PMAYG : ઘરનું ઘર બનાવવા પ્રધાન મંત્રી આવાસ યોજનાની સહાય કેવી રીતે મેળવી શકાય?

આવાસ

ઇમેજ સ્રોત, rhfms.nic.in

જો તમારી પાસે પાકું મકાન ન હોય અથવા મકાન જ ન હોય તો તમને સરકાર તરફથી ઘર બનાવવા માટે જમીન અને નાણાકીય સહાય પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મળી શકે છે.

આ યોજના શું છે? કોણ તેનો લાભ લઈ શકે? કેવી રીતે તેના માટે અરજી કરી શકાય? આવો જોઈએ.

પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના માત્ર ગામડામાં રહેતા લોકો માટે જ છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું મકાન પુરું પાડતી આ યોજનામાં આવાસોનું બાંધકામ લાભાર્થીઓએ જાતે કરવાનું હોય છે.

મકાન ઓછામાં ઓછું 25 ચોરસમિટર જમીન પર બનાવવાનું રહેશે. લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 100 ચોરસમિટરનો પ્લૉટ વિના મૂલ્યે આપવામાં આવે છે.

સરકારે ફાળવેલ પ્લૉટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવા માટે સહાય પુરી પાડવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં મકાનની ડિઝાઈન

ઇમેજ સ્રોત, rhfms.nic.in

યોજનાની ગાઇડલાઇન મુજબ આવાસની મંજૂરી મળી જાય તે પછી એક વર્ષની અંદર આવાસનું બાધકામ પૂર્ણ કરવાનું રહે છે.

આ માટે યોગ્યતા ધરાવતાં લાભાર્થીઓને કુલ દોઢ લાખ (1,49,280) રૂપિયાની સહાય મળી શકે છે.

આ સહાયમાં આવાસના બાંધકામ માટે 1,20,000 રૂપિયા આપવામાં આવે છે.

એ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે.

ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ દોઢ લાખ રૂપિયાની સહાય મળી શકે છે.

આ સહાયની રકમ સીધી લાભાર્થીના બૅંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે આ સહાયની પુરી રકમ એકસાથે નહીં પણ ત્રણ તબક્કામાં બૅંક ખાતામાં જમા થાય છે.

યોજનાની માર્ગદર્શિકા મુજબ, લાભાર્થીના પોતાના હાલના આવાસનો ફોટો કે પોતાની માલિકીના પ્લોટના ફોટોગ્રાફ અને આવાસનું બાંધકામ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ થયેલ આવાસનો ફોટોગ્રાફ એમ ત્રણ તબક્કાના ફોટોગ્રાફ આવાસ સોફ્ટવેરમાં ઑનલાઇન અપલોડ કરવાના રહે છે. ફોટોગ્રાફ ઑફલાઈન પણ સબમીટ કરી શકાય છે.

આ યોજનાને અમલી બનાવવાની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરીની છે. યોજના વિશેની કોઈ પણ માહિતી આ કચેરી પરથી મેળવી શકો છો.

line

આ યોજનાનો લાભ કોને મળી શકે?

ગ્રાફ

આ યોજનામાં અરજી કરવા માટેની માર્ગદર્શિકા અનુસાર, જેમની પાસે પોતાનું ઘર નથી એવા બેઘર પરિવાર અથવા કાચી દીવાલો અને છતવાળું એક કે બે રૂમનું ઘર હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ઉપરાંત,

  • જે પરિવારમાં 25 વર્ષથી વધુ વયની કોઈ સાક્ષર વયસ્ક વ્યક્તિ ન હોય,
  • જે પરિવારમાં 16થી 59 વર્ષના કોઈ પુરૂષ સભ્ય ન હોય,
  • જે પરિવારમાં કમાણી કરનારા કોઈ સક્ષમ વ્યક્તિ ન હોય,
  • જે પરિવાર દિવ્યાંગ સભ્યો ધરાવતો હોય તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા અલ્પસંખ્યકોને પણ આ સહાય મળવાપાત્ર છે
  • વિધવા, છુટાછેડા અપાયેલ, અત્યાચારનો ભોગ બનેલ અથવા ત્યક્તા મહિલા આ સહાય મેળવી શકે છે
  • કુટુંબનાં વડાં સ્ત્રી હોય તો તેમને પણ આવાસ માટે સહાય મળી શકે છે
  • માનસિક કે શારિરીક રીતે વિકલાંગ વ્યકિતઓ (ઓછામાં ઓછી ૪૦% વિકલાંગતા) આ યોજનાનો લાભ લઈ શકે છે

અરજી કરનાર વ્યક્તિ ઉપરોક્ત પૈકી કોઈ એકમાં લાયક હોય તો તેમને મકાન બાંધવા માટે સહાય મળે છે.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

અરજી માટેના દસ્તાવેજો

આ યોજના માટે તમારા આધાર કાર્ડની જરૂર પડે છે, મનરેગામાં નોંધણી થયેલી હોય તો તે લાભાર્થી નંબર અથવા જોબકાર્ડ નંબરની જરૂર પડશે.

'સ્વચ્છ ભારત મિશન'ના લાભાર્થી હોય તો તેના નંબર અને તમારા બૅંક ખાતાની વિગતો એટલે કે બૅંકની પાસબુકની જરૂર પડશે.

અરજી કેવી રીતે કરવી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

આ યોજના માટેની અરજી તમે ઑનલાઈન અને ઑફલાઇન બંને રીતે અરજી કરી શકો છો.

ઑનલાઈન અરજી કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અધિકૃત વેબસાઈટ પર વિગતો ભરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવું.

ફોર્મની પ્રિન્ટ સાથે જે જરૂરી સહાયક દસ્તાવેજો જોડી તેને કોમન સર્વિસ સેન્ટર (CSC) પર સબમિટ કરવું. આ સિવાય તમે તેને બૅંકમાં પણ જમા કરાવી શકો છો.

વૈકલ્પિક રીતે, તમે સીધા જ PMAY સુસંગત હોય તેવા કોઈપણ સામાન્ય સેવા કેન્દ્ર અથવા બૅંકમાં જઈ શકો છો અને આ યોજના માટેની અરજી ત્યાંથી પણ કરી શકો છો.

બીજી રીત એ છે કે અરજી કરવા સંબંધિત કાર્યાલય એટલે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી કે ગ્રામ પંચાયત કચેરી પર રૂબરૂ જઈને અરજી કરી શકાય છે.

ત્યાં તમારે બૅંક ખાતા સાથે સંકળાયેલી વિગતો, પોતાના નામ અને નાગરિકતા સંબંધિત વિગતો આપવાની રહેશે. તેમજ સંબંધિત દસ્તાવેજો જેમ કે બૅંકની પાસબુક કે ચેકબુક, આધારકાર્ડ, ચૂંટણી ઓળખ પત્ર વગેરે સાથે રાખવા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન