ઑસ્ટ્રેલિયામાં જઈને વસી જવાનું ભારતીયોનું સપનું કેમ તૂટી રહ્યું છે?

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિડનીમાં ઘરની સરેરાશ કિંમત અન્ય સ્થળ કરતાં વધુ છે
    • લેેખક, ટિફની ટર્નબુલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જસ્ટિન ડોઝવેલે 31 વર્ષની વયે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ તેમના બાળપણના ઘરમાં કોઈની સાથે એક રૂમમાં રહેતા હશે.

તેમની પાસે સિડનીમાં સારા પગારની ફૂલટાઇમ નોકરી હતી અને દસ વર્ષ સુધી તેઓ ભાડાના મકાનમાં રહ્યા હતા. અભૂતપૂર્વ આવાસ કટોકટીને લીધે તેમને એ જીવન છોડવાની અને સિડનીથી બે કલાક દૂર આવેલા સ્થળે તેમના માતા-પિતા સાથે રહેવા જવાની ફરજ પડી હતી.

તેઓ કહે છે, “એ દયનીય હતું,” પરંતુ તેનો વિકલ્પ બેઘર થવાનો હતો. “તેથી હું ભાગ્યશાળી લોકો પૈકીનો એક છું.”

આ ગ્રેટ ઑસ્ટ્રેલિયન ડ્રીમથી બહુ દૂરની વાત છે.

કોઈ પણ પૂરતી મહેનત કરે તો સફળતા મેળવીને અમેરિકામાં રહેવાનું સપનું સાકાર કરી શકે છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના સંદર્ભમાં તે સમજી શકાય એવું છે.

પેઢીઓથી એવું માનવામાં આવતું રહ્યું છે કે પોતાનું સાધારણ મકાન હોવું એ સફળતા અને બહેતર જીવન બન્નેનો પરમ આદર્શ છે.

આ મહત્ત્વાકાંક્ષા દેશની ઓળખમાં સામેલ થઈ ગઈ છે અને તેણે આધુનિક ઑસ્ટ્રેલિયાને આકાર આપવામાં મદદ કરી છે.

1950ના દાયકામાં કથિત "ટેન પાઉન્ડ પોમ્સ"થી માંડીને ભારતના વર્તમાન કુશળ કામદારોની તેજી સુધી અસંખ્ય લોકો બહેતર જીવનની શોધમાં ઑસ્ટ્રેલિયા આવતા રહ્યા છે અને ઘણાને બહેતર જીવન મળ્યું પણ છે.

જોકે, વર્તમાન પેઢી માટે તેમનાં માતા-પિતા અને દાદા-દાદીએ સેવેલાં સપનાં તેમની પહોંચની બહાર છે.

હાઉસિંગને અધિકાર નહીં, પરંતુ રોકાણ ગણાવતી સરકારી નીતિઓના દાયકા પછી ઘણા લોકો કહે છે કે તેમને પોસાય તેવું ભાડું હોય તેની જગ્યા તો નસીબદાર લોકોને મળે છે.

જસ્ટિન ડોઝવેલ કહે છે, "ધ ઑસ્ટ્રેલિયન ડ્રીમ એક મોટું જુઠ્ઠાણું છે."

ઑસ્ટ્રેલિયામાં જોરદાર અંધાધૂંધી ચાલી રહી છે?

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, SUPPLIED

ઇમેજ કૅપ્શન, ચેલ્સી હિકમૅન અને જસ્ટિન ડોઝવેલ નિરાશ લાગે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માઇકલ ફૉધરિંગહામના કહેવા મુજબ ઑસ્ટ્રેલિયામાં હાઉસિંગના સંદર્ભમાં ખોટું થઈ શકે તે બધું જ થઈ ગયું છે.

ઑસ્ટ્રેલિયન હાઉસિંગ ઍન્ડ અર્બન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા બીબીસીને કહે છે, "હવે માત્ર બૅન્કો ભાંગી પડે એટલું બાકી છે, બાકી આ ક્ષેત્રમાં સ્થિતિ બધી રીતે વણસી ગઈ છે."

અહીં મકાનોની કિંમત આભને આંબી રહી છે. સરેરાશ પ્રૉપર્ટીની કિંમત, સામાન્ય પરિવારની આવક કરતાં નવ ગણી વધારે છે. હવે કિંમતો 25 વર્ષ પહેલાં હતી તેના કરતાં ત્રણ ગણી વધારે છે.

ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના મોટાં શહેરોમાં રહેતા ત્રણ ચતુર્થાંશ ઑસ્ટ્રેલિયનો માટે તો આ પરિસ્થિતિ ભયંકર છે. દાખલા તરીકે, ડેમોગ્રાફિયા ઇન્ટરનેશનલ હાઉસિંગ અફોર્ડિબિલિટીના 2023ના સર્વેક્ષણ અનુસાર, પ્રોપર્ટી ખરીદવાના સંદર્ભમાં સિડની પૃથ્વી પરનું બીજાક્રમનું સૌથી મોંઘુદાટ શહેર છે. પહેલા ક્રમે હૉંગકૉંગ છે.

પારિવારિક સંપત્તિ ન હોય તેવા લગભગ દરેક માણસ માટે મકાનની માલિકી ઑસ્ટ્રેલિયામાં દેખીતી રીતે દુર્લભ બની ગઈ છે.

એક મોટી બૅન્ક એએનઝેડના વડાએ ગયા મહિને કહ્યું હતું કે હાઉસિંગ લોન માત્ર "ધનિકોનો અધિકાર" બની ગઈ છે.

યુવાનો માટે પોતાનું ઘર ખરીદવાનું સપનું અઘરું બની ગયું છે.

28 વર્ષી ફૅશન ડિઝાઇનર ચેલ્સી હિકમૅન જેવા લોકોને તેમના ભવિષ્ય માટે સવાલ થવા લાગ્યા છે.

ચેલ્સીનું સપનું હતું કે તેઓ એક દિવસ પોતાનું ઘર ખરીદશે અને પછી માતા પણ બનશે, પરંતુ હવે તે શક્ય બનશે કે કેમ તેની ચેલ્સીને ચિંતા છે.

ચેલ્સી કહે છે, "પોતાની માલિકીનું ઘર અને માતા બનવાનું મને આર્થિક રીતે કેમ પરવડશે? તાળો મળતો નથી."

મેલબર્નમાં અન્ય વ્યક્તિઓ સાથે ભાડાના મકાનમાં રહેતાં ચેલ્સી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે,"લગભગ એક દાયકા સુધી ફૂલટાઇમ નોકરી કરવા છતાં પોતાના માટે એક ઍપાર્ટમેન્ટ ભાડે રાખવાનું પોસાય તેમ નથી. તેમના દોસ્તોની હાલત પણ આવી જ છે."

ચેલ્સી સવાલ કરે છે, "સમસ્યા કેવી રીતે સર્જાઈ? દરેકે કહ્યું હતું એ બધું અમે કર્યું છે. તેમ છતાં નાણાકીય સ્વાતંત્ર્ય અને આવાસની સલામતી મળે એવા સ્તરે અમે હજુ પણ પહોંચ્યા નથી."

તમે ક્યારેય કોઈ પ્રૉપર્ટીના માલિક બની શકશો કે નહીં, એવું 28 વર્ષના આઈટી મૅનેજર તારેક બિગેન્સ્કીને પૂછવામાં આવે ત્યારે તેઓ હસી પડે છે.

તારેક કહે છે, "એ સ્પષ્ટપણે પહોંચની બહાર છે. હવે તેની કલ્પના સુદ્ધાં કરી શકાતી નથી અને આ વાત એવી વ્યક્તિ કરી રહી છે, જેની સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે."

ઑસ્ટ્રેલિયામાં વ્યાજના દરમાં વધારો જે રીતે થઈ રહ્યો છે તે દેશના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું ત્યારે પ્રૉપર્ટી ખરીદવાના માર્ગે આગળ વધેલા ઘણા લોકોને પણ અધવચ્ચે ફસડાઈ પડવાનો ડર લાગી રહ્યો છે.

મકાનો ખરીદવા માટે પ્રૉપર્ટની સામે લોન લેનાર લોકો હવે ફૂડ બૅન્ક્સનો સહારો લઈ રહ્યા છે.

સંખ્યાબંધ લોકો હવે વધારાનું કામ કરવા મજબૂર બન્યા છે અને ઘણા પેન્શનર્સ (નિવૃત્ત થઈને પેન્શન લેનારાઓ) ને કામ પર પાછા ફરવાની ફરજ પડી છે.

જોકે, પરિસ્થિતિ દરેક વ્યક્તિ માટે વિનાશકારી અને અંધકારમય નથી.

ઘણા હાલના મકાનમાલિકો ઘરની કિંમતો સ્થિર જોવા માગતા નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા હાલના મકાનમાલિકો ઘરની કિંમતો સ્થિર જોવા માગતા નથી

સમગ્ર દેશમાં ઘરની માલિકીનું પ્રમાણ એકંદરે બે-તૃતિયાંશની આસપાસ પહોંચી ગયું છે, ખાસ કરીને ઘરમાલિકોની સંખ્યામાં યુવાનોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી થઈ રહ્યું છે.

જોકે જેમની પાસે પ્રૉપર્ટી છે તેવા ઘરમાલિકો આ પરિસ્થિતિથી ખુશ છે કારણ કે આખરે તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે.

ફૅશન ડિઝાઇનર ચેલ્સી હિકમૅનના કહેવા મુજબ, પોતે રહેતા હોય એ ઉપરાંતની બીજી પ્રૉપર્ટીની માલિકી પણ ધરાવતા હોય તેવા મકાનમાલિકોનું પ્રમાણ લગભગ 33 ટકા જેટલું છે. તેના સંદર્ભમાં આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

ચેલ્સી હિકમૅન કહે છે, "મેં ઘર ખરીદવા માટે સખત મહેનત કરી છે અને એવું બધું ઘણા લોકો કહેતા હોય છે. હું તેમને કહું છું કે તમારા માટે સારી વાત છે. હું પણ સખત મહેનત કરું છું અને માત્ર એક ઘર ખરીદવાની મારી ઇચ્છા છે."

ઑસ્ટ્રેલિયામાં ભાડે રહેવા માટે લોકો મજબૂર

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, ABC NEWS

ઇમેજ કૅપ્શન, એડિલેડમાં ઘરનું નિરીક્ષણ કરવા માટે રાહ જોઈ રહેલી લોકોની લાઇન

પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું ન કરી શકતા લોકો હવે આ પરિસ્થિતિને કારણે ભાડે રહેવા મજબૂર છે, પરંતુ આ મામલે પણ પરિસ્થિતિ આદર્શ નથી.

જગ્યાઓ ખાલી પડી છે પણ સ્થિતિ એવી છે કે મોટા ભાગના લોકો ખાલી હોલીડે હોમ્સમાં ભાડે રહે છે તથા ટૂંકા ગાળા માટે જગ્યા ભાડે લે છે. તેથી સમગ્ર ઑસ્ટ્રેલિયાની કાઉન્સિલ્સ આવા લોકોને દીર્ઘકાલીન માર્કેટમાં સ્થળાંતરિત કરવા રીતસર વિનવી રહી છે. વધારે માગને લીધે ભાડા પણ આસમાને પહોંચ્યા છે.

ઑસ્ટ્રેલિયન અખબારો ભાડામાં મોટા પ્રમાણમાં વધારાની કથાઓ અને ખખડધજ, નુકસાનીવાળી પ્રૉપર્ટીના નિરીક્ષણ માટે કતારમાં ઊભા હતાશ લોકોના ફોટોગ્રાફ્સથી છલકાઈ રહ્યાં છે.

જીવન નિર્માણ માટે સંઘર્ષ કરી રહેલા એક પરિવાર વિશેની ગ્રેટ ડિપ્રેશન યુગની વિખ્યાત નવલકથા ધ ગ્રેપ્સ ઑફ રૅથનો ઉલ્લેખ કરતાં ડૉ. ફોધરિંગહામ કહે છે, "આ તો બદલો લેવાની ઇચ્છાને ઉત્તેજિત કરી શકે તેવી દમનકારી પરિસ્થિતિ છે."

ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા લોકો માટે સોશિયલ અથવા સબ્સિડીવાળા આવાસ એક સમયે રાહત રૂપ ગણાતા હતા, પરંતુ મોટા ભાગના ઑસ્ટ્રેલિયનો માટે હવે તે વિકલ્પ પણ રહ્યો નથી.

ઉપલબ્ધ ઘરોની સંખ્યા, હાલની માગને પહોંચી વળાય તેના અડધા કરતાં ઓછી છે અને વેઇટિંગ લિસ્ટ લાંબુ લચક છે.

આ બધું એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે કુદરતી આફતો અને આબોહવાની માઠી અસર મોટા ભાગના ઉપલબ્ધ રહેઠાણોનો નાશ કરી રહી છે. તેના પરિણામે ઑસ્ટ્રેલિયન ખંડના વધુને વધુ ભાગો વસવાટ માટે અયોગ્ય બની રહ્યા છે.

આ કટોકટીને લીધે વધુ લોકો બેઘર થઈ રહ્યા છે અથવા સાંકડમોકડ રહેવા મજબૂર થઈ રહ્યા છે. હાઉસિંગ સપોર્ટની માગ એટલી વધારે છે કે કેટલીક સખાવતી સંસ્થાઓ તેમને રહેવા માટે ટેન્ટ્સ આપી રહી છે.

ટાસ્માનિયાનાં એક મહિલાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને 35થી વધુ મકાનોમાંથી જાકારો આપવામાં આવ્યો અને સોશિયલ હાઉસિંગ માટે વર્ષો સુધી રાહ જોયા બાદ તેમણે અને તેમનાં ચાર સંતાનોએ તેમનાં માતાના ઘરના વધારાના ઓરડામાં છ મહિનાથી વધુ સમય રહેવું પડ્યું હતું.

મેલબોર્નમાં રહેતાં હેલી વાન રીએ અમને જણાવ્યું હતું કે ભાડાનું મકાન મળવાની શક્યતા એટલી અસ્પષ્ટ હતી કે તેમનાં માતાએ એક ઍપાર્ટમૅન્ટ ખરીદવા તેમનું બધું નિવૃત્તિ ભંડોળ ખર્ચી નાખવું પડ્યું હતું. હવે હેલી વાન રીના મકાનમાલિક છે. આ પરિસ્થિતિને તેઓ રાહત, અકળામણ અને દોષભાવનાના મિશ્રણ તરીકે વર્ણવે છે.

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, SUPPLIED

ઇમેજ કૅપ્શન, શ્રીમતી વેન રી કહે છે કે તે "સારી" નોકરીઓ ધરાવતા ઘણા લોકોને જાણે છે જેઓ ઘર સુરક્ષિત કરી શકતા નથી

હેલી વેન રી કહે છે, "તેમના કેટલાક મિત્રો પોતાની માલિકીની પ્રૉપર્ટી ધરાવતાં હોય તેવાં માતા-પિતાનાં સંતાનો છે. તેઓ એવું માનતા હોય છે કે તેમનાં માતા-પિતા મૃત્યુ પામશે ત્યારે બધું ઠીક થઈ જશે. મને તેનાથી નફરત છે, પરંતુ આ જ વાસ્તવિકતા છે."

છ મહિના પછી એક ઍપાર્ટમૅન્ટ મેળવ્યા બાદ ડોઝવેલ હવે સિડનીમાં પાછા ફર્યા છે, પરંતુ તેમના કહેવા મુજબ, આ પરિસ્થિતિ તેમના નાણાકીય અને માનસિક સ્વાસ્થ્ય પરનો મોટો બોજ છે.

તેઓ કહે છે,"એ નિરાશાજનક હતું. તેના વિશે જેટલું વધારે વિચારીએ તેટલો વધારે ગુસ્સો આવે છે."

આવાસ એ રોકાણ હોવું જોઈએ કે અધિકાર?

ઘર ખરીદવું કેટલું મોંઘું છે એ મુદ્દા પરથી હટીને 2023માં રાષ્ટ્રીય સ્તરે એવી ચર્ચા થવા લાગી હતી કે કોઈ પણ પ્રકારનું સસ્તું ઘર મેળવવું કેટલું મુશ્કેલ છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે કોવિડ રોગચાળાના યુગના ભાડા, ભાડૂતો પાસે મકાન ખાલી કરાવવા પરનો પ્રતિબંધ, વિક્રમસર્જક પ્રમાણમાં સ્થળાંતર, ઝ઼ડપથી વધતા વ્યાજના દર અને બાંધકામમાં વિલંબને કારણે ઑસ્ટ્રેલિયામાં આવાસ ક્ષેત્ર અત્યાર સુધીના તેના સૌથી ખરાબ તબક્કામાં છે.

અલબત, અગ્રણી ફાઇનાન્સ જર્નલિસ્ટ એલન કોહલરે તાજેતરમાં એક નિબંધમાં લખ્યું હતું કે "આ કટોકટી સરકારી નીતિની નિષ્ફળતા, નાણાકીયકરણ અને લોભનું પરિણામ છે."

સહસ્રાબ્દીના અંતે જે બન્યું તે નિર્ણાયક હતું એવી દલીલ તેમણે કરી હતી. એ તબક્કા સુધી ઑસ્ટ્રેલિયામાં મકાનોની કિંમતે આવક વૃદ્ધિ અને અર્થતંત્રના કદ સાથે ગતિ જાળવી રાખી હતી, પરંતુ સંઘ સરકારે, નફા માટે ઘરની ખરીદી તથા વેચાણને પ્રોત્સાહન આપતા ફેરફાર કરમાળખામાં કર્યા ત્યારથી પરિસ્થિતિ બદલવાની શરૂ થઈ હતી.

દેશભરના શહેરોમાં લોકોએ રેલી કાઢી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશભરના શહેરોમાં લોકોએ રેલી કાઢી છે

ઇમિગ્રેશન અને સરકારી અનુદાનોમાં તીવ્ર વધારાને લીધે એ સમયગાળામાં મકાનોની કિંમતમાં પણ મોટો વધારો થયો હતો, પરંતુ કોહલર જણાવે છે કે ઑસ્ટ્રેલિયાની આવાસ વિશેની વિચારસરણીને કરરાહતોએ કાયમ માટે બદલી નાખી હતી.

કોહલરે લખ્યુ હતું, "ઘર રહેવાની જગ્યા હોવાને બદલે કમાણીનું સાધન છે, એવા વિચારને પડતો મૂક્યા વિના આવાસની કિંમતનું વળતર ઓછા વિનાશક સ્વરૂપે આપવાનું અશક્ય હશે."

તેમણે ઉમેર્યું હતું કે આમ કરવાથી મતદારોનો મોટો વર્ગ નારાજ થશે. નીતિ ઘડવૈયાઓએ હિંમત અને કૌશલ્યથી કામ લેવું પડશે.

વિશ્લેષકો કહે છે તેમ, એ માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે અનુગામી સરકારોએ સંઘર્ષ કરવો પડ્યો છે.

કેટલાક લોકો મુજબ સોશિયલ હાઉસિંગની દાયકાઓ સુધી અવગણના અથવા પહેલીવાર ઘર ખરીદતા લોકો માટે અનુદાનને પ્રોત્સાહન ન આપવાને જવાબદાર ગણ છે.

આ પ્રકારની મદદ લોકપ્રિય તો છે પરંતુ તેની અપેક્ષિત અસર થતી નથી અને વાસ્તવમાં ભાવ વધી જાય છે.

અન્ય લોકો એવી દલીલ કરે છે કે ઉપનગરો અથવા તેમની પ્રૉપર્ટીઓમાં ફેરફાર ન ઇચ્છતા વર્તમાન રહેવાસીઓએ વિકાસને મર્યાદિત કરવા માટે આયોજન અને હેરિટેજ કાયદાઓનો દુરુપયોગ કરે છે.

પછી પ્રૉપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે આકર્ષક કર પ્રોત્સાહનમાં ફેરફારનો પણ ડર હતો. આ અંગેના સુધારાને 2019ની ચૂંટણીમાં ફગાવી દેવામાં આવ્યો હતો.

ડોઝવેલ કહે છે, "આવાસને આવશ્યક સેવા અને અધિકાર ગણવાની જરૂર છે. એમ કરવું નૈતિક રીતે અનિવાર્ય છે, પરંતુ તેમાં સ્વાર્થ જરૂર આડો આવશે."

રાષ્ટ્રીય આવાસ પ્રધાન જુલી કોલિન્સે બીબીસીને જણાવ્યુ હતું કે ઘણા પડકારોનો સામનો કરવાનો છે અને 18 મહિના પહેલાં ચૂંટાયેલી સરકાર "સૌથી મહત્ત્વપૂર્ણ હાઉસિંગ સુધારા કરી રહી છે."

તેમણે સંભવિત ખરીદદારોને મદદ કરવાની યોજનાઓ બનાવી છે અથવા વિસ્તારી છે. જોકે, તેની શરતો આકરી છે અને જગ્યાઓ મર્યાદિત છે. તેમણે નવાં હજારો પરવડે તેવાં મકાનોના નિર્માણનું વચન પણ આપ્યું છે અને ભાવિ પ્રકલ્પોને ટેકો આપવા માટે રોકાણ ભંડોળની વ્યવસ્થા પણ કરી છે.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સાથે મળીને નેશનલ હાઉસિંગ ઍન્ડ હોમલેસનેસ પ્લાન બનાવ્યો છે તથા ભાડૂતોની સલામતી વધારવાનું વચન આપ્યું છે.

સરકાર બીજા પગલાં પણ લઈ રહી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે જાહેરાત કરી હતી કે ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશનના પ્રમાણમાં 50 ટકા ઘટાડો કરવામાં આવશે અને ઘર ખરીદનારા વિદેશીઓ માટેની ફી ત્રણ ગણી કરશે. આ પગલાંથી તાણ હળવી કરવામાં મદદ મળશે એવી દલીલ સરકારની છે.

સમર્થકો આ ફેરફારોના સમર્થન સાથે એવું પણ કહે છે કે સરકાર વર્તમાન વ્યવસ્થામાં ઉપરછલ્લા સુધારા કરી રહી છે. વાસ્તવમાં તેમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે.

બીબીસીએ જે લોકો સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયન ડ્રીમને તોડી પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રની ઓળખના પાયાનો સફાયો કરી નાખવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા લાંબા સમયથી પોતાને એક સુંદર સ્થળ ગણતું રહ્યું છે.

કોહલર કહે છે, "તમે કેટલા શ્રીમંત છો તેનો માપદંડ હવે શિક્ષણ અને સખત મહેનત નથી. હવે તેનો આધાર તમે ક્યાં રહો છો અને તમારાં માતા-પિતા પાસેથી તમને કેવા પ્રકારનું ઘર વારસામાં મળ્યું છે એ છે. તેનો અર્થ એ છે કે ઑસ્ટ્રેલિયા હવે સમાનતાવાદી ગુણવત્તાયુક્ત રાષ્ટ્ર નથી."

અથવા હિકમૅન કહે છે તેમ "ઑસ્ટ્રેલિયા છેતરામણું છે."

બીબીસી
બીબીસી