કૅનેડા 'આખું' અમેરિકાની સરહદે કેમ રહે છે, અન્ય વિસ્તાર કેમ ખતરનાક ગણાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૅનેડા ફરી એક વાર ચર્ચામાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા પખવાડિયાંમાં જ અપેક્ષા મુજબ, કૅનેડા, મૅક્સિકો અને ચીન પર આયાતજકાત વધારી દીધી છે.
ટ્રમ્પે કૅનેડા અને મૅક્સિકોથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા તથા ચીનથી આવતી સામગ્રી ઉપર 10 ટકાની આયાતજકાત લાદી છે. અગાઉ ટ્રમ્પે ચીનની આયાતો પર 60 ટકા જેટલો ઊંચો કર લાદવાની વાત કહી હતી.
કૅનેડાએ પણ અમેરિકાના ઉત્પાદનોની આયાત પર 25 ટકાની વળતી જકાત નાખવાની વાત કહી છે.
આ બેઠક બાદ જ ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય કહેવાનું શરૂ કર્યું હતું અને હવે ફરી ટ્રમ્પ એ જ વાત કરી રહ્યા છે.
કૅનેડાની ચર્ચા થઈ રહી છે તો તેના ક્ષેત્રફળ અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે પણ જાણવું રસપ્રદ બાબત છે.
ઉલ્લેખનીય છે કે કૅનેડા અમેરિકા કરતાં 1 લાખ 51 હજાર 150 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મોટું છે.
કૅનેડા વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં કૅનેડાનું અંતર 4700 માઇલ એટલે કે અંદાજે 7560 કિલોમીટર છે. કૅનેડા એટલો મોટો દેશ છે કે તેને સારી રીતે ચલાવવા કુલ છ ટાઇમ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
પરંતુ વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો એ વિશ્વની કુલ વસ્તીના અડધા ટકાથી પણ ઓછી વસ્તી ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ પોપ્યુલેશન મીટર પ્રમાણે 2023માં કૅનેડાની વસ્તી માત્ર ત્રણ કરોડ અઠ્યાશી લાખ જેટલી જ છે.
ભારતનો કુલ જમીન વિસ્તાર 29 લાખ 73 હજાર 190 વર્ગ કિમી છે જ્યારે કૅનેડાનો કુલ જમીન વિસ્તાર 90 લાખ 93 હજાર 510 કિમી છે.
એટલે ભારત કરતાં લગભગ ત્રણ ગણો જમીન વિસ્તાર ધરાવતું હોવા છતાં કૅનેડાની વસ્તી તો ગુજરાત કરતાં પણ અડધી છે. પ્રતિ વર્ગ કિલોમીટર ત્યાં માત્ર ચાર લોકો રહે છે.
આ સિવાય કૅનેડામાં રાજ્યવાર વસ્તીનું પણ ભારે અસંતુલન જોવા મળે છે.
ઘણા જાણકારોના મતે કૅનેડાની અતિશય વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાન તેના માટે જવાબદાર ગણાય છે.
આ લેખમાં આપણે તેના કારણો જાણવાનો પ્રયત્ન કરીશું.

દક્ષિણી પ્રાંતમાં વસ્તી કેન્દ્રિત

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાની મોટા ભાગની વસ્તી તેની અમેરિકા સાથે જોડાયેલી સરહદે આવેલાં રાજ્યોમાં જ રહે છે. એટલે કે તેના દક્ષિણી ભાગમાં જ મોટા ભાગના લોકો રહે છે.
કૅનેડાની અંદાજે 98 ટકા વસ્તી દક્ષિણી કૅનેડામાં આવેલાં રાજ્યો જેવાં કે બ્રિટિશ કૉલંબિયા, અલ્બર્ટા, સાસ્કાયેવાન, મનિતોબા, ઑન્ટારિયો, ક્યુબેક, નોવા સ્કોટિઆ અને ન્યૂ બ્રુન્સવિકમાં રહે છે.
આ સિવાય અંદાજે 80 ટકાથી વધુ લોકો અમેરિકાની બૉર્ડરથી નજીકના 100 કિલોમીટરના વિસ્તારમાં જ રહે છે.
જ્યારે કૅનેડાનાં ઉત્તરી રાજ્યો યુકોન, નૉર્થવેસ્ટ અને નુનાવુતમાં કૅનેડાની માત્ર 1 લાખ 30 હજાર જેટલી વસ્તી જ રહે છે.
‘નોર્ધન ટેરિટરીઝ’ તરીકે ઓળખાતાં આ ત્રણ રાજ્યો એ કૅનેડાનો 33 ટકા જમીન વિસ્તાર ધરાવે છે.

કેમ ભયાવહ છે કૅનેડાનો ઉત્તરી વિસ્તાર

યુકોન, નૉર્થવેસ્ટ અને નુનાવુત- ‘નોર્ધન ટેરિટરીઝ’ તરીકે ઓળખાતા આ ત્રણ રાજ્યોમાં સોનું, સીસું, તાંબુ, હીરા અને ઝિંક જેવી ધાતુઓની ખીણો વ્યાપક પ્રમાણમાં આવેલી છે. કાચું તેલ અને ગૅસ પણ મળી આવ્યાં છે પણ આ ઉદ્યોગનો વિકાસ થતા હજુ વાર લાગશે.
આ વિસ્તારને ‘મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે જ્યારે ઉનાળો જામ્યો હોય ત્યારે દિવસ 24 કલાકનો થઈ જાય છે.
શિયાળામાં આ વિસ્તારમાં સૂર્ય જાણે કે ગુમ થઈ જાય છે અને ત્રણ મહિના માટે અંધારું છવાઈ જાય છે. અહીં અતિશય ખતરનાક શિયાળો બહુ લાંબો ચાલે છે અને ઉનાળો બહુ ટૂંકા સમય માટે હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરનો મોટો ભાગ ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખાય છે જે વિશાળ ખડકાળ આર્કટિકનો મેદાની પ્રદેશ છે.
ઠંડા આર્કટિક હવામાનને કારણે આ વિસ્તારમાં વૃક્ષો જ નથી અને જમીન પણ કાયમ માટે થીજેલી રહે છે.
અહીં બહુ ગણ્યાગાંઠ્યા લોકો રહે છે જેમનું જીવન માછલીઓ પકડવી, પ્રાણીઓનો શિકાર કરવો વગેરે જેવી બાબતો પર નિર્ભર છે.
યુકોન પ્રાંતમાં -63 ડિગ્રી સેલ્સિયશ તાપમાનનો રેકૉર્ડ નોંધાયેલ છે. આ રાજ્યનો મુખ્ય વ્યવસાય ખાણકામ છે.
કૅનેડાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ લોગન અહીં જ આવેલો છે.
નૉર્થવેસ્ટ પ્રાંતનું પાટનગર યેલોનાઇફ એ નૉર્થ અમેરિકાનું ડાયમંડ કેપિટલ ગણાય છે.
અહીં આવેલી મેકેન્ઝી નદી એ સમગ્ર ઉત્તરી અમેરિકામાં બીજા ક્રમની સૌથી લાંબી નદી ગણાય છે. તેની લંબાઈ 4200 કિલોમીટર છે.
નુનાવુત પણ આ બંને રાજ્યો જેટલો જ ઠંડો પ્રદેશ છે.

અમેરિકાની સરહદે વધુ વસ્તી કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના મોટા ભાગના લોકો અમેરિકાની નજીક સરહદી વિસ્તારોમાં રહે છે. તેના પાછળનું સીધું જ કારણ એ વધુ અનુકૂળ હવામાન છે. કૅનેડાના ઉત્તરી પ્રાંત કરતાં આ ઘણો ગરમ પ્રદેશ છે.
કૅનેડા અને અમેરિકાની બૉર્ડર લગભગ 8891 કિલોમીટર લાંબી છે જે બંને દેશો વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર મનાય છે.
વાર્ષિક અંદાજે 576 બિલિયન ડૉલરનો વેપાર આ સરહદેથી થાય છે. અંદાજે એક કરોડથી વધુ અમેરિકનો એવા છે જે કૅનેડાની એક-દિવસીય યાત્રા કોઈ ને કોઈ કારણસર કરે છે. 1 કરોડ ત્રીસ લાખથી વધુ ટ્રકો દર વર્ષે આવનજાવન કરે છે.
24 કલાક બૉર્ડર ક્રોસ કરીને બંને દેશોમાં લોકોની આવનજાવન શરૂ રહે છે. આમ, આ બધી અનુકૂળતાઓને કારણે કૅનેડાની વસ્તી ત્યાં કેન્દ્રિત છે.

અતિશય મોટો જંગલ વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા જંગલોની દૃષ્ટિએ અતિશય સમૃદ્ધ છે. સમગ્ર વિશ્વમાં આવેલા કુલ જંગલોનો દસમો ભાગ કૅનેડામાં છે. જ્યારે કૅનેડાની કુલ જમીનનો આ 38થી 40 ટકા વિસ્તાર છે. પરંતુ આમાંથી ત્રીજા ભાગનાં જંગલો દેશના ઉત્તરી પ્રાંતમાં આવેલાં છે.
અતિશય ઠંડા હવામાનમાં આ જંગલો આવેલાં હોવાથી મોટા ભાગના વિસ્તારો સુધી કોઈ પહોંચી શકે તેમ જ નથી. વળી, કૅનેડાની સરકારે આ જંગલોને બચાવવા માટે કડક કાયદાઓ પણ અમલમાં મૂકેલા છે. 7 ટકા જેટલા જંગલ વિસ્તારમાં તો સંપૂર્ણ પ્રતિબંધ છે.
આમ, વિષમ વાતાવરણ અને જંગલોને કારણે દેશનો ત્રીજો ભાગ તો જાણે કે મનુષ્યોની પહોંચથી દૂર જ છે- અફાટ મેદાનો અને દૂરદૂર સુધી માત્ર ગાઢ જંગલ જ.














