કૅનેડામાં નિજ્જરની હત્યાના કેસમાં જેમની ધરપકડ થઈ એ ત્રણ ભારતીય યુવકો કોણ છે?

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RCMP HANDOUT

ઇમેજ કૅપ્શન, ડાબેથી- કરણપ્રીત, કરણ બ્રાર અને કમલપ્રીત
    • લેેખક, ગગનદીપસિંહ જસ્સોવાલ અને ગુરપ્રીતસિંહ ચાવલા
    • પદ, બીબીસી પંજાબી

ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં કૅનેડા પોલીસે ગત 3જી એપ્રિલે ત્રણ ભારતીયોની ધરપકડ કરી હતી.

હરદીપસિંહ નિજ્જરની 18 જૂન, 2023ના રોજ એક ગુરુદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિજ્જર કૅનેડાના વૅનકુવર સ્થિત ગુરુનાનક શીખ ગુરુદ્વારાના અધ્યક્ષ પણ હતા.

કૅનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે ત્રીજી મેના રોજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

તેમની ઓળખ ભારતીય નાગરિકો કરણ બ્રાર, કરણપ્રીત સિંહ અને કમલપ્રીત સિંહ તરીકે થઈ છે.

બીબીસી પંજાબીએ આ ત્રણેય આરોપીઓની પારિવારિક પૃષ્ઠભૂમિ તપાસવાની કોશિશ કરી હતી.

ત્રણેય યુવાનો પંજાબના રહેવાસી

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RCMP

22 વર્ષીય કરણ બ્રાર પંજાબના ફરીદકોટના રહેવાસી છે, જ્યારે કરણપ્રીત ગુરદાસપુરના વતની છે. જ્યારે ત્રીજા આરોપી કમલપ્રીત જલંધર જિલ્લાના રહેવાસી છે.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ‘ભારતના એજન્ટો સામેલ હોવાનો’ આરોપ લગાવ્યો હતો.

કરણ સ્ટડી પરમિટ લઈને કૅનેડા ગયા હતા. પંજાબ પોલીસનાં સૂત્રો પ્રમાણે કરણ બ્રાર ફરીદકોટ જિલ્લાના કોટકપુરા શહેરના રહેવાસી છે. તેઓ કોટસુખિયા ગામના છે.

પંજાબ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, “કરણ બ્રારે કોટકપુરામાં પોતાનું શાળાશિક્ષણ લીધું હતું. પછી તેઓ સ્ટડી પરમિટ પર કૅનેડા ગયા હતા.”

પોલીસનું કહેવું છે કે કરણ એક જમીનદાર પરિવારમાંથી આવે છે. પાડોશીઓ અને આસપાસના લોકો પાસેથી મળેલી જાણકારી અનુસાર કરણના દાદા બલબીરસિંહ બ્રાર સ્થાનિક વેપારી છે.

કરણ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન છે. પરિચિતોએ જણાવ્યું હતું કે કરણ બ્રારનાં માતા રમન બ્રાર તેમનાં કામને અનુલક્ષીને સિંગાપુરમાં રહેતાં હતાં. કરણ બ્રારના પિતા મનદીપ બરાડનું ગત 18 એપ્રિલે નિધન થઈ ગયું હતું. જેના કારણે કરણનાં માતા પણ ભારત આવી ગયાં હતાં.

કરણ બ્રારનો કોઈ અપરાધિક રેકર્ડ નથી

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શનિવારે જ્યારે બીબીસીની ટીમ કરણ બ્રારના ઘરે પહોંચી તો તેમના ઘરે તાળું મારેલું હતું

ફરીદકોટના એસપી જસમીતસિંહે કહ્યું કે કરણ બ્રારનો અગાઉનો કોઈ ગુનાહિત રેકર્ડ નથી.

જોકે, કરણના પિતા સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બીબીસી પંજાબીને મળેલી એફઆઈઆર મુજબ, કરણના પિતા મનદીપ સિંહ બ્રાર ફરીદકોટ જિલ્લામાં કથિત છેતરપિંડીના ગુનાનો સામનો કરી રહ્યા હતા.

કોટપુરા પોલીસ સ્ટેશનમાં 1 એપ્રિલ, 2024ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

રવિન્દરપાલસિંહની ફરિયાદને લઈને મનદીપસિંહ વિરુદ્ધ ફરીદકોટ જિલ્લાના કોટકપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એફઆઈઆરમાં રવિન્દરપાલસિંહે આરોપ લગાવ્યો હતો કે તેણે 2018માં મનદીપસિંહને કૅનેડાના વિઝા મેળવવા માટે 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેને ન તો વિઝા મળ્યા અને ન તો પૈસા પાછા મળ્યા.

ગુરદાસપુરના કરણપ્રીત કોણ છે?

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કરણપ્રીતના સંબંધીઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરદાસપુરથી બીબીસી સંવાદદાતા ગુરપ્રીતસિંહ ચાવલા અનુસાર કરણપ્રીતસિંહ ગુરદાસપુર જિલ્લાના સુંદલ ગામના રહેવાસી છે.

કરણપ્રીત એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા પણ દુબઈમાં ટ્રક ચલાવવાનું કામ કરતા રહ્યા છે. ગામના સરપંચના પુત્ર અને કરણપ્રીતસિંહના કાકા રણજિતસિંહ રાણાનું કહેવું છે કે કરણપ્રીતનો જન્મ અને પાલનપોષણ સાધારણ પરિવારમાં થયું છે.

તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ જ તેઓ 2016માં દુબઈ જતા રહ્યા હતા. ત્યાં તેમણે તેમના પિતા સાથે ચારેક વર્ષ ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું.

કરણપ્રીતના કૅનેડા જવા અંગે રણજિતસિંહે જણાવ્યું, "કરણપ્રીત વર્ક પરમિટ પર કૅનેડા ગયો હતો. તેમણે કહ્યું કે કરણપ્રીત છેલ્લાં ત્રણ વર્ષથી કૅનેડામાં હતો, જ્યાં તે ટ્રક ચલાવતો હતો."

તેણે એમ પણ કહ્યું, “કરણપ્રીતનો અહીં કોઈ ગુનાહિત રૅકોર્ડ નથી, પરંતુ તેનો સ્વભાવ એકદમ મૈત્રીપૂર્ણ છે. તેથી જ તેની ધરપકડથી ગામલોકો પણ ખૂબ જ આશ્ચર્યચકિત છે.”

તેમણે કહ્યું, "કરણપ્રીતે તેનું શાળાકીય શિક્ષણ તેના ગામની નજીકની એક શાળામાંથી પૂર્ણ કર્યું હતું અને પંજાબમાં રહેતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સંડોવણી વિશે તેમને કોઈ માહિતી નથી."

કરણપ્રીતના પરિવારે કહ્યું કે તેઓ માની શકતા નથી કે તેમનો પુત્ર આ પ્રકારના ગુનામાં સામેલ હોઈ શકે છે.

કરણપ્રીતને બે બહેનો છે અને બંને પરિણીત છે. ગામલોકોએ જણાવ્યું કે કરણપ્રીતસિંહે લગભગ બે દિવસ પહેલાં જ તેના પરિવાર સાથે વાત કરી હતી. જેમાં તેમની વચ્ચે હંમેશાંની જેમ જ સામાન્ય વાતચીત થઈ હતી.

પરિવારજનોએ જણાવ્યું કે પરિવારના સભ્યોએ લોન લઈને કરણપ્રીતને કૅનેડા મોકલવાની વ્યવસ્થા કરી હતી.

કરણપ્રીતના પરિવારે તેના વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

કમલપ્રીતસિંહ પણ સ્ટડી વિઝા લઈને કૅનેડા ગયા હતા

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કરણપ્રીતના ગામની તસવીર

પંજાબ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે સંદિગ્ધોમાંથી એક કમલપ્રીતસિંહ જલંધર જિલ્લાના નકોદર સબડિવિઝન ગામ ચક કલાંના રહેવાસી છે.

કમલપ્રીતસિંહે નકોદરની એક પ્રાઇવેટ શાળામાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. વર્ષ 2019માં તેમણે 12મું ધોરણ પાસ કર્યું અને પછી તેઓ સ્ટડીવિઝા પર કૅનેડા ગયા હતા.

કમલપ્રીતસિંહનો પરિવાર આર્થિક રીતે મજબૂત છે. કારણ કે તેમના પિતા સતનામસિંહ નોકરી કરે છે અને ગામડામાં મોટી જમીન પણ છે. પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કમલપ્રીતનાં બહેન પણ કૅનેડામાં રહે છે અને તેમનાં માતા તેમને મળવા માટે કૅનેડા આવ્યાં હતાં.

જલંધર ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિકારી અંકુર ગુપ્તાએ બીબીસીને ફોન પર જણાવ્યું, “જ્યાં સુધી અમે તપાસ કરી છે ત્યાં સુધી કમલપ્રીતસિંહનો જલંધર જિલ્લામાં કોઈ અપરાધિક રેકર્ડ નથી.”

કમલપ્રીતના પિતા સતનામસિંહે બીબીસી પંજાબીને કહ્યું, "અમને અમારા પુત્રની ધરપકડ વિશે સમાચાર દ્વારા જ ખબર પડી. તે અમારા માટે દુઃખદ છે. કમલપ્રીત 2019માં સ્ટડી વિઝા પર કૅનેડા ગયો હતો. તે ગુરદાસપુરના કરણપ્રીત સાથે રહેતો હતો. છેલ્લાં બે વર્ષમાં અમે ક્યારેય કરણ બ્રાર વિશે સાંભળ્યું નથી.”

ભારત સરકારની પ્રતિક્રિયા

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિદેશમંત્રી એસ જયશંકર

ન્યૂઝ એજન્સી રૉઇટર્સ અનુસાર, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત ધરપકડ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકો વિશે માહિતી કેનેડિયન પોલીસ શૅર કરે તેની રાહ જોશે.

તેમણે કહ્યું, “આ લોકોની કોઈ ગુનાહિત ગૅંગ ત્યાં સક્રિય છે કે કેમ તે અંગે કૅનેડિયન પોલીસ અમને જણાવે તેની રાહ જોઈશું."

કૅનેડામાં ભારતના હાઈકમિશનર સંજય વર્માએ કહ્યું કે (હાઈ કમિશનને) કૅનેડિયન સત્તાવાળાઓ પાસેથી આ ત્રણ ભારતીયો વિશે નિયમિત માહિતી મળશે તેવી અપેક્ષા છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે આ ધરપકડો કૅનેડાએ કરેલી તપાસનું પરિણામ છે. આ કૅનેડાનો આંતરિક મામલો છે અને તેથી અમારે તેના પર કોઈ ટિપ્પણી કરવી નથી."

હરદીપસિંહ નિજ્જર પંજાબના હતા?

હરદીપસિંહ નિજ્જર, ખાલિસ્તાન ચળવળ, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/VIRSA SINGH VALTOHA

હરદીપસિંહ નિજ્જર જલંધરના ગામ ભારસિંહપુરાના રહેવાસી હતા. ભારત સરકાર અનુસાર નિજ્જર ખાલિસ્તાન ટાઇગર ફૉર્સના પ્રમુખ હતા અને ખાલિસ્તાન ટાઇગર ફૉર્સના સદસ્યોનાં સંચાલન, નેટવર્કિંગ, પ્રશિક્ષણ અને નાણાકીય સહાયતા આપવામાં સક્રિયરૂપે સામેલ હતા.

પંજાબ સરકાર અનુસાર, નિજ્જરની એક એકર જમીન એનઆઈએએ જલંધરના પૈતૃક ગામમાં જપ્ત કરી લીધી છે.

અલગ ખાલિસ્તાન રાષ્ટ્ર માટે ઑનલાઇન અભિયાન ‘શીખ રેફરેન્ડમ 2020’ ચલાવવાના મામલામાં વર્ષ 2020માં પંજાબમાં નિજ્જરની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.

એજન્સી પ્રમાણે નિજ્જર ભારતમાં પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફૉર જસ્ટિસ’ સાથે પણ જોડાયેલા હતા. નિજ્જર ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન જનમત સંગ્રહ સમયે મતદાન દરમિયાન જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર 2023માં કૅનેડાના વડા પ્રધાન ટ્રુડો ભારતમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ભારતથી પાછા ફર્યા બાદ તેમણે તરત 18 સપ્ટેમ્બરે કૅનેડાની સંસદમાં ભાષણ આપ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ‘ભારત સરકારની સંભવિત સંલિપ્તતા’ની તપાસ કરવામાં આવી રહી છે.

જોકે, મોદી સરકારે કૅનેડા અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહેલી હત્યાઓમાં સામેલ હોવાના આરોપોનો ઇનકાર કર્યો છે.

ઑક્ટોબર 2023માં ભારતે 40 કૅનેડિયન રાજદૂતોને આપવામાં આવેલી છૂટ રદ્દ કરી દીધી હતી. તેના કારણે કૅનેડાના દૂતાવાસના અંદાજે બે તૃતીયાંશ સ્ટાફને ભારત છોડીને પાછા જવું પડ્યું હતું.

ભારતે કહ્યું હતું કે કૅનેડા શીખ અલગતાવાદીઓને જે પ્રકારની છૂટ આપી રહ્યું છે, એ ભારત માટે જ નહીં પરંતુ કૅનેડા માટે પણ સારું નથી.

મે, 2024માં પહેલા અઠવાડિયા દરમિયાન કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર નિજ્જરની હત્યા અને ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતે તેનો વિરોધ કર્યો હતો.