'બેટા, ખાધું? એવું પૂછનાર અહીં કોઈ નથી', કૅનેડામાંથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અર્પણ
    • લેેખક, સરબજીતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, કૅનેડાથી પરત ફરીને

"મને મન થાય છે કે ભારત જઈ હું મારા પિતાને ગળે મળીને રડું, મને એમની યાદ આવે છે."

આ શબ્દો કહેતા જ અર્પણની આંખો ભરાઈ આવે છે અને તેઓ વાત કરતાં કરતાં જ ચૂપ થઈ જાય છે.

કેટલીક ક્ષણો ચૂપ રહ્યા પછી તેઓ ફરી કહે છે, "અહીં કોઈ કોઈનું નથી. બધા ભાગી રહ્યા છે, મેં કૅનેડા વિશે જે વિચાર્યું હતું, અહીં આવીને જોયું તો બધું ઊલટું થઈ ગયું છે."

અર્પણ તેમનાં સપનાંઓને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બે વર્ષ અગાઉ એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થિની તરીકે કૅનેડા પહોંચ્યાં હતાં.

અર્પણ પંજાબના મુક્તસર જિલ્લાનાં વતની છે અને તેમનાં માતા-પિતા બંને પ્રોફેસર છે.

બે વર્ષનો અભ્યાસ પૂરો કર્યાં પછી અર્પણ હાલ તો વર્ક પરમિટ પર છે અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.

અર્પણ કૅનેડા પહોંચેલા એ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી એક છે જે અભ્યાસના બહાને સ્ટડી વિઝા પર કૅનેડા પહોંચતા હોય છે. પરંતુ અહીંની સ્થિતિ તેમના સપનાંઓની વિપરીત બની રહી છે.

અર્પણ મારી સાથે તેમનાં દુ:ખને શૅર કરતાં કહે છે, "મને મારા માતા-પિતની ખૂબ યાદ આવે છે. માતા જમવાનું બનાવી આપતાં હતાં ને હું ગેમ રમતી હતી. કોઈ જવાબદારી નહોતી."

"અહીં એવું કોઈ નથી જે એમ કહે કે બેટા જમી કે નહીં? અહીં બધું જાતે જ કરવું પડે છે."

અર્પણ મુજબ, તેમનો કૅનેડા પહોંચવાની કોઈ યોજના નહોતી. હકીકતમાં તેઓ કૅનેડાના લોભાવનારા વીડિયોઝ જોઈને પ્રભાવિત થઈ ગયાં હતાં.

તેમણે જોયું કે પંજાબમાં દરેક વ્યક્તિ કૅનેડા વિશે વાત કરે છે. આ દેશ ખૂબ સ્વચ્છ છે, વિદ્યાર્થીઓ પાસે મોટી કાર છે, ઘર છે અને આ દેશ છોકરીઓ માટે પણ સુરક્ષિત છે.

અર્પણ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, અર્પણ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અર્પણ મુજબ, "યુવા હોવાથી હું આ બધી વાતોથી પ્રભાવિત થઈ ગઈ અને વિચાર્યું કે કૅનેડા જવાનો પ્રયાસ કરું. મારાં માતા-પિતા ઇચ્છતા હતાં કે કૅનેડા માટે હું પ્રયાસ કરું. મારાં માતા-પિતા ઇચ્છતા હતા કે હું સ્નાતક થઈ જાઉં પણ કેટલાક લોકોએ મને કહ્યું કે જેટલી જલદી કૅનેડા જશો એટલાં જલદી ત્યાં સેટલ થઈ જશો."

24 વર્ષનાં અર્પણ આશરે ત્રણ વર્ષ અગાઉ કૅનેડા પહોંચ્યા હતાં.

"એટેલે 12મું ધોરણ પાસ કરીને તરત હું નાની ઉંમરે જ કૅનેડા આવી ગઈ. કૅનેડામાં રહેતાં મારા કેટલાક મિત્રોએ મને અહીંની સમસ્યા વિશે જણાવ્યું પણ મારા માથે કૅનેડા પહોંચવાની ધૂન લાગેલી હતી, એટલે મેં એમની વાતો પર ધ્યાન ના આપ્યું."

પરંતુ અમે વિદેશ જનારા લોકો સાથે વાત કરી તો ખબર પડી કે કૅનેડાનું સપનું અને વાસ્તવિકતામાં ફરક હોય છે.

અર્પણ કહે છે કે જ્યારે 2021માં પહેલીવાર તેઓ કૅનેડા પહોંચ્યાં તો એમને ખબર પડી કે તેઓ કોઈ બીજી જ દુનિયામાં આવી ગયાં છે. એવી દુનિયા જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ટોરેન્ટો તેમને પોતાનાં સપનાંઓનાં શહેર જેવું લાગ્યું.

અર્પણે કહ્યું, "એજન્ટને જાણતી એક વ્યક્તિ મને ઍરપોર્ટ પર લેવા આવી અને તેણે મને એક ઘરના બેઝમેન્ટમાં એક બૅડ ભાડે અપાવ્યો, જ્યાં હું સાત મહિના સુધી રહી."

"બેઝમેન્ટમાં તે એક હૉલ હતો, જેમાં કોઈ ઓરડો નહોતો, જમીન પર ખાલી ગાદલાં નાખેલાં હતાં. જ્યાં કેટલીક અન્ય છોકરીઓ પણ રહેતી હતી. બેઝમેન્ટમાં કોઈ બારી નહોતી. અને પહેલાં સાત મહિના સુધી કૅનેડાનો મારો અનુભવ ઘણો ખરાબ રહ્યો હતો."

અર્પણનું કહેવું હતું કે ભારતનાં બાળકોને કૅનેડા બાબતે જે સપનાં બતાવાય છે, હકીકત તેનાથી વિપરીત છે. એજન્ટ એવું નથી જણાવતા કે બેઝમેન્ટમાં રહેવું પડશે, અભ્યાસ સાથે કામ પણ કરવું પડશે, વિદ્યાર્થીઓનું કેટલું શોષણ થશે. આ વિશે કોઈ માહિતી નથી અપાતી. બસ કૅનેડા વિશે બધું સારું જ કહેવાય છે.

અર્પણ મુજબ વિદ્યાર્થી જીવન ખૂબ સંઘર્ષપૂર્ણ હોય છે. માનસિક તણાવ, પરિવારથી દૂર રહેવાનો અનુભવ, કામ ન મળવાનું દબાણ, આ બધું જ વિદ્યાર્થી જીવનનાં સંઘર્ષનો ભાગ છે.

અર્પણે જણાવ્યું કે હાલના સમયમાં સૌથી મોટી તકલીફ કામની જ છે. ઠંડીની ઋતુમાં યોજાતા જૉબ ફેરમાં નોકરી માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગે છે.

એમાંથી કેટલાક વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે, કૅનેડાની આ હકીકત ભારતમાં કોઈ કહેતું નથી. જીવનનિર્વાહનો ખર્ચ, કૉલેજની ફી અ નોકરીનો કોઈ ભરોસો ન હોવાથી માથે ચિંતા કાયમ હોય છે.

અર્પણે જણાવ્યું કે તેઓ કૅનેડાની સમસ્યાઓ વિશે માતા-પિતાને ઓછું જણાવે છે. તેઓ બસ જરૂર પૂરતું જ કહે છે કે "મેં અભ્યાસ પૂરો કરી લીધો છે, નોકરી મળી ગઈ છે અને પગાર જમા થઈ ગયો છે એવું બધું."

જ્યારે પૂછવામાં આવ્યું કે બાકીની તકલીફો વિશે તેઓ કેમ જણાવતાં નથી તો જવાબ મળ્યો કે માતા-પિતા ચિંતા ના કરે એટલે મોટા ભાગનાં વિદ્યાર્થીઓ આવું જ કરે છે.

"જો હું જમી ના હોઉં તો પણ માતા-પિતાને ખોટું કહી દઉં કે મેં જમી લીધું છે. હું એમ નથી કહી શકતી કે હું આજે ભોજન નથી બનાવી શકી કારણ કે કામ પરથી ઘરે આવવામાં મોડું થઈ ગયું હતું."

આશરે 24 વર્ષનાં અર્પણાનું કહેવું છે કે, "મારું બાળપણ મરી ગયું છે. નાની ઉંમરે જ કૅનેડામાં મારા માથે મોટી જવાબદારીઓ આવી પડી છે."

અર્પણનું લક્ષ્ય કૅનેડાની નાગરિકતા મેળવવાનું છે અને આ પછી જ તેઓ તેમનાં માતા-પિત પાસે જશે.

અર્પણ મુજબ, કૅનેડા એક સારો દેશ છે અને અહીં કોઈ સાથે ભેદભાવ નથી થતો અને આગળ વધવા માટે સમાન તક મળે છે, પણ વિદ્યાર્થી જીવન ઘણું કપરું હોય છે અને ભારતમાં રહીને તેની કલ્પના પણ ના કરી શકાય.

ઇમિગ્રેશન, રેફ્યૂજી અને સિટિઝનશીપ કૅનેડા એટલે કે આઈઆરસીસીના 2023ના આંકડાઓ મુજબ આ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 29 ટકા વધી છે અને સૌથી વધારે સ્ટડી પરમિટ ભારતીય વિદ્યાર્થીઓને અપાયા. આ પછી બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે ફિલિપીન્ઝના વિદ્યાર્થીઓ છે.

ભારતીય વિદ્યાર્થીઓમાંથી કૅનેડા જનારા વિદ્યાર્થીઓમાં પંજાબ અને ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે. ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, હરિયાણાના વિદ્યાર્થીઓ આ સમયે કૅનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતીયોમાં સૌથી વધારે પંજાબના છે.

સારા ભવિષ્યની આશામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લાં કેટલાક વર્ષોમાં કૅનેડા પહોંચ્યા છે. ગ્રેટર ટોરેન્ટો એરિયા (જીટીએ)ને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસકરીને ભારતીયોનું કેન્દ્ર માનવામાં આવે છે. બ્રૅમ્પટન મિની પંજાબના નામે ઓળખાય છે.

અકરમની કહાણી

અકરમ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, અકરમ

પંજાબના બરનાલા જિલ્લાના ધૂલકોટ ગામના અકરમની કહાણી પણ અર્પણ જેવી જ છે.

28 વર્ષીય અકરમ 2023માં સ્ટડી પરમિટ પર કૅનેડા પહોંચ્યા અને હાલમાં બ્રૅમ્પટનની એક ખાનગી કૉલેજમાં પ્રોજેક્ટ મૅનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. અકરમે જણાવ્યું કે તેમના ક્લાસમાં 32 વિદ્યાર્થીઓ છે તેમાંથી 25 ભારતીય છે અને બાકીના અન્ય દેશોના છે.

તેમના ક્લાસમાં કૅનેડિયન મૂળના એક પણ વિદ્યાર્થી નથી.

કૅનેડામાં જીવન વિશે પોતાના અનુભવને જણાવતા અકરમ કહે છે, "કૅનેડા એક સોહામણી જેલ છે. જ્યાં તમને બધું જ મળે છે પણ તમે આખું જીવન આમાંથી બહાર નથી નીકળી શકતા."

અકરમ મુજબ, "હાલ તો અમે અહીં મશીન જેવા છીએ. સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ, આ એક કરોળિયાના જાળા જેવું છે. જેમાંથી અમે બહાર નથી નીકળી શકતા."

અકરમની કૉલેજ અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજના સમયે બે કલાકની હોય છે.

અકરમનો પરિવાર મજૂરીકામ કરે છે અને 22 લાખ રૂપિયાનું કરજ લઈ કૅનેડા આવ્યા છે.

આ કરજની ચૂકવણી કરવા સાથે સાથે તેમણે તેમના સપનાઓને પૂરા કરવા માટે બે શિફ્ટોમાં કામ કરવું પડે છે.

તેમના મુજબ કૅનેડા આવીને તેમને ખબર પડી કે જે દૃશ્ય ભારતમાં બતાવાય છે એ પૂર્ણ સત્ય નથી.

અકરમ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, અકરમ

અકરમ એક પ્રતિભાશાળી અને સાહિત્યમાં રસ ધરાવતો યુવક છે અ તેમણે પંજાબમાં જ સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

કૅનેડા આવ્યા પછી તેમની શાયરીની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે. હવે તેમની કવિતાઓમાં પંજાબની ધરતીની ચાહત અને કૅનેડાની કપરી સ્થિતિઓ ઝલકે છે.

ખર્ચા પૂરા કરવા દરેક સમયે કામ, ભવિષ્યની ચિંતા, તેમના ચહેરા અને વાતોમાં ડોકિયું કરતી રહે છે.

કરજના હપ્તા, કૉલેજની ફી અને રહેવાનો ખર્ચ... આ બધા ખર્ચાઓને પહોંચી વળવા અકરમ હાલમાં બે જગ્યાએ પાર્ટ-ટાઇમ કામ કરે છે.

દિવસે તેઓ એક કોમ્પ્યુટર સેન્ટરમાં કામ કરે છે અને રાત્રે તેઓ સિક્યોરિટી ગાર્ડીની નોકરી કરે છે. તેમને ખાલી પાંચ કલાક ઊંઘ મળે છે.

અકરમ કહે છે, "ચિંતાઓ અહીં ક્યારેય ઓછી થતી જ નથી. જોકે પરિવારજનો સાથે વાત કરવાથી તણાવમાંથી થોડી રાહત મળી જાય છે."

અકરમ પણ અર્પણની જેમ પોતાનાં માતા-પિતાને કૅનેડાની સમસ્યાઓ વિશે કંઈ ખાસ કહેતા નથી.

અકરમ હાલ પાંચ સાથીઓ સાથે એક ભાડાના બેઝમેન્ટમાં રહે છે. હૉલ જેવા બેઝમેન્ટમાં બે બૅડ છે અને બાકી જમીન પર ગાદલાં નાખેલા છે.

એક બૅડ ખાલી છે જેના વિશે અકરમ કહે છે કે ત્યાં બીજા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થિની રાહ જોવાઈ રહી છે જે મે મહિનામાં ભારતથી આવી રહ્યા છે.

તેમના બેઝમેન્ટમાં પણ કોઈ બારી નથી. બસ એક ખુલ્લો હૉલ જ છે.

માનસિક તણાવ સામે ઝઝૂમતા વિદ્યાર્થીઓ

નિર્લેપસિંહ ગિલ બ્રૅમ્પટનમાં પંજાબી સમુદાયિક સ્વાસ્થ્ય સેવા સાથે કામ કરે છે.

ગિલ, ભારતીય વિદ્યાર્થીઓ એમાં પણ પંજાબી વિદ્યાર્થીઓની સમસ્યાઓ વિશે કામ કરે છે.

નિર્લેપ ગિલ કહે છે,"કેટલાય વિદ્યાર્થીઓ માનસિક બીમારીઓથી પીડાય છે કારણ કે કૅનેડામાં વિદ્યાર્થીઓને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનાથી તેઓ તણાવમાં હોય છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેઓ ખૂબ નાની ઉંમરે (12મું ધોરણ પાસ કરીને) કૅનેડા આવે છે."

નિર્લેપસિંહ ગિલ કહે છે કે આવા વિદ્યાર્થીઓ કિશોયવયને કારણે માનસિક રીતે પરિપક્વ નથી હોતા.

તેઓ નથી જાણતા કે તણાવનો સામનો કેવી રીતે કરવો. જો બાળક માતા-પિતાને કંઈ કહે તો તેઓ સમજી નથી શકતાં કે બાળક શું કહી રહ્યું છે.

ગિલ વધુમાં કહે છે, "આ સમસ્યા બધા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે નથી. કેટલાક તો અહીં આગળ આવી શક્યા છે પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે."

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં તણાવનાં કારણો વિશે પૂછવામાં આવતાં તેમનું કહેવું છે કે આનાં ઘણાં કારણો છે.

  • વધારે પડતી જવાબદારીઓનો બોજ

"સૌથી પહેલું કારણ એ છે કે ભારતમાં બાળકો આરમદાયક જીવન જીવે છે. જેનો અર્થ એ છે કે તેમનાં માતા-પિતા દરેક બાબતની કાળજી લે છે અને તેમના પર કોઈ જવાબદારી નથી હોતી પરંતુ જ્યારે તેઓ કૅનેડા આવે છે તો તેમના પર તરત જ જવાબદારીઓ આવી પડે છે. તેઓ માનસિક રીતે આના માટે તૈયાર નથી હોતાં."

નિર્લેપસિંહ ગિલ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, નિર્લેપસિંહ ગિલ
  • નશાની લત

"કૅનેડામાં ડ્રગ્સનું પ્રમાણ વધારે છે. ભારતમાં કેટલાંક પ્રકારનાં જ ડ્રગ્સ મળે છે પરંતુ કૅનેડામાં 55 થી 70 પ્રકારનું ડ્રગ્સ મળે છે. ડ્રગ્સની લતે ચડેલા વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રોગોનો શિકાર બને છે."

તો ડ્ર્ગ્સના ઓવરડોઝના કારણે વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.

નિર્લેપસિંહ ગિલે કહ્યું કે ભારતીયોનો મોટા વર્ગ કૅનેડામાં રહે છે. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યા જ કેમ વધી રહી છે એ એક પ્રશ્ન છે.

ગિલે જણાવ્યું કે મોટા ભાગનાં મૃત્યુને હાર્ટ ઍટેક સાથે જોડી દેવાય છે.

આ સાથે જ વિવિધ કારણોથી થતા માનસિક તણાવને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોવાનું પ્રમાણ પણ વધ્યું છે.

  • પીઆર મેળવવાનું દબાણ

તણાવ અને ચિંતા કૅનેડામાં દરેક ડગલે મળે છે.

આથી જો કોઈ વિદ્યાર્થીને એ ખબર નથી કે આનો સામનો કેવી રીતે કરવાનો છે તો તે નિરાશ થઈ જાય છે. ઉપરાંત કૅનેડાની નાગરિકતા અને પીઆર મેળવવા માટે પણ બાળકો માનસિક રીતે દબાણમાં રહે છે.

  • કૅનેડામાં વિદ્યાર્થીઓનું મોત

અહીં વિદ્યાર્થીઓનાં મોત એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક એવી વાત છે જે બધાને પરેશાન કરી દે છે. આ જાણવા માટે બીબીસીએ બ્રૅમ્પટનમાં એક ખાનગી ફ્યૂનરલ હોમ(અંત્યેષ્ટિ ગૃહ)ના પ્રબંધક હરમિંદર હાંસી સાથે વાત કરી. તેઓ 15 વર્ષથી તેને ચલાવી રહ્યા છે.

અંત્યેષ્ટિગૃહમાં મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરાય છે.

હરમિંદર હાંસીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં મૃત્યુના પ્રમાણમાં ઘણો વધારો થયો છે.

હરમિંદરસિંહ હાંસી

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, હરમિંદરસિંહ હાંસી

મૃત્યુના કારણો વિશે વાત કરતા હરમિંદર હાંસી કહે છે કે મોટાભાગે મૃત્યુમાં એક કે બે મામલાઓ એવા હશે જેમનું મૃત્યુ પ્રાકૃતિક કારણોસર થયું હોય પરંતુ મોટા ભાગના મૃત્યુમાં કારણ આત્મહત્યા રહ્યું છે.

ઉપરાંત ડ્રગ્સના ઓવરડોઝને કારણે પણ મોત થઈ રહ્યાં છે. નશામાં કાર ચલાવવાથી થનારી દુર્ઘટનાઓ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મોતનું કારણ બની રહી છે.

હાંસીએ જણાવ્યું કે તેઓ દર મહિને ચાર-પાંચ મૃતદેહ ભારત મોકલે છે. તો કેટલાક લોકો કૅનેડામાં પણ અંતિમસંસ્કાર કરી દેતા હોય છે, જેનો આંકડો ઉપલબ્ધ નથી.

હાંસી મુજબ, આ તો માત્ર એક જ અંત્યેષ્ટિગૃહના આંકડાઓ છે અને જીટીએમાં હાલ આવા કેટલાય અંત્યેષ્ટિગૃહ છે.

તેમણે કહ્યું કે જો આખા કૅનેડાના આંકડાઓને મેળવીએ તો સંખ્યા વધારે હોઈ શકે છે.

કૅનેડાનું અંત્યેષ્ટિધામ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, કૅનેડાનું અંત્યેષ્ટિધામ

ડિસેમ્બર 2023માં વિદેશ રાજ્યમંત્રી વી. મુસલીધરને રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા કહ્યું હતું કે 2018થી ડિસેમ્બર 2023 સુધી 403 ભારતીય વિદ્યાર્થીઓનું વિદેશમાં મૃત્યુ થયું છે જેમાં સૌથી વધારે મોત 94 વિદ્યાર્થીઓનાં મૃત્યુ કૅનેડામાં થયાં છે.

જવાબમાં આગળ એમ પણ કહેવાયું કે આમાંથી કેટલાંક મૃત્યુ કુદરતી હતાં અને કેટલાક દુર્ઘટનાને કારણે થયાં. ડિસેમ્બર 2023માં ભારતીય વિદેશ વિભાગના તત્કાલીન પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતથી કૅનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં વધારે છે.

કૅનેડાની સ્ટડી પરમિટની વાસ્તવિકતા શું છે ?

આંકડાકીય માહિતી
ઇમેજ કૅપ્શન, આંકડાકીય માહિતી

દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર કૅનેડા જઈ રહ્યા છે.

કૅનેડા સરકારના સત્તાવાર આંકડા મુજબ, 2022ની સરખામણીએ 2023માં સક્રિય સ્ટડી વિઝાની સંખ્યા આશરે 29 ટકા વધીને 10 લાખ 40 હજાર થઈ ગઈ છે.

એમાંથી આશરે ચાર લાખ 87 હજાર ભારતીય વિદ્યાર્થીઓ હતા. તે 2022ના સરખામણીએ 33.8 ટકા વધારે છે.

આંકડાકીય માહિતી
ઇમેજ કૅપ્શન, આંકડાકીય માહિતી

આમ કૅનેડાના વિદ્યાર્થીઓની સરખામણીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્રણ ગણી વધારે ફી ચૂકવવી પડે છે. કૅનેડા સરકારના 2022ના એક અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અહીંની અર્થવ્યવસ્થામાં 22 અબજ કૅનેડિયન ડૉલરનો ફાળો આપ્યો છે અને આ સિવાય આશરે 2.2 લાખ નવી નોકરીઓ પેદા કરી છે.

આ કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૅનેડાની અર્થવ્યવસ્થાની જરૂરિયાત જેવા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે કૅનેડા પહોંચી રહ્યા છે. તેમાં મોટાભાગના ભારતીય હોય છે.

આ કારણ કૅનેડામાં વિશ્વવિદ્યાલય અને કૉલેજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાને પ્રાથમિકતા આપે છે. કેટલીક તો નામ માત્રની કૉલેજ છે. તેમની પાસે ના કોઈ કૅમ્પસ છે અને ના કોઈ ગ્રાઉન્ડ. માત્ર બે ઓરડાંમાં કૉલેજ ચાલી રહી છે. કૅનેડા સરકારે હવે આવી કૉલેજો સામે હવે કંઈક પગલાં લીધાં છે.

ઑન્ટારિયોની કૉલેજ અને વિશ્વવિદ્યાલય વિભાગના એક અહેવાલ મુજબ, 2012થી 2021 સુધી, આ વિસ્તારની ખાનગી કૉલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે.

જ્યારે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 342 ટકા વધારો જોવા મળ્યો છે. તેમાંથી 62 ટકા વિદ્યાર્થીઓ ભારતના હતા.

કૅનેડામાં શિક્ષણનું સ્તર

જસવીર શમીલ

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, જસવીર શમીલ

આ વિશે ટોરેન્ટોમાં લાંબા સમયથી પત્રકાર તરીકે કામ કરી રહેલા જસવીર શમીલનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષોમાં કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસકરીને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

જસવીર શમીલે જણાવ્યું, "સ્ટડી પરમિટ કૅનેડામાં પ્રવેશનું એક માધ્યમ છે. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કર્યા પછી ટ્રક ડ્રાઇવર, ટૅક્સી ડ્રાઇવર, ડિલીવરી વર્કર, હોટલ વર્કર તરીકે કામ કરવા લાગે છે."

શમીલ કહે છે કે આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આવાં કામોમાં ફસાઈને રહી જાય છે. વિદ્યાર્થીઓએ જે વિષયનો અભ્યાસ કર્યો હોય છે તેમાં નોકરી મેળવનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેમણે કહ્યું કે કૅનેડામાં હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે. વિદ્યાર્થીઓની વાત તો દૂર, અહીંના નાગરિકોને પણ નોકરી નથી મળી રહી.

શમીલ મુજબ, કૅનેડાની ખાનગી કૉલેજો ભારતીય વિદ્યાર્થીઓથી ઉભરાય છે. કેટલીક કૉલેજોમાં તો 95 ટકા સુધી ભારતીય વિદ્યાર્થીઓ છે.

તેમણે જણાવ્યું કે જાન્યુઆરી 2024માં કૅનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર થોડો પ્રતિબંધ લગાવ્યો.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે નિયમો કડક કરી દેવાયા છે. જે મુજબ કૅનેડાની સરકારે બે વર્ષો માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત કૅનેડાએ હવે માત્ર એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કે જેઓ કૅનેડામાં માસ્ટર્સ કે ડૉક્ટરેટ સ્તરનો અભ્યાસ કરવા આવશે તેમના પતિ કે પત્નીને જ વિઝા આપશે તેવી જાહેરાત કરી છે.

તેનાથી ઓછા સ્તરના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને જીવનસાથી વિઝા પર કૅનેડા નહીં બોલાવી શકે. કૅનેડાએ ત્યાં રહેઠાણની સમસ્યાને કારણે ઊભી થતી સ્થિતિઓને કારણે આ પગલું લીધું છે. કારણ કે દેશમાં મકાનોની સમસ્યા પેદા થઈ છે.

કૅનેડા સરકારના આંકડા જણાવે છે કે આખા કૅનેડામાં હાલ ત્રણ લાખ 45 હજાર ઘરોની અછત છે. પરિણામે વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં રહેવા મજબૂર છે.

ધાર્મિક સ્થળો અને ફૂડ બૅન્કોનું સમર્થન

કૅનેડામાં નોકરિયોની અછતને કારણે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રોજગારી નથી મળી રહી.

રોજગારીની અછત અને વધતી મોંઘવારીને કારણે કેટલાક વિદ્યાર્થીઓને બે ટંકનાં ભોજન માટે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.

આના કારણે કેટલાય વિદ્યાર્થીઓને ગુરુદ્વારા અને ફૂડ બૅન્કો પર આધારિત રહેવું પડે છે.

વિશાલ ખન્ના બ્રૅમ્પટનમાં ફૂડ બૅન્ક ચલાવે છે.

ખન્ના કહે છે, "કૉલેજની ફી, રહેવા માટે ઘરનું ભાડું અને રોજગારની અછતને કારણે કેટલાય વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીમાં છે."

ખન્ના મુજબ, "તેઓ દર મહિને 600થી 700 વિદ્યાર્થીઓને કરિયાણું ભરી આપીને મદદ કરે છે. ગુરુદ્વારાઓમાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભીડ જોવા મળે છે."

કેટલાક વિદ્યાર્થીઓએ નામ ન છાપાવની શરતે અમને જણાવ્યું કે તેઓ અને તેમના કેટલાક સાથી ક્યારેક ક્યારેક માત્ર લંગરમાં જમવા માટે ગુરુદ્વારામાં જાય છે.

ગુરુદ્વારાના પ્રબંધક પણ આવા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવે છે.

કૅનેડાથી પરત કેમ નથી ફરી શકાતું?

કોફિન

ઇમેજ સ્રોત, GURSHEESH SINGH

ઇમેજ કૅપ્શન, કોફિન

જ્યારે અમે અકરમને પૂછ્યું કે જો અહીં જીવન આટલું કપરું હોય તો ભારત પાછા કેમ નથી જતા રહેતા, તો તેમનો જવાબ હતો, "ગામલોકો શું કહેશે? સંબંધીઓ શું કહેશે?"

તેમણે કહ્યું, ''અમે ઇચ્છીએ તો પણ દેશ પાછા ના જઈ શકીએ. સંબંધીઓ અને સમાજના દબાણના કારણે અમે આવું ના કરી શકીએ."

આ વિદ્યાર્થીઓ વિચારે છે કે જો તેઓ પાછા જતા રહ્યા તો તેમનાં સપનાઓનું શું થશે, જે તેમણે ભારતમાં રહીને કૅનેડા માટે જોયા હતા.

અકરમ કહે છે, "દેશ પાછા જઈએ તો લોકો અમને નકારાત્મક નજરે જોશે. કૅનેડામાં વસવાટનો રસ્તો હાલ તો ખૂબ કપરો અને લાંબો લાગી રહ્યો છે. છતાં પણ તેઓ પોતાની મંજિલ સુધી પહોંચશે."

અકરમની કવિતાઓમાં આ મંજિલ 'પંજાબ પાછા જવાનો' ઉલ્લેખ વારે વારે થાય છે.

અર્પણ પણ કૅનેડાના જીવનથી કંટાળી ગયાં છે. અને ઇચ્છે કે તેઓ પંજાબ પાછાં જઈ માતા-પિતાને મળે.

પરંતુ તેમાં પણ કૅનેડાની નાગરિકતા ના મળવી એ મોટો અવરોધ છે.

અર્પણ કૅનેડાની નાગરિકતા મેળવ્યા પછી જ ભારત પરત ફરવા માગે છે.

અર્પણ જેવાં હજારો બાળકો પોતાનાં ઘર, પરિવારજનો, મિત્રોથી દૂર રહીને સમય કરતાં વહેલાં પરિપક્વ થઈ ગયાં છે. પરંતુ શું વિદેશની ધરતી પર તેમનાં આ સોનેરી સપનાં પૂર્ણ થશે, જે તેમણે ઉઘાડી આંખે જોયાં હતાં.

કે પછી તેમની સ્થિતિ પણ પંજાબી કવિ સુરજીત પાતરની આ પંક્તિઓ જેવી થશે...

જો વિદેશન ચ રુલ્દે ને રોજી લઈ

દેશ અપને પરતનગે જદ વી કદી

કુજ તાં સેકનગે માં દે સીવે દી અગન

બાકી કબરાં દે રુખ હેઠ જા બહનગે

બીબીસી
બીબીસી