિરાકરણ મગરોનું સ્થળાંતર નથી. મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મ બહુ જૂનું ફાર્મ છે. વૈશ્વિક સ્તરે તેની નામના છે, પરંતુ જે સમસ્યાનું નિવારણ તેઓ નથી કરી શક્યા તેનું નિવારણ ખાનગી કંપનીનો ટેકો ધરાવતો પાર્ક કેવી રીતે કરી શકશે? એ ઉપરાંત તેઓ મગરોના માંસ તથા ચામડીનું વેચાણ નહીં કરે તેની ખાતરી કોણ આપશે?"

જોકે, હાઈ કોર્ટે વિશ્વનાથનની અરજી ફગાવી દીધી હતી અને મગરોના સ્થળાંતરની પરવાનગી આપી હતી. નિષ્ણાતોએ મગરોના ક્ષેમકુશળની ખાતરી કર્યા પછી અદાલતે જણાવ્યું હતું કે તે આ બાબતમાં હ્સ્તક્ષેપ કરવા ઈચ્છતી નથી. તેના સંદર્ભમાં સામીએ જણાવ્યું હતું કે તેઓ વધુ વિગત એકત્ર કરશે અને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરશે.

ગ્રીન્સ પાર્ક એક ખાનગી સંસ્થા છે અને મગરોના સંવર્ધનનું ખાનગીકરણ ન થવું જોઈએ. ગ્રીન્સ પાર્કની શરૂઆત પ્રાણી સંગ્રહાલય તરીકે કરવામાં આવી હતી, પરંતુ તેના પરિસરમાં વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્ર પણ આવેલું છે. પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવ બચાવ કેન્દ્ર શા માટે હોવું જોઈએ, એવો સવાલ સામીએ કર્યો હતો.

line

સ્થળાંતરનો વિરોધ શા માટે?

મગર

ઇમેજ સ્રોત, MCBT

નિલગિરિ વાઈલ્ડલાઈફ એન્ડ એન્વાયર્નમેન્ટ સોસાયટી બ્રિટિશરોએ ભારતમાં 1877માં શરૂ કરેલું સૌપ્રથમ વન્યજીવન સંરક્ષણ સંગઠન છે. એસ. જયચંદ્રન તેના માનદ સચિવ છે. તેમણે એવી દલીલ કરી હતી કે સ્થળાંતર એ કોઈ પણ પ્રજાતિને બચાવવાનો ઉપાય નથી.

તેમણે કહ્યું હતું કે "અનેક પ્રજાતિઓના સંરક્ષણના કાર્યક્રમો પાછલાં વર્ષોમાં શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ વન વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મગર હોય, હાથી હોય કે ચિત્તા હોય, દરેક પ્રજાતિના વિલુપ્ત થવાનું કારણ તેમના રહેણાંક વિસ્તારમાં થતો ઘટાડો છે. ભારતમાં આ ખરી સમસ્યા છે."

ટાઈગર કોન્ઝર્વેશન પ્રોજેક્ટ અને એલિફન્ટ કોરિડોર પ્રોજેક્ટ જેવા નવા પ્રકલ્પો શરૂ થયા છે તે સારી વાત છે. અભયારણ્યોને પૂરતું ભંડોળ આપવું જોઈએ, પરંતુ આપણે ત્યાં વન્યજીવનની જમીન પર માણસોએ અતિક્રમણ કર્યું છે. આપણે તેમનું ભોજન છીનવી રહ્યા છીએ અને તેમના પર વિવિધ અભ્યાસ કરી રહ્યા છીએ અને સંરક્ષણના કાર્યક્રમો બનાવી રહ્યા છીએ તેનો શું અર્થ છે?

આપણે આપણા વિકાસને ધ્યાનમાં રાખીને વન્યજીવોનું સ્થળાંતર કરી રહ્યા છીએ. મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મ પ્રોજેક્ટમાં આપણે જે જોખમોનો સામનો કર્યો છે તેને ધ્યાનમાં લઈને આવી નર્સરીઝ શરૂ કરતાં પહેલાં જરૂરી પગલાં લેવાં જોઈએ, એમ જયચંદ્રને કહ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રાણીઓના સ્થળાંતરની પદ્ધતિ બાબતે પણ વિચારણા કરવાની જરૂર છે. સ્થળાંતર કામચલાઉ ઉકેલ છે. થોડા સમય પછી મગરોની વસ્તી વધશે ત્યારે નવી જગ્યા શોધવી પડશે. એક સમસ્યાના નિરાકરણને બદલે વિવિધ સ્થળે સમસ્યાઓનો ગૂણાકાર આપણે બંધ કરવો જોઈએ.

દાખલા તરીકે, લુપ્ત થવા આવેલા વાઘના સંરક્ષણ માટે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ 1973માં ટાઈગર કોન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હવે દેશમાં આશરે 4,000થી 5,000 વાઘ છે. સિંહ, હાથી અને અન્ય પ્રજાતિઓના સંરક્ષણ માટેના અન્ય કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. હવે આફ્રિકાથી શિવિંગી ટાઈગર્સ મધ્ય પ્રદેશમાં લાવવામા આવ્યા છે.

આ આવકારદાયક પગલું છે, પરંતુ આપણા વનોની ક્ષમતાને ધ્યાનમાં લેતાં વન્યજીવનના પ્રસારની ગતિ સાથે તે તાલ મિલાવી શક્યું નથી. મગરની વાત કરીએ તો તે નદીઓ, જળમાર્ગો કે જંગલોમાં અતિક્રમણ ન કરતી હોય તો તેનું ચેન્નઈથી ગુજરાત સ્થળાંતર કરવાની કોઈ જરૂર નથી, એમ જયચંદ્રને કહ્યું હતું.

line

પ્રસારને નિયંત્રિત કરી શકાશે?

મગર

ઇમેજ સ્રોત, MCBT

નિલગિરિની તામિલનાડુ ગવર્નમેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ ખાતે વાઈલ્ડલાઈફ બાયોલોજીના આસિસ્ટંટ પ્રોફેસર તરીકે કાર્યરત અને પશ્ચિમ ઘાટની મગરો પર સંશોધન કરી ચૂકેલા પી. કન્નને કહ્યું હતું કે સંવર્ધનના સ્થળોમાં વન્યજીવોના વિસ્તારને અંકુશિત કરી શકાય નહીં. મગરોના ગર્ભનિરોધની કોઈ પદ્ધતિ નથી. જંગલમાં મગરોના ઈંડા અન્ય પ્રાણીઓ ખાઈ જાય છે અથવા તો તેને નુકસાન પહોંચાડે છે, પરંતુ એ જ ઈંડા સંવર્ધન કેન્દ્રમાં હોય ત્યારે તેમાંથી જીવનો જન્મ 100 ટકા થાય જ.

તેમણે ઉમેર્યું હતું કે નર અને માદા મગરને લાંબા સમય સુધી અલગ-અલગ જગ્યાએ રાખી શકાય નહીં. તેમને અલગ રાખવામાં આવે તો એક તબક્કે તેઓ એકમેકની સાથે ઝઘડતા હોય છે. તેમાં ઘણી મગરોના મોત થઈ શકે છે. તેમને અમુક સમય માટે અલગ રાખી શકાય, પરંતુ આખું વર્ષ અલગ રાખી શકાય નહીં.

મગર

ઇમેજ સ્રોત, Getty Images

સંવર્ધન કેન્દ્રમાં તેમને ભોજન આસાનીથી ઉપલબ્ધ હોય છે. તેમણે શિકાર કરવો પડતો નથી. તેમની હેરફેર મર્યાદિત જગ્યામાં હોય છે. તેથી સંવર્ધનની મોસમાં તેઓ ઈંડા મૂકશે. આપણે તેમના ઈંડાનો નાશ નહીં કરીએ તો તેમાંથી જીવનો જન્મ થશે. તમામ ઈંડાનો નાશ કરવામાં આવશે એવું કહી શકાય નહીં. તેથી મગરોની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થશે.

કન્નન માને છે કે ભારતમાં હાલ પ્રજાતિઓને બચાવવાનો એકમાત્ર માર્ગ તેમને સ્થળાંતરનો છે.

તેમણે કહ્યું હતું કે વન્ય પ્રાણીઓની સંખ્યાને અંકુશમાં રાખવા માટે જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક ભાગોમાં તેમના શિકારના છૂટ છે, પરંતુ ભારતમાં વન્યજીવન સંરક્ષણના કાયદા કડક છે. પ્રાણીઓની હત્યા અને શિકાર ગંભીર ગુના ગણાય છે. તેથી વન્ય પ્રાણીઓના કુદરતી રહેણાંક વિસ્તારની જાળવણી જ એકમાત્ર ઉપાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન