'મૉલમાં કૉલેજો અને હિંદીમાં ચાલતા વર્ગો', કૅનેડામાં વિદ્યાર્થીઓને કઈ રીતે છેતરવામાં આવે છે?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
    • લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, કૅનેડાથી પરત આવીને

“કૅનેડા આવવાનું મારું સ્વપ્ન છ વખત તૂટ્યું, સાતમી વાર હું કૅનેડા પહોંચ્યો તો પણ હું હજુ વચ્ચે જ ફસાયેલો છું.”

આ શબ્દો છે સહજપ્રીતસિંહના છે. તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કૅનેડા આવ્યા હતા, પરંતુ તેઓ એજન્ટ અને કૉલેજની કથિત છેતરપિંડીના ભોગ બન્યા છે.

બન્યું એવું હતું કે સહજપ્રીતસિંહના વિઝા દૂતાવાસ મારફતે છ વખત નકારવામાં આવ્યા હતા. તેમના અનુસાર, ચંદીગઢના એજન્ટે તેમને એક એવી પ્રાઇવેટ કૉલેજમાં ઍડમિશન અપાવી દીધું જેના આધારે તેમને ભવિષ્યમાં વર્ક પરમિટ ન મળી શકે અને એ વાતનો ખ્યાલ તેમને કૅનેડા આવી ગયા પછી થયો.

સહજપ્રીત અનુસાર, કૉલેજ તેમને હવે કોઈ પણ પ્રકારની મદદ કરવા તૈયાર નથી.

તેઓ કહે છે, “ન તો આ મામલામાં હવે એજન્ટ ફોન ઉપાડે છે કે ન તો કૉલેજ તેનો યોગ્ય જવાબ આપે છે.”

ચંદીગઢસ્થિત એજન્ટે તેમનો કોર્સ અને કૉલેજ નક્કી કર્યાં હતાં અને કહ્યું હતું કે વિઝાની ચિંતા ના કરતા.

જ્યારે સહજપ્રીતના વિઝા આવી ગયા ત્યારે સંબંધિત એજન્ટે પોતાના પ્રચાર માટે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે લોકોને જણાવ્યું હતું કે છ વાર વિઝા રિજેક્ટ થયા બાદ તેમણે (એજન્ટે) કૅનેડાના દૂતાવાસમાંથી વિઝા અપાવ્યા છે. આ વીડિયો હજુ પણ એજન્ટના સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

સહજપ્રીતનો દાવો છે કે એજન્ટે તેમની પાસેથી બાર લાખ રૂપિયા લીધા જેમાં કૉલેજની ફીના 14 હજાર ડૉલર સાથે જીઆઈસી અને બાકીનો ખર્ચ પણ સામેલ છે. આ પૈસા સહજપ્રીતે આપ્યા હતા.

તેમનું કહેવું છે કે એજન્ટે તેમને ફી અંગે ખોટી માહિતી આપી હતી. તેમની ફી આઠ હજાર ડૉલર હતી અને બાકીના પૈસા તેમણે પોતાની પાસે જ રાખી લીધા હતા.

આ મામલામાં બીબીસીએ સહજપ્રીતસિંહના ચંદીગઢસ્થિત એજન્ટ સાથે વાત કરવા માટે સંપર્ક કરવાની ઘણી વખત ફોન પર કોશિશ કરી અને તેમણે વાત કરી નહોતી.

‘સ્ટડી પરમિટ’ તો કૅનેડા આવવા માટેની એક સીડી છે?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સહજપ્રીતસિંહનો દાવો છે કે તેમણે કૅનેડા આવવા માટે 12 લાખ રૂપિયા આપ્યા

23 વર્ષીય સહજપ્રીતસિંહ પંજાબના પટિયાલા જિલ્લાના વતની છે. તેઓ 19 લાખ રૂપિયા ખર્ચીને એક એજન્ટની મદદથી નવેમ્બર 2023માં કૅનેડા આવ્યા હતા. તેઓ અહીં હૉસ્પિટલ અને મૅનેજમૅન્ટમાં બે વર્ષનો કોર્સ કરવા આવ્યા છે.

માતાપિતાના એક જ સંતાન એવા સહજપ્રીતસિંહનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં તેઓ એક વાર પણ ભણવા માટે કૉલેજ નથી ગયા.

તેમની કૉલેજ સરીમાં છે અને તેઓ બ્રેમ્પ્ટનમાં રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે એક દિવસ તેઓ કૉલેજ જોવા માટે તેમના મિત્રો સાથે ગયા હતા, પણ ત્યાં જોઈને તેમણે એવું દૃશ્ય જોયું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 23 વર્ષીય સહજપ્રીતસિંહ

સહજપ્રીતસિંહ અનુસાર, ત્યાં માત્ર પબ્લિક પાર્કિંગ હતું અને કૉલેજ બિલ્ડિંગમાં માત્ર બે રૂમ હતા. અંદર એક રિસેપ્શન હતું, તેમજ બે રૂમ પણ ખાલી હતા. રિસેપ્શનમાં બે મહિલા બેઠી હતી. આ સિવાય ન તો કોઈ ક્લાસ રૂમ હતો કે ન કોઈ સ્ટાફ.

કૉલેજમાં અભ્યાસ અંગે સહજપ્રીતસિંહ કહે છે કે બધું ઑનલાઇન છે, કૉલેજ જવાની કોઈ જરૂર નથી.

હાજરી અને પેપર પણ ઑનલાઇન છે. તે મારી સામે તેમનું લૅપટૉપ ખોલે છે અને મને કૉલેજનું પોર્ટલ બતાવે છે જેમાં તેની 97 ટકા હાજરી હતી.

તેઓ કહે છે કે પોતે અસાઇન્મેન્ટ્સ તૈયાર કરતા નથી પરંતુ 500 રૂપિયા આપીને તેને ભારતમાંથી તૈયાર કરાવે છે અને પછી તેને જ પોર્ટલ પર અપલોડ કરે છે. દર મહિને તેમની પરીક્ષા થાય છે જેમાં તેમણે 80 ટકા માર્ક્સ મેળવ્યા હતા. પોર્ટલ પર માર્ક્સ દેખાતા હતા.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 23 વર્ષીય સહજપ્રીતસિંહ પટિયાલાના રહેવાસી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થોડા ઉત્સાહિત થઈને તેઓ કહે છે કે તેમના વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે અને તેઓ મોટે ભાગે પંજાબ અને હરિયાણાના છે.

તેમણે કહ્યું કે, “ત્રણ મહિના દરમિયાન તેમને ક્લાસમાં ક્યારેય અંગ્રેજી બોલવાની જરૂર પડી નથી. મોટા ભાગની વાતચીત તેઓ હિન્દી અને પંજાબીમાં જ થાય છે. જોકે, આઈએલટીએસમાં મારો સ્કોર 6 બૅન્ડ હતો.”

અમારી સામે જ સહજપ્રીતસિંહ ફોન પર તેમના ક્લાસમાં ઓનલાઇન લેક્ચર ભણવાનું શરૂ કરે છે અને પછી માઇક્રોફોન બંધ કરીને પોતાનું બીજું કામ શરૂ કરી દે છે.

સહજપ્રીતસિંહ હાલમાં કાર વર્કશૉપમાં કામ કરે છે અને ત્યાંથી જ ઑનલાઇન ભણે છે.

બીબીસીની ટીમે સહજપ્રીતસિંહ સાથે બે કલાક વિતાવ્યા હતા. દરમિયાન તેમનો ઑનલાઇન ક્લાસ ચાલુ હોય છે અને ટીચર ભણાવે છે અને છેલ્લે થેન્ક યૂ કહીને ચાલ્યા જાય છે.

સહજપ્રીતસિંહને લેક્ચરમાં શું શીખવવામાં આવ્યું અને શું કહેવામાં આવ્યું તેનો ખ્યાલ હોતો નથી અને ઑનલાઇન કોલને આધારે જ તેમની હાજરી પુરાઈ જાય છે.

તેઓ કહે છે કે અહીં ભણવાનું તો માત્ર નામ પૂરતું જ છે. ટીચરને મળવું તો દૂરની વાત છે, તેમનો એક પ્રેક્ટિકલ પણ થયો નથી. અઠવાડિયામાં ફોન પર જ તેમના વર્ગો લેવાય છે.

છેતરપિંડી માટે જવાબદાર કોણ?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મોટર વર્કશોપમાં કામ કરતા સહજપ્રીતસિંહ

સહજપ્રીતસિંહનું કહેવું છે કે એજન્ટ અને કૉલેજ બંનેએ તેમની સાથે છેતરપિંડી કરી છે. નવાઈની વાત એ છે કે આમ થવા છતાં તેઓ કોઈની સામે પગલાં ભરવા માગતા નથી.

આ અંગે તેમનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય કોઈ પણ રીતે કૅનેડા આવવાનો હતો, જે પૂરો થઈ ગયો છે, હવે પગલાં ભરવાથી કંઈ નહીં મળે.

કૅનેડામાં તેમના ભવિષ્ય અંગે તેઓ હાલમાં અનિશ્ચિત છે. સહજપ્રીતસિંહનું કહેવું છે કે તેઓ અન્ય કૉલેજમાં ઍડમિશન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેમને કૅનેડામાં વર્ક પરમિટ મળી શકે છે.

પૈસા અને એક વર્ષના વેડફાટ અંગે સહજપ્રીતસિંહનું કહેવું છે કે કૅનેડા જવાનું ભૂત તેમના પર એટલું સવાર હતું કે તેઓ કોઈ પણ રીતે અહીં પહોંચવા માગતા હતા.

"મિત્રો અને અન્ય પરિચિતોએ મને કૅનેડા ન આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું સહમત ન થયો. જ્યારે મેં અહીં આવીને જોયું તો અહીંની વાસ્તવિકતા જુદી જ બહાર આવી."

નેપાળના સુમન રૉયના સંઘર્ષની કહાણી

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નેપાળના સુમન રૉય

સુમન રૉય સપ્ટેમ્બર, 2023માં સ્ટુડન્ટ વિઝા પર તેમનાં પત્ની સાથે કૅનેડા આવ્યા હતા. તેઓ નેપાળના રહેવાસી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાળમાં પણ કૅનેડાના વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે.

અમે સુમન રૉયના ઘરની મુલાકાત પણ લીધી જ્યાં તેઓ નેપાળી મૂળના વિદ્યાર્થીઓ સાથે રહે છે.

આ બેઝમૅન્ટની જગ્યામાં બનાવેલું ઘર હતું જ્યાં જમીન પર પાંચ ગાદલાં પાથરેલાં હતાં. આખા ઘરમાં વિખરાયેલો સામાન તેમના જીવન સ્તરનો અંદાજ લગાવવા માટે પૂરતો હતો.

કૅનેડામાં શિક્ષણ વિશે વાત કરતા તેઓ કહે છે કે તેમના કોર્સમાં 95 ટકા ભારતીય વિદ્યાર્થીઓ છે અને ખાનગી કૉલેજોમાં શિક્ષણનું સ્તર એટલું સારું નથી.

કૅનેડાની હાલની પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા તેઓ કહે છે, “હું અહીં અતિશય ઉતાવળમાં આવ્યો.”

ભવિષ્ય અંગે વિચારતાં તેઓ કહે છે કે તેમને હાલમાં કશી જ ખબર પડી રહી નથી, આ દેશની પરિસ્થિતિ અત્યારે સારી નથી.

તેમણે કહ્યું કે નોકરી, રહેઠાણ અને વધતી મોંઘવારી જેવા પ્રશ્નો હાલમાં કૅનેડાની સૌથી મોટી સમસ્યા છે.

નેપાળના કાઠમંડુમાં રહેનાર સુમન રૉય કહે છે કે મોટી સંખ્યામાં અહીં એજન્ટો હાજર છે, તેમના કારણે જ મોટી સંખ્યામાં નેપાળી વિદ્યાર્થીઓ કૅનેડા આવ્યા છે.

તેમનું કહેવું છે કે, “કૅનેડા આવતા પહેલાં અહીંની પરિસ્થિતિઓ વિશે જાણકારી મેળવવી સરળ છે. એજન્ટોની વાત પર આંખો મીંચીને વિશ્વાસ ન કરવો, કારણ કે તેમનું કામ માત્ર પૈસા કમાવાનું છે.”

પહેલાંની અને આજની પરિસ્થિતિમાં કેટલું અંતર?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TRINPAL SINGH

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં ભારતીય મૂળના વેપારી દીપ હાજરા

બ્રેમ્પ્ટનમાં પોતાનો વ્યવસાય કરનાર દીપ હાજરા લગભગ 12 વર્ષ પહેલાં એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કૅનેડા આવ્યા હતા.

દીપ અનુસાર, કૅનેડાની થોડાં વર્ષો પહેલાંની અને હાલની પરિસ્થિતિમાં ઘણું અંતર છે. પહેલાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી કૅનેડા આવતા હતા અને સારી કૉલેજોમાં ઍડમિશન લેતા હતા.

દીપ હાજરા જ્યાં ભણેલા ત્યાંની કૉલેજનું કૅમ્પસ ઘણું વિશાળ હતું અને શિક્ષકો નિયમિતપણે આવતા હતા. હવે તો ઑનલાઇન વર્ગોથી જ કામ ચલાવી લેવામાં આવે છે.

તેઓ કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅનેડાએ બારમા ધોરણ પછી ડિપ્લોમાના અભ્યાસક્રમો શરૂ કર્યા પછી અહીં વિદ્યાર્થીઓની ભીડ ઊમટી પડી.”

તેમણે કહ્યું કે અહીં વિદ્યાર્થીઓનું ખૂબ શોષણ થાય છે અને સૌથી પહેલું શોષણ તો ભારતમાં જ કેટલાક એજન્ટો દ્વારા કરવામાં આવે છે. પછી અહીં આવીને કેટલીક પ્રાઇવેટ કૉલેજો અને ત્યાર બાદ કેટલીક હોટલો અને ફેક્ટરીમાલિકો પણ શોષણ કરે છે.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું કે ગયા વર્ષે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા આવ્યા હતા તેમની સાથે પંજાબના એક એજન્ટ દ્વારા કૅનેડિયન કૉલેજોના નકલી ઑફર લેટર્સના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ ટૉરન્ટો ઍરપૉર્ટ નજીક દિવસો સુધી વિરોધ કર્યો હતો, કારણ કે કૅનેડિયન બૉર્ડર એજન્સીએ કથિત રીતે ખોટા દસ્તાવેજોથી પ્રવેશ કરવાને કારણે સેંકડો વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાની તૈયારી કરી હતી.

બાદમાં કૅનેડિયન પોલીસે કથિત ટ્રાવેલ એજન્ટ બ્રિજેશ મિશ્રાની ધરપકડ કરી હતી કે જેમણે આ વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજો આપ્યા હતા, ત્યાર બાદ તેઓ સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા પહોંચ્યા હતા.

તે સમયે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આ મુદ્દે કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને સજા કરવાનો નથી, પરંતુ ગુનેગારોને ઓળખવાનો છે.”

શું યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં શોષણ થાય છે?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે જાન્યુઆરીમાં કૅનેડાની અલ્ગોમા યુનિવર્સિટીના બ્રેમ્પ્ટન કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

લગભગ 130 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં મોટા ભાગના ગુજરાતી અને પંજાબી વિદ્યાર્થીઓ હતા. તેમને એક વિષયમાં નાપાસ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં યુનિવર્સિટીની બહાર અનેક દિવસો સુધી ધરણાં પ્રદર્શન કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં એક વિદ્યાર્થિની સિમરનજિતકોરે કહ્યું હતું કે તેઓ માર્ચ 2022માં બે વર્ષ માટે હ્યુમન રિસોર્સ અને બિઝનેસ મૅનેજમૅન્ટની ડિગ્રી લેવા માટે કૅનેડા આવ્યાં હતાં.

તેમના ભારતીય એજન્ટે તેમને એક પ્રાઇવેટ કૉલેજ અલ્ગોમા યુનિવર્સિટીમાં ઍડમિશન લેવાની સલાહ આપી હતી.

સિમરનજિતકોર એ પણ કહે છે કે તેમની યુનિવર્સિટીમાં મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે. યુનિવર્સિટીઓમાં ભણતા સ્થાનિક કૅનેડિયન વિદ્યાર્થીઓ બહુ ઓછા છે.

મૂળ ઉત્તરાખંડના હરિદ્વારનાં સિમરનજિતકોર કહે છે કે તેમને યુનિવર્સિટીમાં સ્કૉલરશિપ પણ મળી હતી, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે તેઓ એક વિષયમાં નાપાસ થયાં ત્યારે તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયાં.

તેમણે કહ્યું કે જ્યારે તેમણે સંબંધિત વિષયના પ્રોફેસર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કોઈને મળવાની ના પાડી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના ડીનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના તરફથી પણ કોઈ જવાબ ન મળતાં અમને વિરોધ કરવાની ફરજ પડી હતી.

વિરોધપ્રદર્શન પછી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારી હતી. તેમાંથી કેટલાકને પાસ કર્યા હતા અને અન્ય લોકોને બીજી તક આપી.

સિમરનજિતકોરના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીઓ અને કૉલેજો પૈસા કમાવવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે. કૉલેજની મનમરજીને કારણે વિદ્યાર્થીઓએ સંગઠિત થવું પડ્યું છે.

કૅનેડામાં ભારતીય વિદ્યાર્થી સંગઠનો

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TRINPAL SINGH

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં પ્રદર્શન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ

કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો સાથે થઈ રહેલા શોષણ સામે અવાજ ઉઠાવવા માટે ભૂતકાળમાં અનેક સંગઠનો બનાવાયાં છે. તેમાંથી એક ‘નૌજવાન સપોર્ટ નેટવર્ક’ લગભગ બે વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે.

આ સંગઠનો વિશેષપણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ગ્રેટર ટૉરન્ટોમાં કામ કરી રહ્યા છે.

વિક્રમજિતસિંહ પણ શરૂઆતથી જ આ સંગઠન સાથે જોડાયેલા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામદારોનાં શોષણને રોકવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે.

વિક્રમજિતસિંહે બીબીસીને જણાવ્યું હતું કે તેમની સંસ્થા સોશિયલ મીડિયા દ્વારા કામ કરે છે અને કૅનેડામાં રજિસ્ટર્ડ નથી.

વિક્રમજિતસિંહે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને હોટલ, બેકરીમાલિકો અને ટ્રકિંગ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણની ફરિયાદો મળી હતી, જેમાંથી મોટા ભાગના કેસો સફળતાપૂર્વક ઉકેલાઈ ગયા હતા. તેઓ પોતે એક વિદ્યાર્થી તરીકે અહીં આવ્યા હતા.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કૅનેડામાં બિઝનેસ કરતા ભારતીય દીપ હાજરા

પંજાબના હોશિયારપુરના રહેવાસી એવા વિક્રમજિતસિંહ કહે છે કે જો સમાધાન ન થાય તો તેઓ તેમના ઘર કે કાર્યસ્થળની બહાર સાર્વજનિક જગ્યાએ ઊભા રહીને પ્રદર્શન કરી શકે છે.

સંગઠનના ટ્વિટર હૅન્ડલને જોવામાં આવે તો આવાં પ્રદર્શનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. તેમણે કહ્યું કે અમે વિદ્યાર્થીઓને એક મંચ પર લાવીએ છીએ અને તેમને તેમના અધિકારોની જાણકારી આપીએ છીએ.

આ સંગઠન વિદ્યાર્થીઓના નિર્વાસનને રોકવા માટે અલ્ગોમા વિશ્વવિદ્યાલયના વ્યવસ્થાપન સામે સક્રિય રહ્યું છે.

તેઓ જણાવે છે કે કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માનસિક શોષણ સિવાય પણ અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

તેમના સંગઠનમાં એવી ફરિયાદોની સંખ્યા પણ સતત વધતી જાય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની સાથે થનારા દુર્વ્યવહાર સામે કાયદાકીય કાર્યવાહી કેમ કરતા નથી એ સવાલના જવાબમાં તેઓ કહે છે, “આ પ્રક્રિયા ખૂબ લાંબી છે અને કૅનેડા જેવા દેશમાં તેના માટે સમય નથી.”

હાલના સમયમાં વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલી છેતરપિંડીની ઘટનાઓ પછી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સમયાંતરે જાગૃતિ અભિયાન ચલાવે છે.

2022માં કૅનેડામાં ભારતીય હાઈ કમિશને પણ એક ઍડવાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે ફી આપતા પહેલાં શિક્ષણ સંસ્થાઓની સરખી રીતે તપાસ કરવી જોઈએ.

કૅનેડાની શૈક્ષણિક સંસ્થાઓમાં હેરાફેરી

ગત વર્ષે ઑક્ટોબરમાં કૅનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે પણ સ્વીકાર્યું હતું કે અહીંના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છેતરપિંડીનો શિકાર બન્યા છે.

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવી છેતરપિંડીથી બચાવવા માટે તેમણે કૉલેજો/યુનિવર્સિટીમાંથી મળેલા સ્વીકૃતિપત્રો માટે આઈઆરસીસી પાસેથી મંજૂરી મેળવવી ફરજિયાત બનાવી છે.

ઇમિગ્રેશન મંત્રીએ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓને ચોક્કસ માળખું તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે.

કૅનેડાની સરકારે પણ એ કબૂલ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ પૈસા કમાવવાના ઇરાદે જરૂરિયાત કરતાં વધુ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

સરકારનું કહેવું છે કે ફી વસૂલાતને ધ્યાનમાં રાખીને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ તેમના પ્રવેશમાં વધારો કર્યો છે.

પરિણામે, ઘણા વિદ્યાર્થીઓ આ કૉલેજો અને સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે કૅનેડા આવી રહ્યા છે. કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના બોજને ધ્યાનમાં રાખીને આ વર્ષે જાન્યુઆરીથી બે વર્ષ માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જસવીર શમીલ ટોરન્ટોમાં લાંબા સમયથી પત્રકારત્વ કરે છે

કૅનેડા સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને સ્થિર કરવા માટે 2024 સુધીમાં આશરે ત્રણ લાખ 60 હજાર સ્ટડી પરમિટ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ સિવાય સરકારે વધુ એક મોટો ફેરફાર કર્યો છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતી કૉલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી વર્ક પરમિટ આપવામાં આવશે નહીં.

સહજપ્રીતસિંહ જે કૉલેજની વાત કરી રહ્યા છે તે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ જ આવે છે.

કૅનેડામાં શિક્ષણ પ્રાંતીય સરકાર હેઠળ આવે છે, કેન્દ્ર સરકાર હેઠળ નહીં. ત્યાર બાદ કૅનેડાની બ્રિટિશ કોલંબિયા સરકારે નવી યુનિવર્સિટીઓ, કૉલેજો અને અન્ય સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નવા પ્રવેશ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

બ્રિટિશ કોલંબિયા સરકારે શિક્ષણ ક્ષેત્રે સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતાં કૌભાંડોને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.

માધ્યમિક શિક્ષણમંત્રી સૅલિના રૉબિન્સને સ્વીકાર્યું હતું કે તેમના વિભાગે ગયા માર્ચમાં રાજ્યની સિસ્ટમ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમાં જાણવા મળ્યું હતું કે નબળી ગુણવત્તાનું શિક્ષણ, શિક્ષકોની અછત છે. કેટલીક ખાનગી સંસ્થાઓ વિદ્યાર્થીઓને ફરિયાદો દાખલ કરવાથી ડરાવી રહી હોવાના અહેવાલો હતા.

સીબીસી અનુસાર, બ્રિટિશ કોલંબિયામાં 150થી વધુ દેશોના 1,75,000 આંતરરાષ્ટ્રીય પોસ્ટ-સેકન્ડરી વિદ્યાર્થીઓ ભણે છે. જેમાંથી લગભગ 54 ટકા ખાનગી સંસ્થાઓમાં નોંધાયેલા છે.

રાજ્યમાં 280 ખાનગી શિક્ષણ સંસ્થાઓ છે. તેમાંથી 80 ટકા લોઅર મેઇનલૅન્ડ એટલે કે ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં છે.

વિશેષજ્ઞો શું કહે છે?

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બ્રેમ્પ્ટનમાં લાંબા સમય સુધી વકીલાત કરનારા હરમિંદરસિંહ ધિલ્લોન

બ્રેમ્પ્ટનમાં લાંબા સમય સુધી વકીલાત કરનારા હરમિંદરસિંહ ધિલ્લોનનું કહેવું છે કે, “અહીં એવી કૉલેજો ચાલી રહી છે કે જેમની ડિગ્રીઓનું કોઈ મૂલ્ય નથી. તેમના આધારે નોકરીઓ મળતી નથી.”

ધિલ્લોનના જણાવ્યા અનુસાર, ઘણી કૉલેજો શૉપિંગમૉલમાં ચાલી રહી છે તો ઘણી કૉલેજો એક રૂમમાં ચાલી રહી છે અને તેના વિદ્યાર્થીઓને વિઝા પણ મળી ગયા છે.

હરમિંદરસિંહ ધિલ્લોનના મતે એજન્ટો અને કૉલેજો દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કૅનેડા છોડવું પડી શકે છે. આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

તેમણે કહ્યું કે કૅનેડા સ્ટુડન્ટ વિઝા પર આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નાગરિકતાની કોઈ ગૅરંટી આપતું નથી.

સરકારી નિયમો અનુસારની શરતો પૂરી કરો છો તો તમે PR માટે અરજી કરી શકો છો.

તેમણે કહ્યું કે કૅનેડાને કુશળ કામદારોની જરૂર છે, પરંતુ મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવવા છતાં કુશળ કામદારોની અછત પૂરી થઈ રહી નથી, કારણ કે વિદ્યાર્થીઓ અભ્યાસ પછી અન્ય કામ કરવાનું શરૂ કરી દે છે.

કૅનેડા ભારતીય વિદ્યાર્થીઓ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ટોરન્ટોમાં પત્રકાર જસવીરસિંહ શમીલ કહે છે કે અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું શોષણ થવાનું મુખ્ય કારણ એ છે કે તેમને કૅનેડાના કાયદાની જાણકારી નથી.

તેમના કહ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ફરિયાદ કરવાથી એટલા માટે પણ ડરે છે કે તેમને એવું લાગે છે કે તેમને ભારત પાછા મોકલી દેવાશે.”

શમીલનું કહેવું છે કે ભારતમાં રહેલાં તેમનાં માતાપિતા જાણતાં નથી કે તેમનાં સંતાનોને અહીં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને જો અહીંની હકીકતની ખબર હોય તો તેઓ અહીં કદી નહીં આવે.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનું શોષણ કૅનેડા પહોંચતા જ શરૂ થાય છે. એલએમઆઈએ- લેબર માર્કેટ પ્રભાવ મૂલ્યાંકન પત્ર માટે હજારો ડૉલર લેવામાં આવે છે.

આ એક એવો દસ્તાવેજ છે, જેમાં કૅનેડામાં કોઈ પણ નોકરીદાતાએ વિદેશી કર્મચારીને નોકરીએ રાખવા માટે મેળવવાનો હોય છે.