ડૉક્ટર જી : કેવી હોય છે મહિલાઓ વચ્ચે પુરુષ ગાયનેકૉલૉજિસ્ટની દુનિયા?

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, SPICE PR

    • લેેખક, વંદના
    • પદ, ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર, બીબીસી ઈન્ડિયા
line
  • ભારતીય કાયદામાં પુરુષના ગાયનેકૉલૉજિસ્ટ બનવા પર કોઈ પ્રતિબંધ નથી
  • કેટલાક રાજ્યોના પુરુષ ગાયનેકૉલૉજિસ્ટને નોકરી પર રાખવા સામેના આદેશને કોર્ટે રદ કર્યા છે
  • દર્દીના આંતરિક અંગોની તપાસ સંબંધે ચોક્કસ નિયમો છે
  • પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ સાથે મહિલા નર્સ કે સગાં હોવાં જરૂરી છે
  • આંતરિક તપાસ માટે મહિલા દર્દીની સહમતિ જરૂરી છે
line

"કેટલાક લોકો એવું માને છે કે સ્ત્રીની શરીરને સ્ત્રી જ સમજી શકે છે. હું પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ તથા ઑબ્સ્ટટ્રિશન છું અને ક્યારેય પ્રેગનેન્ટ નથી થયો તેનો અર્થ એ નથી કે હું ગર્ભવતી મહિલાઓનો ઈલાજ ન કરી શકું. આ તો એવી વાત થઈ કે હું સાયકોલોજિસ્ટ હોંઉ, માનસિક આરોગ્ય સંબંધી તકલીફોમાંથી પસાર થયો હોંઉ તો જ માનસિક બીમારીઓનો ઈલાજ કરી શકું."

ડૉ. પુનીત બેદી છેલ્લાં 30 વર્ષથી ગાયનેકૉલૉજિસ્ટ એટલે કે સ્ત્રીરોગોના નિષ્ણાત તરીકે દિલ્હીમાં કાર્યરત છે.

વાસ્તવમાં લોકો ગાયનેકૉલૉજિસ્ટ અને ઑબ્સ્ટટ્રિશન એટલે કે પ્રસૂતિનિષ્ણાત વિશે વિચારતા હોય છે ત્યારે તેમને મનમાં મહિલા ડૉક્ટરની છબી જ દેખાતી હોય છે. ઘણી સ્ત્રીઓ પણ મહિલા ગાયનેકૉલૉજિસ્ટ સાથે જ સહજતા અનુભવતી હોય છે.

સવાલ એ છે કે એક પુરુષનું ગાયનેકૉલૉજિસ્ટ હોવું, પુરુષ થઈને મહિલા દર્દીઓની અત્યંત અંગત જિંદગીનો હિસ્સો હોવાનું? આ વિચારની આસપાસ નવી હિન્દી ફિલ્મ 'ડૉક્ટર જી'ના તાણાવાણા ગૂંથાયેલા છે.

line

પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ સાથે વાત કરવાનું શરમજનક નથી

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, SPICE PR

મેડિકલ કૉલેજમાં ગાયનેકૉલૉજીનો અભ્યાસ કરતો એકમાત્ર યુવાન એ વાતે મૂંઝાયો છે કે તે પુરુષ થઈને મહિલાઓની સારવાર કેવી રીતે કરશે. તે પોતાનો કોર્સ બદલવા જાતજાતના તિકડમ કરે છે.

આ કથા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'ની છે, જેની ચર્ચા આજકાલ થઈ રહી છે.

ગાયનેકૉલૉજીનો અભ્યાસ કરતો યુવાન તેની પ્રોફેસર (શેફાલી શાહ)ને કહે છે કે મહિલા રોગો સંબંધી તકલીફો માટે સ્ત્રીઓ મહિલા ડૉક્ટર પાસે જ જવાનું શા માટે પસંદ કરે છે. શેફાલી શાહ જવાબ આપે છે કે આ મેલ-ફિમેલ શું છે, ડૉક્ટર તો ડૉક્ટર જ હોય છે.

એ છોકરો પ્રસૂતિ કક્ષમાં જાય છે ત્યારે પરિવારજનો નારાજ થઈ જાય છે. આ તો થઈ ફિલ્મની વાત, પણ વાસ્તવમાં પુરુષ ગાયનેકૉલૉજિસ્ટની વિચારસરણી કેવી હોય છે?

ડૉ. અમિત ટંડન આગ્રાના જાણીતા ગાયનેકૉલૉજિસ્ટ છે. આ વ્યવસાયમાં આવવાનો પોતાનો કિસ્સો જણાવતાં તેમણે કહ્યું હતું કે "અમારા આગ્રાના વિખ્યાત ડૉ. નવલ કિશોર અગ્રવાલને નેપાળના રાજાએ તેમની પુત્રીના જન્મ માટે ખાસ બોલાવ્યા હોવાનો કિસ્સો સાંભળીને અમે મોટા થયા છીએ. તેઓ બહુ મોટા ગાયનેકૉલૉજિસ્ટ હતા અને સંખ્યાબંધ બિઝનેસમૅન તેમને બૂક કરતા હતા. તેથી એ તો સમજાઈ ગયું હતું કે પુરુષ ગાયનેકૉલૉજિસ્ટની માગ તો છે, પરંતુ આ કામ શરૂ કર્યું ત્યારે એ સમજાયું ન હતું કે સમાજનો દરેક વર્ગ પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ સ્વીકારતો નથી."

પ્રારંભિક પડકારોની વાત કરતાં ડૉ. અમિત ટંડને કહ્યું હતું કે "મારે પોતે સાબિત કરવું પડ્યું હતું. મારાં માતા પણ ગાયનેકૉલૉજિસ્ટ છે. શરૂઆતમાં મહિલાઓ ચેક-અપ માટે આવતી ત્યારે તેઓ મહિલા ડૉક્ટરને પસંદ કરતી હતી. દર્દીની અસહજતાને ધ્યાનમાં લઈને મારાં માતાએ પણ મને કહી દીધેલું કે હાલ મહિલા દર્દીઓની આંતરિક તપાસ કરશો નહીં, જ્યારે કે હું પ્રશિક્ષિત ડૉક્ટર હતો. મારાં માતાને પણ લાગતું હતું કે મહિલા દર્દીઓ મારી સાથે અસહજતા અનુભવશે."

તેમણે ઉમેર્યું હતું કે "ઘરના પુરુષો સિવાયના અન્ય પુરુષો સાથે બહુ વાત પણ ન કરી હોય એવી સ્ત્રીને યુવાન ગાયનેકૉલૉજિસ્ટ સાથે વાત કરવામાં સંકોચ થાય તે દેખીતું છે. શરૂઆતમાં હું પ્રસૂતિખંડમાં જતો ત્યારે મહિલા દર્દીઓનાં સગાં વાંધો લેતાં હતાં. એ મોટો પડકાર હતો, પરંતુ પ્રસૂતિ દરમિયાન મેં કઈ રીતે તેમનું ધ્યાન રાખ્યું હતું તેની વાત એ સ્ત્રીઓ તેમના પરિવારજનોને કરતી ત્યારે તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જતો હતો."

"તમે નાજુક પરિસ્થિતિમાં કોઈ મહિલા દર્દીનો જીવ બચાવો, બાળકની સલામત પ્રસૂતિ કરાવો, કુંવારી છોકરીઓની સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓનું નિવારણ કરો જેથી તેમનું આગળનું જીવન આસાન બને ત્યારે સ્ત્રીઓ ધીમે-ધીમે તમારો વિશ્વાસ કરતી થાય છે. એ પછી પુરુષ-સ્ત્રીનો ફરક આપોઆપ ખતમ થઈ ગયો હતો."

line

ડૉક્ટર પાસે જતી વેળા તમે શું વિચારો છો?

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, DR AMIT TONDON

ડૉ. પુનીત બેદીએ તેમના અનુભવને આધારે કહ્યું હતું કે "સામાજિક અને સાંસ્કૃતિક કારણોને લીધે સમાજમાં એવી ધારણા બંધાઈ છે કે સ્ત્રીઓ તેમની પ્રેગ્નન્સી, પ્રજનન કે ગુપ્ત અંગો સંબંધી સમસ્યાઓ બાબતે પુરુષ ગાયનેકૉલૉજિસ્ટની સલાહ લેવા જાય તે શરમજનક વાત છે. તેમને આ બહુ અંગત બાબત લાગે છે, પરંતુ એક ડૉક્ટર તરીકે હું કહું છું કે કોઈ સ્ત્રીને થતી પીરિયડ્ઝ સંબંધી તકલીફ, ન્યૂમોનિયા જેવી જ તકલીફ છે. તમે સારા ગાયનેકૉલૉજિસ્ટની સલાહ લેવા ઈચ્છતા હો તો પ્રશિક્ષિત ડૉક્ટર પાસે જ જવું જોઈએ. તે પુરુષ છે કે સ્ત્રી એવું ન વિચારવું જોઈએ."

કદાચ એ પુરુષનો સ્પર્શ છે, જેની વાત ડૉક્ટર જી ફિલ્મના ટ્રેલરમાં કરવામાં આવી છે.

વાસ્તવમાં ડૉક્ટર જી ફિલ્મમાં ગાયનેકૉલૉજીનો અભ્યાસ કરતા આયુષ્માન એક જગ્યાએ કહે છે કે ડૉક્ટર તો ડૉક્ટર હોય છે, પુરુષ કે સ્ત્રી નહીં, એવું દર્દીઓ વિચારતા નથી.

તેના જવાબમાં તેમની પ્રોફેસર કહે છે કે 'પહેલાં તો તમે આ વિચારો. યુ હેવ ટુ લૂઝ ધ મેઈલ ટચ. એટલે કે પુરુષના સ્પર્શને છોડવો પડશે.'

આ પુરુષ સ્પર્શવાળી વાત મેં ડૉ. પુનીતને કહી ત્યારે તેમણે એવો તર્ક રજૂ કર્યો હતો કે "પુરુષ ગાયનેકૉલૉજિસ્ટને સંપૂર્ણ પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અમે મહિલા દર્દીની તપાસ કરીએ ત્યારે ત્યાં અનેક મહિલા નર્સ, ડૉક્ટર પણ હાજર હોય તે જરૂરી છે. શરીરના જરૂરી હોય એટલા હિસ્સા પરથી જ વસ્ત્રો હટાવવામાં આવે છે. આ બધું શિખવાડવામાં આવે છે. અમને સંવેદનશીલ માહોલમાં તાલીમ આપવામાં આવે છે. ડૉક્ટર સારા અને ખરાબ બન્ને પ્રકારના હોય છે. તેમાં જેન્ડરની વાત નથી."

line

ડૉક્ટર તો ડૉક્ટર હોય છે, પુરુષ કે સ્ત્રી નહીં

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, SPICE PR

અભિનેત્રી રકુલપ્રીત અને શેફાલી શાહે 'ડૉક્ટર જી' ફિલ્મમાં મહિલા ગાયનેકૉલૉજિસ્ટની ભૂમિકા ભજવી છે.

રકુલપ્રીતે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને તેમણે તેમના અંગત અનુભવના આધારે કહ્યું હતું કે "હવે ખચકાટ નથી થતો, પણ સાચું કહું તો હું ટીનેજર હતી ત્યારે મને બહુ ખચકાટ થતો હતો કે પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ પાસે કેવી રીતે જવું. એક વખત ગાયનેકૉલૉજિસ્ટ પાસે જવું જરૂરી હતું, પણ ડૉક્ટર પુરુષ હતા. મારા મનમાં સવાલ થયો હતો કે હું તેમને મારી તકલીફ કેવી રીતે કહીશ. વાસ્તવમાં ઘરોમાં પણ મહિલાઓના આરોગ્યસંબંધી સમસ્યાઓની ચર્ચા મોકળાશથી થતી નથી. મારો દૃષ્ટિકોણ ધીમે-ધીમે બદલાયો હતો."

રકુલપ્રીતે ઉમેર્યું હતું કે "ડૉક્ટરની કોઈ જાતિ હોતી નથી, એ ફિલ્મમાં પણ જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મ મારફત અમે કોઈ મોટું પરિવર્તન લાવવાનો દાવો નથી કરતાં, પરંતુ લોકોનું મનોરંજન થાય અને લોકો આ વિશે કમસેકમ વાત કરતા થાય તો પણ સારી વાત છે."

અલબત, મુંબઈમાં ઉછરેલાં શેફાલી શાહનો દૃષ્ટિકોણ અલગ છે.

તેમણે કહ્યું હતું કે "મને ક્યારેય ખચકાટ નથી થયો, કારણ કે ડૉક્ટર તો ડૉક્ટર હોય છે. પુરુષ હોય, સ્ત્રી હોય કે ટ્રાન્સજેન્ડર હોય તેનાથી શું ફરક પડે છે. ફિલ્મમાં હું આયુષ્માનને 'લૂઝ ધ મેઇલ ટચ' કહું છું તેમ મારી મહિલા સ્ટુડન્ટ પણ સારું કામ ન કરતી હોય તો હું તેને પણ કહું છું કે 'લૂઝ ધ ફિમેલ ટચ', માત્ર ડૉક્ટર બનો. સમાજની વાત કરીએ તો કોઈ પણ ફિલ્મ કોઈ પણ મુદ્દે ચર્ચા શરૂ કરાવી શકે છે, પરંતુ એક ફિલ્મથી આખા સમાજનો દૃષ્ટિકોણ બદલાઈ જાય એ બહુ મોટી જવાબદારી છે."

બન્ને અભિનેત્રીઓનો દૃષ્ટિકોણ ડૉ. બેદી અને ડૉ. ટંડનના એ દૃષ્ટિકોણની સાખ પૂરે છે કે દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ ઉત્તર ભારતમાં આવો ખચકાટ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

line

જ્યારે કોર્ટ સુધી જવું પડ્યું

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, @AYUSHMANNK

આ વ્યવસાયની વાત કરીએ તો પુરુષ ગાયનેકૉલૉજિસ્ટોએ સમયાંતરે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો છે.

2016માં રાજસ્થાનમાં એવો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓનું નિવારણ શક્ય હોય ત્યાં સુધી મહિલા ડૉક્ટર જ કરશે.

જોકે, ડૉક્ટરોના જોરદાર વિરોધને કારણે રાજસ્થાન સરકારે તે આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.

એ અગાઉ 2010માં પણ વિવાદ સર્જાયો ત્યારે અલાહાબાદ કોર્ટે કહેવું પડ્યું હતું કે ગાયનેકૉલૉજિસ્ટ પુરુષ કે સ્ત્રી એ બેમાંથી ગમે તે હોઈ શકે છે.

વાસ્તવમાં સુલતાનપુરમાં એક પુરુષ ગાયનેકૉલૉજિસ્ટે સરકારી પોસ્ટ માટે અરજી કરી હતી અને જાહેરાતમાં લખ્યું હતું કે આ પોસ્ટ માટે મહિલાઓએ જ અરજી કરવાની છે. પુરુષ ગાયનેકૉલૉજિસ્ટની અરજી ફગાવી દેવામાં આવી ત્યારે તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'ના સચિવ જયેશ લેલેએ જણાવ્યું હતું કે ભારતીય કાયદા મુજબ પુરુષ ગાયનેકૉલૉજિસ્ટના પ્રૅક્ટિસ કરવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ પુરુષ ડૉક્ટરો માટે અનેક પ્રકારની ગાઈડલાઈન્સ હોય છે. જેમ કે, આંતરિક તપાસ માટે મહિલા દર્દીની સહમતિ લેવી જરૂરી છે. કોઈ કાયદાકીય સમસ્યા સર્જાય તો તેના નિવારણની વ્યવસ્થા પણ હોય છે, જ્યાં સ્ત્રીઓ અને ડૉક્ટર પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

line

ગાયનેકૉલૉજીનો અભ્યાસ કરતો છોકરો

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, @AYUSHMANNK

ફરી 'ડૉક્ટર જી' ફિલ્મની વાત કરીએ. આ ફિલ્મનું દિગ્દર્શન અનુભૂતિ કશ્યપે કર્યું છે અને તેની કથા સૌરભ ભારતે લખી છે.

સૌરભ ભારત બીડીએસ એટલે કે દાંતના ડૉક્ટર છે અને ડૉક્ટરી છોડીને ફિલ્મક્ષેત્રે આવ્યા છે.

આ કથા પાછળની કહાણી પણ દિલચસ્પ છે. સૌરભનાં પત્ની ગાયનેકૉલૉજિસ્ટ છે. તેઓ અભ્યાસ કરતા હતાં અને સૌરભ તેમને મળવા ગયા ત્યારે તેમણે જોયું કે એ બેચમાં બધી મહિલાઓ જ હતી અને એકમાત્ર છોકરો ગાયનેલૉકૉજીનો અભ્યાસ કરતો હતો. એ વખતે તેમને વિચાર આવ્યો હતો કે છોકરાના મનમાં શું ચાલતું હશે. આ ફિલ્મની કથાનો આઈડિયા ત્યાંથી આવ્યો હતો.

યોગાનુયોગે થોડા દિવસ પહેલાંની જ વાત છે. હું 2015ની કન્નડ ફિલ્મ 'ચમક' જોઈ રહી હતી. તેમાં પણ હીરો ગાયનેકૉલૉજિસ્ટ છે.

જોકે, તે ફિલ્મની મુખ્ય કથા ન હતી, પરંતુ ફિલ્મના એક દૃશ્યમાં દર્શાવવામાં આવ્યું હતું કે તે ડૉક્ટર કોઈ મહિલા કે દંપતિને મદદરૂપ થાય છે અને એક બાળકનો જન્મ કરાવી શકે છે. તેથી તે બહુ રાજી થાય છે, પરંતુ એક નવજાત બાળકને બચાવી નહીં શકવાને કારણે તે અંદરથી તૂટી જાય છે.

આ સંદર્ભે પોતાનો અનુભવ જણાવતાં ડૉ. પુનીત બેદીએ કહ્યું હતું કે "હું એમબીબીએસનો અભ્યાસ કરતો હતો ત્યારે મારી રુચિ બાળકના જન્મની સંપૂર્ણ પ્રક્રિયામાં હતી. તેથી મેં અબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકૉલૉજીનો અભ્યાસ કરવા વિચાર્યું હતું. મને તેનો ક્યારેય પસ્તાવો થયો નથી. મારાં દાદી બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામ્યાં હતાં. તેથી મારા પિતા કહેતા કે બીજા ડૉક્ટરો તો એક વ્યક્તિનો જ જીવ બચાવે છે, પરંતુ ગાયનેકૉલૉજિસ્ટમા-બાળક સહિતના આખા પરિવારને બચાવે છે."

line

વ્યવસાયના પડકારો

ડૉ. અર્ચના શર્મા
ઇમેજ કૅપ્શન, ડૉ. અર્ચના શર્મા

જોકે, ડૉ, પુનીત બેદી ચેતવણી પણ આપે છે કે પુરુષ હોય કે મહિલા, ગાયનેકૉલૉજિસ્ટ હોવું એ જીવનભરની પ્રતિજ્ઞા છે.

તેમણે કહ્યું હતું કે "હોળી હોય કે દિવાળી, ગાયનેકૉલૉજિસ્ટે 24 કલાક ઉપલબ્ધ રહેવાનું હોય છે. હું 25 વર્ષથી આ ક્ષેત્રમાં છું અને દિવસ-રાત તેની સાથે બંધાયેલો છું, કારણ કે બાળકનો જન્મ કોઈ પણ સમયે થઈ શકે છે અને અમારે હાજર રહેવાનું હોય છે. અમને કહેવામાં આવે છે કે તમે પાર્ટીમાં આવો છો, પણ ક્યારેય ડ્રિંક લઈ શકતા નથી. ગાયનેકૉલૉજીમાં એક મુશ્કેલી એ પણ છે કે બાળકના જન્મ દરમિયાન કોઈ મુશ્કેલી સર્જાય તો ડૉક્ટર સામે કાયદાકીય કાર્યવાહીનું જોખમ વધારે હોય છે."

આવી જ એક હાઈ-પ્રોફાઈલ ઘટના આ વર્ષે રાજસ્થાનમાં બની હતી. તેમાં એક મહિલા ગાયનેકૉલૉજિસ્ટે આપઘાત કર્યો હતો. બાળકના જન્મ પછી તેની માતા મૃત્યુ પામી હતી. તેનો સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો અને પોલીસે મહિલા ગાયનેકૉલૉજિસ્ટ સામે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગાયનેકૉલૉજિસ્ટના પરિવારનો દાવો છે કે એ ઘટનાને કારણે ડૉ. અર્ચના શર્મા ડિપ્રેશનમાં આવી ગયાં હતાં અને તેમણે પોતાની હૉસ્પિટલમાં આપઘાત કર્યો હતો.

ડૉ. અર્ચના શર્માએ લખેલી એક ભાવુક નોંધ પણ મળી આવી હતી.

તેમણે લખ્યું હતું કે "હું મારા પતિ, સંતાનોને બહુ પ્રેમ કરું છું. મારા મૃત્યુ પછી મહેરબાની કરીને તેમને હેરાન કરશો નહીં. મેં કોઈ ભૂલ કરી નથી. કોઈની હત્યા કરી નથી. પીપીએચ કૉમ્પ્લિકેશન છે. તેના માટે ડૉક્ટરને આટલો ત્રાસ આપવાનું બંધ કરો. મારું મૃત્યુ કદાચ મને નિર્દોષ કરશે. ડૉન્ટ હેરેસ ઈનોસન્ટ ડૉક્ટર્સ, પ્લીઝ."

line

ડૉક્ટર અને દર્દી વચ્ચેનો વિશ્વાસ સૌથી સુંદર બાબત

ડોક્ટર જી

ઇમેજ સ્રોત, @AYUSHMANNK

આવા તમામ પ્રકારના પડકારો હોવા છતાં આ વ્યવસાયમાં સૌથી સુંદર બાબત શું છે?

આ સવાલના જવાબમાં ડૉ. ટંડને કહ્યું હતું કે "એ બહુ પવિત્ર સંબંધ છે. એક મહિલા દર્દી તેના અંગત જીવનમાં પ્રવેશની પરવાનગી પુરુષ ડૉક્ટરને આપે છે. એ મહિલા તેના શરીરની આંતરિક તપાસ માટે તૈયાર થાય છે ત્યારે તે ડૉક્ટર પરના પોતાના વિશ્વાસને જાહેર કરતી હોય છે. આ ભરોસો અમારા વ્યવસાયની સૌથી સુંદર બાબત છે, પરંતુ વર્ષોની મહેનત પછી આવો ભરોસો હાંસલ થાય છે."

તેમણે ઉમેર્યું હતું કે "આ ભરોસો મેળવવા માટે પુરુષ ગાયનેકૉલૉજિસ્ટે કદાચ વધારે ધીરજ ધરવી પડે છે, પરંતુ ડિલિવરી પછી કોઈ મહિલા મને એવું કહે કે તેને ટાંકા લીધાની પીડાનો અનુભવ જ થતો નથી. એ મારી સંતુષ્ટિ છે. પેટ પર ચીરો પાડ્યા વિના હું સ્ત્રીઓની લેપ્રોસ્કોપી વડે સર્જરી કરી શકું છું એ મારી સિદ્ધિ છે, કારણ કે એ સ્ત્રીઓ જ કહે છે કે રૂઢિવાદી સામાજિક ધારણાઓને લીધે પેટ પરના ચીરાને કારણે તેમના લગ્નમાં મુશ્કેલી સર્જાય છે. એક બહેતર ભવિષ્યમાં અમારું પણ થોડું યોગદાન હોય છે."

રહી વાત ફિલ્મી ગાયનેકૉલૉજિસ્ટ અને અસલી જિંદગીના ગાયનેકૉલૉજિસ્ટની તો ડૉ. પુનીત બેદીએ ફિલ્મ નિહાળ્યા વિના જ ધારણા બાંધી લીધી છે.

તેમણે કહ્યું હતું કે "બોલિવૂડ આ મુદ્દે કોઈ બુદ્ધિગમ્ય ફિલ્મ બનાવે તેવી મને આશા નથી. બોલિવૂડનું એક બિઝનેસ મૉડલ છે. ત્યાં સ્ટારડમ ચાલે છે. આપણે ત્યાં રિસર્સ કરવામાં આવતું નથી. બોલિવૂડને લાગશે કે કોઈ ખાસ પ્લોટવાળી ફિલ્મ ચાલશે તો તેઓ એવી ફિલ્મ બનાવી નાખશે, પછી ભલે તેનું ચિત્રણ સાચું ન પણ હોય. તેમાં કેટલું વિજ્ઞાન હોય છે એ મને ખબર નથી."

'ડૉક્ટર જી' ફિલ્મ બાબતે ડૉ. ટંડને એવું કહ્યું હતું કે એક પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ તરીકે તેઓ આ ફિલ્મ સાથે રિલેટ કરી શકશે. અને ફિલ્મના બહાને સમાજમાં પુરુષ ગાયનેકૉલૉજિસ્ટ પ્રત્યે જાગૃતિ વધશે અને મહિલાઓના આરોગ્ય બાબતે પણ.

ફિલ્મ સારી કે ખરાબ હોવાની ચર્ચાથી દૂર રહીને ડૉ. પુનીતે ભારપૂર્વક કહ્યું હતું કે "સેક્સ્યુઅલ મુદ્દો હોય, ગર્ભાવસ્થા સંબંધી સમસ્યા હોય, મેનોપોઝ હોય કે મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય, પસંદગી સારા ગાયનેકૉલૉજિસ્ટની જ કરવી જોઈએ એવું હું માનું છું, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. એક બાળકને આ દુનિયામાં લાવવાની જવાબદારી બહુ મોટી હોય છે. આ દેશમાં મહિલાઓનું આરોગ્ય મોટો મુદ્દો બનવું જોઈએ, ડૉક્ટરની જેન્ડર નહીં."

વીડિયો કૅપ્શન, મહિલાઓને થતું વજાઇનલ ડિસ્ચાર્જ શું છે અને જો તે વધારે થાય તો શું?

(આ રિપોર્ટ માટે મુંબઈથી સુપ્રિયા સોગાલે સહયોગ આપ્યો છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન