વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બીજા દિવસે શું થયું, કઈ કંપનીઓએ કરી માતબર રોકાણની જાહેરાત?

ઇમેજ સ્રોત, Getty Images
ગત 10 ઑક્ટોબરે શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના (વીજીજીઆઇએસ) ભાગરૂપે ગુરુવારે મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૉમ્યુનિકેશન અને રેલવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ સાથે હાજર રહ્યા હતા.
અશ્વિની વૈષ્ણવે આવનારા સમયને ભારત અને ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ ગણાવતાં કહ્યું હતું કે, “ગુજરાતના સાણંદમાં સ્થપાયેલા માઇક્રોન પ્લાન્ટ મારફતે ભારતને ઘરઆંગણે બનાવેલ પ્રથમ મેમરી ચિપ આ વર્ષના અંત સુધીમાં મળી શકે છે.”
આ સિવાય સમિટના બીજા દિવસે ત્રણ મહત્ત્વનાં એમઓયુ પર સહી થઈ હતી.
જેમાં ગુજરાત સરકાર અને દક્ષિણ કોરિયાની કંપની સિમટેક સાથે પીસીબી (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ)ના ઉત્પાદન માટેનો એકમ સ્થાપવાની વાત સંમતિ સધાઈ હતી. ઉપરાંત માઇક્રોન અને નેમટેક તેમજ નેમટેક અને સિસ્કો દ્વારા સેમિકન્ડક્ટર માટે જરૂરી આધુનિક માનવ સંસાધનના વિકાસ અંગે એમઓયુ થયાં હતાં. આ એમઓયુનો મૂળ હેતુ એઆઇ અને સાઇબર સિક્યૉરિટીનો હતો.
આંકડાની વાત કરીએ તો માઇક્રોન ટેકનૉલૉજીસ દ્વારા 2.75 બિલિયન ડૉલરના રોકાણની તૈયારી બતાવાઈ હતી. તેમજ પીસીબીના નિર્માણ માટે સિમટેક દ્વારા 1,250 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરાઈ હતી.
આમ, પ્રથમ દિવસે વડા પ્રધાન મોદી બાદ બીજા દિવસે કેન્દ્રીય કૅબિનેટના મંત્રીઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વાઇબ્રન્ટ સમિટ આગળ વધારી હતી.
હવે, સમિટના ત્રીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના અહેવાલ છે.
આ સિવાય બીજા દિવસે ગુજરાત સરકારના વર્ષ 2030 સુધી પુન:પ્રાપ્ય ઊર્જા સ્રોતોની ક્ષમતા વિકસિત કરવાના હેતુને અનુલક્ષીને આ ક્ષેત્રે એક લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરાયાં હતાં. જેમાં ટાટા પાવરના ભાગ 70 ટકા હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત પંડિત દીનદયાળ પૉર્ટ ઑથૉરિટી અને ઉમેડસ ટેકનૉલૉજીસ ઇન્ડિયા વચ્ચે મેરિટાઇમ સૅક્ટરના વિકાસ માટે 30 હજાર કરોડ રૂપિયાનું એમઓયુ થયું હતું.
નોંધનીય છે કે દસમી વાઇબ્રન્ટ સમિટ ગત 10 ઑક્ટોબરથી ત્રણ દિવસ માટે ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ હતી. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ વર્ષે સમિટના મુખ્ય મહેમાન યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ મોહમદ બિન જાયેદ આવ્યા હતા.
'ભારત બનશે વિશ્વનાં ત્રણ અર્થતંત્રો પૈકી એક'

ઇમેજ સ્રોત, ANI
2003માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ તેનાં 20 વર્ષ પૂરા કરી રહી છે.
દસ ઑક્ટોબરના રોજ જ યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચ્યા હતા અને વડા પ્રધાન મોદીએ તેમની સાથે રોડ શો કર્યો હતો.
કાર્યક્રમમાં પોતાના સંબોધન વખતે વડા પ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના મહત્ત્વને નોંધતાં કહેલું કે, “પાછલાં 20 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ રોકાણ અને રિટર્ન માટે ગેટવે બની ગઈ છે.”
મોદીએ કહ્યું હતું કે, "મારી ગૅરંટી છે કે ભારત જલદી જ વિશ્વનાં ત્રણ સૌથી મોટાં અર્થતંત્રો પૈકી એક હશે."
રોકાણકારોને સંબોધતાં તેમણે કહેલું કે તમે “માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા પરંતુ યુવાન ક્રિએટરો અને ગ્રાહકોનું પણ નિર્માણ કરી રહ્યા છો.”
સમિટના પ્રથમ દિવસે તાતા, રિલાયન્સ, અદાણી અને મારુતિ સહિત ઘણાં ઔદ્યોગિક જૂથોએ ગુજરાતમાં આવનારાં વર્ષોમાં માતબર રકમનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મારુતિ ગુજરાતમાં બનેલી ઇવી કારને લૉન્ચ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતમાં પોતાનો બીજો કાર પ્લાન્ટ સ્થાપશે.
હાલમાં મારુતિ દ્વારા નિર્માણ પામતી કારને યુરોપ અને ભારતમાં વેચવામાં આવે છે. એવું પહેલી વખત થશે કે ગુજરાતના કાર પ્લાન્ટમાં નિર્મિત કારની જાપાનમાં પણ નિકાસ કરવામાં આવશે.
આ ઉપરાંત કંપનીના ગુજરાતસ્થિત પ્લાન્ટમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રિક કારને આ વર્ષે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવશે.
જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ તોશિહીરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ ઇન્વેસ્ટર્સ સમિટ (વીજીજીઆઈએસ)માં ભાગ લેતા જાહેરાત કરી હતી કે મારુતિ ગુજરાતમાં 350 અબજ રૂપિયાનું રોકાણ કરશે.
આ રોકાણથી કંપની રાજ્યમાં રહેલી તેમની વર્તમાન કાર નિર્માણની ક્ષમતાને 7.5 લાખ કારથી વધારીને 20 લાખ કાર સુધી વધારશે.
વૈશ્વિક ભાગીદારી

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સુરતમાં ડાયમંડ બુર્સ, ધોલેરા સર અને સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો વાઇબ્રન્ટ સમિટનાં બ્રોશરમાં ઉલ્લેખ દર્શાવે છે કે વિશ્વના નેતાઓ અને બિઝનેસ લીડર્સ સામે તેની ચર્ચા થશે અને તેની થકી ગુજરાતની છબી રજૂ કરવામાં આવશે.
આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આકર્ષણો શું છે? ક્યા દેશો તેમાં ભાગ લેવાના છે? કોણ નવું રોકાણ કરશે?
‘ગેટવે ટુ ધી ફ્યુચર’ થીમ પર યોજાઈ રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 34 દેશો ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે જોડાયેલા છે જ્યારે તેની 16 સાથીદાર સંસ્થાઓ છે.
આ સમિટનો મુખ્ય ભાર આ વખતે ટૅક્નોલૉજી ઍન્ડ ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને પુન:પ્રાપ્ય ઊર્જા પર છે.
રશિયા, તિમોર લેસ્તે, સાઉદી અરેબિયા અને બીજા ઘણા આફ્રિકન દેશો સહિત કૂલ 21 દેશો પ્રથમ વખત આ સમિટના ‘પાર્ટનર કન્ટ્રી’ બની રહ્યા છે.
2011થી સતત વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ભાગીદાર બનેલું કૅનેડા આ વખતે આ લિસ્ટમાં સામેલ નથી. જ્યારે 2017 પછી સિંગાપુર ફરીથી પાર્ટનર દેશ બન્યો છે.
34 પાર્ટનર કન્ટ્રી સહિત કુલ 135 દેશો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને 2000થી વધુ ઍક્ઝિબિટર્સ તેમાં સામેલ થઈ રહ્યા છે.
અનેક દેશોના નેતાઓ અને સીઈઓ સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, PMOINDIA/X
પૂર્વ ભારતથી લઈને મધ્ય પ્રદેશ સહિત 10 ભારતનાં દસ રાજ્યો આ સમિટમાં સામેલ થઈ રહ્યાં છે. એ સિવાય અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આ સમિટમાં સામેલ થઈ રહ્યા છે.
યુએઈના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હોવાથી તેમની સાથે દ્વિપક્ષીય વાર્તાઓ અને કરારો સૌની નજરમાં રહેશે.
સમિટના ઉદ્ઘાટન પહેલાં જ વડા પ્રધાન મોદીએ તિમોર લેસ્તેના રાષ્ટ્રાધ્યક્ષ જોસે રામોસ-હોર્તા અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી હીઅર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
વડા પ્રધાન મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ સુલ્તાન અહમદ બિન સુલાયેમ, માઇક્રોન ટેકનૉલૉજીના પ્રેસિડેન્ટ સંજય મેહરોત્રા, ડાઇકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લેઇન માર્ટિન અને સુઝુકી મોટર કૉર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે મુલાકાત કરી હતી.
સૌની નજર એ વાત પર મંડાયેલી છે કે ટૅસ્લાના સીઈઓ ઍલોન મસ્ક ગુજરાત આવશે અને રોકાણ કરશે કે નહીં.
રોકાણો આવવાની સંભાવના

ઇમેજ સ્રોત, ANI
ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે આ સમિટ શરૂ થતાં પહેલાં જ 7.17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે.
આ કરારોમાં એચપીસીએલ, આઈઓસીએલ અને પાવર ગ્રિડ સહિત કુલ 58 કંપનીઓ સામેલ છે.
ગુજરાત સરકારના ઇન્ફોર્મેશન ડિપાર્ટમૅન્ટ પ્રમાણે, કુલ 234 જેટલા એમઓયુના કરાર થઈ ચૂક્યા છે જ્યારે અંદાજે 10.31 લાખ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર એસ્સાર જૂથનું ગુજરાતના જામનગરમાં એક ગીગાવૉટનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ આયોજન છે, સાથે જ જૂથનો ક્ષેત્રમાં બંદરોનું અને અન્ય ઊર્જા સાહસોના વિસ્તરણ પ્લાન છે. આ હેતુ માટે જૂથ ગુજરાતમાં આવનારા સમયમાં લગભગ 30 હજાર કરોડનું રોકાણ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના સંબોધનમાં રાજ્યમાં આગામી સમયમાં જૂથની રોકાણની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન વડા પ્રધાન મોદીના વિઝન મુજબ વર્ષ દેશને 2036માં ઑલિમ્પિક રમતોના આયોજન માટે તૈયાર કરવાના હેતુસર ઍજ્યુકેશન અને સ્પૉર્ટ્સ ક્ષેત્રે ઘણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે.”
આ સિવાય તેમણે ગુજરાતમાં ગીગા ફેક્ટરીનું કામ શરૂ કરવાની તૈયારી બતાવી હતી.
આ સિવાય સુઝુકી મૉટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ પોતાના સંબોધનમાં કહેલું કે, “ભારતની પ્રાણી સંપત્તિનો લાભ લઈ અમે ગાયના છાણમાંથી બાયોગૅસનું નિર્માણ કરશું. સુઝુકીએ નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે મળીને ચાર બાયોગૅસ પ્લાન્ટ બનાવવાની શરૂઆત કરી દીધી છે.”
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેલા અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણીએ પણ પોતાના સંબોધનમાં આવનારા સમયમાં રાજ્યમાં જૂથ તરફથી માતબર રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સમિટના ઉદ્ઘાટન બાદ ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે અદાણી સમૂહ આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે.
તેમણે કહ્યું હતું કે, “અમે ગુજરાતમાં વર્ષ 2025 સુધી 55 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. અગાઉના મારા વાયદા પ્રમાણે અમે વિવિધ ક્ષેત્રોમાં અત્યાર સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છીએ. તેમજ વાયદા કરતાં પણ વધુ પ્રત્યક્ષ-પરોક્ષ નોકરીઓનું નિર્માણ કરી ચૂક્યા છીએ. જેનો આંકડો 25 હજાર કરતાં પણ વધુ છે.”
ટાટા સમૂહના ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સી295 ડીફેન્સ ઍરક્રાફ્ટ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી અને વડોદરા અને ધોલેરામાં થઈ રહેલાં કામો વિશે માહિતી આપી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત: અત્યાર સુધીની ઘટનાઓ પર નજર

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા અમુક સિનિયર નેતાઓ પ્રમાણે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને ઉદ્યોગો માટે કંઈક કરવાની સલાહ મળી રહી હતી.
તેમણે 2003મા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દર બીજા વર્ષે આ સમિટનું આયોજન થયું હતું.
સપ્ટેમ્બર-નવેમ્બર 2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ સમિટ ખૂબ જ નાના પાયે અમદાવાદના ટાઉન હૉલમાં યોજાઈ હતી. તે સમયના નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુકેશ અંબાણી સહિત વિવિધ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
ગુજરાત સરકારના વાણિજ્યવિભાગ પ્રમાણે દર બે વર્ષે યોજાતી આ સમિટમાં 2003થી 2019 સુધી 1,04,872 એમઓયુ કર્યાં છે. જેમાંથી નવેમ્બર 2021 પ્રમાણે 70,742 પ્રૉજેક્ટ પૂર્ણ થયા છે, જ્યારે 3,661 કમિશન સ્ટેજ પર છે. એટલે કે સરકારી આંકડા પ્રમાણે 67.45% જેટલા પ્રૉજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે અથવા તો શરૂ થવાના છે.
2015માં ‘ઇન્વેસ્ટમૅન્ટ ઇન્ટેન્શન્સ’ અને ‘સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ ઇન્ટેશન્સ' અનુક્રમે 21,000 અને 1,225 રહ્યા હતા. 2015 પછીના આંકડાઓ સરકારે જાહેર કર્યા નથી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાતને આર્થિક રીતે, રાજકીય રીતે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલો ફાયદો થયો તેની સતત ચર્ચાઓ થતી રહે છે.












