ભારતથી કૅનેડા જનારા વિઝા અરજદારો કેમ ચિંતામાં છે, બંને દેશો વચ્ચેના તણાવની તેમના પર કેવી અસર પડી

કૅનેડા, ભારત, વીઝા, પાસપોર્ટ

ઇમેજ સ્રોત, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં આવેલું કૅનેડાનું દૂતાવાસ

ગયા વર્ષે ભારતમાં આયોજિત જી20 સંમેલન વખતે ભારત અને કૅનેડા વચ્ચે સર્જાયેલી રાજદ્વારી તિરાડ હવે ખૂબ મોટી થઈ ગઈ છે.

આ સોમવારે, ભારત અને કૅનેડા બંનેએ એકબીજાના રાજદ્વારીઓને દેશમાંથી રવાનગીનો આદેશ આપ્યો હતો.

ખાલિસ્તાન ટેકેદાર હરદીપસિંહ નિજ્જરની હત્યાની તપાસના મામલે ભારત અને કૅનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદે સોમવારે રાત્રે ત્યારે ગંભીર વળાંક લીધો જ્યારે કૅનેડાએ દાવો કર્યો કે તેણે ત્યાં તહેનાત છ ભારતીય રાજદ્વારીઓને રવાના કરી દેવાનો નિર્ણય લીધો છે.

જેમાં કૅનેડામાં ભારતના હાઈ કમિશનર સંજયકુમાર વર્માનો સમાવેશ થાય છે. જોકે, ભારતે કૅનેડાના આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે તેણે પોતે જ તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.

ભારતે દિલ્હીમાં કૅનેડાના છ રાજદૂતોને કૅનેડા જતા રહેવાનું પણ કહ્યું છે.

કૅનેડામાં દક્ષિણ એશિયાઈ મૂળના લોકોને, ખાસ કરીને ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવા માટે ભારતીય એજન્સીઓ ગુનાહિત જૂથો સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ કૅનેડાએ લગાવ્યા પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંઘર્ષ વધી ગયો છે.

ભારતે કૅનેડાના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કૅનેડાની પોલીસ અને વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મીડિયાને આપેલાં નિવેદનોમાં ભારતીય માફીયા ટોળકી બિશ્નોઈ ગૅંગનું નામ લીધું છે.

આ રાજદ્વારી ખેંચતાણને લીઘે ભારતમાંથી કૅનેડા જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની તકલીફ વધી છે.

આ સ્થિતિને લીધે ખાસ કરીને ભારતના પંજાબના લોકો ચિંતિત છે. આ એવા લોકો છે જેમના પરિવારના સભ્યો કાં તો કૅનેડામાં રહે છે અથવા કૅનેડા જવાની તૈયારી કરી રહ્યા છે.

વિઝા અરજદારોની વિમાસણ

કૅનેડા જવાની તૈયારી કરી રહેલા લોકોમાં ચિંતા એ છે કે હાલની સ્થિતિની અસર તેમની વિઝા અરજીઓ પર નહીં પડે ને?

દિલ્હીમાં, શિવાજી સ્ટેડિયમ, મૅટ્રો સ્ટેશન પર આવેલા વિઝા પ્રોસેસિંગ સેન્ટરમાં કૅનેડિયન વિઝા કાઉન્ટર પર અન્ય દેશોની સરખામણીમાં ઓછી ભીડ છે.

આવા જ એક કેન્દ્રની બહાર બેઠેલા કરણ જે પંજાબના પટિયાલાથી આવ્યા છે, તેઓ તેમના પિતા વિજયકુમારની વિઝા અરજી અંગે ચિંતિત છે.

તેમના કેટલાક સંબંધી છેલ્લા ઘણા સમયથી કૅનેડામાં રહે છે અને તેની પ્રગતિ જોઈને તેના પિતા પણ કૅનેડા જઈને કામધંધો કરવા ઇચ્છે છે.

કરણ કહે છે કે, “મારા પિતાએ બે મહિના પહેલા કૅનેડાના વિઝા માટે અરજી કરી હતી. હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધોમાં ઊભી થયેલી તિરાડ અંગે અમે ચિંતિત છીએ."

કરણ પંજાબના એ વિસ્તારમાંથી આવે છે જ્યાંના યુવાનોમાં ભારત બહાર જઈને ભણવાનો અને ત્યાં જ વસી જવાનો ક્રેઝ છે.

કરણ કહે છે, "અમારા સંબંધીએ કૅનેડામાં મારા પિતા માટે કામ જોઈ રાખ્યું છે અને સ્પૉન્સરશીપના દસ્તાવેજો પણ મોકલ્યા છે, પરંતુ હવે અમને લાગે છે કે વિઝા અરજી લટકી ગઈ છે."

પંજાબ અને ગુજરાતના લોકો સૌથી વધુ કૅનેડા જાય છે

કૅનેડા, ભારત, વીઝા, પાસપોર્ટ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કૅનેડાએ તેના વિઝા નિયમોમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, કૅનેડાએ તેના વિઝા નિયમોમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી. કૅનેડિયન વિઝા પ્રક્રિયામાં વિલંબ થવો એ વિઝા અરજદારો માટે જૂની સમસ્યા છે.

ખાનગી વિઝા કાઉન્સેલર પ્રિયાસિંહ કહે છે કે, “જી20 દરમિયાન ભારત અને કૅનેડા વચ્ચે જે તિરાડ સર્જાઈ તેની અસર વિઝા અરજીઓ પર પડી છે. કૅનેડિયન વિઝા વિશે માહિતી મેળવવા માગતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ આ બધું હોવા છતાં, જેઓ જવા માગે છે તેઓ તો પ્રયાસ કરી જ રહ્યા છે."

પ્રિયાસિંહ ખાસ કરીને એવા લોકોને મદદ કરે છે જેઓ તેમના પરિવારને મળવા અથવા અભ્યાસ કરવા કૅનેડા જવા માગે છે.

પ્રિયા કહે છે, “કૅનેડામાં જીવનસાથીને ત્યાં તેડાવવા મામલાના નિયમો પણ બદલાયા છે. હવે, ફક્ત તે જ લોકો જીવનસાથીને સાથે રહેવા માટે બોલાવી શકે છે જે ઓછામાં ઓછાં બે વર્ષનો કોર્સ ત્યાં કરી રહ્યા હોય."

જોકે, પ્રિયાસિંહ એવું પણ માને છે કે હાલમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેની શું અસર થશે તે તો સમય જ કહેશે.

પ્રિયા વધુમાં કહે છે, “ખાસ કરીને પંજાબ અને ગુજરાતના લોકો સૌથી વધુ કૅનેડા જાય છે. અભ્યાસ કરવા કૅનેડા જતા મોટાભાગના લોકો ત્યાં વસી જવા માગે છે. લોકોમાં કૅનેડા જવાનો ક્રેઝ છે કારણ કે ત્યાંના કાયમી રહેવાસી બનવાના નિયમો યુરોપિયન દેશો કે અમેરિકા કરતાં સરળ છે. ભારત અને કૅનેડા વચ્ચે હાલની સ્થિતિને કારણે કૅનેડા જવા ઉત્સુક લોકોમાં ચિંતા છે.”

પરેશાન કેમ છે વિઝા અરજદાર?

કૅનેડા, ભારત, વીઝા, પાસપોર્ટ

એક એવી પણ ચિંતા છે કે કૅનેડા ભવિષ્યમાં તેના નિયમોમાં ફેરફાર કરી શકે છે અને ત્યાં વસવાટ માટેની પ્રક્રિયા જટીલ કરી શકે છે.

ભણવાનો દાખલો લઇને કૅનેડાની કૉલેજ કે યુનિવર્સિટીમાં ઍડમિશન લઈને ત્યાં વસી જવાં માગતાં એક યુવતી વિઝા સેન્ટર બહાર બેઠાં છે. તે જણાવે છે, “કૅનેડામાં શિક્ષણ મેળવ્યાં પછી, ત્યાં કામ મેળવવું અને પછી કાયમી નિવાસી બનવું સરળ છે. મારે ત્યાં જવું છે અને ત્યાં જ વસી જવું છે, તેથી જ હું કૅનેડામાં પ્રવેશ મેળવવાં પ્રયાસ કરી રહી છું. જોકે, મનમાં એ પણ ચિંતા છે કે ભવિષ્યમાં ત્યાં નિયમોમાં ફેરફાર થશે તો શું થશે?"

પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઢાણા શહીદ ગામના રહેવાસી સિમરતપાલસિંહે બીબીસી સાથે વાત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

સિમરતપાલસિંહનાં બહેન કૅનેડાના સરે શહેરમાં રહે છે. ગયા વર્ષે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને તેઓ પોતાના ભાણીયાને જોવા માટે કૅનેડા જવા માગે છે.

સિમરતપાલ કહે છે, “કૅનેડાના વિઝા મેળવવા હવે પહેલા જેટલું સરળ નથી રહ્યું. હું છેલ્લા ત્રણ મહિનાથી વિઝાની રાહ જોઈ રહ્યો હતો. ભારત અને કૅનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી કે આડકતરી અસર વિઝા પ્રક્રિયા પર પડી રહી છે. હું પહેલી વખત મારા ભાણેજને જોવા જઈ રહ્યો છું પણ મને ડર છે કે બંને દેશોની સ્થિતિ મારા માટે બાધક ન નિવડે તો સારું."

ફિરોઝપુરના જીરા તાલુકાના સોઢીવાળા ગામનાં રહેવાસી અમરજીતકોરે જણાવ્યું કે તેમનાં પુત્રી કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં રહે છે અને તેઓ આ મહિને માતા બનવાનાં છે. અમરજીતકોર તે વખતે તેમનાં પુત્રી સાથે રહેવા માગે છે.

તેઓ કહે છે, “માતા અને બાળકની સંભાળ લેવા માટે મારે ઑક્ટોબરમાં કૅનેડામાં હોવું જોઈતું હતું. પરંતુ ફાઇલની પ્રક્રિયામાં વિલંબ થતાં હજુ સુધી વિઝા આવ્યા નથી."

અમરજીત કહે છે, "બંને દેશો વચ્ચે વધેલા રાજકીય વિવાદને કારણે અમારા જેવા લોકોની અરજી પર અસર ન થવી જોઈએ."

વિઝા કાઉન્સેલર પારુલસિંહ કહે છે કે, “પહેલાં સામાન્ય રીતે વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં પંદર દિવસથી એક મહિનાનો સમય લાગતો હતો. પરંતુ હવે પારિવારિક વિઝા અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં છ મહિના જેટલો સમય લાગી રહ્યો છે, જે ખૂબ જ વધારે છે.”

ભારતથી કૅનેડા જનારા લોકોની સંખ્યામાં ધસારો

ઘણા ભારતીય કૅનેડા જવા ઉત્સુક છે.

આ વર્ષે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં નૅશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પૉલિસીએ જણાવ્યું હતું કે 2013 થી 2023 વચ્ચે ભારતથી કૅનેડા જનારા લોકોની સંખ્યા 32,828 થી વધીને 1,39,715 થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા એક દાયકામાં ભારતથી કૅનેડા જનારા લોકોની સંખ્યામાં 326 ટકાનો વધારો થયો છે.

છેલ્લા બે દાયકા દરમિયાન, કૅનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે ભારતીય અરજદારોની સંખ્યામાં 5,800 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2000માં કૅનેડાની વિવિધ કૉલેજમાં 2,181 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2021માં આ સંખ્યા 1,28,928 હતી.

કૅનેડામાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેમાંથી મોટાભાગના પંજાબના છે. 2021ના આંકડા ટાંકીએ તો ત્યાં 14 લાખથી વધુ ભારતીય છે. જે ત્યાંની વસતીના 4.4 ટકા છે.

ભારતીય મૂળના મોટાભાગના લોકો ટૉરન્ટોમાં રહે છે. ટૉરન્ટોમાં લગભગ પાંચ લાખ ભારતીય છે.

કૅનેડામાં ભારતીય મૂળના લોકોની વસતી 2016 અને 2021 વચ્ચે 38 ટકાના દરે વધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.